સત્ય સીધું હોય –– સીધી રેખા જેવું
––જોકે રેખાઓને વાંકીચૂંકી વાળી શકાય છે.
સત્ય સ્વયંપ્રકટ હોય –– પ્રકાશ જેવું
––જોકે પ્રકાશને અંધકારથી ઢાંકી શકાય છે.
સત્યનો રણકો બુલંદ હોય
––જોકે કાન પૂમડાંથી બંધ કરી શકાય છે.
સત્યનો જ જય થાય
––જોકે જયને પરાજય ઠરાવી શકાય છે.
કદાચ
સત્ય વિશે આપણે જે જાણીએ છીએ
તે સત્ય ન પણ હોય!
૧૦-૨-’૭૭