અનુનય/મારે જવું નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારે જવું નથી

એ ના સળંગ હોય તો મારે જવું નથી;
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.

બોલાવતું બધુંય ગામ, તોય એમની
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી.

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.

હું ચાલું તો ચાલે અને અટકું તો ઊભો રહે
એવો જ પંથ હોય તો મારે જવું નથી.

૨-૪-’૭૭