અનુનય/જાતકકથા

Revision as of 00:53, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
'જાતકકથા

અહો એ અંગોના નિબિડ ઝૂલતા જંગલ મહીં
ઘૂમ્યો, કેવા કેવા જનમ ભવમાં એક જ ધરી!
સરે છાતીના જે સુભગ સ્ફુટ બે સોનકમલો
હું બંધાયો એમાં સમયનું ભૂલી ભાન ભમરો!

અહો એ બે-કાંઠે સઘન વન વચ્ચેથી વહતી
નદીને પીધી મેં લપ લપ જીભે વાઘની, અને
મદીલા હાથીને રૂપ ભીની ભીની ભેખડ ખણી;
ધરે ઊંડા પેઠો મકર થઈ ડ્હોળંત જલને!

તમારાં અંગોના સુખશીતલ એ ચંદનવને
વીંટાયો હું તાપે વિકલ, તરુને, સાપ થઈને;
ફર્યો છું સુંવાળો પવન બની રોમાંચ બીડમાં
ગર્યો છું ને સાંજે વિહગ થઈ હૂંફાળ નીડમાં.

બધા આનંદોની પરિણતિ – હવે વ્યાપક વ્યથા;
જુદી સંબુદ્ધોથી મુજ જનમની જાતકકથા.

૩૦-૮-’૭૫