અનુનય/હું એમને –
Jump to navigation
Jump to search
હું એમને––
હું એમને જોવા જ આવ્યો હતો
ને મેં એમને જોયા ય હોત––
પણ
અવિશ્વાસમાં એમણે મારી સામે જોવા જ કર્યું
ને એમને હું ન જોઈ શક્યો!
હું એમને સાંભળવા જ આવ્યો હતો
ને મેં એમને સાંભળ્યાય હોત
પણ
અતિ ઉત્સાહમાં એમણે
‘સાંભળો’ ‘સાંભળો’ એમ બોલ્યા જ કર્યું
ને હું એમને ન સાંભળી શક્યો!
હું એમને મળવા જ આવ્યો હતો
ને એમને મળ્યોય હોત
પણ એમણે મને એવા જોરથી બાથમાં લીધો
કે મારાં અંગ કચડાઈને નિષ્ક્રિય થઈ ગયાં
ને હું એમને ન મળી શક્યો!
૯-૨-’૭૭