અનુનય/આશ્લેષ : એક અનુભૂતિ

Revision as of 01:23, 27 April 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આશ્લેષ : એક અનુભૂતિ

બધાં અંગો જાણે સજલ ઘનના આવરણમાં!
ભીના ભીના રોમાંચિત સજલ વાતાવરણમાં;
કરોમાં બે કૂણી–કઠણ રમતી ટેકરી-ટૂંકો;
સુગંધી શ્વાસોના અધર ઊછળે કસ્તૂરી મૃગો!

છૂટેલા અશ્વોની ખરીથી ખરતા વીજતણખા;
લહેરાતી રોમાવલિ મહીં તગે સ્વેદ-મણકા;
ગભીરી હેષામાં ચમકી ઊઠતાં ચંચલ તૃણો;
ફિણોટાથી ભીના ક્ષિતિજ ખૂંદતા નગ્ન ચરણો.

શિલાઓ વચ્ચેથી વહી જતી નદીના પ્રવાહમાં
હું કાંઠે મૂકીને વસન પડું આતપ્ત, જલમાં
ઊંડે ઊંડે કોઈ દ્વીપની હરિયાળી લહરમાં
ઠરું, આશ્લેષોમાં ઊતરું જલના કો અતલમાં.

ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં!
બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં!

૧૩-૪-’૭૪