રચનાવલી/૧

Revision as of 18:25, 3 May 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧. ભરતેશ્વરબાહુબલીરાસ (શાલિભદ્રસૂરિ)





૧. ભરતેશ્વરબાહુબલીરાસ (શાલિભદ્રસૂરિ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને અપભ્રંશમાંથી પછી ભારતની અનેક ભાષાઓ ઊતરી આવી એમાંની ગુજરાતી પણ એક છે. હેમચન્દ્રાચાર્યના દુહાઓમાં આ ભાષાના પહેલા અણસાર મળે છે અને પછી તો ઊછરતી આવતી ગુજરાતી ભાષામાં થોકબંધ જૈન સાહિત્ય મળી આવે છે. એમાંનું ઘણું બધું રાસ-સાહિત્ય છે. તેથી આ યુગ રાસ યુગ તરીકે પણ ઓળખાયો છે. ગુજરાતી ભાષાની અને ગુજરાતી સાહિત્યની પહેલી કૃતિ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ' (૧૧૮૫) છે. આ કૃતિ માત્ર ગુજરાતી સાહિત્યની જ નહીં પણ રાજસ્થાની અને હિન્દી સાહિત્યની પણ આરંભની કૃતિ છે. અલબત્ત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ પહેલાની એ જ વિષય પરની સાહિત્ય કૃતિ ‘ભરતેશ્વર બાહુબલિ ધો૨ રાસ’ અગરચંદ નાહટા પ્રકાશમાં લાવ્યા છે તેમ છતાં ભાષાની દૃષ્ટિએ અને સાહિત્યની દૃષ્ટિએ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’નું મહત્ત્વ એવું ને એવું રહ્યું છે. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ શાલિભદ્રસૂરિએ રચ્યો છે પણ શાલિભદ્રસૂરિ અંગે આપણને કોઈ વિશેષ માહિતી મળતી નથી, એમના ગુરુ અને એમના જૈનગચ્છની પરંપરા તેમજ સમય અંગે થોડીક વિગતો કૃતિમાંથી મળે છે. આ રાસકૃતિ હોવાથી એમાં કોઈ ચરિત્ર મુખ્ય ભાગ ભજવે છે અને ચરિત્રની આસપાસ કથાનક વિકસે છે. આ કથાનક ક્યારેક ધાર્મિક હોય, ક્યારેક ઐતિહાસિક હોય, ક્યારેક લૌકિક હોય, ક્યારેક એમાં તીર્થનો કે ઉપદેશનો સંદર્ભ પણ હોય, કયારેક એમાં સ્તુતિ, પૂજા કે પ્રતિમાની પ્રતિષ્ઠા સંકળાયેલી હોય, પણ મૂળે રાસનો સંબંધ લખાતી ભાષા કરતાં બોલાતી ભાષા-વાણી સાથે વધુ હોય છે એથી એમાં રાસને રજૂ કરવા માટેના લહેકાઓ, ભાવપૂર્વકનો લય અને ખાસ પ્રકારની શૈલી ઉમેરાયેલી હોય છે. ‘ભરતેશ્વર બાહુબલિરાસ'માં ૧૪ ઠવણી છે, અને કુલ ૨૦૩ કડીઓ છે. કવિનો હેતુ એમાં યુદ્ધકથા પ્રસ્તુત કરવાનો છે, એથી વધારે યુદ્ધને કારણે થતા સંહારને, જીવહિંસાને રજૂ કરવાનો છે. યુદ્ધના ઘોર પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ રચના માનવ જાતિને હંમેશા પ્રેરતી રહે તેવી છે. ધૂણી ધૂણીને પાગલપણાના નશામાં યુગે યુગે યુદ્ધોને નોતરતી માનવજાતનું શાણપણ ક્યાંક ક્યાંક ઇતિહાસમાં સચવાયેલું છે એનો આ રચના એક સારો નમૂનો પૂરો પાડે છે. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ની કથા આ પ્રમાણે છે : જંબુદ્વીપની અયોધ્યાપુરી નગરીમાં ઋષભદેવ રાજ કરતા હતા. એને સુનંદા અને સુમંગલા બે રાણીઓ. સુમગંલાનો પુત્ર ભરત અને સુનંદાનો પુત્ર બાહુબલિ. બન્નેમાં ભરત મોટો. વર્ષો પછી ભરતને અયોધ્યાપુરીની રાજગાદી અને બાહુબલિને તક્ષશિલાની રાજગાદી સોંપી ઋષભદેવ કેવળ જ્ઞાનને પામે છે. એ જ દિવસે ભરતની આયુધશાળામાં ચક્ર આવ્યું. પ્રભાત થતા પહેલાં ચક્ર પૂર્વ દિશામાં ચાલ્યું અને ભરતે એની પાછળ પ્રયાણ કર્યું. ચક્રને અનુસરીને સૈન્યબળથી ભરતે સર્વ રાજાઓને પોતાને વશ કર્યા. ભરતની અખંડ આણ હોવા છતાં આયુધશાળામાં ચક્ર પાછું ફર્યું નહીં. મંત્રીએ જણાવ્યું કે માત્ર બાહુબલિ તમારી આણને સ્વીકારતો નથી. આથી છંછેડાયેલો ભરત સુવેગ નામના દૂતને મોકલે છે પણ બાહુબલિ નમતો નથી. તેથી ભરત બાહુબલિ સામે સૈન્ય લઈને નીકળી પડે છે. બીજીવાર દૂત મોકલે છે તો પણ બાહુબલિ નમતો નથી. છેવટે બાહુબલિ પર ભરત હુમલો કરે છે. ઘમસાણ યુદ્ધ ચાલે છે અન્તે ઇન્દ્ર કહે : ‘આ રીતે તમે શા માટે જીવોનો સંહાર કરાવો છો? ઝઘડો કરતાં તમે નરકમાં જશો.' આથી બન્ને ભાઈઓ અખાડામાં પ્રવેશી દ્વન્દ્વમાં ઊતરે છે. વચનયુદ્ધમાં ભરત હારે છે, તો મુષ્ટિયુદ્ધમાં બંને સરખા ઊતરે છે. દ્વન્દ્વ યુદ્ધમાં ફરી ભરત હારે છે. તો ભરતના મુઠ્ઠી પ્રહારથી બાહુબલિને ગોઠણ સુધી ધરતીમાં ખૂંપાવી દે છે. આની સામે બાહુબલિના ઘાથી ભરત ગળા સુધી ધરતીમાં ખૂંપી જાય છે. બાહુબલિ ભરતના ચક્રને પણ મહાત કરે છે પણ બાહુબલિ આમ છતાં ઉદાર થઈને ભરતને કહે છે : ‘તઈ જિતઉ મઈ હારિઉ, ભાઈ’ તું જીત્યો, હું હાર્યો ભાઈ બાહુબલિને યુદ્ધને અંતે આત્મઘૃણા ઊપજે છે. કહે છે કે : ‘ધિગધિગ એ એય સંસાર’ મેં આવો મોટો જીવસંહાર કર્યો? પશ્ચાત્તાપથી બાહુબલિ ધર્મનો આશરો લે છે. ભરત ‘એકલો છું.’ અનુભવે છે. છેવટે બાહુબલિને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. રાસમાં સંવાદો વચ્ચે ક્યાંક ક્યાંક સરસ ઉક્તિઓ છે. બાહુબલિ ભરત મોકલેલા દૂતને કહે છે કે, "હે દૂત. જો કદી સિંહ શિયાળથી ખવાય તો બાહુબલિનું ભુજબળ ભાંગે, જો ગાય વાઘણને ખાઈ જાય તો જ ભરત જીતે." એ જ દૂતને ભરત અંગે કરેલા વ્યંગ પણ ધારદાર છે : 'જે ચક્ર ચલાવે તે ચક્રવતી એમ વિચાર. તેવા તો અમારા નગરમાં અસંખ્ય કુંભાર છે.’ બાહુબલિ ભરત સાથેનું બાળપણનું એક સ્મરણ કહે છે : ‘આપણે ગંગાતીરે રમતા; તેના ધસમસતા વમળોમાં પડીને ધમાલ કરતા, ત્યારે તને ગગનમાં ઉછાળતો અને ત્યાંથી પડતા તને કરુણા કરીને વળી ઝીલી પણ લેતો’ અહીં ચિત્ર જીવંત છે, સાથે બાહુબલિના બલનો અને કથાના ભાવિનો પણ સંકેત છે. યુદ્ધના અવાજોને ઝીલતી ભાષાની કારીગરી અને વ્યક્તિઓના સંવાદો ઝીલતી જીવંત ઉક્તિઓમાંથી આ રાસકૃતિ સાહિત્યનું ઊંચુ પ્રમાણ આપે છે. જૂની ગુજરાતીમાંથી અર્વાચીન ગુજરાતીમાં અનુવાદ કરીને ડૉ. બળવંત જાનીએ ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિને સંપાદન અને ટીપ્પણી સાથે બહાર પાડેલી છે.