માંડવીની પોળના મોર/લેખણ

Revision as of 07:20, 12 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''લેખણ'''</big></big><br></center> {{Poem2Open}} આષાઢી બીજનો ભીંજાયેલો દિવસ છે. ખેડૂતોએ વાવણીનું મુહૂર્ત લીધું છે. પરોઢે ઊઠીને, મોટા છાલિયામાં કંકુ પલાળ્યું છે. એમાં ડોશીએ કાંતી મૂકેલાં સૂતરની આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
લેખણ

આષાઢી બીજનો ભીંજાયેલો દિવસ છે. ખેડૂતોએ વાવણીનું મુહૂર્ત લીધું છે. પરોઢે ઊઠીને, મોટા છાલિયામાં કંકુ પલાળ્યું છે. એમાં ડોશીએ કાંતી મૂકેલાં સૂતરની આંટી મુકાય છે. કંકુનો લાલ એકદમ ધીમી ગતિએ સૂતરના વળેવળમાં પ્રવેશે છે. તારતારમાં પ્રસરીને તરબોળે છે. એની નાડાછડી સૌથી પહેલી ભગવાન ગણેશને એ પછી વાડામાં, બળદનાં ઘી ચોપડેલાં બેય શિંગડાં ફરતી બંધાય છે. એ પછી સાંતીના જોતરે.. ઓરણીની ડોકે અને છેલ્લે કોઈ કુંવાશી વાવણિયા ખેડૂતના જમણા હાથે બાંધે છે. ઘાણીએ કઢવેલું તાજું જ તલનું તેલ બળદને નાળ્યે કરીને પિવરાવાય છે. હથેળીમાં રાખીને ગોળનાં દડબાં ખવરાવાય છે અને ઓરણી સહિતના સાંતીના ચીલા ખેતર સુધી લંબાઈને ઊંડા ચાસ પાડે છે. વસુંધરાના ઉદરમાં બીજારોપણ થાય છે ને ખેડૂત મનોમન બોલે છે : ‘દા દેવો હરિને હાથ!’ હા, એવે સમયે જ, લાં..બા રાગે, ગતિ કરતા સમૂહસ્વરોમાં ગામની શેરીઓ નિશાળે જવા આમથી તેમ વળાંકો લેતી ગાય છે :

‘પેલા મોરલાની પાસે બેઠાં શારદા જો ને,
આપે વિદ્યા કેરું દાન માતા શારદા જો ને...’

છોકરાઓ આગળ ને છોકરીઓ પાછળ. સરસ્વતી માતાની કાચમઢી તસવીર બે હાથમાં પકડીને, રૂઆબભેર આગળ ચાલે છે. તે સાતમી ચોપડીનો હાડેતો નિશાળિયો. એના ચાલવાના લયમાં સરસ્વતીને ચઢાવેલી પીળી અને રાતી કરેણની માળા કાચ ઉપર આમથી તેમ સરકે છે. જે એની પડખોપડખ, ડોકમાં ઢોલકી પહેરેલો છે તે પણ સાતમીનો. બે બાજુ બે મંજીરાંવાળા છઠ્ઠીના. બાકીનાં અલગ અલગ ચોપડીના છુટ્ટા હાથવાળા ગડબુકડ. એમને સરસ્વતી ગાનના ઊંચા સૂરનો મજબૂત સથવારો. એમની પાછળ પાંચ-છ-સાતની છોકરીઓના હાથ મંજીરાંખંજરીના તાલે નર્તન કરે. ગાનારાં ને વગાડનારાં બધાંની ઉંમર આઠથી બારની. આ નિશાળિયાઓની બરાબર વચ્ચે, પાંચ વર્ષનો હું નાના ખોબામાં મોટું શ્રીફળ અને સવા રૂપિયો લઈને ચાલું છું. હું મને જોઉં છું તો- ‘ખંતીલી બાએ પહેરાવેલાં, બગલાની પાંખ જેવાં ખાદીનાં વસ્ત્રો - સુરવાળ અને સાઈડ બટનના ઝભ્ભા સાથે ડગ માંડું છું. માથે આમળાંની પૂડીનું તેલ નાંખેલા, કાળા ભમ્મર વાંકડિયા ઓડિયા, આંખે કાજળ, કપાળની વચોવચ લાલ કંકુનો ચાંદલો અને ચાંદલા ઉપર ચોડેલા અક્ષત. પાંથી પાસે કાજળકાળું નાનું એવું ટપકું. જમણા કાંડે નાડાછડી. શ્રીફળ પકડવામાં સવા રૂપિયો સરકી ન પડે એની કાળજી લેતો ગંભીર વદને ચાલું છું. મારું દફતર, આ કૂચકદમ કરતાં રમકડાંની છેક પાછળ ચાલ્યાં આવતાં શિક્ષિકા રમાબહેને પકડયું છે. એ મોર-પોપટનાં ભરતવાળી લીલા રંગની થેલીમાં લાકડાનાં જળોયાંવાળી, ‘સૂર્યોદય’ની કાળી નવી નક્કોર પાટી, નીચે પડે કે તરત તૂટી જાય એવી માટીની લાંબી આખી પેન, કેટલાક લોકો એને કાંકરો પણ કહે છે. લાકડાની એક પાતળી-પીળી ફૂટપટ્ટી, જેના ઉપર આંકા કાળા અને ઇંચ કે સેન્ટિમીટરના આંકડા રાતા, પાટી સાફ કરવાના એક ગાભા ઉપરાંત વહેંચવાનાં પતાસાંની થેલી બાએ આપી છે. આંબલીવાળી નિશાળના ઊંચાં પગથિયે પગ મૂકતાં જ રોમાંચનું એક થરથરું ફરી વળે છે આખા શરીરમાં. લાંબી પરસાળમાં બધાં બેસી ગયાં હારબંધ. મને મોટાસાહેબ, એટલે કે મારા ત્ર્યંબકદાદા પાસે લઈ જાય છે રમાબહેન, જો કે અત્યારે એ દાદાની ભૂમિકામાં નથી. હેડમાસ્તર છે આ સરસ્વતી મંદિરના. તો, સાહેબ ખુરશીમાં બેઠા છે. હું એમના પગ પાસે શ્રીફળ અને સવા રૂપિયો મૂકીને પગે લાગું છું. એ વાંસા પર હાથ ફેરવીને મને ખોળે લે છે. એમનો જમણો હાથ મારી પીઠ પાછળથી આગળ આવે છે. મારા ખોળામાં પાટી મૂકે છે. મને પેન પકડાવે છે અને પોતે પકડે છે મારો હાથ. સાહેબ લખે છે કે મારી પાસે લખાવે છે કે પછી, ખુદ સરસ્વતી અમ બંને પાસે લખાવે છે એની ખબર પડતી નથી. પણ, પાટી ઉપર પેન ખચરખચર...ચીક ચીક... અવાજે સરકે છે. જે આળેખાય છે તે-’શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યૈ નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ’ પછી પાટીની પાછળની બાજુએ ઊભી બે અને આડી બે લીટી તાણીને એકસરખાં નવ ખાનાં પાડે છે. એક, બે, ત્રણ- ચાર, પાંચ, છ સાત આઠ, નવના અંકો લખાય છે. ચીંધેલી જગ્યાએ બેસીને આ બધું સાત વાર ઘૂંટવાનું કહેવાય છે. જેમ ઘૂંટું છું એમ આંકડાઓમાં જાડ્ય ઉમેરાતું જાય છે. હું જોઉં છું કે જેણે સરસ્વતીની તસવીર પકડી હતી એ સાતમીવાળો, બધાંને બબ્બે પતાસાં વહેંચી રહ્યો છે. મારા મોઢામાં ગળ્યું ગળ્યું કકર કકર ભીનું થાય છે. હું પતાસાંમાંથી ધ્યાન હટાવીને અક્ષરો ઘૂંટવામાં, મારું કેન્દ્ર શોધું છું. પેન ઉપરના ન દેખાય એવા, ખરબચડા વળિયા મારી નાની નાની આંગળીઓને આગળ સરકવા દેતા નથી ને હું પેન ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરું છું. લેખણનો આ પહેલવહેલો સ્પર્શ હજીયે ટેરવાંને જીવતાં રાખે છે. પાંચ ધોરણ સુધી તો આ ગુલાબી માટીની પેન અને વિલ્સનની પેન્સિલ જ હતી. બહુ મન થઈ જાય તો પણ, શ્યાહીવાળી પેનનું તો નામ જ નહીં લેવાનું. અક્ષરો બગડી જાય. દાદા-સાહેબ કહેતા કે, ‘વળાંકો ઉપર હાથ બરાબર ન બેસે ત્યાં સુધી ટાંકવાળી પેન નહીં વાપરવાની.’ માટીની પેનનું પેકેટ એવરેસ્ટ કંપનીનું. પૂંઠાના ચોરસ ખોખા ઉપર, માઉન્ટ એવરેસ્ટનું જાડી રેખાઓમાં ચિત્ર છાપેલું. એની અંદર ભૂંસું ભર્યું હોય જેથી પેનના ટુકડા થઈ ન જાય. રસોડા પાસેના ગોખલામાં પડ્યું હોય. જોઈએ એમ એકેક પેન કાઢતાં જવાની, જાડી અને સીધી હોય એનો વારો વહેલો આવે. જેટલી વાર પેન કાઢો એટલી વાર થોડું ભૂંસું તો હેઠે વેરાય જ. એ હિસાબે, જ્ઞાન અને ભૂંસાનો સંબંધ ઘણો જૂનો ગણાય. નિશાળના ઓટલે ઘસી ઘસીને બધાં એવી તો અણીઓ કાઢે કે પથ્થર જેવા પથ્થરમાં પણ કશુંક લિસ્સું ગુલાબી લખાઈ જાય. છેલ્લે તો બચ્યાકુચ્યા કટકા જ રહે. જો કે પાટીમાં ચિત્રો કરવાં હોય તો પેનના નાના કટકા વધારે ફાવે. આડા કરીને ઘસતાં ઘસતાં રંગ પણ પૂરી શકાય. પેન્સિલની વાત જરા જુદી. વિલ્સનના એક ડઝનના બોક્સમાં ત્રણ રંગની ચાર ચાર પેન્સિલો આવે. કોઈ ડિઝાઈન કે લાઈનો નહીં. કશુંય બોલ્યા વિના, મૂળ રંગોની સમજ આપતી હોય એમ લાલ, પીળો ને વાદળી. સળંગ એક જ રંગ. પણ, બધીને પૂંછડે એક જ સરખો કાળો. એકદમ પોલિશ્ડ. પંપાળ્યા જ કરીએ. છોડવાનું મન ન થાય. એને છોલવાના ગોળ-ચોરસ સંચા જવાહરચોકવાળા વખારિયાની દુકાને તો મળતા જ, પણ અમે તો બાપુજીએ દાઢી કરીને ઊતારેલી ભારત બ્રાન્ડ પતરીનો જ ઉપયોગ કરતા. ક્યારેક તીક્ષ્ણ ધારવાળી પતરી અટકે- છટકે તો આંગળીને ય છરકો કરતી ચાલે! વિલ્સન-એચબી-ની અણી એકદમ ઘાટી-કાળી અને સરળતાથી સરકે એવી લિસ્સી અને પોચી. અમને ક્યારેય આખી પેન્સિલ ન મળે. જ્યારે નવી માગીએ ત્યારે બા વચોવચ સૂડીકર્મ કરે અને બંને ભાઈઓને ટુકડો ટુકડો વહેંચી દે. પહેલવેલી ફાઉન્ટનપેન મળી તે તો છઠ્ઠી શ્રેણીમાં. એ પણ વિલ્સનની જ. સિનિયર અને જુનિયર બંને પ્રકારની મળતી. બંનેનો આકાર અને રંગ એક જ. સાઈઝ નાનીમોટી એટલું જ. શ્યાહી દેખાય એવી પણ આવે ને ન દેખાય એવી પણ આવે. કેશરી ઢાંકણ ઉપર, સોનેરી ક્લિપ કે જેના ઉપર અંગ્રેજીમાં ઊભી રીતે વિલ્સન લખ્યું હોય, તેને સાચવતો કાળો ટોપો. એના આંટા ન ખોલો એમાં જ સાર. ઢાંકણની નીચેની બાજુએ કાળી અને સોનેરી વીંટી. નીચેનો ભાગ પારદર્શક અથવા ઢાંકણ જેવો જ કેશરી. આંટા ખોલીએ એટલે મોઢિયું, જીભ અને ટાંક પ્રગટ થાય. ટાંકને ઘણા લોકો જર્મન ભાષાનો શબ્દ વાપરીને નિબ કહે. સોનાની લાગે એવી નિબ ઉપર સિમ્બોલ સાથે હાર્લો ઇટાલિક ફોન્ટમાં, વિલ્સન લખેલું હોય. કશું લખવાનું ન હોય તોય લખવાની વૃત્તિ થઈ જાય એવી નમણી! હાઈસ્કૂલના આઠમામાં, પહેલી પાટલીએ મારી બાજુમાં ડોક્ટર પાટડિયાનો દીકરો બેસતો. એની પાસે ફેલોશિપની પેન. નીચેનું બોડી કાળું પાતળું અને ઘાટીલું. ઉપરનું આખું ઢાંકણ સ્ટેનલેસ સ્ટીલનું. એની ગોળાઈમાં ઝીણા અક્ષરે ફેલોશિપ લખ્યું હોય. પણ એની નિબ સ્ટીલની. ખિસ્સામાં ભરાવવાની ક્લિપ ખરી, પણ ખોલી શકાય એવી આંટાવાળી નહીં, મોલ્ડેડ અને મજબૂત. પાટડિયાને મારી વિલ્સન ગમી ગઈ. મને ફેલોશિપ દેખાડીને કહે : ‘બોલ! સાટાપાટા કરવાં છે?’ મેં હા કહી કે તરત જ પેનોની ફેરબદલ થઈ ગઈ. એ રાત્રે હોમવર્ક કરતી વખતે અમે બંને સરખી રીતે હેરાન થયા હોઈશું. કેમકે અમારા બંનેની લખવાની રીત અલગ હતી. એની નિબનો પોઈન્ટ અમુક રીતે ત્રાંસો ઘસાયેલો એટલે અને ફેલોશિપ વજનમાં ફોરી હોવાને કારણે ધાર્યા અક્ષર નીકળે જ નહીં ને! પેન અને પેન્સિલના તફાવતની પહેલી વાર ખબર પડી એટલું જ નહીં, ધારો કે બ્રાન્ડ એક જ હોય તો પણ, પ્રત્યેક જણની પેન તો નોખી જ હોય એવું દિમાગમાં અજવાળું થયું. કદાચ પોઈન્ટ પણ ફાવી જાય, તોય જેને આપણે ‘પેન’ કહીએ છીએ તે; આચાર, વિચાર, શીલ, લેખન અને સર્જન તો આગવાં અને આગવાં જ. કહો કે જાય ઘણું વહેલું દૂર થયું! અને બીજે દિવસે અમે ભાઈબંધોએ સાટાનું સગપણ ફોક કર્યું. બાપુજી કવિતાઓ લખતા. એમને શાંતિલાલ રાયચંદે પાર્કરની, પંપવાળી પેન ભેટ આપેલી. એક વાર ટેબલનું ખાનું ખોલ્યું ને હાથમાં એ પેન આવી. અત્યંત જુદી જાતની, વજનદાર! એની ટાંક પરંપરાગત નહીં, પાતળી ખીલી જેવી સીધી અને બુઠ્ઠી. જીભની જોગવાઈ જ નહીં. જાડો-પાતળો પોઈન્ટ કરવો હોય તો એક્સ્ટ્રા ટાંક હોય જે બદલી પણ શકાય. લખી જોયું પણ અક્ષરો પડ્યા નહીં. થયું કે શ્યાહી ખલાસ થઈ ગઈ લાગે છે. બધેબધું નોખું જ નહીં, નોખેનોખું કરી નાંખ્યું તોય ખ્યાલ ન આવ્યો કે આમાં શ્યાહી કેમ કરીને ભરાય? બધું છુટું પાડ્યું એમ પાછું જોડતાં આવડ્યું નહીં. આવડ્યું નહીં શું? તોડી જ નાંખેલું તે ક્યાંથી જોડાય? એ ક્ષતવિક્ષત પેન બાપુજીના હાથમાં આવી ને જે માર પડ્યો છે! આજે પણ કોઈ વિદેશી પેનને હાથ અડકાડું છું ત્યારે એકાદ થડકો ભુલાઈ જવાય છે. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે પણ ‘પ્રતાપ’ પેનનો બહુ મહિમા. મોરબી પાસે, સ્વામી દયાનંદ સરસ્વતીના ગામ ટંકારામાં એની ફેક્ટરી. અનેક શિક્ષકોનું સ્વપ્ન એટલે આ લાકડિયા રંગની પેન. એનો પોઈન્ટ બહુ સરસ. લખો તમતમારે કોઈ પણ રીતે લખો ને! એક તો પેન મોટી, એટલે શ્યાહી સરખી સમાય. વારે વારે ભરવી ન પડે. બીજું ગમે તેટલું લખો ને - ‘માઈલોનાં માઈલો મારી અંદર...’ મત અટકે પરતાપ! જે પછીથી ‘પ્રતાપ ગાયત્રી’ થઈ તે આ પેન. લાકડાની કુદરતી ડિઝાઈન, બ્રાઉન-બ્લેકના કોમ્બિનેશનમાં ખાસ પ્રકારનું પોલિશ અને વિચિત્ર પ્રકારની - ભાગ્યે જ કોઈને ગમે એવી તીવ્ર ગંધ. એ પેનને હથેળીમાં થોડી વાર ઘસો અને પછી સૂંઘો તો ખબર પડે! પણ ચાલે એવી કે વિદેશની મોંઘી પેનો પણ એની પાસે પાણી ના. શ્યાહી ભરે! જાળવતાં આવડે અને ચોરાઈ ન જાય તો વર્ષો સુધી ચાલે. એની નિબ ચાર આનામાં મળે. કોલેજકાળમાં હું લગભગ એ જ વાપરતો. કદાચ પહેલી કવિતા પણ એનો જ પ્રતાપ! શ્યાહી પણ રંગરંગની. વાદળી, કાળી, લીલી, લાલ... હવે બોલો જોઉં? લ્યો હું જ કહું. રોયલ બ્લ્યૂ. ઇન્ડિગો અને ટર્કિશ. શ્યાહીમાં બીજી કંપનીઓ ખરી, પણ કેમલ અને ચેલ્પાર્કનું ચલણ વધારે. પછીથી કેમલનું કેમલિનમાં રૂપાંતર થયું .અલગ અલગ તબક્કે આ બધી શ્યાહીનો ઉપયોગ કર્યો છે. મોટાભાગના લોકો વાદળીનો જ ઉપયોગ કરે, એટલે આપણું લખાણ જુદું ન પડે. લાલ અને લીલીને રાજકારણીઓએ તાનાશાહી વહીવટમાં રંગી નાંખી! બાકી વધી એક કાળી. ફોટોકોપી કરાવવામાં ય અનુકૂળ. વળી, સરસ સફેદ ઓરિએન્ટ પેપર હોય તો એના ઉપર લખવાનો જે આનંદ આવે... બ્રહ્માનંદ સહોદર જ સમજો ને! વચગાળામાં મેં ઇન્ડિગો, રોયલ બ્લ્યૂ અને ટર્કિશ પણ વાપરી જોઈ. મુશ્કેલી એક જ. ઈન્ડિગો સરકારી સિક્કા જેવી લાગી એટલે ગમી નહીં. રોયલ બ્લ્યૂનું લખાણ બે-ત્રણ મહિનામાં જ ઝાંખપ પકડે. ટર્કિશથી હું પ્રેમપત્રો એટલે લખતો કે એ તો સાવ લજામણીના છોડ જેવી. અડ્યું ન થાય! સહેજ પરસેવાવાળો હાથ અડી જાય તોય રેળાયા વિના ન રહે! ફોટોકોપી તો એવી ઝાંખી આવે કે બધું નવેસર જ લખવું પડે! નવા રંગની શ્યાહી ભરવી હોય ત્યારે પેનને પૂરેપૂરી સાફ કરવી પડે. નહીંતર બે ભેગા થઈને ત્રીજો જ રંગ ઉતારે! પહેલાં તો સાણસી કે પક્કડથી ટાંક અને જીભને બહાર કાઢવાનાં. ટાંક ઠરડાય નહીં એ માટે હાથની, પૂરી પણ નાજુક પકડ અને ધીરજ બન્ને જોઈએ. એ પછી મોઢિયાના આંટા ખોલવાના. પછી ઢાંકણ, બોડી અને આ બધું ગરમ પાણીમાં બરાબર ધોઈને ઝીણા મુલાયમ કપડાથી લૂછવાનું. બોડી અને ઢાંકણમાં વળ ચડાવી ચડાવીને કપડું જાય એટલું ઊંડું જવા દેવાનું. ઢાંકણમાં પિન પાસેનું કાણું પાતળી સોય નાંખીને ખોલી નાંખવાનું. બધું બરાબર કોરું પડી જાય પછી, કાંણા ઉપર આંગળી રાખી, ફૂંક મારીને વ્હિસલ વગાડવાની. હતું એમ ફિટ કરીને જે જોઈતી હોય એ શ્યાહી ભરવાની. ક્યારેક ટાંકમાં કાગળનું છરકાયેલું કસ્તર ભરાયું હોય તો ફાંટમાં બ્લેડનો ધારવાળો ખૂણો જાળવીને ફેરવવાનો. પછી જુઓ એની રવાલ! એક વાર એવું થયું કે કોઈની પાસે જોઈ હશે તે એવી ‘એલિફન્ટા’ પેન લેવાની ઈચ્છા થઈ આવી, ‘વખારિયા બ્રધર્સ’માં તો નહોતી આવી, પણ ‘સી. હસમુખલાલ’માં મળતી હતી. તકલીફ એ જ કે મારે લીલા ઢાંકણાવાળી જોઈતી હતી ને એની પાસે, વાદળી રંગની જ હતી. પહેલાં તો કહે કે ‘ચાર-પાંચ દિવસ રહી જાવ. આવી જશે.’ કેટલાયે ધક્કા ખાધા પણ ન આવી તે ન જ આવી. છેવટે વાદળી લઈ લીધી. પરંતુ જીવ તો પેલી લીલીમાં જ. છેવટે એક યુક્તિ કરી. રસોડામાંથી હળદર લીધી. જેમ હળદર ઘસું એમ ઢાંકણું લીલો રંગ પકડતું જાય. એ બરાબર લીલું થયું ત્યારે મારા હાથ પીળા થઈ ગયા હતા! બીજે દિવસે મારા સફેદ શર્ટનું ખિસ્સું પણ પિત્તવરણું! બાની વઢ અને આ હળદર પીળો રંગ છેક હૃદય સુધી વ્યાપી ગયાં હતાં. થોડા વખત પહેલાં અચાનક જ મને જૂનાં કિત્તા કહેતાં હોલ્ડર યાદ આવ્યાં. ઘરમાં ક્યાંક હજીયે પડ્યાં હશે એકાદ બે, પણ જોઈએ ત્યારે ન જડે એવા સાર્વત્રિક નિયમનું પાલન અમારું ઘર પણ કરે. ત્ર્યંબકદાદા આખી નિશાળનો વહિવટ અને પોસ્ટનું બધું કામ આવા હોલ્ડરથી કરતા. આ હોલ્ડર એકદમ વજન વિહોણાં. એમાં જીભ ન હોય. એકલી ટાંક જ કાગળ ઉપર રમતી ફરે. જરૂર મુજબ જાડી- પાતળી ટાંક બદલી શકાય. બાજુમાં લાલ-વાદળી ખડિયા ખુલ્લા પડ્યા હોય. બંનેનાં અલગ અલગ હોલ્ડર. જરૂર મુજબ એમાં બોળતા જાય ને લખતા જાય. દાદાની લખવાની ઝડપ આશ્ચર્યકારક. એમ લાગે કે કાગળ નામના રંગમંચ ઉપર લાલ-વાદળી બે કન્યાઓ વારાફરતી નર્તન કરી રહી છે. ક્યારેક દાદા વિચારમાં હોય ત્યારે આનું હોલ્ડર પેલામાં ઝબકોળી દે! છેલ્લે કોઈ શબ્દ અધૂરો રહી જાય ત્યારે, શ્યાહી ઝાંખી તો થઈ જ હોય પણ ટાંકના બંને ફાંટા રેલવેના પાટાની જેમ પૂંછડે જાતાં જુદા તરી આવે. ફરી હોલ્ડર બોળે અને જ્યાંથી અટક્યા ત્યાંથી આગળ! આમાં શ્યાહી વધારે વપરાય ને જલદી સુકાય નહીં. દાદા લખાણ ઉપર ઝીણી રેતી ભભરાવતા. વધારાની શ્યાહી રેતી ચૂસી લે. પછી આસ્તેથી કાગળ ઉપાડે ને આંગળીના નખથી ઠણકી મારે કે તરત બધી રેતી ખરી પડે... ‘પારસમણિ’ કંપનીની એક પેન તો અદ્ભુત. સિયામિઝ બહેનો જેવી. લગભગ એક વેંત જેટલી લાંબી. હોય સળંગ, પણ એમાં બે કમ્પાર્ટમેન્ટ. બે પ્રકારની શ્યાહી ભરી શકાય. બંને બાજુ અલગ અલગ ઢાંકણ ને અલગ અલગ નિબ-જીભ, શિક્ષક, ઓડિટર અને નામાં લખનારને વધુ અનુકૂળ. બીજી, ‘ગ્રેવિટી’ની એક ધોકાપેન આવતી. એકદમ જાડી ને પારદર્શક. તમે થાકો પણ એ ન થાકે! મુનિમજીઓ માટે તો હૈયાનો હાર. ચોપડાના આઠેય સળ ઉપર જમે ઉધાર કર્યા કરે ને પાને પાને લખ્યા કરે : ‘શ્રી પુરાંત જણશે લક્ષ્મીજી ઘણી હજો...’ ‘એલિટ’ પેન એકદમ નાજુક અને સુંદર. ખેંચીને ખોલવાની. બંધ કરો ત્યારે આપોઆપ ચપોચપ થઈ જાય એવી ક્લિપો એના ઢાંકણામાં. એની નિબ આમચલણી નહીં, આગળપાછળ એકસરખા આકારની લાંબી હોડી જેવી! પાઈલોટ દેખાવડી ખરી, પણ એનું પેટ નાનું એટલે પૂરી શ્યાહી ભરાય નહીં. સહી કરવા કે ખિસ્સાની શોભા વધારવામાં કામ લાગે. ગાંધીરોડ પર માત્ર અને માત્ર પેનની ખાસ દુકાનો. અર્ધો પોણો કલાક સર્વ પેનો પર રમણીય સ્પર્શમુદ્રા આંક્યા બાદ કોઈ એકમાં મન ઠરે. વેપારી શ્યાહી ભરે, પેન લૂછે અને મોટી કાળી લાંબી ક્લિપમાં ભરાવેલા કાગળ ઉપર સીધો લીટો તાણે ત્યારે તેની આંગળીઓ કશુંક ઉદ્ઘાટિત કર્યાનો સંતોષ લે અને હવામાં શિલ્પ કોતરતો હોય એમ બહેલાવીને આપણા હાથમાં પેન મૂકે એ ઘડી તો ધન્ય! બિન્દુએ મને પહેલી ભેટ આપીને ‘શેફર’ પેનનો પરિચય કરાવેલો. એક શેફર ભગતસાહેબ પાસે જોયેલી. એનું ઢાંકણું ખેંચો એટલે જાણે પિળકની આંખ અને ચાંચ! એ પછી તો પાર્કરથી માંડીને જાતભાતની, દેશવિદેશની ઘણી કીમતી પેનો ભેટ પણ મળી ને ખરીદીયે ખરી. હમણાં દીકરાએ પ્રમાણમાં ઘણી મોંઘી પેન ભેટ આપી છે. પણ બોક્સમાંથી બહાર કાઢવાનો જીવ ચાલતો નથી. ક્યાંક ભૂલી જવાય તો? મોબાઈલ ફોન, ઈમેઈલ, વોટ્સએપ અને મેસેન્જરે કોઈને પોસ્ટકાર્ડ કે અંતર્દેશીય લખીને, કવિ જયદેવ શુક્લની જેમ મૂળગત રહેવાની છૂટ નથી આપી. વિડંબના તો એ કે ઉપલા ખિસ્સામાં જ લેખણ હોય તો ય આખા દિવસમાં એને ખુલ્લી હવાનો શ્વાસ લેવાનું સુખ આપી શકાતું નથી. ક્યારેક તો આ લેખણનો યે ભાર લાગે છે. વચગાળામાં તો પેનનું કોઈ મૂલ્ય જ ન રહ્યું. તમામ અર્થમાં, રંગોની અછત પણ ન રહી. બોલપેન અને જેલપેન બંને બહેનોએ જગતને ‘યૂઝ્ડ એન્ડ થ્રો’નો સિદ્ધાંત ઘુંટાવ્યો જેને માણસે લેખણ પૂરતો મર્યાદિત રાખવાને બદલે જીવનમંત્ર તરીકે સ્થાપ્યો! એ બધી કંપનીઓનાં તો નામેય લેવા જેવાં નથી. સેમિનાર્સમાં આવેલી ને એક પણ વખત ખોલવી જ ન પડી હોય એવી પેનોના ઘરમાં ઢગલા થાય એ પહેલાં ગામનાં વિદ્યાર્થીઓને બિન્દુ આપી દે છે. જો કે હવે પેનથી, મતલબ કે લેખણથી લખવાનું ઓછું બને છે. કમ્યુટર ઉપર જ લખવાનું ફાવી ગયું છે. સહી કરવા સિવાય પેનનો કોઈ ઉપયોગ દેખાતો નથી. પહેલાં લખવા માટેની ભૂમિકા-પ્રક્રિયા આ પેન સાફ કરવા નિમિત્તે થતી. હવે સ્ક્રિન પર ગેઈમ રમતાં રમતાં જ શબ્દને વશવર્તવાનું આવડી ગયું છે. થોડા વખત પહેલાંની એક રાતે વિધાત્રીદેવી પૌત્ર રાઘવની છઠ્ઠી લખવા આવવાનાં હતાં. તો એમને માટે બાજઠ પર, લેખણની સાથે કાગળિયો ને કંકુ ભરેલો દોત મૂકવાનાં હતાં. કાંસાનો ઢાંકણવાળો દોત ને બીજું બધું તો મળ્યું, પણ વિધાત્રી જેવી વિધાત્રી લખી શકે એવી લેખણ ક્યાંથી લાવવી? કલ્પવૃક્ષ તો રહ્યું સ્વર્ગમાં. સુરતરુવરની શાખા આપણા નસીબે નહીં, એટલે ઘર આંગણે ઊગેલા બોરસલ્લીના વૃક્ષની એક સરસ સીધી નાનકડી ડાળી કાપું છું. ભારત કંપનીની પતરી લઈને ધીરે ધીરે, છોલી છોલીને એનો નમણો કિત્તો બનાવું છું. પાતળી નાડાછડીથી એ કિત્તાના છેડે નાનકડું મોરપિચ્છ બાંધુ છું. દોતમાં કિત્તો બોળું છું અને ઓરિએન્ટના સફેદ કાગળ ઉપર લખું છું: ‘શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી વિધાત્રીદેવ્ય નમ:, શ્રી ગુરુભ્યો નમ:’ અને બાકીનો અવકાશ વિધાત્રીદેવી માટે છોડી દઉં છું....