માંડવીની પોળના મોર/મધુવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મધુવન

મૂળીની બસમાંથી શેખપર ઊતરીને બાપુજી ચાલતાં આવેલા. આવીને તરત પાણી પીવાની કે થાક ઓગાળવાની વાત તો પછી, પણ અમને ભાઈબહેનને બોલાવ્યાં : ‘એલાં છોકરાંઓ જલદી બહાર આવો!’ અમે બધાં દોડીને એમને વીંટળાઈ વળ્યાં. એમણે ઘરનાં પગથિયે જ ઊભાં રહીને પશ્ચિમ દિશા ચીંધી. સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો હતો અને સંધ્યા ખીલી હતી. આખું આકાશ કેસરી, લાલકાળાં વાદળોના આડાઅવળા લીટોડા. કોઈ ચિતારો બ્રહ્માંડનાં રહસ્યોને ચીતરતાં ચીતરતાં સભરતાથી વિક્ષિપ્ત થઈ જાય ને આડેધડ પીંછડું ફેરવવા માંડે એમ આકાશ રંગાતું હતું. અમારામાંથી કોઈ કશુંક બોલવા ગયું ને બાપુજીએ નાક ઉપર આંગળી મૂકી મૌન રહેવા સૂચવ્યું. એકદમ સ્તબ્ધતા વ્યાપી વળી. બદલાતા રંગોમાં ક્ષિતિજની નીચે ગાયોનું ધણ આવી રહ્યું હતું. ગાયોના પગ, શિંગડીઓ અને ડોકની ઝૂલ આમતેમ થયા કરે. આ આખુંયે દૃશ્ય તીવ્ર રીતે ગતિમાન. ધ્યાન ન રહે તો ચૂકી જવાય એવું. પાછળનું મંદ્રરૂપ આકાશ અને પ્રકૃતિનું સંગીત. વાત તો પાંચ કે સાત મિનિટની જ પણ એ પછી જિંદગી આખી રોજ સાંજે આ દૃશ્ય જોયું છે. આ દૃશ્ય અમારા લીમલીના ઘરનું છે. ક્યાંય લખ્યું નહોતું પણ બાપુજી એ ઘરને ‘મધુવન’ કહેતા. બે ઓરડા, રસોડું, ઓશરી, પાછળ પતરાવાળી ઓયડી, જેમાં અમે ગાય બાંધતાં, છાણાં-લાકડાંની ઓયડી વળી જુદી, વીઘા એકનું ખુલ્લું ફળિયું, ફળિયામાં ઘેઘૂર લીમડો ને એની બાજુમાં લાંબી પથરાયેલી નિશાળ. સામે અલ્લાના દરબાર જેવી ખળાવાડ. શેખપર-ગોદાવરી, જસાપર-કૂકડા, મુંજપર- ચાણપર અને ખેરાળીવાળા માર્ગો અમારે ત્યાં આવીને વીરમે. વટેમારગુ લીમડા હેઠેની કોઠીમાંથી પાણી પીને આગળ જાય. કોઠીના ઢાંકણ ઉપર પિત્તળના ઉટકેલા પ્યાલા ઉપર બપોરી સૂર્યનો પ્રકાશ પડ્યા કરે. એ પ્રકાશને બાંધવા માટે લોખંડની પાતળી સાંકળની જરૂરિયાત ઉદ્ભવી નહોતી. નૂરાભાઈની ઘોડાગાડી છાંયડે હાવળ ખાઈને થાકોડો ખાય. લીમડાની ડાળે બાંધેલાં પાણીનાં કૂંડાં અને હેઠે ઓટલા પર ઘઉં, જુવાર ને બાજરીના દાણા. આખો દિવસ કલબલાટ ને ઉડાઉડ. બપોરે કોઈ ન હોય ત્યારે શાંત વાતાવરણમાં પોપટોનું ઝૂંડ ઊતરી આવે. જાણે એમના સિવાય આ જગતમાં બીજું કોઈ છે જ નહીં એમ એકબીજાને મીઠા મીઠા સનકારા કરતાં રહે. કાબરોનું એવું કે એક વાર ધરાઈ જાય પછી કૂંડાના પાણીમાં પાંખો ફફડાવીને છબછબિયાં કરે. પછી, મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળેલી શેઠાણીની જેમ કટર કટર કરતી પહોળી થઈને ઢચક ઢચક ચાલે. ખેરખટ્ટો આવે ને ફ્રેંક... ફ્રેંક... ની આલબેલ ચારેકોર ધૂમી વળે. હોલાં અને કબૂતરાંઓ માળામાં ઘૂસી જાય ને ઇંડાં કે બચ્ચાંને આખા શરીર નીચે ઢાંકીને બેસી જાય. મોરનો સમય નિશ્ચિત. સવારે આઠ અને સાંજે પાંચની આજુબાજુ એનાં ક્રિયાક્લાપ જોવા મળે. ઘરના ત્રીજા પગથિયે રાતડો કૂતરો સૂતો જ હોય. એટલો સોજજો કે પેટ ઉપર પગ મૂકીને ચાલ્યાં જાવ તો ય ઉંવા ન કરે. પણ જો કોઈ અજાણ્યાની ગંધ આવી કે એના કાન સરવા થયા જ હોય! ભસે નહીં, પણ ટટ્ટાર થઈને આવનારા સામે એવી રીતે જુએ કે પેલો એક ડગલું યે આગળ માંડી ન શકે. બે ટંકનો રોટલો ધરાઈને ખાઈ લે. એમ સમજોને કે આટલામાં બધું આવી ગયું. ગામથી અલગ પડતું અમારું આ ઘર સાવ પ્રકૃતિને ખોળે. ટાઢ, તડકો અને વરસાદ કશી જ શરમ રાખ્યા વગર ઘરમાં હરેફરે! અમે એનાં પ્રત્યેક રૂપને કવિ ‘મીનપિયાસી’ના શબ્દોમાં ગાઈએ :

‘આહાહાહા શી ટાઢ!
જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ………’

‘આ તડકો જો વાદળિયો!
શોભે કેવો, પુરુષ જાણે કેડ્યેથી પાતળિયો!’

‘આ મેઘ અષાઢી આયો,
સુંદર શ્યામલ, મનહર બાદલ,
આભે અનહદ છાયો,
મન મેરો છબછબ નાહ્યો!’

નળિયાંવાળું ઘર અને ઓશરીમાં સળંગ જાળી. ચોમાસું આવે એ પહેલાં નળિયાં ચળાવ્યાં હોય, પણ મોરભાઈની ચાલ અને કમાલ એવી કે નળિયાં આઘાંપાછાં કરી જ નાંખે. વા-ઝડી વખતે ત્રાંસો વરસાદ અણધાર્યા મહેમાનની જેમ સીધો જ ઘરમાં ધસી આવે ને રમખાણ કરી મૂકે. ટેબલ-ખુરશી અને પલંગ હટાવી લેવાં પડે. ચૂવા થતા હોય ત્યાં ડોલ અને તપેલાં ગોઠવાઈ જાય. થપ્પ કરતું પાણીનું ટીપું તપેલામાં પડે એની શીકરો લીંપણમાં પ્રસરે. જાળી ઉપર કંતાનના પડદા બાંધવામાં આખું ઘર લાગી પડે. છેલ્લી ઘડીએ સૂતળી-સિંદરીની શોધાશોધ થાય. એટલી વારમાં તો અડધી ઓશરી જળાંજળાં થઈ જાય. દક્ષિણ-પશ્ચિમનો પવન આવે વરસાદ હવામાં વસ્ત્રની જેમ લહેરાય. સામે જ દેખાતું જસાપર અને તખ્તસિંહ પરમારનું કૂકડા ગામ એકાએક અદૃશ્ય થઈ જાય. પાછળ પતરાંની ઓયડીમાં બાંધેલી ગાય અને વાછડી જરાક પાણી પડે તોય ચામડી થથરાવે ને એનાં ભાંભરડાં સામસામે અથડાય. અમે દોડીને જઈએ ને વાછડી ઉપર કોથળો બાંધી દઈએ. ગાયના પગ વચ્ચેથી પાણીનો ખાળિયો દોડતો જતો હોય. ગમાણમાં નીરણ પડ્યું હોય પણ ગાયને ખાવાનું ઉકલે નહીં. ખળાવાડ તો જાણે બીજું તળાવ જ જોઈ લ્યો. રસ્તા ઉપર કોઈનું ગાડું કે સાંતીનું જિહલું ચાલ્યું હોય એના ચીલા વરસાદ જતો રહે પછી ય એમને એમ પડ્યા રહે. કેટલાય સાઈકલ સવારોને એની કડ્યે મોંભરિયાં કરાવ્યાં હશે. ચોમાસામાં બહાર જાવાનું ભારે દુ:ખ, એક હાથમાં ડબલું ને બીજા હાથમાં છત્રી. ચારેકોર પાણી ભર્યાં હોય એમાં બેસવું કેમ? ને પછી ઊભાં થાવું તે ય કઈ રીતે? છત્રીના ગોળ દાંડામાં ડબલું ભરાવીને પછી એને ડોક અને ખભા વચ્ચે દબાવીએ ત્યારે માંડમાંડ પેયણું પહેરાય. એમાં ય જો તોફાની પવન હોય તો વળી કાહટી વધે. ક્યારેક છત્રી કાગડો યે થઈ જાય. શિયાળામાં કંતાન ઉપરાંત બહારની બાજુએ ચલાખા બાંધ્યા હોય, ધાબળા ને ગોદડાં ઓઢ્યાં હોય તોય અંદર અમે ટાઢથી કોકડું વળી ગયાં હોઈએ. ખેતરમાંથી આવેલાં લીલા ચણાનાં ઝીંઝરાં ખાયા કરીએ. ફાટેલા હોઠના ચીરા ઉપર ચણાની ખારાશ અડે ને જે બળતરા થાય! હોઠ ઉપર જીભ ફેરવીએ ત્યારે હોઠની અને લોહીની ખારાશ ભેગી થઈ જાય. બાપુજી તબડકામાં રાત્રે તાપ કરે. બાવળની કાંય અને આવળની નાની નાની ડાળીઓ બળે, તડતડ કરે. લીલા ચણાના ઓળાની જયાફતમાં અમે ભાઈબહેનો ટાઢને, કહો કે ડગડગતી દાઢીને ભૂલી જઈએ. હાથ અને મોઢાં કાળાં કરીએ. પરોઢે પડેલું ઝાકળ પથારીને ભેજલ બનાવે. રાત્રે પેશાબ કરવા જવું હોય પણ ઊઠવાનું મન ન થાય. ના છૂટકે જ ઊઠવાનું. વગડાની ટાઢ તો જેણે અનુભવી હોય એ જ જાણે. આવામાં એકાદ ઊંઘ પૂરી કરીને બાપુજી ઊઠે, બાને જગાડે. અમને એક પછી એક કરતાં ઊઠાડે. બધાં જાગી જઈએ એટલે બાપુજી કહે કે ‘ચાલો છોકરાંવ, તવી ને તાવેથો બઝાડીએ!’ મોટોભાઈ ઓયડીમાંથી છાણાં-લાકડાં લઈ આવે. બા ઓબાળ ભરે ને બાપુજી એમના મૂડ અને ઘરમાં વસ્તુઓ હોય એ પ્રમાણે સુખડી, મોહનથાળ, બાજરીના લોટનો ઘશિયો કે બરફીચૂરમું બનાવે. અડધી રાતે ય એમને આળસ નહીં. પછી બધાં, સાથે બેસીને ખવાય એટલું ખાઈએ. બાકીનું સાંકળવાળા પિત્તળના ડબ્બામાં ભરીને રસોડાની માંડે ચડે. એવું નહીં કે ફક્ત મિઠાઈ જ બને. કોઈ વાર ભજિયાં, કોઈ વાર બટેકાંની કાતરી, તાજા પાડેલા ગાંઠિયા યે હોય. ટૂંકમાં પ્રેત ભોજનનો અમને બાધ નહીં! હા, એટલું ખરું કે અડધી રાત્રે ય બનેલી વસ્તુ પાણિયારે દીવો કરીને ધરાવવાની. એ પછી જ અમારાં મોઢાં ઊઘડે! ખોરાકની અને ચૂલાની ગરમી અમારી ટાઢ ઉડાડે. ઉનાળે આખો સૂરજ સાંજ લગી ઘરને અજવાળે, તપાવે, શેકે. શરીરમાં હોય એટલું પાણી ચીકાશ પકડે ને બધી ખારાશ બહાર કાઢે. ભૂતાવળની જેમ ઘૂમરિયો ખાતો વાયરો આખા ઘરને ઘેરી લે. પલકવારમાં જ એકેએક ચીજ ઉપર ધૂળની તપકીર, આંગળીથી ચિતરામણ કરવાનું મન થઈ જાય એવું આછું આવરણ રચે. સામે ગોદાવરીના મારગે થતાં મૃગજળને અમે ઓશરીમાં ઊભાંઊભાં જ જોઈ શકીએ. દૂર ખળાવાડમાં વંટોળ ઊઠે અને ફરતો ફરતો અમુક જગ્યાએ શાંત થઈ જાય એ જોવાની મજા વળી જુદી. વંટોળિયાની હાર્યેહાર્યે અમારી આંખ ફરે. ગોળાનું ઠંડું પાણી, ગમે એટલું પીએ પણ સંતોષ થાય નહીં. પલોંઠીવાળીને ભણવા બેઠાં હોઈએ ત્યારે પગની પિંડી અને સાથળ વચ્ચે ય પરસેવો ચપચપ થયા કરે. તળાવે જઈને એકાદવાર નાહી આવીએ, પણ થોડી વારમાં તો પાછા હતા એવા જ! કંટાળીને નીકળી પડીએ, પૈડું અને લુહારે બનાવી આપેલી આંકડ્ય લઈને બહાર. નીચે ઊતરી જતી ચડ્ડીને એકહાથે પકડી રાખી હોય તોય પૈડાની ગતિમાં અને વળાંકોમાં કોઈ ફેર ન પડે! જો કે, વરસાદ સિવાયની રાત રળિયામણી. શિયાળાની રાત લાંબી તે કેમેય ન ખૂટે. પડખાં બળે ને ઊંઘ તો જોજનો દૂર. આંખો, આખી રાત બિહામણી આકૃતિઓને સરકતી જુએ. ફુંફાડો સંભળાય નહીં ને ઉંદર ડાકલી દીધે રાખે. ઉનાળાની રાત ગરીબ ખોરડાની છાસ જેમ તરત ખૂટી જાય. ચૈત્ર અને વૈશાખ મનોહર. ભર ઊંઘમાં ય નળિયાંમાં ચળાયેલી ચાંદની અમને પસવાર્યા કરે. આંગણાની મધુમાલતી અને જૂઈ એકબીજીને મહાત કરવા મથે. વગડાની મહેક કોઈને ય ગણકારે નહીં ને વાયરે વાયરે હાજરી પુરાવીને પાછી વગડે જઈને ઠરે. ચોમાસાની ઝરમરતી રાત ઉંમર પ્રમાણે સહુને ઉન્મત્ત કરે પણ જો વરસાદ વધ્યો તો ઊંઘ હરામ. પાણી ભેગો પવન ભળે તો અંધારામાં ય દોડતા વરસાદને જોઈ શકો. બાજના તારની જવાબદારી સંભાળે તમરાંઓ અને ચિકારીના તારનું કામ ઉપાડે વરસાદી ઝરમર. પછી તો આખી રાત દ્વુત-વિલંબિતમાં મહાલ્યા કરે મલ્હાર. દેશ-દુનિયામાં ફર્યા-રખડ્યા કરીએ પણ, જિંદગી આખી જેના વાતાવરણમાંથી બહાર નીકળવાનું મન જ ન થાય એ ઘર તે આ વણલખેલું, મનનું મધુવન.