માંડવીની પોળના મોર/મદનોત્સવ

Revision as of 08:27, 12 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મદનોત્સવ

‘બુરા મત માનો હોલી હૈ ...’ એવું આપણે અનેકવાર સાંભળતાં આવ્યાં છીએ. હિન્દી ફિલ્મજગતમાં તો હોલીનું મહાત્મ્ય પણ ઘણું. એક જમાનામાં તો રાજકપૂરના આર.કે.સ્ટુડિયોમાં અનેરી હોળી ખેલાતી. ફિલ્મજગતે આપણને કેટલાંક અમર હોળી ગીતો આપ્યાં છે એ આજે સાંભળીએ તોય રોમાંચિત થઈ જવાય. ‘ગાઈડ’ અને ‘સિલસિલા’નો છાક આજે પણ આપણને મોહિત કરે છે. કૃષ્ણ-રાધાનું રૂપ આપીને આપણાં મનનાં નાયક-નાયિકાઓ સાથે આપણે અનેક વાર હોળી ખેલી ચૂક્યાં છીએ. આ પરંપરા ઘણી જૂની અને બ્રહ્માંડવ્યાપી છે. વિવિધ પ્રાંતની ભાષાઓ અને રીતરિવાજોમાં વૈવિધ્ય પણ ઘણું. ‘અરે જા રે હટ નટખટ ના છૂ લે મોરા ઘૂંઘટ’થી માંડીને વાયા ‘હોલી આઈ રે કન્હાઈ..’થી છેક ‘હોરી ખેલે રઘુબીરા...’થી પણ આ પરંપરા આગળ લંબાય છે. હોળીમાં તો એકએક પુરુષ જાણે કૃષ્ણ અને એકએક સ્ત્રી એટલે રાધા. આમાં ઉંમર કે સગપણનો બાધ નહીં. ઉરના ઉમંગની તો વાત જ ન થાય, પણ એ દિવસે શરીરનો પણ કોઈ બાધ નહીં! શરીર પણ આ મદનોત્સવનું સ્થૂળ કે સૂક્ષ્મ રીતે માધ્યમ બની રહે...રપટને મેં ઔર ૨પટ જાનેમેં હર્જ ક્યા? કેમ કે હોલી હૈ તો બુરા મત માનો! આપણે ત્યાં શરદોત્સવને પણ મદનોત્સવ તરીકે ઓળખાવવામાં આવે છે. એનું એક કારણ છે. શ્રીમદ્ ભાગવત અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે વૃંદાવનમાં મહારાસ કર્યો હતો. પ્રત્યેક ગોપીની એવી કામના હતી કે કૃષ્ણ પતિરૂપે એની સંગે રાસ રમે. મદનને પણ મોહિત કરનાર શ્રીકૃષ્ણએ પોતાને સર્વસ્વ સમર્પિત કરનારી ગોપીઓની બધી કામના પૂર્ણ કરી હતી. ગોપીઓ માટે આનાથી મોટો મદનોત્સવ કયો હોઈ શકે? એટલા માટે તો કૃષ્ણને મન્મથ એટલે કે કામદેવના મનને પણ મથવાવાળો કહ્યો છે. એવું કહેવાય છે કે વસંત એ કામદેવનો પ્રિય મિત્ર છે. કામદેવ જ્યારે શેરડીના સાંઠાનું ધનુષ્ય બનાવી એના પર ભ્રમરપંક્તિની દોરી બાંધી રંગબિરંગી ફૂલોનાં બાણ ચઢાવી નીકળી પડે છે ત્યારે કોઈ પણ એના પ્રભાવથી બચી શકતું નથી. ખુદ મહાદેવ પણ નહીં! મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવ’માં વસંતનું અપૂર્વ વર્ણન કર્યું છે. વસંત તો છે જ સૃજનની ઋતુ. અમસ્થાં જ વસંત પંચમીના દિવસે કળા અને સાહિત્યની દેવી સરસ્વતીની પૂજા તો નહીં થતી હોય ને? કિન્તુ, ઠાડે રહિયો! આપણા મધ્યકાલીન સાહિત્યમાં શું કહેવાયું છે હોળી વિશે? નાયક નાયિકાને કહે છે : ‘હોળીના ઉત્સવમાં કોઈએ નિર્દોષભાવે તને કાદવથી શણગારી મૂકી - તે કાદવ તારા સ્તનકલશ પર પ્રસરી રહેલા પ્રસ્વેદથી ધોવાઈ તો ગયો છે, તો તું ફરી તે શું કામ ધોઈ રહી છે?’ આ પ્રસંગ જ એવો છે કે અરસિક શિરોમણી પણ ભાન ભૂલી જાય તો વિદગ્ધો કેવી રીતે બાકાત રહી શકે? બીજા એક મુક્તકમાં કહેવાયું છે કે – મદનોત્સવમાં આ પુષ્ટ સ્તનવાળી ગ્રામીણ તરુણીઓ આભરણમાં માત્ર કસુંબલ કંચુકી હોવા છતાં વિદગ્ધોનું પણ ચિત્ત ચોરી જાય છે!’ ફાગણના કેસૂડાના જંગલને દૂરથી જોઈએ તો એમ લાગે કે જંગલમાં ચારેકોર આગ લાગી છે. ખરેખર તો આ કેસૂડો એ મનમદનનું પ્રતીક છે. અંદર રોમરોમે લાગેલી આગને કેવી રીતે વર્ણવવી અથવા ઠારવી એના ઉન્માદમાં જ જોબન હેલે ચડે છે. અંદર ઊઠતા સ્નેહાગ્નિને કવિ આ રીતે, ચિત્રાત્મક ભાષામાં વર્ણવે છે : ‘મદનાનલનું ધૂમ્રપટલ? વા જોબનધ્વજ ફરફરતો? લોકદૃષ્ટિની કામણપીંછી? - કેશપાશ મઘમઘતો!’ રંગોની જે છોળ ઊડે છે તે, કવિને આભમાં જાણે કે કોઈ વસ્ત્ર લહેરાતું હોય એવું લાગે છે. કવિ દ્વિધામાં આવી જાય છે. આ તે કામાગ્નિના ધુમાડાનો પરદો કે જોબનધ્વજનો ફરકાટ? લોકદૃષ્ટિનાં કામણની પીંછી કે કોઈનો મઘમઘતો કેશપાશ? આપણા કવિવર રાજેન્દ્ર શાહ મારવાડના મેંદીરંગ્યા વાતાવરણને આ રીતે મૂકી આપે છે :

‘હો સાંવર થોરી અંખિયન મેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુન્દરિયાં તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.
તું નંદલાલ રો છકેલ છોરો, મૈં હૂં આહીર કી બેટી રી;
ફૂલનહાર ગલે મૈં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મેં ને લીનો ગુલાલ; નાગર સાંવરિયો.

કવિશ્રી પ્રિયકાંત મણિયારનું એક અદ્ભુત સોનેટ છે એની થોડી પંક્તિઓ :

‘કંચૂકીબંધ છૂટ્યા ને હઠયું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.’

મદનોત્સવનાં વર્ણનો માત્ર સાહિત્યમાં જ હોય છે એવું નથી. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ફિલ્મ વગેરે કળાઓમાં પણ મુખર છતાં લાલિત્યપૂર્ણ રીતે કામનાં વિવિધ રૂપ નિરૂપિત થયાં છે. કોણાર્કના સૂર્યમંદિરથી લઈને આપણી રાણીની વાવ સુધી, કહો કે પૂરા ભારતવર્ષનાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રોમાં સ્ત્રી-પુરુષની વિવિધ કામમુદ્રાઓ પ્રગટી છે. યુગ્મ ઉપરાંત સમૂહમૈથુન અને પશુસૃષ્ટિ સુધીનો એનો વિસ્તાર છે. આ કળાઓમાં કોઈ પણ પ્રકારનો છોછ નથી. માનવ શરીરથી જે કંઈ સંભવિત હોય તે બધું જ એમાં મુક્ત રીતે આલેખાયું છે. રસપ્રદ તો એ છે કે જે પોતે અનંગ છે, એટલે કે જેને દેહ નથી તે દેહોત્સવનો દેવતા છે! ‘મૃચ્છકટિક’ના આધારે બનેલી ફિલ્મ ‘ઉત્સવ’ યાદ આવી જાય. એમાં! રેખા અને શેખર સુમનનાં કામુક દશ્યો એક વાર જોયા પછી ભૂલાય એવાં નથી. એમ લાગે કે સાક્ષાત્ રતિ અને કામ ઈહલોકમાં ઊતરી આવ્યાં છે. વસંતોત્સવ, કામોત્સવ અને કૌમુદિઉત્સવ તરીકે ઓળખાતા આ યૌવનના શાસનના દિવસોમાં કામદેવ પણ સ્ત્રીઓની મદમસ્ત આંખોમાં ચાંચલ્યનું રૂપ ધરીને એના ગાલમાં સોનચંપાનો રંગ ભરે છે. એના ક્ષીણ કટિભાગમાં લચક લેતો નિતમ્બની પૃથુલતા બની જાય છે. કામના પ્રભાવે સ્ત્રીઓનાં અંગ અંગમાં અલસતા વ્યાપી જાય છે. એનું ચાલવું, બોલવું બધું માર્દવપૂર્ણ બની રહે છે. બંકિમ નેત્ર કટાક્ષ પુરુષો માટે તો જીવલેણ જ બની જાય છે. વસંત અને ફાલ્ગુની હવા કામદેવના સંદેશવાહક બનીને ઠેર ઠેર પ્રેમરસભીના પત્રો વહેંચતા ફરે છે. વાતાવરણમાં પલાશનો કેસરિયો રંગ, સરસવનો વાસંતી ઉજાસ અને શિરીષની મદીલી સુગંધ તન મન પર છવાઈ જાય છે. આ દિવસોમાં કામના પ્રભાવથી અળગા રહેવાનું તો કોઈ અબૂધને જ પરવડે! આવા વાતારણમાં બધાંને નસીબ મિલન-મહોત્સવ લખાયાં નથી હોતાં. કેટલાંક તો કાયમને માટે વિરહાગ્નિ અને કામાગ્નિની આગમાં બેવડી રીતે જલતાં હોય છે. આવાં હૈયાં માટે આપણા લોકકવિઓએ અનેક દુહાઓમાં એમની સંવેદનાને વાચા આપી છે :

ભવ ભવ ગોત્યે ભટકતાં, ન જડે જોડીદાર;
જાકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ!

લાગી હત જો લા, તો તો આડા ફરીને ઓલવત;
પણ દલડે લાગ્યો દા, આ તો હડેડયો ડુંગર હેમીઆ!

નૈન હમારે મધુકરા, અનન પ્રીતમ સરોજ
ઘેર છોડેતા દિવસ સે, વેરી ભયો મનોજ!

એસી દિન દિન કી કથા, બરણત નાંહી ઔર;
હમરી સબ તુમ જાણ હૈ, પ્રીતમ ચિત્ત કા ચોર!

સજણ સપને આવિયાં, ઉરે ભરાવી બાથ;
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, પલંગે પછાડું હાથ!

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેયને મહા પુરુષાર્થ ગણાવાયા છે. આ ચારેય જીવનવાહક અને જીવનમાંગલ્યના પ્રતીક હોવા ઉપરાંત તેના આધ્યાત્મિક અર્થો પણ છે. તેથી એને બિભત્સ માનવામાં આવતા નથી. આપણા દેશમાં કામને પણ પવિત્ર માનવામાં આવે છે. ખજુરાહોના ચંદેલ રાજાએ આવા ઉમદા આશયથી જ શિવને સમર્પિત કરાયેલાં મંદિરોની દિવાલોમાં કામનાં વિવિધ આસનોનાં શિલ્પો કોતરાવ્યાં છે. એનો એક અર્થ એવો પણ છે કે આ બધું જોઈને માણસનું મન ધરાઈ જાય. એના મનનો મેલ ઓછો થાય અને એને જીવનના સ્વાભાવિક ક્રમમાં જોતો થાય. ટૂંકમાં વૃત્તિઓનું યોગ્ય નિરસન એ મુખ્ય આશય હતો. ખરું તો એ છે કે માણસ કામકુંઠાઓથી મુક્ત થાય. શરીરના માધ્યમ દ્વારા એકમેકના આત્મા સુધી પહોંચે. અને એમ આધ્યાત્મિક ઉન્નતિ પણ કરે. એટલા માટે તો ઋષિ વાત્સાયને આપણને આખું ‘કામસૂત્ર’ આપ્યું. કામસૂત્ર ફક્ત ભોગવિલાસ માટે નથી. જીવનના સૌન્દર્ય અને માંગલ્યને માટે પણ છે. છેવટે તો કામ એ મનની એક સ્થિતિ છે. મનનો ઉત્સવ છે. શરીર એનું વાહન છે. સ્ત્રી-પુરુષ એકબીજાં વિના અધૂરાં છે એ બતાવવું છે. એમાં જીવનનાં સારસ્ય અને સાર્વભૌમત્વ દ્વારા માનવજાતિનું માંગલ્ય ઈચ્છવામાં આવ્યું છે.