તારાપણાના શહેરમાં/……….કે હું?

Revision as of 01:03, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


……. કે હું

વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું
તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું,
એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ
તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના
મૂળમાં છે કોણ, સૂરજ રણ કે હું?

ક્ષણક્ષણ સમયજળમાં સતત વહી જાઉં છું.
પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું.
આ કોણ વ્હેતું જાય છે? કાયા કે
પડછાયા કે માયા કે નહીં કે પણ કે હું?

પ્રત્યેક ઘર કરચોથી વેરણ-છેર છે
ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું
બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો,
જીવન શું? હું મૃત્યુ પછી પણ રવરવ્યો,*
તો આમ આ ઠંડું પડ્યું તે કોણ?
ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું?

  • નાદ પ્રગટ કરવો. ચચરી ચચરીને બળવું.