તારો વિયોગ
તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે
તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે
તારો વિયોગ ધૂમ્ર થઈ આંખ ચોળશે
જ્યારે સૂરજ ન આવેલાં સ્વપ્નોને બાળશે
તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જ્યારે એ તારી શોધમાં ભટકીને થાકશે
તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જ્યારે અજાણ્યાં વાદળો આપસમાં ભેટશે