તારાપણાના શહેરમાં/પાછલી ખટઘડી

Revision as of 00:59, 15 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાછલી ખટઘડી

ઝૂલણા

દીપ આળસ કરે તોય આળસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?
તૂટતી જાય છે રાત નસ… નસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?

ખૂટશે શર્વરી શ્વાસમાં મ્હેકતો સ્નિગ્ધ શ્યામલ ક્ષણોનો ખજાનો
શેષ પણ ક્યાં રહ્યો કોઈ વારસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?

લોહભીનાં મૃદુ મખમલી મ્હેલનાં શિલ્પ ઝીણાં ને તેં આંખ મીંચી?
ખોલ સ્પર્શીલી દૃષ્ટિનાં પારસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?

સ્વપ્નના અશ્વની આંખમાંથી ઝર્યું એક ઝાકળ ઉપર સ્હેજ સોનું
ભાંગતી રાતનું ગાઢ ધુમ્મસ હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?

ક્યાં સુધી કોઈ બ્રહ્માંડ લીંપ્યા કરે આમ અક્ષર થકી શાહી ચોરી
પાંગળા શબ્દનું અંધ સાહસ હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે?