શ્વાસમાં
સ્મૃતિઓના સ્તરને ફંફોસ્યા કરું છું શ્વાસમાં
મારી અશ્મિઓને જોવા ઊતરું છું શ્વાસમાં
એક ચહેરો છે હું જેને ઓળખી શકતો નથી
એ જ ચહેરાને સદા ઘૂંટ્યા કરું છું શ્વાસમાં
કોઈ આકાશી અધૂરપ લોહીમાં ઘૂમરાય છે
જાણે ભૂખરાં વાદળોને પાથરું છું શ્વાસમાં
એની પાસે પણ હવાઓના અવાજો છે ફકત
હું ય બસ એક મૌનને પીધા કરું છું શ્વાસમાં
એની ફોરમને પવન ક્યાં દૂર લઈ જાશે હવે
મારી સાથે આખું ઉપવન લઈ ફરું છું શ્વાસમાં
મારા પડછાયાને દોરી જાઉં છું મારા સુધી
જ્યારે હું મારા સૂરજને આછરું છું શ્વાસમાં