ગાતાં ઝરણાં/સરિતાને

Revision as of 02:07, 15 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સરિતાને


રે, ઓસરતી ઊભરાતી, તું રહેજે સરિતા ગાતી!
રે, પછડાતી પટકાતી, તું રહેજે સરિતા ગાતી!

                           ધન્ય તને, તારી લગનીને,
                           તારા અંતરના અગ્નિને.

        યુગયુગની તુજ પ્રીત પુરાણી,
     દુનિયાથી ના હોય અજાણી.

                        રાત અને દી અવિરત્ વહેવું;
                        ના કંઈ સુણવું, ના કંઈ કહેવું.

                                    સાજનના પથે તું મ્હાલે,
બેઉ વળાવા સાથે ચાલે,

                     કાંઠાઓના રક્ષણ હેઠળ, દેશ પિયાને જાતી,
         તું રહેજે સરિતા ગાતી!


                          ગાજે એવું ગીત મઝાનું,
                          ધીમું ધીમું, છાનું છાનું.

     સુણતી રહેજે સાદ પિયાનો
       સાગર સરખા રંગ-રસિયાનો

                        થંભીને પાછળ ના જોતી,
                        હૈયાની ધીરજ ના ખોતી.

      જો સાચવજે પંથ પ્રણયનો,
    જાળવજે ઉન્માદ હૃદયનો,

                જાણે કો નવપરિણીતાની ચુંદડી શી લહેરાતી,
  તું રહેજે સરિતા ગાતી!


                       કોઈ ન સમજે તારી વાણી,
                       મોજ છતાં સૌ લેતાં માણી.

                                      જન્મી તું ખેવાઈ જવાને,
                                      આખું જીવન ગાઈ જવાને.

                       કુદરત તારો તાગ સમજશે,
                       એ ગાયન, એ રંગ સમજશે.

                                      પર્વત પર રેલાઈ ગાજે!
 ખીણોમાં સંતાઈ ગાજે!

                આંખ-મીંચોલી રમતી વનમાં દેખાતી, સંતાતી,
      તું રહેજે સરિતા ગાતી!


                          ખોવાઈને નિજ કલરવમાં,
                          પ્રાણ ભરી દીધા તેં ભવમાં.

             કુદરતની અણમૂલ કળા તું,
          ધરતીના કરની રેખા તું.

                         આભ તને દર્પણ સમજે છે,
                         તારક મુખ જોઈ મલકે છે.

         સૂર્ય શશીને સ્નાન કરાવી,
        અલ્પમતિનું ભાન કરાવી,

                     નિત્ય ઉષા ને સંધ્યા કેરા રંગોમાં રંગાતી,
    તું રહેજે સરિતા ગાતી!

                            સાંભળશે આકાશના તારા,
                            સુણશે ધરતી પર વસનારા.

              માનવ હો કે હો પશુ-પંખી,
             સર્વ રહ્યાં તારું સુખ ઝંખી.

                         અંધારાં હો કે અજવાળાં,
                         સૂરજ હો કે વાદળ કાળાં.

             શહેર કહો કે ગામનું પાદર,
         જંગલ હો કે સૂના ડુંગર,

                   વસતિમાં કે વનવગડામાં નાગણ સમ વળ ખાતી,
                 તું રહેજે સરિતા ગાતી !


                               વૃક્ષો ઝૂમે, ડાળી ઝૂમે,
                               કાંઠાની હરિયાળી ઝૂમે,

               નૃત્ય કરે સૌ જંતુ જળનાં,
                ફરે કૂદરડી નીર વમળનાં.

                              તાલ સ્વયં તું, ગાન સ્વયં તું,
                              સુણવા કાજે કાન સ્વયં તું.

             ગીત રહી ના જાય અધૂરું
             થાય પ્રલયના પાને પૂરું,

                     મત્ત પવનની લહેરો સાથે લહેરાતી મદમાતી,
             તું રહેજે સરિતા ગાતી!


                         આંખ સહુની તુજ પર ઠરતી,
                         હંસ બનીને દૃષ્ટિ તરતી.

              લાગે એવી સંધ્યા-ટાણે,
                 સ્મિત કરે છે કુદરત જાણે !

                        થાય ઘણી ઈર્ષ્યા આલમને,
                        દે ઈશ્વર! એ ગુંજન અમને!

            ઢળતી રાતે, નમતે પ્હોરે,
          સંધ્યા-ટાણે, છેક બપોરે,

                નાચંતી અવનિ–આંગણમાં બાળક સમ હરખાતી,
         તું રહેજે સરિતા ગાતી!

                        સાંભળ ઓ સંગીતની રાણી !
                        પૃથ્વીપટ પર પ્રીતની રાણી !

              દૂર કરી દુઃખીઓનાં ક્રંદન,
           આપી દેજે તારું ગુંજન.

                        પાલવમાં તું પ્રેમ ભરી લે,
                        લોકોના ઉદ્વેગ હરી લે.

           સુખ ને દુખના ભેદ મિટાવી,
        દુનિયાને દે ભાન કરાવી,

                    ગ્રીષ્મ અને વર્ષા ઋતુમાં સૂકાતી, પોષાતી,
     તું રહેજે સરિતા ગાતી !

૨૭-૭-૫૨