પહેલી ભણિતિ : તખુ
મોડું ઉઠાયું. ઓટલે આવ્યો. તીખો તડકો લમણે વાગ્યો. સામે ફળી રાખોડી પડછાયાઓથી કતરાયેલી. મકાનોનાં પડછાયા એકમેકને આંતરે. પડછાયા એકમેકને ભરડો લે. પડછાયા એકમેકને ગળી જવા મથે. પડછાયા બધાં ટોળે વળી જગદંબાની સોનેરી નાભિ જેવા સૂરજને પડકારે.
આ હડફડ હડફડ પડછાયા જેવું શું ધસી આવ્યું? હાથ-પગ-ડોક સંકોડું. જળ પર પડછાયો પડતાં ડોક ને પગ સંકોડી થીર થઈ જતો કાચબો થઈ જાઉં. કરોળિયાનાં જાળાં જેવું કાલ રાતનું દૃશ્ય થરકી ઊઠે –
🞄🞄🞄
– તખુ તો આમ હો વરહમાં બે જ ફેરા મોંઢું બતાડે છે, મોટાભાઈએ દાંતે કરી અનામિકાનો નખ કરપ્યો.
– તખુભાયે તો આપડી માયા જ મેલી દીધી છે, ભાભીએ ડબકો પૂર્યો.
– ખુમો હો લગન પછી સોસાયટીમાં રે’વા ઊપડી ગયો છે, મોટાભાઈ હથેળીમાંથી ચામડીનું ફોતરું ઉખેડવા માંડ્યા.
– આ છાણિયા ઘરના ગંધવાહ જેના ભાયગમાં ઓ’ય એ વેઠે, દાઝી ગયેલા દૂધ જેવો ભાભીનો અવાજ સંભળાયો.
– એટલે ફેંસલો આપણે બેવે જ લેવાનો છે, મોટાભાઈએ હથેળીમાં અંગૂઠો ઘસતાં બાધર ભણી જોયું.
– હવ્વ ટાઢું કરીને બેઠા છે. ખાલી તમે જ – ભાભીએ બાધર ભણી તીરછું જોયું. ટચલી આંગળીના વેઢા પર રમતો બાધરનો અંગૂઠો સહસા અટકી ગયો.
આ કોનો અંગૂઠો ચંપાતો લાગે? જોઉં તો ખુમાના હોઠ મરડાયેલા, વંકુડી કટાર જેવા, છેડે જતાં તણાઈને તંગ થઈ ગયેલા.
– એમાં વળી નક્કી હું કરવાનું છે? આ વાઘમુખા ઘરમેંથી નીકળી નાઠા એ ફાવી ગીયા, ભાભીની આંખો બારસાખે જડેલી ઘોડાની નાળની જેમ અમારી સામે ખોડાઈ ગઈ. મેં જોયું તો કરોળિયાના જાળા જેવું ઘર ધ્રૂજી ઊઠેલું.
દાદીમા કહેતાં : મૂળે આપણે માંડવી સ્ટેટના ભાવાત. સોંસક, બરકસ ને સેગવા – એ તણ ગામના ધણી. પેલી કંભારજા રાણીને પાપે માંડવી સ્ટેટ ખાલસા થીયું ઉચ્છેદીયું રાજ. અંગરેજોએ પડાવ્યું. આપણો ગરાસેય ઝૂંટવાયો. ગામમાં ધણી મટીને રૈયત થૈ જીવવું, એ કરતાં બહેત્તર છે ગામને જુહાર કરી દેવા. તારા દાદાએ અહીં થાંભલી રોપેલી, અહીં આસોપાલવ બાંધેલા, અહીં માટલી મુકાવેલી, અહીં કુળદેવી કાળકામાનું ત્રિશૂળ થાપેલું. દાદીમાની આંગળી હવામાં લહેરાતી દેખાય.
– બા શું કહે છે? ખુમાનો અવાજ ધસી આવ્યો. એના નસકોરાનાં ફોયણાં ફૂલવા લાગ્યાં.
– દર ફેરા આનો આ જ પોઇન્ટ? બાધર ઊછળી પડ્યો.
– ઉં ગામતરે જાઉં એ વેરે હખ્ખેથી ફૂંકી મારજો, તમતમારે, આ ખોયડું, ચિંગારીથી ઝબકતા ચિતાના ધુમાડાની જેમ બાનો અવાજ ટોળે વળી બેઠેલા બધાંને ઘેરી વળ્યો.
– બા જ કાયમની આડી જીભ લાઇખા કરતી છે. ભાભી હાથ મસળવા લાગ્યાં.
– તખુભાય, જોવોને બાન તો કંઈ કરતાં કંઈ થેઈ ગીયું! બેબાકળો અવાજ વળગી પડે. જોઉં તો ભાભી. ખભો હલાવી ઢંઢોળે ઘડી પહેલાં ચળક ચળક થતું કાલ રાતનું દૃશ્ય એક જ ઝાટકે તાંતણે તાંતણા થઈ ગયું. એ તાંતણા મને વીંટાઈ વળ્યા. ભાભી મારો હાથ તાણી રહ્યાં.
– દોડતો ખુમાને બોલાઈ આવ, મોટાભાઈનો અવાજ આવ્યો.
જઈને જોઉં. બાનું પેટ તો ફૂલીને ગાગર થઈ ગયેલું. કાળા સાલ્લાની કથ્થાઈ કોર પથારી પર ઢોળાઈ ગયેલી. પેટ તસતસ થાય. બેઉ પડખે ભૂરી ભૂરી નસ તગતગે. બાની દૂટી ફણગાયેલા વાલના દાણાની પેઠ બહાર નીકળી આવેલી. કોઈએ જાણે તવેથા પર લઈ, ‘ચઢી ગઈ છે કે નૈં?’ એ જોવા ચપટીમાં ચપોટી ન હોય! ગૅસની ટોટી પર મોટો ફુગ્ગો ફૂલે એમ બાનું પેટ તડતડ તડતડ ફૂલતું જાય.
– ખુમો ક્યારે આવશે?
🞄🞄🞄
– તે એક ફેરા બા બાલાપીરના ઓરસ(ઉર્સ)માં લઈ ગયેલી : પોટારા બો દા’ડેના ઘેરમાં ને ઘેરમાં જ છે તે લાવ ફેરવ્યાઉં.
મોટાભાઈ ‘દિલ્લી કા કુતુબમિનાર દેખો–’ના દૂરબીનમાં મોઢું ઘાલી ઊકળા બેઠા. બાધર ‘ફે એ ન્સી કાંસકીવાલે’ બાજુ જાય. દાંતે દાંતે આંગળી ફેરવી કાંસકી ચકાસે, ભાવતાલ કરે. ખુમો ગુલફી ચૂસે. એના હોઠ પાકા ગલોડા જેવા. હું ઊંચે ઊડતો ફુગ્ગો લઉં. મને જોઈ ખુમાએ ફુગ્ગા માટે આડાઈ કરવા માંડી.
બા ઝીણી આંખે હસે : પ્હેલા તારી ગુલફી તખલાને ચૂહવા આલ! ઉપરાઉપરી ચૂસકી લઈ ખુમાએ ગુલફી ધરી. હું માથું ધુણાવું. બા સમજાવવા માંડી : ભાયની ચૂહેલી એંઠી ની કે’વાય ઘયડા વૈડાએ અમથું કીધું છે? એક ભાણે જમે ને એક બાયણે રમે – એ જ ભાય.
આંગળીયેથી દોરાની આંટી ઉકેલી ખુમાને ફુગ્ગો પકડાવું. ખુમો ફુગ્ગો હિલોળે. ચપટીમાં દોરો પકડી દોડે. ચપટી છૂટી ગઈ કે શું, તે ફુગ્ગો ઊંચે ને ઊંચે ઊડવા લાગે.
– ખુમાની ચપટીમાંથી છૂટી છટકી ગયેલો એ ફુગ્ગો ક્યાં હશે?
🞄🞄🞄
બાના તસતસ થતા ગોરા ગોરા પેટ પર દૂટી ઊંચકાઈ આવેલી. વચ્ચે શામળી તર બાઝેલી બાધર ઘોડિયામાં પડ્યો પડ્યો કંટાળે એટલે ચીંચવાવા માંડે. બા ખોળામાં લઈ એને સાડીમાં ગોગ કરી પગ હલાવે, બરડો થપથપાવે. બાધર સુગરીના માળા જેવા બાના ખોળામાં ઢબુરાય જાય.
બા ઉંહકારા ભરે. બાની ડોક જાણે જુવારનું કણસલું. ડાબી કોર નમી ગયેલું. હોઠની કોરેથી લાળ ઝરે. ભાભી પાલવે કરી હળવેથી બાના હોઠ લૂંછે. બાધર ઘૂંટણિયાં કાઢતો હતો તે વેળાની વાત. બાધરના મોંમાંથી લાળની દોરી ઝૂલતી જ હોય. બા ધીરેકથી ખબર નૈ પડે એમ પાલવે કરી એના હોઠ લૂંછી લેતી. બાધર મોંઢું ફેરવવા જેવું કરતો. બાએ મોંઢું ફેરવવા જેવું તો ના કર્યું પણ હોઠ નીચે તરફ ખેંચાયા. ભાભીએ બાને કપાળે હાથ ફેરવ્યો : ગૅસ થીયો અ’સે. લાવ, દૂટી પર જરી હીંગ ચોપડી જોમ. ભાભી જાણે સાવ બદલાઈ ગયાં છે! બાના હોઠ ફફડ્યાં. કણસાટ ભેગું કોનું નામ નાભિનાળમાંથી તણાતું હોઠ લગી આવી પૂગ્યું હશે?
– તખુભાય, જોવોને બાનું ડીલ તો હાવ ટાઢું પડતું દેખું! ભાભી બેબાકળાં થઈ ગયાં. બાનું કાંડું તો સાવ ટાઢુંબોળ.
– હુંઠ ચોળવી પડહે, કહેતાં ભાભી રસોડે ગયાં.
ઘડીકમાં તો બાને કપાળ-છાતી-હથેળી-પાનીએ સૂંઠ ચોળાવા લાગી. પથારીમાં તો બધેબધ ધોળો કકરો કકરો ભૂકો. કોરી ગાગરમાંથી પાણી ઝમે એમ બાનું ડિલ ઝમવા લાગે. એવામાં ભૂખરો ઘુરઘુરાટ ધસી આવ્યો. ખુમાન આવી પૂગ્યો લાગે છે, આથો ચડી કથરોટમાંથી ઊભરાવા કરતા ફેદરાઈ ગયેલા જલેબીના ખીરા જેવો ચહેરો. ટેણી હતો ત્યારે તો કેવો ગુલાબગોટો હતો? જોઉં ને ચૂંટણી ખણવાની ચેર આવે. પાસે જાઉં એટલે – ‘બા, જોની આ તખુભૈ’ કરતો પંજા કપાળે મૂકી હાથની આડશ કરી દે. બગલમાં આંગળી અડાડું એટલે તીતીઘોડાની પેઠ બે-ચાર ઠેકડા મારી આંખ પરોવી દૂર ઊભો રહે, પણ અત્યારે એના સનગ્લાસની ડ્રીમલૅન્ડમાં બાનું મરીયલ મોંઢું જોઉં છું ને અંધારિયો કૂવો યાદ આવે છે.
બીજી ભણિતિ : ખુમાન
કાલે રાતે મોટાભાઈ ને બાધરભાઈએ બાજી તો બરાબરની ગોઠવી હતી. કોઈ મગનું નામ મરી પાડતું નો’તું. તખુભાઈનોય દાણો ચાંપી જોયો. પણ એ તો બસ ઝંખવાયેલા દીવાની જેમ ગુમસુમ જોયા કરતા હતા. આખરે મારે જ રીડાયરેક્ટ સ્ટ્રોકથી બાજી ઊંધી પાડી દેવી પડી. જન્મ્યા, મોટા થયા એ બાપીકું ઘર કેમનું વેચી મરાય? ક્લીનીકે પહોંચ્યો ત્યાં તો ફતો હાંફળોફાંફળો આવ્યો : ખુમાભાઈ, ખુમાભાઈ, બાનું પેટ તો ફુલીને ફુગ્ગો થેઈ ગીયું છે. તે તમને હાલ ને હાલ બોલાવે છે!
બાની હેલ્થને વળી શું થયું હશે? કાલે રાતે તો બા ઓલરાઈટ હતાં. ઘર વેચવાની વાતથી શૉક લાગ્યો હશે? પણ એમાં પેટને શી લેવાદેવા? કદાચ ઊંઘ નહીં આવી હોય એટલે ગૅસ. માખી કેવી બણબણે છે? યમરાજની એક દૂતી તો બાને કપાળે બેઠી બેઠી આગલા બે પગે સૂંઢ ઘસીને તૈયાર થઈ રહી છે. એની અબરખનાં ફોતરાં જેવી પાંખો થરક થરક થાય છે. કાલે રાતે ભાભીની ભ્રમરો આમ જ થરક થરક થતી હતી. આ લોકોને સેનીટેશનનો કોઈ કન્સેપ્ટ જ નહીં મળે ત્યાં! એટલે જ તો સોસાયટીમાં જવું પડ્યું. ગામમાં દાખલ થતાં પાદરે જ વાસીદાના છાણમૂતરથી વધાવતો ઉકરડો. નીક-નેળીની ગટરગંગાને ઓળંગતાં ઓળંગતાં ગમે એટલી કૅર રાખો પણ ફળિયામાં બાંધેલા એકાદ ડોબાનું છાણિયું પૂંછડું તો ભુવાની પીંછીની જેમ વાગે વાગે ને વાગે જ. બાને આ ડસ્ટબીનમાંથી કાઢવા બહુ તાણ કરી પણ કહે : મલવાનું મન્ન થાય તો આવી જજે. બાકી આ ખોયડું રેઢું મેલીને મ્હારથી અવાયબવાય ની. તોય બા અહીં રહ્યે રહ્યે જતા-આવતાને પડપૂછ કર્યા કરે : મારા ખુમાને ઘેર બધા હારા છે? બહુ તાણ કરું તો સવારે આવે ને સાંજે પાછી ઘેર : તમાર લોકનું આ ભારે ભારે અમને ની પચે!
તખુભાઈ આ વખતે બહુ ઈમોશનલ હતા. પણ મારે તો પેશન્ટ્સની હાજરીમાં ફોરમલ જ રહેવું પડે ને? એમના મનમાં ખાંચ પડી ગઈ છે. નખ અને વેઢા જેવું ડીસટન્સ પડી ગયું છે. આ બધી ‘ડૉક્ટરસાહેબ’ બની ગયા પછીથી મોંકાણ છે. બાકી હું તો બાલાપીરના ઓરસમાં હતો એવો ને એવો જ છું ને?
– કેવો ફુગ્ગો ચગાવવા દોડલો! બાધરબાઈ પટિયા પાડે. આંટી વાગી ગઈ તે ધૂળ ચાટતો થઈ જાઉં. તખુભાઈ ધૂળ ખંખેરી બેઠો કરે. જોઉં તો ચપટી જ ગુમ! આપણી ચપટી કૈં ફેવીકોલની ચપટી ઓછી હતી? ફુગ્ગો છૂટી ગયેલો. ‘બહુ વાગ્યું?’ કહેતાક તખુભાઈ ઘૂંટણીયે થૂંક લગાવવા માંડ્યા. આંગળી પાછી થૂંકવાળી કરવા ગયા તે મેં ના પાડી : મારું લોહી ને ધૂળ એમના મોંમાં ના જાય? એટલે કહે : તને કંઈ હમજણ ની પડે, ખુમા. વાગેલા પર કાં થૂંક લગાવ્યું પડે કાં પેશાબની ધાર કરવી પડે. થૂંક કેટલું એન્ટીબાયોટીક છે, એ તો પછી વાંચ્યું. ત્યાં તો બાધરભાઈનો ફૂગરાયેલો અવાજ આવ્યો : કાંસકી હોધી આલ ની તો પૈહા આલ! બા હસી પડી : અલાધીયા, ભાઈ પાંહે તે પૈહા મગાતા ઓહે? તે મોટાભાઈ ને તખુભાઈ આખા રસ્તે આંગળીની પંજેટીથી વાળ હોળતા જાય ને હસતા જાય, વાળ હોળતા જાય ને હસતા જાય.
બાધરભાઈને કાંસકી તો કદાચ યાદ નહીં હોય પણ છાણિયા શૂઝ તો સ્યોર યાદ હશે. થયું એવું કે બંદા પડ્યા. પડ્યા એટલે સ્લીપરની દટ્ટી તૂટી. દટ્ટી તૂટી ને ઉપર સૂરજ ધખે. ઉપર સૂરજ ધખે ને નીચે ધૂળ દઝાડે. હું તા તા થૈયા કરું. બા સપાટિયા ધરે. પણ જૂના જમાનાના સપાટિયા કોણ ભૂતોભાઈ હેરે? મોટાભાઈ સ્લીપર ધરે : મને ની દાઝે. આપણે બંદા પ્હેલવાન. અંહો બેઠક ને હાંઠ દંડ પીલીયે! પણ મસાણ વટતા વટતામાં તો ફુસ થઈ ગયા, સૂકાપાંખા ઘાસવાળી રસ્તાની ધાર શોધવા મંડ્યા. એટલે તખુભાઈ સ્લીપર કાઢી ગયા. પણ એય સામે વડ દીઠો એટલે દોડીને છાંયે પેઠા. પગે બાંધવા પાંદડાં ને ચીંધરડાં ખોળે. એટલે બાધરભાઈ આગળ આવ્યા : બધ્ધાને દાઝે પણ બંદાને ની દાઝે! અક્કલ બડી કે ભેંસ? કહેતા વડને છાંયડે વાગોળતા ધણ તરફ જાય. પોદળામાં પગ રગડે. બા મલકાય. ઓટીમાંથી કાઢી અક્કેક પીપરમીન્ટ આપે : ઘેર હુધી ચલાવવાની છે! વચ્ચેથી ઊપસેલી રાણીછાપ રૂપિયા જેવડી બાએ હથેળીમાં ચોંટાડીને મૂકેલી એ પીપરમીન્ટ નજર સામે તર્યા કરે છે.
આખ્ખું ઘર અધ્ધર શ્વાસે તાકી રહ્યું છે. બાના કપાળેથી માથા ગમી જતો ભાભીનો હાથ પણ અટકી ગયો છે.
– ચિંતાનું કારણ નથી. પલ્સ ઓ. કે. છે. ટેમ્પરેચર પણ નોર્મલ છે. ગૅસ હોઈ શકે. ઇન્જેક્શનથી ઈમીજીયેટલી રાહત થઈ જશે. પણ ચાન્સ લેવો નથી. ભરૂચ સેજવાણીને બતાવી દઈએ. મારી વાત સાંભળી ભાભીનો હાથ બાના માથે ફરવા લાગ્યો.
બાને સૌ વીંટાઈ વળ્યા છે. કાલે રાતે તો આ ઘર શતરંજની ચોપાટ જેવું લાગતું હતું. અત્યારે એ જ ઘર થરકતી દીવડી જેવી બાને ખોબલી થઈને વીંટાઈ વળ્યું છે.
ત્રીજી ભણિતિ : બાધર
દુકાન ખોલી ધૂપ-દીપ કરતો હતો ત્યાં ખબર આવી. મારા તો ત્રાજવા જ ઘડીભર હાલકડોલક થઈ ગયા. કાલ રાતની વાતથી જ બાને આવું થઈ ગયું. કાલે ખોટ્ટો હવાલો પડી ગયો. બા તો એક જ દા’ડામાં ખાતાવહી બંધ કરવા ઉતાવળી થઈ ગઈ. ‘પેટના પાકેલાઓને વેચી જ મારવું છે તો મારે શીદને આડે આવવું?’ એવું પાકું કરી લીધું લાગે છે. આ તો ‘વ્યાજ લેતા મુદ્દલ ખોઈ’ જેવા ઘાટ થયા.
– પણ મોટાભાઈને ઘર પર આટલો બધો ખાર કેમ ચડ્યો છે? કાલે તો ભાભી પણ ફેણ પછાડતાં હતાં. મનેય ન છોડ્યો? ગમે તેમ પણ આ ઘર કંઈ પેઢ-પાટિયાનું છાપરું નથી. આ તો આપણી જડ છે. ગણો તો બાપદાદાએ બાંધેલી રાખડીની ગાંઠ છે. થોડી ઘસાઈ છે, ઢીલી પડી છે, એ ખરું, પણ એમ તો નવી નવી મૂડી ના રેડતા રહો તો હર્યાભર્યા ઘટાદાર વડલા જેવી વેપારીપેઢીને સુધ્ધાં ફાનસ લટકાવવાના દા’ડા આવે.
– ઉંબરા પર જ તખુભાઈ ગુમસુમ ઊભા છે. એમનો ચહેરો ઊતરી ગયેલી કેરી જેવો પીમરે છે. અરે, આખું શરીર જ બેસી ગયેલા કાપડના તાકા જેવું લાગે છે. મોટાભાઈ બાના પગ ગમી ઊભા ઊભા નિરીક્ષણ કરી રહ્યા છે. એમની આંખો થોડી થોડી વારે ઝીણી થયા કરે છે. ખુમો બાનું કાંડું હાથમાં લઈ પલ્સ લે છે. એના હોઠ વચ્ચે વચ્ચે ફફડી ઊઠે છે. બધાથી ઘેરાયેલાં બા પલંગ પર ચત્તાં સૂતેલાં છે. એમના જમણા પગના અંગૂઠે કસીને દોરી બાંધેલી છે. આમેય બાનો કોઠો જ મૂળ વા’નો. ફતો ખરું કે’તો’તો. બાનું પેટ કેવું તસતસ થાય છે?
ખૂમાએ બાની જીભ તળે ગોળી મૂકી : બા, ધીરેથી ચૂસી જાવ. બાની બિડાયેલી આંખ ઑર જોરથી મીંચાઈ.
– ખુમા, આજ સુધીની બધી ગોળી બાને પાછી વાળી દઈશ, નૈં?
– હા, પણ એ બધી તો મીઠી હતી, ખુમો ફિક્કું હસ્યો.
અમારા બધામાં ખુમો પ્હેલેથી જ ટીકડી-ગોળાનો શોખીન. દા’ડામાં ચાર-પાંચ વાર ગાલ ફુલાવી, ત્રાંસી આંખે ટીકડી-ગોળા માટે આડાઈ કરે. કોઈ વાર લાલ લાઇનવાળા લખોટા જેવડા સફેદ ગોળા માટે, કોઈ વાર નારંગીની નાનકી ચીર જેવી ખાટીમીઠી માટે તો કોઈ વાર પીપરમીન્ટ માટે : ગયા ભવે મૂઓ મકોડો ઓહે! બા કંટાળીને ઢબુ પૈસો પકડાવતી. લઈ આવે એટલે અમને બોલાવવા મોકલે. ભૈસા’બ તણાતાં તણાતાં આવે ને કુંજરાતું કુંજરાતું બોલે. બા અમને પીપરમીન્ટ આપતી હોય ત્યારે ખુમાનો તોબડો ઑર ચડે : પૂરી થેઈ જહે! બા છણકો કરે : બેહ, બેહ, અ’વે એકલપેટા!
ખુમાને એક કટેવ. ગોળીના દાંતે કરી કકડા કરે. એક મોંમાં મૂકે ને બીજા ખીસામાં અમારી પૂરી થાય ત્યાં સુધી સાચવી રાખે, પછી એક-એક કરી ચૂસે. તે એક ફેરા ખરી થયેલી! ખીસામાંથી ખાટ્ટીમીઠ્ઠી કાઢવા ભૈસાહેબે હાથ ઘાલ્યો. તખુભાઈ આડું જોઈ ગયા. મેં ચાલવા માંડ્યું. ત્યાં તો ચીસ સંભળાઈ. ખુમો પંજો ઉલ્લૂ...લૂ...લૂ કરતો ઝંઝેરે. જોઉં તો વચલી આંગળીએ મંકોડો ચોંટેલો! ટેરવા પર કમાન વળી જઈને ડંખ બેસાડી દીધેલો. મોટાભાઈએ ઝપટ મારેલી. મંકોડાનો પાછલો ભાગ તૂટીને ભોંય પર તડફડવા માંડેલો. મોટાભાઈએ ચપટીમાં પકડી મોંઢું છોડાવેલું. દદડતી આંગળી મોંમાં નાંખી દીધેલી. પછી કાયમ હું આંગળીએ કરી હવામાં ‘મ’ લખું ને બોલું : ‘મ’ મંકોડાનો મ. મોટાભાઈ ને તખુભાઈ એ જોઈને જબરા હસે.
– પછી ડૉક્ટર લંચ પર ચાલ્યા જશે! ખુમો હાથ ખંખેરતો ઊભો થઈ ગયો. ભાભીએ એક હાથે બાનું માથું ઊંચું કર્યું. બીજા હાથે પીઠ ટેકવી. બા અધમીંચી આંખે ઊંહકારા ભરતાં બેઠાં થવા મથે. મોટાભાઈએ કેડે ટેકો કર્યો. ભાભી ને મોટાભાઈ કાંખઘોડી કરી બાને ગાડી પાસે લાવ્યા. બધાં ગાડીમાં ગોઠવાય એટલે ગાડી સ્ટાર્ટ કરું. આવ્યો છું ત્યારથી જોઉં છું જાણે બધા ખોવાઈ ગયા છે. હોઠ ભાગ્યે જ ફફડે છે પણ ચહેરા એડવર્ટાઇઝના તોતિંગ બોર્ડ જેવા થઈ ગયા છે. ધાણીની લાલ જુવાર જ લો ને? પહેલા પલાળીએ એટલે અંદર કશુંક ઝણકી ઊઠે પણ પછી એને વવઠાવીને રેતીવાળા તવામાં નાંખીએ એટલે ભૂંજાય જાય.
– ખાડાખબચાં જોઈને ચલાવ, મોટાભાઈનો અવાજ સંભળાયો. વિચારમાં ને વિચારમાં ખાડાનું ધ્યાન ના રહ્યું. હેડકી આવતાં આખું શરીર હચમચી જાય એમ ગાડી હાલક ડોલક થઈ ગઈ. મને ગમ્મત સૂઝી : કૂતરડો ફેરવવા નઈ મળેલો ને એટલે જરા કચાસ રહી ગઈ છે.
– કૂતરડો? મોટાભાઈના હોઠ ફફડ્યા. પછી જોખતાં જોખતાં ચપટી મોરસ ત્રાજવાની બ્હાર પડી જાય એમ મોટાભાઈના હોઠના ખૂણેથી હાસ્ય વેરાયું : તખુ, આને અત્તારે કૂતરડો સૂઝે છે! અરીસામાં જોઉં તો કાંણી ગુણમાંથી દદડી પડતા ચોખા જેવું હાસ્ય તખુભાઈના બીમાર ચહેરેથી દદડે.
મોટાભાઈએ હમણાં સ્ટીયરીંગ વળગાડી દીધું છે. પણ પહેલા તો કૂતરડો રેઢો ય પડવા દેતા ન’તા. શેરીને નાકેથી જ કૂતરડાનું ગુંજન સંભળાવા માંડે. ગેમલસિંહ બાપુની શાહી સવારીની જાણે છડી પોકારાય. કૂતરડો ફેરવીને થાકે એટલે કબાટ પાછળ, માળીયે કે ગોદડાની થપ્પી વચ્ચે સંતાડી દે. કૂતરડો ય પાછો એલ્શેસીયન જેવો. જાંઘે અડે એવડું પૈડું. સળિયાનો નીચલો છેડો પૈડાંને વીંટો મારેલો. સળિયાનો ઉપલો છેડો ગોળવાળી ‘ગવન્ડર’ બનાવેલો. તખુભાઈ એક વાર માંગી બેઠેલા. મોટાભાઈએ ડોળા કાઢી ધક્કો મારેલો : મોટી કૂતરડો માંગવા નીકળી છે, પ્હેલાં તળાવમાં મોં જોયાવ! બાપુજી સાંભળી ગયેલા ધૂંધવાઈને તમાચ મારી દીધેલી : ભાઈ કરતા કૂતરડો વ્હાલો છે? મોટાભાઈ કૂતરડો ફેંકીને ચાલ્યા ગયેલા. પછી આજની દાડી ને કાલનો દા’ડો કૂતરડો મૂંગો જ પડી રહ્યો. બાએ “કજિયાનું મોં કાળું” કહી કાતરિયામાં ફેંકી દીધો હતો. મોટાભાઈએ આમ તો ઘરનું સ્ટીયરીંગ પણ મને સોંપી દીધું છે પણ કાલ રાતના ભાભીના કવેણ પછી વિચારવું પડશે!
ભાગોળે રસ્તાના બે ફાંટા આવ્યા : જીનના રસ્તે કે બાલાપીરના?
ખુમાન હસી પડ્યો : બાલાપીરવાળો થોડો લૉંગ રૂટ છે, પણ છે સ્મુધ : આ રસ્તે જ બાલાપીરના મેળે જતા! ત્યારે તો કેટલું દૂર લાગતું હતું?
ધોમધખતો તાપ. આખા હાઈ-વે પર ચાંદીની રેપરના ટુકડા જેવા ઝાંઝવા આમતેમ ઊડતા રહ્યા. થળ, જળની જેમ લહેરાયા કર્યું.
– મસ્ત મીરર જેવાં ચમકે છે! બાજુમાં બેઠેલો ખુમાન ગણગણ્યો.
– હા, પણ એ પીવાના કે મોંઢુ જોવાના કામમાં નૈં આવે. પાસે જશો એટલા દૂર જશે! તખુભાઈ બોલી પડ્યા. ભરૂચ બ્રિજ આગળ ટોલનાકે ગાડી થોભાવું. ફેરિયાઓ ગાડીને ઘેરી વળ્યા : અસ્સલ ભરૂચી કાજ્જુવાલા. ખુમાએ સીંગદાણા લીધા. પણ તખુભાઈ કહે : સીંગ-દાણાથી મારું તો માથું ચડે! ચણા હોય તો લાવ. પાછળથી હંનહારો થતાં મેં હાથ લંબાવ્યો : ચણા? મેં માથું ધુણાવ્યું. તખુભાઈ કહે : હાથમાં આપું છું, મોંમાં નથી મૂકતો! નામ તો મોટું ‘બહાદુર’ છે ને ગભરાય છે શાનો? તખુભાઈનું કરમાયેલું મોં ખીલી ઊઠ્યું. મોટાભાઈના ચહેરા પર પણ મારકણું હાસ્ય રેલાયું.
બાએ ‘ચણા ચોરગરમ’ પાસે ચણા લીધેલા. પાંચ ઢગલી કરેલી. દરેકને અક્કેક આપેલી. હું તો મૂળે જથ્થાબંધ વેપારી એટલે ત્રણ બુક્કામાં બધા ચણા ઓરી ગયેલો પેટમાં. પછી ખુમા કને માંગ્યા : ચપટીક આલને. મારો ભાઈને? પણ ખુમો જેનું નામ. એ તો ભીંત ગમી મોં કરી ટેસથી એક ચણો ખાય ને પછી બચેલા ગણે, એક ખાય ને પાછો ગણે. એટલામાં તખુભાઈ ચણો મારા મોંમાં મૂકે. પણ ચણો તો મોંને બદલે પેંઠો નસકોરામાં. મોટાભાઈએ કાઢવા ટચલી આંગળી નાંખી તો અંદર ગયો. ગભરાઈને શ્વાસ લઉં તો ઑર અંદર જતો લાગે. મેં ભેંકડો તાણ્યો. બા દોડતી આવી. ખુમો નસકોરાં ગમી ઇશારો કરે : ઓ મ્મા, બાધરાન નાકમેં તો ચણો પૈહી ગીયો દેખું! હું થહે? મોટાભાઈ મને ખંધોલે નાંખી કાઝી ડૉક્ટરને ત્યાં દોડ્યા. હું તો જાણે જામનગરવાળાની મમરાની બાચકી! ઘડી આ ખંધોલે તો ઘડી પેલા ખંધોલે. કાઝી ડૉક્ટરે ચીપિયાથી ચણો કાઢી મારી હથેળીમાં મૂક્યો. બા ફીનું પૂછે તો નાકમાં ટીંચરનું પૂમડું નાંખતા કહે : તમારા સસરા ને મારા અબ્બાજાન અઝીઝ દોસ્ત. એટલે રૂપિયા તો નૈ લેવાય. પણ આ ચણો સોને મઢાવીને આપી જજો! અત્યારે પણ ધ્રૂજતી હથેળી વચ્ચે થરકતો ચણો દેખાયા કરે છે.
પાછળ જોવાઈ ગયું. ભાભી બાનો સાલ્લો સરખો કરતાં હતાં. હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં ગાડી ઊભી રાખું. અમારી સામે એકાએક અંધારી ગુફાનું મોંઢું ખૂલી ગયું.
ચોથી ભણિતિ : તખુ
ટાઇલ્સના ઝગારાથી આંખ ઝંખાય છે. બાફી નાખતી લૂ ફૂંકાય છે. હાડમાં પચી ગયેલા તાવે મન સોજી ગયું છે. ધૂળિયા વાયરામાં કચરાકસ્તર ભેગા પોલીથીન કોથળીના બલૂનો ઊડી રહ્યા છે. મોટાભાઈ ને બાધર સામે લીમડે બેઠા કંઈ વાતચીતમાં ગૂંથાયા છે. બાને સ્ટ્રેચર પર લઈ જતાં જોઈ બાધરથી બોલી પડાયું હતું : તખુભાઈ, જિંદગીના વેપારમાં છેલ્લે તો ખાલી બારદાન જ મળતર પેટે રહે છે, નૈં? આંગળીના વેઢે રમનારો આવું કેમ બોલ્યો હશે? બાનું શું નિદાન થયું હશે? બે આંટા માર્યા. ખુમો ડૉક્ટરની ઑફિસમાં બેઠો છે. બાને ઇન્વેસ્ટીગેશન માટે અંદર લઈ ગયા છે. બાધર કાનમાં ટચલી આંગળી નાંખી હલાવી રહ્યો છે. મોટાભાઈ ફરસ પર ઘડીએ પડીએ અંગૂઠો ઘસ્યા કરે છે. આંટા ચડી ગયેલા પેચાળા ઢાંકણ જેવી દશા છે. બધા ચિંતાથી રેબઝેબ છે.
ફતો દોડતો આવ્યો : બાન તો કંઈ કરતા કંઈ નથી થીયું! ડૉક્ટર કે’તા’તા : બધ્ધુ ઓલરાઇટ છે! ફતાનું મોં કેવું ઝળકે છે! મોટાભાઈ ને બાધર ઝપ્પ કરતા આવ્યા. લોબીમાંથી ખુમો આરામથી આવતો દેખાયો : ઍવરીથીંગ ઇઝ ઑલરાઈટ! નો પ્રૉબ્લમ, બ્લડ, યુરીન, એક્સ રે – બધા જ રિપોર્ટ નોર્મલ છે. ગૅસટ્રબલ હતી.
બાને મૂળે પ્રેશરની તકલીફ. એટલે હાર્ટ પર જરા પ્રેશર આવી ગયેલું. એનું જ પેઇન હતું. અમારી ભાષામાં એને એન્જાઈના પેકટોરીસ કહેવાય. મેં ઘરે આપેલી એ જ સોરબીટેટની ગોળી જીભ તળે મૂકી ચૂસવાની.
પરસેવે રેબઝેબ, થાકેલા, મ્લાન ચહેરા જાણે પહેલા વરસાદની વાછંટે છંટાઈ ગયા! ધૂળેટાં કરમાયેલાં ચહેરા ઘડીકમાં તો ખીલી ઊઠ્યા. પ્રકાશના એક શેરડાએ બુગદામાંથી નીકળવાનો રસ્તો દેખાડી દીધો!
– ખોટ્ટો ધકો થીયો ને? ફતુ બોલી પડ્યો.
– રીસ્ક લઈએ ને કંઈ થઈ જાય તો? ખુમો અચકાતો અચકાતો બોલ્યો.
– હું ડૉક્ટરને થેંક્સ કહી આવું. હિસાબેય સમજવો પડશે ને? એ હૉસ્પિટલ તરફ ચાલવા માંડ્યો.
અંતરિયાળ ખોટકાઈ ગયેલું સ્કૂટર માથે હાથ મૂકીને બેઠા હોઈએ ને છેલ્લી કીકે ચાલુ થઈ જાય ને એના ભૂખરા ધુમાડા ભેગી બધી ફિકર-ચિંતા ઊડી જાય એવું થયું.
સામેથી બા ધીરેધીરે ચાલતાં આવી રહ્યાં છે. મોટાભાઈ ને બાધર બા સામું અમસ્તું હસ્યા : ખુમો, બૉ ગભરાટીયો! રૂપિયા પાંચ અ’જાર(હજાર)ની ઉઠાડી! ચપટી હીંગથી મટી જાય એમ અતું.
ભાભી મોટાભાઈને ખૂણામાં લઈ જઈ કશી વાત કરવા લાગ્યાં. મોટાભાઈ વારેવારે માથું હલાવતા દેખાય. બાધર ખીસામાં હાથ નાંખી આંટા મારવા માંડ્યો.
ખુમો ડૉક્ટર સેજવાણી સાથે શૅક હેન્ડ કરી અમારી પાસે આવ્યો. એણે દવાનું પ્રીસ્ક્રીપ્શન ધર્યું : આ દવા જરા લાવવાની છે. કાલ સુધીમાં તો બાને એકદમ સારું થઈ જશે. બાધરને બેધ્યાન જોઈ મેં ખુમાના હાથમાંથી પ્રીસ્ક્રીપ્શન લઈ લીધું. ખુમો હસ્યો. પછી ઘડિયાળ સામે જોઈ ગણગણ્યો : હવે જરાય લેઇટ કર્યું તો સાંજની ક્લિનિક પણ બંધ રાખવી પડશે! પછી દાબેલા અવાજે કહે : એક બપ્પોરની અઢી હજારની ખોટ લાગે છે!
– તખુ સિવાય બધ્ધાનાં ધંધા-ધાપા બંધ છે! મોટાભાઈ ગણગણ્યા.
– મારે લીધે બધાને ઉપાધિ થેઈ! બા હસવા જેવું કરતાં ગાડીમાં ચડ્યાં. ગાડી હુંકાર કરી દોડી. આગળ ઝૂકી ઝૂકીને બોલાવતી દુકાનો પાછળ રહી ગઈ. ભીડ રસ્તાની સેંથી પડે એમ હોળાઈ ગઈ. વળાંક આંચકાભેર સીધા થઈ ગયા. પૂલ કૂતરાની જેમ થોડે સુધી દોડી મોંઢુ ઊંચું કરી અટકી ગયા. ઉજ્જડ ખેતરો ને એકલદોકલ ઝાડવાં હાંતૂટ દોડતાં રહ્યાં. વંતરીની અવળી પગલી જેવા ઝાંઝવા નાકની દાંડી લગી દોડતાં આવી આવીને અલોપ થતાં રહ્યાં.
ગામનો એપ્રોચ રોડ આવ્યો. બાધર કહે : જીનવાળા રસ્તે કે બાલાપીરવાળા રસ્તે વાળું?
– પેશન્ટ્સ રાહ જોતાં હશે. જીનવાળા રસ્તે જ લઈ લો!
દવાખાનું આવ્યું. ઉતાવળું હસી બાને લટકતી સલામ મારી ખુમો ઊતરીને ચાલવા માંડ્યો. પછી એકાએક યાદ આવ્યું હોય એમ બાધર પાસે આવ્યો : ગાડીના પૈસા તમે ચૂકવી દેશો કે પછી – બાધર નીચલા ખીસામાં હાથ ઘાલતાં કશુંક ગણગણ્યો. ગાડી સ્ટાર્ટ કરી. દુકાન આવતાં કહે : સવારની બંધ છે. એક રૂપિયાની બોણી નથી થઈ આજે તો! કે’તા હો તો ઘરાકી પતાવીને આવું. એ ઝડપભેર ઊતરી ગયો. ઘડીભર ગાડી જાણે તરછોડાયેલી પડી રહી. પાછલી સીટેથી ઊતરી મેં ડ્રાઇવર સીટ સંભાળી.
આથમી ચૂકેલી સાંજની ઘરાકીથી બજાર ખદબદે છે. ભીડને લીધે સાંકડો રસ્તો સાત સાંકડો થઈ ગયો છે. દુકાનો સિક્કાના ખણકાર જેવા કોલાહલથી ઝળહળી રહી છે. સવારની ઘટનાનો આછો અમથો ઓળો પણ વરતાતો નથી. સાંજનો આ સમય નવું ચિત્ર દોરવા રબરથી જૂનું ચિત્ર ભૂંસી નાંખ્યું હોય એવા કાગળ જેવો ભાસે છે. બાની અડખેપડખે ભાઈ-ભાભી અડોઅડ મૂંગામંતર બેઠાં છે.
ગાડી ઊભી રાખું ન રાખું ત્યાં ભાભી દરવાજો ખોલતાંક ઊતરી પડ્યાં : ઘરમેં તો તખુભાય ને બધાં મે’માન આઈવા છે. અ’મણાં આ પોયરા હો ખાવા હારુ કાંવ કાંવ કરી મેલ હે! ભાભી સીધાં રસોડા તરફ ગયાં. બહુ લમણાં ફાટે છે. અહીં ઓટલે જ ખુરશી પર બેસી જરા વીક્સ ઘસું. ઝમઝમાટથી સારું લાગે છે.
મોટાભાઈ બાને પલંગ પર બેસાડે : લાઇટ કરું કે આરામ કરહો? આછા અંધારામાં ઓળો સ્હેજ હાલતો ભળાયો : અઠવાડિયેથી દૂધ મંડળીમથી હિસાબ લેવાનો ર’ઈ જાય છે! એ ઊઠીને ચાલવા માંડ્યાં. ઝમઝમાટ ઠરી ગયો. લમણે વીક્સની ચીકાશ અણખત કર્યા કરે છે.
હું લમણાં દાબતો દાબતો બા પાસે બેસું : પેટે તો હારુ છે ને બા?
– પેટે તો હારુ છે પણ દૂટી પાકે એનું હું ઓહડ, તખા?
ખેવના : સપ્ટેમ્બર : 2૦૦૫