તખુની વાર્તા/રીવેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. રીવેટ

ભા’સાહેબના મગજમાં કાલનો બનાવ હજુ ગોઠવાતો નો’તો. લબડી પડેલા હેન્ડલવાળું થ્રેસર ભા’સાહેબને તાકતું ઊભું હતું. એમના રુદિયેથી હાયકારો નીકળી ગયો : મારા કલૈયાકુંવરનું કાંડું કયા નાલાયકે મરડી નાંખ્યું?

ભા’સાહેબે ચાવી ચાવીને દાંતણનો કૂચેકૂચો કરી નાખ્યો. બાવળના તૂરા તૂરા રસથી તાંબાના કળશ્યા જેવા દેખાતા એમના અધખુલ્લા મ્હોંનો વાન ઊઘડવા લાગ્યો. એમણે દાંતણનો કૂચડો ડાબેજમણે ઉપરનીચે ઝડપભેર ઘુમાવ્યો. કોગળા કર્યા. ઘળળ ઘળળ પરપોટા ઉડાડી ખંખોર્યું કર્યું : બધો કારસો કા’ભઈના ચડાવ્યે ચુનીયાએ જ કર્યો છે! ગાલ્લાના અ’ણીયા ગોઠવીને થ્રેસરને ઉતારવાનો આખો આઇડિયા જ એ ચૂંચાળાનો હતો! એ તો પહેલેથી લાંઠ છે ને! થૂક્યું ચટાવું તો જ ખરો! ભા’સાહેબ ઘરમાં ગયા. ફોન ઉઠાવી પાટીલ જમાદારનો નંબર લગાવ્યો. વાત પતાવી બહાર આવ્યા.

ભા’સાહેબના હોઠ ભિડાયા. ગળું ફૂલ્યું. એની નજર સામેના ઓટલે થાંભલાને અઢેલી અંગૂઠો પંપાળતા તખુ પર પડી : તખુ બેટા, અહીં આવ તો. તખુએ કતરાતી નજરે જોયું ન જોયું કર્યું. હજુ તો ગઈ કાલે જ ધરમ કરતાં ધાડ પડી હતી. થ્રેસર ઉતારતાં હાપટમાં આવી ગયેલો અંગૂઠો દેડકાના પેટની પેઠમ ફૂલીને ડેબરાઈ ગયો હતો. ભા’સાહેબે બુચકાર્યો. તખુ આરામથી ઊભો થયો. પૂંઠ પાછળ નજર કરતો કરતો ભા’સાહેબ પાસે આવ્યો. એણે થ્રેસર જોયું : રાજકુમારે કામરુ દેશના પોપટની પાંખ મરડી નાખી હતી…! ભા’સાહેબે તખુને કહ્યું : ચૂનિયા સુથારને કે’જે ભા’સાહેબ યાદ કરે છે.

ભા’સાહેબનું બાજુમાં ધ્યાન ગયું. વાઢી નાખેલા કૂકડાની કલગી જેવું દાંતણ પડ્યું હતું : હેન્ડલની મોંકાણમાં ને મોંકાણમાં સાલું ઉલ ઉતારવાનું રહી ગયું! ભા’સાહેબે દાંતણ ચીરી ઉલ ઉતારી સામે કા’ભઈના ઢાળિયા ઘર ભણી ઘા કર્યો.

સામેથી આવી રહેલા ચૂનીલાલે નોળિયા પેઠ ઘા ચુકાવ્યો. એની મરકતી નજર ભા’સાહેબને ભોંકાઈ. ભા’સાહેબે સફાળા, ધોતિયાનો છેડો ઘૂંટણની ફાટમાં દબાવ્યો. એમના હાથ વલવલવા લાગ્યા. એ ફંફોસવા લાગ્યા. ખુરશીનો પાયો પકડમાં આવતો નો’તો. એ ચૂનીલાલને તાકી રહ્યા. ઘડીભરમાં તો એમની લખોટી જેવી આંખો ચળકવા લાગી. ચૂનીલાલ ખેંચાઈ આવ્યો. કાંડું ઝાલી ભા’સાહેબ ઊભા થયા, જાણે બળેલું લાકડું હાથમાં આવી ગયું. એ ખુરશી પર બેઠા. ચૂનીલાલ ઓઝપાઈ ગયો. એકાએક કંઈ યાદ આવી ગયું હોય એમ એ બે ડગલાં પાછળ હટ્યો, હાંફળાફાંફળા પગથિયાની ધારે ચંપલ ઘસ્યા. ધાર પર કાચીંડાની ટટ્ટાર ડોક જેવો છાણયો ખૂંટો ફૂટી નીકળ્યો :

આંખની લખોટીમાં ચંપાયેલા પતંગિયાની રૂપેરી પાંખ ધરુજવા લાગી. ભા’સાહેબે પોપચાં ભીડી લખોટીને ડાબડીમાં પૂરી દીધી. પણ પતંગિયાની પાંખ થરકે…કીકીના કીરિયા તબકે... તાંતણિયા શીંગ ફૂટે… નાસિકાનાળ ભેદે… મસ્તકની જાળ છેદે… ઘડી આ ભીંતે ઊડે તો ઘડી પેલી… ઘડી આ છાપરે બેસે તો ઘડી પેલા… ઘડી આ ફળિયે મંડરાય તો ઘડી પેલા…ઘડી ભોંયે પાંખ પસારે તો ઘડી આભલાના ફૂલ ચાંદલિયે...ચાંદો તો મધની ટોટી, ચસચસ ચૂસે...સળવળ થાય... જુએ તો ગરોળીનું મોં...તપખીરિયા અંધારે અમળાય… પાંખ ફફડે...

🞄🞄🞄

– ભા’ રીવેટનું પૂછું છું કા’રનો… આને પતરાની પટ્ટી લેઈ રીવેટ મારી દીયે મારું માનો તો....

ચૂનીલાલનું બોખું મોઢું ખડખડ કરતું પહોળું ને પહોળું થાય… ભા’નું માથું ધૂણે... હાથપગ ફફડે... ખુરશીના ખોળામાં કોકડાય…

– રીવેટ? રીવેટ. હા…ના…હા… આ ભા’સાહેબ થોથવાયા… ચૂનીલાલની ચળકતી આંખોમાં તણાયા… : રીવેટ... રીવેટ...

🞄🞄🞄

બંને જણ સંગાથે નિશાળે જાય. ચૂનિયો ભણવામાં એક ચોપડી આગળ ને ચાલવામાં ય ડગલું... પોતે ભણવામાં એક ચોપડી પાછળ ને... ચૂનિયાએ એના એકાના ઘડિયા લખી લાવવા એને સિલેટ આપી. સિલેટના પાટિયા પર ચારે ખૂણે તો કંઈ જબરી રીવેટ ચમકે છે ને! માનાને રઢ લાગી : ચૂનુભાય, મને હો રીવેટ મારીયાલો ની? ચૂનિયાએ શરત મેલી : પે’લા મને રીવેટ મારવા લાગવી પડહે. આલ વચન. ચૂનિયાએ હાથ ધર્યો. માનાની આંખ ચમકી ઊઠી. ચહેરો રતુંબડો થઈ ગયો. એણે ચૂનિયાના હાથમાં હાથ મૂક્યો. ચૂનિયો અધપાકેલા ટામેટા જેવી માનાની હથેળી દબાવવા લાગ્યો. માનાની હથેળી ઝમવા લાગી.

ચૂનો બોલતો સંભળાયો : માનભા, એક ફેરા વચન આઈલું એટલે આઈલું, પછી ફેર ની પડવો જોઈએ. માનાએ ચૂનિયાની હથેળી દબાવી. સાત્તુડિયા રમતા તેની ઠીકરી જ જોઈ લ્યો! માનાની હથેળી કચડાવા લાગી. ચૂનિયો માનાની આંખમાં આંખ પરોવી બોલ્યો : ખોલકીનો ઓહે તો વચન તોડહે, રાણીનો ઓહે તો વચન પાડહે! બોલ, રાણીનો કે ખોલકીનો?

– રાણીનો.

– બોલ, ગરાહિયાનો કે ડૂચાનો?

– ગરાહિયાનો.

– બોલ, હાચા ગરાહિયાનો કે ગાભાપુરના?

– ચૂનુભાય, ગાભાપુરના ગરાહિયા કેવા ઓ’ય? માનો ગૂંચવાઈ ગયો.

– અલા, ગાભાપુરના ગરાહિયાની ખબર ની મલે? પણ હાંભળ, રીવેટ બનવું પડહે, પછી હા-ના ’ની ચાલહે.

માનાએ માથું ધુણાવ્યું.

– હાંભળ, ગાભાપુર કરીને એક ગામ. ગાભાપુર એટલે ખબર ને કેઉ ગામ તે? માનાએ પાછું માથું ધુણાવ્યું. – લા, ઢોચકુ ના અ’લાવ. હાંભળ. ગાભા લોક તે સઈ... દરજા...અ’વે ટેલર લખાવતા થીયા છે એ વૈણ. પડી હમજણ? તે એમને થીયુ કે, અમે હો ગરાહિયા વળી. તે અમે હુ કામ ગરાહિયા ની?

– તે એ બધાએ તો ગામના રાજા પાહે રાવ ખાધી : રાજાસાયેબ, રાજાસાયેબ, પૂરા પ’નાનો નિયાય કરજો. અમે હો ગરાહિયા જ કે ની?

– તે ગામના રાજાને તો જબરી ગમ્મત થેઈ. પેલી કે’તી છે ને કે, રાજા વાજા ને વાંદરા.

– તે રાજાએ તો ગામને ચોરે દરબાર ભઈરો, એક એક કરી બધ્ધાયને ફેંટા બંધાઈવા ને ઉપ્પર નવાઈની કલગી ચોંટાઈડી. કંકુચોખાના ચાંદલા ચોઈડા. ગલોફે પાનનું એક્કેક બીડુ ખોઈહુ ને આપડા નાગલા વેઠિયા જેવા કોઈ પાંહે હાદ પડાઈવો : આજથી આ બધ્ધાયને મારા ગાભાપુરના ભાયાત માનજો જ તે!

– થવા કાળ તે વળતે મંઈને અંદાદનો સૂબો ચડી આઈવો. રાજાએ તો બધ્ધા ભાયાતોને કે’ણ મોકલા. ગાભાપુર હો કે’ણ પોં’ઈચુ. તે હઉ મૂંઝાયા. લડાઈની કંઈ કે’તા કંઈ પેક્ટિસ ની મલે. હવે વિચારમાં પઈડા : હુ લેઈને જહુ?

– એક કે’ – ઉં તો આ કાતર જ તરકડાના પેટમાં ખોહી ઘાલા!

– બીજો કે’ – ઉં તો આ ચીન્ધી હો’ઈ જ મુગલાના ઢગરાંમાં ઘોંચી ઘાલા!

– તીજો કે’ – ઉં તો આ ગજે ને ગજે અરબાના ઢોચકાં ફોડી લાખા!

– ચોથો કે’ – ઉં તો દોરે ને દોરે બાંડિયાને હજડબમ બાંધી દેહા!

– પછી તો બધા પ્હોંઈચા રાજાને તાં. કરમજોગે પ્હેલે દા’ડે લડવામાં આપડા આ ગાભાપુરના ગરાહિયાનો જ વારો નક્કી થીયો. તે ગાભાપુરના ગરાહિયા તો પ્હોંઈચા સૂબાની રાવટીની હામ્મોહામ. રાત પઈડી. હઉ લેનસર હૂતા. પ્હેલા નંબરને થીય – આપડે છેલ્લે લડીહુ. આ જરી કાછબટન કરી લીયે. ઉતાવળ હુ છે લડવાની? એટલે એ તો બિસ્તરા-પોટલા લેઈ પલટણને છેડે ગેઈને હૂતો.

એ જોઈને બીજો વિચારમાં પઈડો : આ જીરી રફુ કરી લીયે. બાકી લડવાથી કોણી બીએ છે, મારો ભૂતોભાઈ!

– ને એમ હવાર થતા હુધીમાં તો આખુ લાવલશકર પાછુ ગાભાપુરના ગોંદરે આવી ગીયું!

ચૂનિયાએ આંખ મીંચકારી : અ’વે બોલ. હાચા ગરાહિયાનો કે ગાભાપુરના?

માનો ટટ્ટાર થઈ ગયો : હાચા ગરાહિયાના પેટનો, હાચા.

– એમ? તો તું હાચા ગરાહિયાના પેટનો, એમ ને? ચૂનિયાએ ખિખિયાટો કર્યો. ખાખી ચડ્ડીના બટન ખોલ્યા. પૂપી કાઢી : લે પકડ!

માનાનું મગજ બ્હેર મારી ગયું. હાથ કોકડાઈ ગયો. મુઠ્ઠી વળી ગઈ.

ચૂનિયાની પૂપી. નાનું ડેંડવું. ઝીણું રેશમિયા ચળકે. કાચિંડાની પેઠમ ડોક ઊંચી થાય... નીચી થાય... ફૂલે... ચીમરાય... ફૂલે....

ચૂનિયો પૂછી રહ્યો હતો : બોલ, હાચા ગરાહિયાનો કે ગાભાપુરના?

ચૂનિયાની નજરનો કાળો દોરો માનાની ભૂરી કીકીના કીરિયામાં ઊતરવા લાગ્યો : નક્કી આજે પારખાં થેઈ જવાના તારા લો’યના! ગરાહિયાનું છે કે ગાભલાનું?

માનાએ આચમન મૂકતો હોય એમ પૂપી પકડી લીધી.

– રીવેટ મારી! રીવેટ મારી ચૂનિયાનો આખો જનમારો ધનધન થઈ ગયો. માનાની આંખ આગળ વચન ખાતર ચાંડાલનો નોકર બનેલો નટવર ભાથી તરવરવા લાગ્યો. કાળી પોતડી. ડાબેજમણે પ્હોંચે મેશના ચળકતા લિસોટા. જમણા કાંડે લોઢાનું કડું. ગાલ કાળી મેશથી તગતગે. કપાળે ઊભો કાળો લીટો.

– ઉં સતવાદી રાજા હરીશચંદ! પ્રાણ જાયે… નટવર ભાથીનાં ફોંયણાં ફૂલતાં હતાં.

માનો બબડ્યો : પણ વચન ન જાયે.

હાથમાં કંઈ સળવળ સળવળ થયું. ગલીપચી થવા લાગી. રબરની ઢીંગલીને દબાવતો રહ્યો. પેશાબની કમાન જેવી ધાર. તડકામાં મેઘધનુષ પડતા હતા...

ચૂનિયાએ સમ્રાટનેય ભુલાવે એવી અદાથી પેશાબ કર્યો. ધાર ઢીલી થતી થતી સાવ કોકડાઈ ગઈ. માનાના દીવાની જ્યોત જેવા ટેરવે ટીપું ચળકતું હતું.

– રીવેટ! ચૂનિયો હસ્યો.

માનાએ ચડ્ડીએ આંગળી ઘસી નાખી. કાચની કણી પેસી ગઈ હોય એમ સીસકારો નીકળી ગયો. ચૂનિયાએ બટન વાખ્યાં.

– ગામના ભા’નો નબીરો પૂપી પકડે તબ યે ચૂનીબાચ્છા પેશાબ કરે!

એણે આંખ મીંચકારી. માનાને કુવેચ પકડી લીધી હોય એવું લાગ્યું.

– ભા’સાહેબ, કે’તા હો તો હેન્ડલને પતરાની પટ્ટી લગાવી રીવેટ મારી દઉં? ચૂનીલાલ પૂછી રહ્યો હતો.

ભા’સાહેબ આંચકાભેર ખુરશીમાં બેઠા થઈ ગયા. રૂપેરી પતંગિયાની પાંખો હવાના હેલારે આમતેમ રઝળતી હતી. એમની આંખની લખોટી ચળકવા લાગી. એમણે પાંચિયાને હુકમ કર્યો : ભાઈ ચૂનિયાને ડોલ પાણી આપ. એમણે પગથિયાં ભણી નજર ફેંકી. પાંચિયો દદૂડી પાડતો ઝડપભેર આવ્યો. ભા’સાહેબની નજર અથડાતાં અચકાયો. ફેર ફરી ચૂનીલાલ સામે ઠપકારાભેર ડોલ મૂકી. રાખોડી દોરી ચૂનીલાલને વીંટાઈ ગઈ. ભા’સાહેબે જાણે ચોકી બાંધી દીધી. ચૂનીલાલ ફફડી ઊઠ્યો. ચાવી ચડાવેલા રમકડાની જેમ ઊઠ્યો. ડોલ લીધી. છાલક મારી. ગોબરકાચિંડાનું ડોકું મરડાઈ ગયું... તૂટી ગયું... ઓગળતું ઓગળતું તણાવા માંડ્યું... બધું સાફ કરી ચૂનીલાલ ઢીલે પગલે થ્રેસર ભણી જવા લાગ્યો. એના ચહેરા પર ઊડેલા ગોબરના છાંટા કટાયેલી ગોળ માથાળી ખીલીની જેમ જડાઈ ગયા. એના ધોતિયાની કોર પીળીપચ થઈ ગઈ. ભા’સાહેબ મલકાયા : હજુ ગણેશ નથી માંડ્યા તે ફેરા ક્યારે ફેરવશો?

– રીવેટ! ચૂનીલાલનું મોઢું વલ્લુ થઈ ગયું.

– ગામ આખાના રીવેટ મારવાનું હવે મેં જ રાખ્યું છે, ભાઈ ચૂના. તું તારે હાથો જ બદલી નાખ. : ભા’સાહેબ બોકાસો ખાતા હસ્યા. ભા’સાહેબે જોયું : રૂપેરી પાંખો ચૂનીલાલ ભણી ઊડી. ઊડીને ચૂનીલાલના નાકને ટોચકે જઈ ચોંટી. ચૂનીલાલને નસકોરામાં નક્કી અણખત થઈ હશે. એટલે જ તો નસકોરું મસળે છે.

ચૂનીલાલે ખાખી થેલો કોંટાથી પ્હોળો કર્યો. હાથ નાખી મોઢું જાણે અંદર ઘાલી દેતો હોય એમ ઝીણી આંખે ખોળવા માંડ્યું. કશો મંત્ર ભણતો હોય કે પોતાની સાથે જ વાત કરતો હોય એમ એના હોઠ ફફડવા લાગ્યા. થેલામાંથી લાકડાના કટકા, વાંસલો, ફરસી, કોણિયું, લીટી, રંદો ને કરવતી કાઢ્યાં. અંગુછાથી હળવે હાથે સાફ કર્યાં. ભક્ત પૂજા-અર્ચા માટે દેવલાં ગોઠવે એમ કાળજીથી ગોઠવ્યાં. કાન પરથી પેન્સિલ કાઢી. થ્રેસર પાસે જઈ હેન્ડલ સાથે લાકડાનો કટકો ગોઠવી માપ લીધું. ભા’સાહેબ મરકતી નજરે જોઈ રહ્યા હતા : ભાઈ ચૂના, લાકડું શાનું છે?

જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ ચૂનીલાલ પીળો પડી ગયો : પિયોર, પિયોર લીમડાનું, ભા’સાહેબ!

ભા’સાહેબે અંગૂઠો તર્જની પર ચડાવ્યો : લ્યા પાંચિયા, સાંભળ વાત. દૂધ ભેળસેળિયું આવે, ડી.ડી.ટી. ભેળસેળિયો આવે, અરે માણસ ભેળસેળિયો આવે પણ લીમડો ભેળસેળિયો સાંભળ્યો છે કદી?

ચૂનીલાલ કંઈક ખોટું થઈ ગયું હોય એમ હસ્યો. એનું મોઢું વલ્લુ રહી ગયું.

– ભાઈ ચૂનાના મોઢે લાપી પૂરવી પડશે, કેમ તખા? ભા’સાહેબે હોઠ મરડ્યા.

તખુથી હસવું રોકાયું નહીં. એ ઠૂમકું દઈને હસી પડ્યો.

– સાગનું વાપરતાં શું ગોદો વાગે છે? તારા મનથી ભા’ મફતિયું વૈતરું કુટાવશે.

– ના બાપલા, આના તે કૈં પૈસા હોતા હશે? ચૂનીલાલ કગરી પડ્યો.

પાંચીયો ભેદી નજરે જોઈ રહ્યો : ચૂનો ભોળા ભાભો થાતેલો. ગામાત ઝાડવા કપાવતેલો.

ચૂનીલાલ બીજી બાજુ ફરી ધોતિયાના છેડાથી મ્હોં લૂછવા લાગ્યો. એની સામે પાદરનો આંબલો તરવા લાગ્યો :

વાત એમ હતી કે ગામમાં વાત ઊડી હતી. હજુ તો ગઈ ચૌદસ – અમાસની જ વાત છે. મંગળવારી ચૌદસ પર અમાસ બેઠી હતી. ભારે દહાડો હતો. ધધરી વેળા પાંચિયાનું લોંઠુ, એના કહેવા મુજબ, આંબલાના થડિયે એકી કરવા ગયું. તે થડિયાની બખોલમાં એના પેશાબની ધાર ગઈ ન ગઈ ને દીવો પેટી ઊઠ્યો. લાલ દીવેટ ને ભૂરી શગ. મૂતરવાનું મેલી એ તો મુઠ્ઠી વાળી નાઠો. નાઠો તે સિધ્ધો ગામને ચોરે. પછી તો વાતનું વતેસર થયું. એક કે’ – ટગલી ડાળે અધરાતે ડોહીના હીંચકાનો અવાજ ચોખ્ખોચટ હંભળાય : ભા’સાહેબ આંટો મારીને આવી રહેલા – તે ચૂનીલાલ સામે જોઈ વાઘમુખી મૂઠવાળી લાકડી હલાવવા લાગ્યા. ચૂનીલાલે ડબકો પૂર્યો : ગયા નવરાતરની આઠમે લાલ ચૂંદડી ફરફરાવતી કોઈ છનછન કરતી આંબલાની બખોલેથી નીકળતીક ને તળાવમાં ઊતરી જતી મેં મારી સગ્ગી આંખે જોઈ છે.

– આ ચરિતરનું કંઈ કરવું પડશે, બોલતાં બોલતાં ભા’સાહેબે ચાલવા માંડ્યું. બીજે દહાડે લોકોએ જોયું તો આંબલો થડેથી વહેરાઈ ગયેલો, બિહામણું કબંધ. પહેલાં તો ઘેટાંબકરાંને ઉજાણી થઈ. દહાડો ચડતો ગયો તેમ તેમ ડાળખાંપાંદડાં ચીમળાવા સુકાવા લાગ્યાં, રઝળવા લાગ્યાં. સાંજ થતાં થતાં તો લોક બચ્યુંખચ્યું બધું જ એકળબેકળ તાણી ગયું. ધીરે ધીરે બધું જ થાળે પડી ગયું. ખાલી ચૂનીલાલના ઉકરડાનું પેટ આફરો ચડ્યો હોય એમ ડેબરાઈ ગયું હતું. ચૂનીલાલ વાડામાં જતો ત્યારે અતડો અતડો આઘો આઘો રહ્યા કરતો જણાતો. ઉકરડામાંથી આવતી ખટૂમડી વાસ એને આકળવિકળ કરી નાખતી. એને યાદ આવ્યું : ભા’સાહેબની બગલ પણ આવું જ પીમરે છે.

ચૂનીલાલે જોયું તો ભા’સાહેબ બગલ ઘવડતા ઘવડતા હસતા હતા. એમનું મોઢું પ્હોળું ને પ્હોળું થતું જતું હતું. ચૂનીલાલ કાચબાની જેમ સંકોડાતો સંકોડાતો ઊઠ્યો : લેતો આવું, કહેતાં ઘર ભણી અડફેટ મૂકી.

ચૂનીલાલ ગયો ન ગયો ને પાછો આવ્યો. થ્રેસર પાસે જઈ હેન્ડલ સાથે લાકડાનું માપ લીધું. કાન પર ખોસેલી પેન્સિલથી નિશાની કરી. લાકડા પટ્ટીને ખીલી જડીને બનાવેલી લીટીને લાકડાના કટકા પર જોરથી ઘસી લાઈનનો આંકો પાડ્યો. રંદો લઈ હળવે હાથે આગળપાછળ ચલાવ્યો. વાંકુડિયાં છોડાં રંદામાં ઊગી નીકળ્યાં. ફરસી લઈ વાંસલાના બૂધાંથી ઠપકારી ઠપકારી હાલ તૈયાર કરી. ને એમ ઘડીમાં તો હેન્ડલ તૈયાર. થ્રેસર તો પાછું જરાસંઘની જેમ હતું એવું ને એવું થઈ ગયું. ખાલી હેન્ડલ જ થ્રેસરથી અતડું પડી જતું હતું. માણસને પ્લાસ્ટિકનો હાથ ચોંટાડ્યો હોય, અદ્દલ એવું.

ભા’સાહેબ હાથાને કટાણી નજરે જોઈ રહ્યા : ભાઈ ચૂના, આના કોઢનો કંઈ ઇલાજબિલાજ છે?

– કાલે પૉલીશ મારી દેશ! ચૂનીલાલ ફર્શ પર હથેળી ઘસવા લાગ્યો.

– બાપા, પોલિસ! ચૂનીલાલના લોંઠાનો અવાજ ફાટી ગયો. એ ભા’સાહેબના પગથિયે જ ગડથોલું ખાઈ ગયો.

– હેં! ચૂનીલાલના ડોળા ચકળવકળ થવા લાગ્યા. એના હોઠ સુકાવા લાગ્યા. એની ધોળી રાખોડી જીભ હોઠ પર મરડાવા લાગી. એના હાથ પડખાંમાં સંકોડાવા લાગ્યા. એના પગનાં આંગળાં વળીને જાણે ફર્સમાં ખૂંપી ગયાં. એકાએક આંચકાભેર એ ઊઠ્યો. એણે ધોતિયાનો છેડો મુઠ્ઠીમાં ઝાલ્યો. મોટી ફલાંગ ભરતો એ ઘર ભણી દોડ્યો. બાજુમાં પડેલો થેલો પગમાં અટવાયો. ઝાટકાભેર દૂર ફંગોળાયો. થેલામાંનો પતરાનો ડબ્બો ખૂલીને ઊંધો પડ્યો. ચોમેર ભૂરી ભૂરી રીવેટો ખીલી, ખીલા, સ્કૂ સાથે ઊછળી, દડી, અથડાઈને છપ્પા ખાઈ ગઈ. ચારેબાજુ બસ રીવેટો જ ચળકતી હતી. ફરસને જાણે એક સાથે અનેક આંખો ફૂટી નીકળી. ચૂનીલાલનાં ચંપલ ખૂણે પડ્યાં હતાં. ઓજાર એના ચીંથરવીંથર વાળની જેમ આમતેમ પડેલાં હતાં. થેલી ઊંધમૂંધ હતી. છોલ આમતેમ રઝળતાં હતાં.

ભા’સાહેબનું મુખમંડલ ખીલી ઊઠ્યું : હોજરી તો કીડીની ગાંણ જેટલી છે ને આખેઆખો આંબલો હજમ કરવો હતો! એ વાઘમૂઠ લાકડી ઠપકારતા ઊભા થયા : ચાલ પાંચિયા, પંચકેસ પર સહી કરવા સાહેદ તો જોઈશે ને?

ગદ્યપર્વ : મે 2૦૦૩