◼
૧૧. રુક્મિણીહરણ (માધવદાસ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
ગુજરાતી ભાષામાં નારી જે પ્રકારના પુરુષને પરણે છે એને માટે નોખા નોખા શબ્દો છે; જેમાં ક્યારેક સમાજમાં નારીનો દરજ્જો સૂચવાય છે, તો ક્યારેક એનું સ્વાતંત્ર્ય સૂચવાય છે. નારી કુંવારા પુરુષને પરણે ત્યારે પુરુષ ‘પંથવર’ કહેવાય છે, બીજી વાર પરણતા પુરુષને ‘બીજવર’ કહેવાય છે અને પોતાની ઇચ્છા પ્રમાણેના પુરુષને નારી પરણે છે ત્યારે પુરુષ ‘ઇચ્છાવર’ કહેવાય છે. સ્વયંવરમાં તો ઘણાંમાંથી એકની પસંદગી કરવાની હોય છે પણ ઇચ્છાવરમાં તો ઇચ્છેલા પતિને કોઈ પણ રીતે મેળવવાનો હોય છે અને તે ત્યાં સુધી કે સ્ત્રી ઉપર રહીને ઇચ્છેલા પુરુષ દ્વારા પોતાનું હરણ કરાવવા પણ તત્પર થાય છે. આપણી ઘણી બધી પારંપારિક કથાઓમાં આવા અલગ અલગ વિવાહો છે. પણ ઇચ્છાવરનો વિવાહ કહેતા તો તરત જ કૃષ્ણ સાથે સંકળાયેલો રુક્મિણીહરણનો કિસ્સો યાદ આવ્યા વિના ન રહે. રુક્મિણીહરણ પર ઘણાં બધાં કાવ્યો લખાયાં પણ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં માધવદાસનું ‘રુક્મિણીહરણ’ સ્મરણમાં રાખવા જેવું છે. આમ તો મધ્યકાળમાં છ જેટલા માધવદાસ કવિઓ મળે છે પણ ‘રુક્મિણીહરણ'ના કર્તા માધવદાસ ૧૭મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા છે. મૂળે અંકલેશ્વરના વતની પણ પછી સુરતમાં જઈ વસેલા આ સુંદરદાસના પુત્ર માધવદાસે ‘દશમસ્કંધ' અને ‘આદિપર્વ’ જેવાં કાવ્યો રચ્યાં છે. પણ - છપાયેલા સ્વરૂપમાં તો ‘દશમસ્કંધ"ના ભાગરૂપ એની ‘રુક્મિણીહરણ’ ‘લક્ષ્મણહરણ’ અને ‘ઓખાહરણ’ એમ ત્રણ રચના મળે છે. આમ તો આ બધી અલાયદી રચનાઓ નથી પણ ‘દશમ સ્કંધ’નો ભાગ હોવા છતાં એની માવજત સારી રીતે થઈ છે અને અલગ રચનાઓ તરીકે ટકી શકે તેવી છે. ‘આદિપર્વ'માં માધવદાસે લખ્યું છે કે, ‘કાલગ્રેહે લેહેર કરો’ એથી એવું માની શકાય કે માધવદાસને કોઈ કારણસર કેદ કર્યા હશે? પરંતુ આપણા મધ્યકાલીન કવિઓ અંગે કશું પ્રમાણ મળવું મુશ્કેલ છે. ‘રુક્મિણી હરણ’નું મૂળ વસ્તુ તો નાનું છે. વિદર્ભ દેશના રાજા ભીમકરાવની પુત્રી રુક્મિણી કૃષ્ણનો મહિમા જાણીને ઇચ્છાથી કૃષ્ણને વરવા તૈયાર થાય છે. પણ રુક્મિણીનો મોટો ભાઈ રુમૈયો પોતાની બહેન રુક્મિણીને શિશુપાલ જોડે પરણાવવા ઇચ્છે છે. રુક્મિણી કૃષ્ણને ગુપ્ત તેડું મોકલે છે અને કૃષ્ણ આવીને રુક્મિણીનું હરણ કરી જાય છે આટલી નાની કથાને માધવદાસે વર્ણનો દ્વારા બહેલાવી છે. પરંપરાગત વર્ણનોમાં કવિ માધવદાસે પોતાનો થોડો રંગ પૂર્યો છે. નગરરચનાનું, શિશુપાળની જાનનું, કૃષ્ણનું, રુક્મિણીનું, રુક્મિણીના મોહિની સ્વરૂપનું, રુમૈયાના કૃષ્ણ સામેના યુદ્ધનું એમ જુદું જુદું વર્ણન કથાને તાદેશ કરે છે. કુલ ૧૭ કડવાંની આ રચના છે. શરૂના કડવામાં મંગલાચરણ પછી હળધર રૈવંતરાયની દીકરી રેવતીને પરણ્યા તો કૃષ્ણ રુક્મિણીને પરણ્યા - એનો સંદર્ભ આપી કવિ કહે છે : ‘હાવે રુક્મિણી પરણ્યા જાદવરાય તેહનો મુજને કહું ઉપાય’ આ પછી વિદર્ભ દેશના રાજાનાં પાંચ સંતાનોમાં મોટા રુકમૈયાનો ઉલ્લેખ ફરી દર્શાવવામાં આવે છે : ‘પુત્રી એક રુક્મિણી અવિધાન વિવાહ જોગ હતી રાજાન' બીજા કડવામાં બ્રાહ્મણમુખે ગુણ સાંભળ્યા પછી રુકિમણીને કૃષ્ણને પરણવાની લેહ લાગે છે : ‘૨મતાં જમતાં સૂતાં સહી કૃષ્ણ રુદેથી મૂકે નહીં' પણ રુક્મિણીએ મનથી ભલે યદુનાથ કૃષ્ણને પસંદ કર્યા, રુક્મિણીનો ‘બાંધવ અન્ય વિચારે વાત’. બાંધવ રુમૈયો તો દમઘોષના પુત્ર શિશુપાલન બનેવી બનાવવા માટે પસંદ કરે છે. ત્રીજું કડવું રુક્મિણીની મનઃસ્થિતિનું છે એને થાય છે કે મેં ક્યાં અપરાધ કર્યા છે કે ‘થયો વેરી મુજ બાંધવ પાપી' પણ રુક્મિણી નિર્ધાર કરે છે કે ‘સ્વામી મારે એક તું વૈકુંઠનાથ’ રુક્મિણીના મનમાં ઊગેલા કૃષ્ણ કેવા છે? ‘શુભ પીત વસન તન વનમાલી, કર્ણે કુંડળ વેણ રસાળી’ રુક્મિણી નિશ્ચયપૂર્વક બ્રાહ્મણને પોતાનો પત્ર આપી દ્વારકા ભણી કૃષ્ણ માટે રવાના કરે છે. ચોથું, પાંચમુ, અને છઠ્ઠું- એમ ત્રણ કડવાં બ્રાહ્મણ, કૃષ્ણ પાસે રુક્મિણીની ઊભી થયેલી સ્થિતિ સમજાવી પત્ર આપે છે, એમાં રોકાયેલાં છે. સાતમા કડવામાં ‘સ્વસ્તિશ્રી દ્વારાવતી દેશ’ એવો મધ્યકાલીન ગુજરાતી પદ્ધતિનો પત્ર રચાયો છે. આ પત્રમાં રુક્મિણી સ્પષ્ટ કરે છે ‘તાહરા ગુણની એવી રીત / અન્ય પદાર્થ નહીં પ્રીત’ એટલું જ નહિ પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનું હરણ કેમ અને કેવા સંજોગોમાં કરવું એની યુક્તિ પણ કૃષ્ણને બતાવે છે. પરણતા પહેલાં નગર બહારના અંબિકામન્દિરમાં પૂજા કરવા જાય એવો રિવાજ છે એનો ઉપયોગ કરી લેવાની વિનંતી કરે છે. આઠમા કડવામાં કૃષ્ણ બળદેવ સાથે દળ લઈને આવી પહોંચે છે તો નવમા કડવામાં શિશુપાલ પણ સૈન્ય સાથે કન્યા વરવા આવી રહ્યો છે : ‘વાગે ઘુંઘર ઘંટ વિશાળ | સૈન્ય સકળ તે ઝાકઝમાળ' પણ રુક્મિણીને કૃષ્ણ આવવાની જાણ ન હોવાથી દશમા કડવામાં ઉચાટ અનુભવે છે ‘રુક્મિણી ઘરમાં જોતી વાટ, શ્રી કૃષ્ણદેવ નાવ્યા શા માટ?’ ત્યાં તો ખબર પડે છે કે, ‘કૃષ્ણ આવ્યા સાક્ષાત’ ૧૧મા કડવામાં કૃષ્ણ અને બળદેવનું વર્ણન છે. કૃષ્ણને જોતાં પ્રજાને થાય છે ‘ક્યાં ગુંજા, ક્યાં રત્ન અમૂલ્ય /ક્યાં ચંપક ક્યાં આવળ ફૂલ?’ ૧૨મા કડવામાં મન્દિરે પહોંચતી રુક્મિણીનું વર્ણન છે. ૧૩મા કડવામાં મોહિનીરૂપ રુક્મિણી બધાને મૂર્છિત કરી આગળ વધે છે : ‘ક્ષણ એક ધર્યું ધ્યાન કુમારી રે / સ્મર્યા સુખ સાગર બિહારી રે’ અને એહવે પ્રભુનો રથ દીઠો રે / અમૃતથી યે લાગ્યો મીઠો રે’ રુક્મિણી રથમાં બેસી જાય છે. આ બાજુ ખબર પડતાં ૧૪મા અને ૧૫મા કડવામાં શિશુપાળ ચઢી આવે છે એ રુક્મયો ચઢી આવે છે : ‘જીતુ જાદવ, નહીં મુજ તોલે રે’ પણ ૧૬મા કડવામાં કૃષ્ણ જ્યાં રથહીન કરી નાંખેલા રુમૈયાને હણવા હાથમાં ખાંડુ લે છે ત્યાં રુક્મિણી રૂપૈયાને બચાવે છે, ‘સ્વામી બાંધવ જ્યેષ્ઠ એ મારો નિજ શ્યાલક જાણી ઉગારો’ ૧૭મું કડવું દ્વારિકાનગરીમાં થતા વિજયોત્સવમાં રોકાયેલું છે. આમ નાનકડા કથાનકને વર્ણનોથી રોચક બનાવતી આ રચનાનો પારંપારિક સ્વાદ માણવા જેવો છે.