કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કેફિયત

Revision as of 02:46, 1 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭. કેફિયત

સાથે સાથે આવ્યા જેની
એ પથ અમને અહીં મૂકીને
આગળ ચાલ્યો.
અધવચ્ચે અટકેલા અમને
ઓળખશો ના,
અડધાપડધા ચાલ્યા જાશું સપનાંમાં
ને વધ્યાઘટ્યા અટવાઈ જશું ઓછાયામાં.
ને તોય બચ્યા તો
ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું
તમને.
અમને કેવળ માયા છે આ અકળ સકળની,
આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની.
નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં,
અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે
હળી જવાની,
દૂર દૂરના અંધકારમાં ભળી જવાની.
હવે પછીના અજવાળામાં રહી જાય ના
કોઈ નિશાની;
અમને ગમશે
પૂરી થાય ત્યાં પૂરી થાય જે
એ જ કહાની.
૧૯૬૮

(તમસા, પૃ. ૪૪)