કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/આંખ કેડી પાડે છે આકાશમાં

Revision as of 15:33, 1 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૭. આંખ કેડી પાડે છે આકાશમાં

જીવ હરતો ફરતો સદાય ઘાસમાં
આંખ કેડી પાડે છે આકાશમાં.
દેશ દેશ ફરફરતી પર્ણોમાં મરમરતી
વાતો માણું હું અંધારની,
તારક જે ટમટમતા પાઠવતા પહોંચ મને
નજરું મળવાના સ્વીકારની.
લહું માટીની ગંધ ઊંડા શ્વાસમાં,
જોઉં ખીલેલાં ફૂલ હું ઉજાસમાં.
પાણીમાં સાંભળતો વાણી હું સાગરની,
મોતીનું તેજ છેક મોજે.
ઝરણામાં જોઈ રહું આરત અણજાણ કશી
પામું હું દર્દ નવું સહેજે.
ગામ છોડ્યું છે એક તારી આશમાં,
સીમ સાથે ચાલી છે પ્રવાસમાં.
૧૯૮૨

(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૯)