કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/અંધારે આંખ મારી ખૂલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬. અંધારે આંખ મારી ખૂલી

ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી!
વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં
રાધાનું નામ ગયા ભૂલી.
જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ;
એક મોરલી અટૂલી.
ક્યાંય જડતી ના નંદની મઢૂલી. ઓધવજીo
કોનું છે રાજ અને કોનો વનવાસ કાન,
કોની આ આણ ફાલીફૂલી!
ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા,
ગોવર્ધન-લીલા ગઈ ડૂલી!
સૂર ચૂકી ગઈ સઘળી અંગૂલી! ઓધવજીo
હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે
માનીને પ્રીત મહામૂલી!
સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ
ગાંડીવના ટંકારે ઝૂલી!
પછી છેવટની હાર શેં કબૂલી? ઓધવજીo
૧૯૮૦

(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૨)