◼
મોચી • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
મારા રોજના રસ્તા ઉપર એક મોચી
કૅન્સલ થયેલા બસસ્ટોપની જેમ બેઠો છે
સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી
ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી
ઊખડી ગઈ છે
રસ્તાને ખૂણે મોચી
વીરગતિ પામનારના પાળિયા પેઠે
ખોડાઈ ગયો છે
અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે
તે ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે
રાત્રે શરીરને બહેલાવવા જાય તો
બદનમાંથી બૂ આવતી હોવાથી
બજારભાવ કરતાં રૂા. ૨/- વધારે ચૂકવવા પડે છે
ફાજલ સમયમાં ચામડાની પેટી-બેટી બનાવતા રહી
પોતાની આવક ઉપર કેમ નથી લાવતો?
પણ ના, જિંદગીના પગ પાસે બેસીને
નમ્ર થઈ ગયો છે.
ઊંચે નજર કરી શકતો નથી
મોચીને નિવૃત્ત થવાની સવલતો અપાતી નથી
રસ્તાને ખૂણે તમને મોચી બેઠેલો ન દેખાય
તો સમજવું
કે જરા મોટા ગામતરે ગયો હશે