ચૌદ
બારેય મેઘ જાણે ખાંગા થઈને ત્રાટકી પડ્યા હતા. વરસાદ એક ઘડીય રોકાવાનું નામ નહોતો લેતો. ખેડૂતોના મનમાં ફાળ પડી કે હવે નહીં રોકાય તો વાવેલું બધુંય બાત્તલ જાવાનું! ઘરમાંથી કોઈ બહાર નીકળી ન શકે એવો ત્રમઝટ વરસાદ મંડાયેલો. પંખીઓ ઠૂંઠવાતાં ઠૂંઠવાતાં કોણ જાણે ક્યાંક સંતાઈ ગયાં હતાં. શેરીમાં ક્યાંય કૂતરુંય દેખાય નહીં. વરસાદ એકદમ સાંબેલા ધારે ઝીંકાઝીંક કરતો હતો. વચ્ચે વચ્ચે વીજળીના કડાકા અને વાદળનો ગડગડાટ. જેનાં ઘરનાં ભીંતડાં કાચાં હતાં એ બધાનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. ક્યારે પછીત કે કરો બેસી જાય એનો અંદાજ કરવો મુશ્કેલ હતો. નટુમા’રાજના ઘરમાં ઢીંચણસમાણું પાણી ભરાઈ ગયું હતું. થાળી વાટકા ને છાલિયાં તરતાં હતાં. એક ખાટલા ઉપર ઘરનાં બધાં ગોદડાં ગોઠવી મેલ્યાં હતાં. નંદલાલ નાનુ રાદડિયાના ઘરે જઈને એક લાંબી કોશ લઈ આવ્યો અને બહારની પછીતે કાણું પાડીને એક ખાળિયો પાડ્યો. પણ એમનું ઘર શેરી કરતાં નિચાણમાં હતું એટલે ઊલટાનું બહારનું પાણી અંદર આવવા લાગ્યું. પાણીમાં જુવારના ઠાગા અને સૂકાં અડાયાં પણ તરતાં તરતાં ઘરમાં આવવા લાગ્યાં. ખૂણાના ઢાળિયામાં બાંધેલી ગાયને છેલ્લા દિવસો જતા હતા. એકાએક એણે ઊઠબેસ શરૂ કરી. શરૂઆતમાં તો એમ લાગ્યું કે વરસાદને કારણે આમ કરે છે. ડોકું આમ ખેંચે ને તેમ ખેંચે. એમ લાગે કે હમણાં સાંકળ તોડાવીને ભાગશે. ગાયે પેશાબ કરવો હોય એમ શરીર ખેંચીને સંકોચ્યું. તરત પાછળના ભાગે ચીકાશ સાથે ધોળો પરપોટો બહાર આવ્યો ને ગોરાણીમાને ખબર પડી ગઈ કે એને વિયાણ આવ્યું છે. નટુમા’રાજે ગાયની પીઠ પંપાળવા માંડી. ગોરાણીમાએ તબડકું ભરીને ખોળ મૂક્યો. એટલું સારું હતું કે ઢાળિયું થોડું ઊંચાણમાં હતું. પણ જો પાણી વધે તો વિયાણમાં મુશ્કેલી ઊભી થાય. ગાયની આંખમાંથી પાણીના રેલા વહી નીકળ્યા. ગોરાણીમાથી ગાયનું દુ:ખ જોવાતું નહોતું. ગાયે રીતસરના ભાંભરડા નાંખવા માંડ્યા. આમ ફરે ને તેમ ફરે. ઘડીકમાં તો બેસી પડે, વળી ઊભી થાય. નહીં નહીં તોય પંદર વીસ વખત ઊઠબેસ કરી એટલે નટુમા’રાજ કહે કે, ‘નંદલાલ! પાધરો હડી કાઢ્ય ને ૨મા રબારીને બોલાવી લાવ્ય. જો ઈ નો હોય તો ઈની વઉ રાજુને તેડી આવ્ય.’ નંદલાલ જેવો ગયો એવો જ પાછો આવ્યો. શ્વાસભેર બોલ્યો, ‘રમાભાઈના ઘરનું ભીંતડું પડી ગયું છે એટલ્યે ઈ બધો સામાન ઠેકાણે પાડીને હમણે આવે છે.’ આ બાજુ રાજુએ રમાને કીધું કે, ‘આમેય જે પડવાનું હતું ઈ તો પડીને જ રિયું સે... આંયાંનું હું કરીશ... તમ્યે જાવ મા’રાજના ઘેરે... ગા ને વાછડું બેય કપાણ્યમાં હોય તો? મા’રાજને બચારાને આમાં શું ખબર પડે? ધોડો તમતમારે... આંયા તો હું સું ને!’ રમાભાઈએ આવીને ગાયનું પેટ જોયું. વગર જોયે પણ રાજુનો અંદાજ સાચો હતો. અંદર વાછડું આડું હતું. એય તો મથતું હતું અવતરવા, પણ એની ત્રેવડ નહોતી. ગાયે જાતે પોતાના શરીરને આમથી તેમ મરડાટ આપવો શરૂ કર્યો. રમોભાઈ ખરો જાણકાર. એણે ગાયને લગભગ બથમાં જ ઘાલી દીધી. બેય બાજુથી દબાણ આપવું શરૂ કર્યું. ગાયથી સહન થતું નહોતું એના મોઢામાંથી ફીણ આવવા લાગ્યાં. રમાને લાગ્યું કે હવે સમય જશે તો ગાયને બચાવવી મુશ્કેલ થઈ જશે. કોણ જાણે ક્યાંથી એને તરકીબ સૂઝી તે એણે ગાયને છોડી દીધી અને જરાક દૂર જઈને છાતી અને પેટની વચ્ચેના ભાગમાં હળવેથી પાટું માર્યું. ગાય ગભરાટમાં જ જોર કરી ગઈ. બીકમાં ને બીકમાં એણે એકદમ કૂદકો માર્યો અને વાછડાના પગની ખરીઓ બહાર દેખાણી. આ બાજુ ગોરાણીમા ગાયને ખવડાવવાનો પ્રયત્ન કરતાં હતાં, પણ ગાયની એવી સ્થિતિ જ નહોતી કે એમાં મોઢું નાંખી શકે. રમાભાઈએ ફરી એના પેટ ઉપર હલકા હાથે દબાણ આપ્યું. ‘બાપો.... બાપો..... માવડી..... મારી ગાવડી... મારી માવડી... તને મા કરું.... થોડીક ધાણ્ય રાખ... માવડી, થોડુંક બળ કર્ય... હમણેં.. હાઆઆ.. તારો છૂટકારો! બાપો... બાપો... કરતાં... કરતાં એણે બચકારા શરૂ કર્યાં. બચ્ચાનું અડધું શરીર બહાર આવી ગયું ને ગાય બેસી પડી. હવે શું કરવું? રમો, મા’રાજ અને નંદલાલ ત્રણેયે ટેકો કર્યો ને પૂંછડું ઝાલીને ઊભી કરી. વાછડું અડધે લબડી રહ્યું, રમાભાઈએ બચ્ચાના બેય પગ ઝાલ્યા અને હળવે હળવે ખેંચવા માંડ્યું. ફચાક દઈને વાછડું બહાર! જેવું બહાર આવ્યું કે તરત જ રમાભાઈએ એને તેડી લીધું ને પછી હેઠે મૂકીને હળવેથી નાળ કાપી. ગાય એકદમ બેસી પડી. રમાભાઈ કહે કે, ‘ગોરાણીમા વાછડી થઈ છે!’ ‘જેવી મહાદેવની મરજી! ગાયવાછડીનો જીવ બચી જ્યો એટલ્યે ભયો ભયો! આમેય અમારે દીકરીની તાણ્ય છે તે..... આ કાવેરી આવી ઈ હારું થ્યું... બધા વાછડાને શું કરવા!’ એમ કહીને નંદલાલ સામે જોયું ને હસી પડ્યાં. સફેદ ચીકાશવાળી વાછડીને ઊંચકીને ગાયના મોઢા આગળ મૂકી અને એ તરત ચાટવા લાગી. વાછડીના પગ ન મંડાયા એટલે એય બેસી પડી. ગાયની જીભ એવી રીતે ફરતી હતી કે વાછડીના શરીરે જાણે વહાલની ઓકળીઓ થતી હતી. થોડી વાર એને ચાટવા દઈને ગોરાણીમાએ હૂંફાળા ટોઠાં અને ગોળનું બકડિયું આગળ કર્યું. અને ગાયે વાછડાને મેલીને એમાં મોઢું નાખ્યું અને ખાવાનું શરૂ કર્યું. ગાયના આંચળ ફાટ ફાટ થતાં હતાં. મા’રાજે વાછડીને તેડી અને ગાયના આંચળ સુધી એનું મોઢું લઈ ગયા. વાછડી બચ્ચ બચ્ચ કરતી ધાવવા લાગી. પેટમાં જરાક ધાવણ ગયું ને એણે ગાયના આઉમાં માથાં મારવાનું શરૂ કરી દીધું. બધાંને હાશ થઈ. વરસાદ ન હોત તો રમો ચાનું ટીપું પીધા વિના જાય? જતાં જતાં કહે કે— ‘હવાર હુધીમાં ઓર પડી જાશે..... કદાચ સે ને નો પડે તો સુવાદાણા અને ગોળનો ઉકાળો નાળ્યે કરીન પાજ્યો. પાધરી તો નૈ પીવે...’ હજી રમો ઘરે નહોતો ગયો ને અચાનક તરઘાયો ટીપાવા લાગ્યો. ભૂરાનો છોકરો હાથમાં જોર હોય એટલું ભેગું કરીને દાંડી ટીપતો હતો. થોડીક જ વારમાં આખું ગામ પાદરે ભેગું થઈ ગયું. કોઈના હાથમાં ડાલા જેવી છત્રી તો કોઈએ કોથળાના મોશલા કરીને ઓઢેલા. નંદલાલે ઘરનાં સહુને કીધું કે, ‘અટાણે આપડા ઘરનું પાણી ઉલેચવાનો ટેમ નથી. એટલ્યે તમે બધાં નાનાકાકાના ઘર્યે જતાં રો. બા અને બાપુજી બે જ ઘરમાં રહે, ગાનું ધ્યાન રાખવા. પછી તો જે થાવું હશ્યે ઈ થઈને રહેશ્યે. નંદલાલ તરઘાયાની દિશામાં નિશાળ બાજુ ગયો. સૌનો એક જ સવાલ આવી કાળીમેઘલી રાતે એવું તે શું થયું કે ઢોલ ટીપવો પડ્યો? નક્કી કંઈ અજૂગતું… ગમ્ભાએ કીધું કે, ‘મોટી વેણમાં પાણી ત્રણ-ચાર માથોડાં ઉપર વહ્યું જાય છે ને હાંમે કાંઠેથી કો’ક આદમી જણના રિડિયા સંભળાય છે. વરસાદ રોકાવાનું નામ લેતો નથી, મને બીક છે કે જો વેણ્યનો પાળો તૂટ્યો તો આવી બન્યું!’ થોડીવારમાં ખબર પડી કે સામે કાંઠે મોટા માસ્તર ફસાણા છે ને સાથે બીજું કો’ક પણ છે. ગમ્માનો શ્વાસ ઊડી ગયો. એટલી વારમાં તો આખું ગામ ભેગું થઈ ગયું. માસ્તરના ઘરે બધાં બૈરાં ઉમાબહેનને ઘેરી વળ્યાં. કો’ક બોલ્યુંય ખરું, ‘બે દિ’ થ્યા મેઘો મંડાણો’તો, માસ્તર અટાણે શું ખોબા ભરવા જ્યા હશ્યે?’’ ધીમે ધીમે ખબર પડી કે આજ પગારની તારીખ, એટલે માસ્તર આખી નિશાળનો પગાર લેવા મૂળી જવાના હતા તે એમના મોટાભાઈ કહે કે હુંય સાથે આવું. ત્યાં તાલુકાશાળાના હેડમાસ્તરની દીકરીને એકનજરે જોતા આવીએ, આપણા રમેશ માટે. તે માસ્તર કહે, ‘ચાલો એકથી ભલા બે!’ પણ બપોર પછી તો વરસાદે હદ કરી નાંખી. પોટલાંમોઢે પાણી પડવા માંડ્યું. મોટી વેણમાં પાણી બે કાંઠે જવા માંડ્યું. અંધારું ઘણું થઈ ગયું હતું. બેય જણને તાત્કાલિક વેણની આ બાજુ લઈ લેવા પડે. જો પાળો તૂટે તો તણાતા તણાતા જાય સીધા ડેમમાં. જો એમ થાય તો તો હાડકુંય હાથમાં ન આવે! ઘેર ઉમાબહેન તો ક્યારનાંય રડતાં હતાં. છોકરાઓએ કે કોઈએ કંઈ ખાધું-પીધેલુંય નહીં! નિશાળની આજુબાજુ માણસોનો પાર નહીં. સહુને એક જ ચિંતા કે માસ્તરને કંઈક થઈ જશે તો? તો તો કમોત ભેળો કાળો કેર! બધા જુવાન તરવૈયાઓ અને નહીં નહીં તોય પચાસેક માણસ વેણના આ કાંઠે ભેગું થઈ ગયું. બધાએ ઘણો દેકારો કર્યો ને મોટા મોટા અવાજે માસ્તરને કહેવા માંડ્યું કે વ્યાધિ ન કરશો. પણ, પવન એટલો બધો ફૂંકાતો હતો કે આ બાજુનો અવાજ પેલી બાજુ પહોંચતો નહોતો. માસ્તરનાં ને એમના મોટાભાઈનાં કપડાં પલળીને વજનદાર થઈ ગયા હતાં. બેય ભાઈએ ધોતિયાંનો કછોટો મારીને બીજાં કપડાં કાઢીને નાંખ્યાં કેરડાની કાંટ્યમાં. પગારના રૂપિયાની થેલી બાવળની ઊંચી ડાળે બાંધી દીધી. દિવસ આથમી ગયો હતો, વાદળિયું અંધારું ઊતરી આવ્યું હતું. અચાનક જ ગેમરભાઈને સૂઝ્યું કે ગામમાં જેટલી હાથબત્તીઓ હોય એટલી મંગાવી લ્યો. થોડી વારમાં અજવાળું તો થયું પણ સામે કાંઠે આ અજવાળું કેવી રીતે પહોંચાડવું? આ બધાને જોઈને મોટા માસ્તરના જીવમાં જીવ આવ્યો. પણ ચિંતા મોટાભાઈની હતી. એક તો ઉંમર અને નબળું શરીર. વધારામાં ચાર-છ કલાકથી પાણીમાં જ હતા, તે હાથપગ તો સાવ ઠીંગરાઈને ફોગાઈ ગયેલા. બેય જણે જોડાં તો ક્યારનાંય ફેંકી દીધેલાં એટલે કાંટા ને કાંકરાએ પગની ચાયણી કરી નાંખેલી. એક ડગલુંય માંડી શકાય એવી હાલત નહોતી. રાડો પાડી પાડીને બેમાંથી એકેયના મોઢામાંથી અવાજેય ન નીકળે એવી સ્થિતિ છતાં બેય ભાઈ જોર કરીને બોકાહાં દેતા હતા. આખું ગામ મદદ કરવા ખડેપગે, પણ અંધારું કહે કે મારું જ કામ. વચ્ચે વચ્ચે વીજળી થાય ત્યારે એ બંને જણા બરોબર દેખાય. બાકી તો અવાજના આધારે જ દિશા પકડવી પડે એવી દશા હતી. ઘણાને એમ થાય કે મને તો પાકું તરતાં આવડે છે તે આમ પડ્યો ને આમ સામે કાંઠે પહોંચી જાઉં. પણ ઘૂમરી ખાતાં પાણીને સાંભળીને ભલભલાનાં હાજાં ગગડી જાય. કોઈની હિંમત ન ચાલે. કોણ જાણે ક્યાંથી પણ સીતારામ મહારાજને સૂઝી આવ્યું કે જો કોઈનું ટ્રેક્ટર મળી જાય તો એની બત્તીનો શેરડો સામે સુધી પહોંચે. એ સીધા જ ગયા જેસંગના ઘરે ને કહે કે ‘ટ્રેક્ટર કાઢો!’ અધૂરામાં પૂરું એ કે, ટ્રેક્ટર તો હતું; પણ કોઈ ચલાવવાવાળું નહોતું. એમનો સાથી અને છોકરો તો ગઈ કાલના મુંજપર જઈને બેઠેલા. હવે શું કરવું? સીતારામજી કહે, ‘લાવો હું કાઢું. આમતો મેં કોઈ દિ’ હાંક્યું નથી. પણ હંકાવનારાને ધ્યાનથી જોયા છે ને થોડીઘણી જાણકારી જીપ હાંકવાની તો છે જ!’ એમણે ટ્રેક્ટર કાઢ્યું ને સીધા જ વેણને માર્ગે હાંકવા માંડ્યું. માણસો બધા બેય બાજુ ખસી ગયા. વેણના આ કાંઠે ટ્રેક્ટર ઊભું રાખીને એન્જિન ચાલુ રાખ્યું. ટ્રેકટરની લાઈટનો શેરડો સામે સુધી પહોંચ્યો. ધોળા દિ’ જેવું અજવાળું કરી મેલ્યું. માસ્તર જ્યાં ઊભા હતા એ પાળાની જમીન ધસવા માંડી હતી. બેય ભાઈ બાવળના થડને પકડીને ઊભા હતા. માસ્તરને થોડુંઘણું તરતાં આવડે પણ ભાઈને મૂકીને એમ કંઈ થોડું નીકળી પડાય? કૂદકો મારીને આગળના ઢોરા ઉપર જઈ શકાય, પણ એનું અંતર ઘણું વધારે હતું. મોટાભાઈના શરીરમાં તો જરાય તાકાત રહી નહોતી. હવે શું કરવું? આ બાજુથી બધા મોટા અવાજે સૂચના આપતા હતા કે એ ઢોરા ઉપર ચડી જાવ... કદાચ પાળો ઝાઝી વાર નહીં ટકે...! માસ્તર પણ જીવનમરણના ખેલ ઉપર આવી ગયા. નાના છોકરાને તેડે એમ ભાઈને ખભા ઉપર નાંખ્યા ને બજરંગબલી કી જેય.... કરતા પાળા ઉપરથી ઊતર્યા. બધાનો જીવ ઊંચો થઈ ગયો. એમને બધાને નજર સામે જ માસ્તર અને એમના મોટા ભાઈનું મોત દેખાતું હતું. લગભગ બધાની આંખે અંધારા આવી ગયાં. માસ્તરે એક પગ મૂક્યો ને કાંકરા ખસવા લાગ્યા. તોય ગમે તેમ કરીને પગ ઠેરવ્યો. બીજો પગ ઉપાડ્યો ત્યારે તો આ કાંઠાવાળાની આંખો સમૂળગી બંધ જ થઈ ગઈ. માસ્તર ધીમે ધીમે છાતી સમાણાં પાણીમાં ચાલતા ચાલતા ઢોરા ઉપર ચડ્યા કે હાથમાંથી ભાઈનું શરીર છટક્યું. માંડ માંડ બાવડું ખેંચી રાખીને પાછા તેડી લીધા. છેવટે બેય ભાઈ ઢોરા ઉપર બેસી પડ્યા. ઢોરાનુંય ઠેકાણું નહીં, ગમે ત્યારે જમીન ધસી પડે એવી સ્થિતિ હતી. તરઘાયો તો ચાલુ જ હતો. અચાનક નટુમા’રાજના નંદલાલને શૂરાતન ચડ્યું. કહે કે, ‘તમે બધા આ બાજુથી રાશનો છેડો પકડી રાખજો!’ એમ કહીને એણે પોતાની કેડ્ય ફરતે રાશ બાંધી ને ઉપરવાસ ઘણે આગળ ગયો. ને આવતાં પાણીમાં ત્રાંસો પડ્યો. પડ્યો ઈ ભેગો જ તણાવા મંડાણો. એણે તો શરીરને તણાવા દીધું. તરતાં આવડતું હતું એટલે જેમતેમ કરીને એ ઢોરા ઉપર પહોંચ્યો. હવે માસ્તરને હિંમત આવી. પણ શરીર કેટલું કાબૂમાં રહેશે એની ચિંતા હતી. નંદલાલ અને માસ્તરે બેય જણે કેડ્ય ફરતા રાશના આંટા લીધા અને વધારામાં રાશનો છેડો બાવળિયાના થડ સાથે બાંધી દીધો, રાશ પકડીને બંને ઊભા રહ્યા. આ બાજુથી હતા એટલા બધાએ રાશનો છેડો પકડી રાખ્યો. હવે ખરાખરીનો ખેલ હતો. માસ્તરે મોટાભાઈને કીધું કે, ‘ભાઈ! હિંમત નો હારતા. આ રાશ પકડી પકડીને ચાલ્યા જાવ સામે કાંઠે. ગમે તે થાય પણ રાશ મૂકતા નહીં!’ ભાઈ કહે કે, ‘કરુણાશંકર હું તને મૂકીને જઉં? મારી તો ઉંમર થઈ. તું પહેલો જા… મને કંઈક થાશે તોય તું છોકરાઓનો બાપ થઈને રહીશ એની મને ખાતરી છે. હું તને મૂકીને જીવ વહાલો કરું? ઈ નો બને!’ નંદલાલ સમય વરતી ગયો. કહે કે ‘મોટાસાહેબનું શરીર ભારે છે એટલે મને રાશ પકડાવવામાં ટેકો રહેશે. દાદા તમે જ પહેલાં જાવ..... અત્યારે વાતું કરવાનો ટેમ નથી..…’ એણે માંડ માંડ દાદાને તૈયાર કર્યા. મોટાભાઈની હિંમત ચાલે એવી સ્થિતિ જ નહોતી. તેમ છતાં જય મહાદેવ! કરીને કમર કસી. બેય ભાઈ જાણે જીવનમાં છેલ્લી વાર ભેટતા હોય એમ ભેટ્યા. દાદાએ રાશ પકડી ને પાણીમાં ઝંપલાવ્યું. બધાને થયું કે નહીં વાંધો આવે... અડધે તો પહોંચી ગયા! એ જ વખતે આકાશમાં વીજળીનો જોરદાર કડાકો અને પકડેલી રાશ એમના હાથમાંથી છૂટી ગઈ ને પોતે પાણીમાં તણાવા લાગ્યા. હવે? હવે? નો જવાબ મળે ત્યાર પહેલાં તો ગમ્ભાનો રઘુવીર પાણીમાં કૂદી પડ્યો. આ બાજુથી બધાએ રાશને સાવ ઢીલી મૂકી દીધી. રાશ પાણીમાં તરતી થઈ એટલે રઘુવીરે એક હાથે દાદાને પકડ્યા અને બીજો હાથ વિંઝવો શરૂ કર્યો. બંને જણ થોડેક દૂર જતા રહ્યા. પણ, છેવટે એના હાથમાં રાશ આવી ગઈ. રઘુવીર, રાશના સહારે સહારે દાદાને આ કાંઠે લઈ આવ્યો. બધાએ એકબીજાના હાથ પકડીને સાંકળ બનાવી ને બેય ને ખેંચી લીધા! થોડીક હાશ થઈ! હવે મોટા માસ્તરને કેમ કરીને લાવવા એની વિચારણા શરૂ થઈ. કોઈ કહે કે નંદલાલ તરવૈયો છે તે એ ભલે ત્યાં રહેતો. સાહેબને કહીએ કે તમે રાશ પકડીને વિયા આવો. પછી નંદલાલ કેડ્યે દોયડું બાંધીને પડશે ને આપણે બધા એને ખેંચી લેશું.... પણ એ સહેલું નહોતું. માસ્તરનું વજનેય ઓછું નહીં ને સામે છેડે નંદલાલ એકલો તો ઝાલી ઝાલીનેય કેટલુંક તાણી ઝાલે? વળી બાવળિયાનો કોઈ ભરોંસો નહોતો. છેવટે માસ્તર માન્યા. એમણે નંદલાલને માથે હાથ મૂક્યો અને પછી રાશ પકડી. એક પછી એક હાથ આગળપાછળ કરતાં કરતાં એ પાણીમાં પડ્યા. ધીમે ધીમે આગળ વધતા ગયા અને નંદલાલ બાજુ ખેંચ વધવા માંડી. એણે બળદની જેમ તાકાત કરવા માંડી. માંડ માંડ પગ ટકાવી રાખ્યા. અને માસ્તર સામે કાંઠે પહોંચીને કોથળાની જેમ ફસડાઈ પડ્યા. બે ચાર જુવાનિયાઓ બંને ભાઈઓને ટીંગાટોળી કરીને ઘેર લઈ ગયા. આ બાજુ નંદલાલને પણ લાગ્યું કે હવે કોઈ જોખમ નથી એટલે પોતે કેડે રાશ બાંધીને પડ્યો વેણમાં! સામે છેડેથી બધાએ હળવે હળવે રાશ ખેંચવાની શરૂ કરી. વળી નંદલાલ થોડું તરે ને ઝાઝું ખેંચાય પણ પ્રમાણમાં સરળતાથી બહાર આવી ગયો. બધા એને વાજતે ગાજતે ગામમાં લાવ્યા. માસ્તરના મોટાભાઈ થોડુંક પાણી પી ગયેલા એટલે થોડી વાર ઊંધા રાખ્યા ને બેય ભાઈઓને આખા શરીરે શેક અને માલિશ કરવાનું ચાલુ કરી દીધું. આખી રાત બધાયે બેયની થાય એટલી સેવા કરી. બીજા દિવસની સવારે વરસાદે ખમૈયાં કર્યાં અને સૂરજનારાયણે મોઢું કાઢ્યું!
***