સોનાની દ્વારિકા/પંદર

પંદર

રાત આખી જાગેલું સખપર સવારે ઊઠ્યું ત્યારે નાહ્યેલું-ધોયેલું સ્વચ્છ લાગતું હતું. વરસાદ રહી ગયો હતો પણ એની નિશાનીરૂપ ખાળિયાઓ ઓકળિયો પાડતા ધીરે ધીરે વહી રહ્યા હતા. એના ઉપર પડતાં સૂર્યકિરણોને લીધે બધું ઊજળું ઊજળું લાગતું હતું. ગામમાં કેટલાંયે ઘર પડી ગયાં હતાં. સવારથી જ બધાં ઘરવખરી ગોઠવવામાં મચ્યાં હતાં. કોઈકે પડેલી દીવાલની જગ્યાએ કંતાન કે તાડપત્રી બાંધવાનું શરૂ કર્યું હતું. તો વળી કોઈએ બીજાં પડોશીઓની ખાલી જગ્યાઓનો ઉપયોગ કર્યો હતો. તળાવ તો બે કાંઠે ડેકાં દેતું હતું. એક દુખદ સ્વપ્ન જેવી રાત ચાલી ગઈ હતી ને સમયના અખંડિત પ્રવાહને હાજર કરતી સવાર પડી હતી. જુવાનિયા-ઘરડાંબુઢાં-બૈરાંથી માંડીને બાળકો સહિત બધાં સવારથી જ માસ્તરની ખબર પૂછવા નિશાળ પાસે એકઠાં થવા લાગ્યાં. બધાંના ચહેરા પર એક જ ઉમંગ કે મોટાસાહેબ હેમખેમ હતા. સાહેબને મળવા રીતસરની લાઈન લાગી હતી. સાહેબ ગાદી-તકિયા પર અઢેલી પગ લંબાવીને બેઠા હતા. બાજુના રૂમમાં કરેલી પથારીમાં મોટાભાઈ સૂતા હતા. સાહેબની આજુબાજુ ગમ્ભા, નવીનભાઈ તલાટી, જેસંગ, સીતારામજી અને મગનીરામ સહિતના બધા આગેવાનો ગોઠવાઈ ગયા હતા. ગણપત વાળંદે તો ત્રણ પાણા ભેગા કરીને મંગાળો જ માંડી દીધો. ચાના તપેલા ઉપર તપેલા ઉકાળવા માંડ્યો હતો. જે આવે એ દૂધનો શેરબશેરનો લોટો લેતું આવે ને ચા પીતું જાય! દુકાને બેઠેલા પાનાચંદ કામદારે કીધું કે ખાંડ-ચા જેટલાં જોવે એટલાં લઈ જાજો તમતમારે! ગામ આખું નંદલાલની હિંમત અને સાહેબની સંકલ્પશક્તિનાં વખાણ કરતું હતું. વળી કોઈ કહે કે, ‘એ તો ભાઈની ચિંતા હતી એટલે, બાકી એકલા હોત તો તો હામ ભીડીને આવી જ ગયા હોત!’ વાતવાતમાં યાદ આવ્યું કે પગારની થેલી તો ત્યાં મોટી વેણના ઢોરા ઉપર બાવળે બાંધેલી તે એમ જ રહી ગઈ છે! ‘એલા કો’ક બે જણા જાવ ને! લિયાવો થેલી…’ ગમ્મા બોલ્યા. તરત જ બે જણા બંદૂકની ગોળીની જેમ છૂટ્યા. અડધી કલાકમાં તો લૂતાં લમણે પાછા આવ્યા. કહે કે- ‘બાવળિયો છે પણ થેલી નથી...!’ બધાને એકદમ આશ્ચર્ય થયું. જે બાબતની આખા ગામને જાણ હોય એ થેલી જાય જ કેવી રીતે? અને વળી આ તો નિશાળના માસ્તરોના પગારના પૈસા. જ્યાં સુધી ચૂકવાય નહીં, ત્યાં સુધી તો સરકારી જ ને? ગમ્ભા ઘડીભર નીચું જોઈ ગયા. મગનીરામજી કહે કે, ‘આનું નામ જ કળજગ બીજું તો શું? કળજગના માથે કંઈ શિંઘડા નો ઊગે....’ માસ્તરેય વિચારમાં પડી ગયા. એક ક્ષણ એમને લાગી આવ્યું કે પોતે આપેલી કેળવણી અધૂરી છે! ચોર ભલે ને મારી પાસે આ નિશાળમાં ભણ્યો ન હોય તો પણ પ્રભાવ પહોંચ્યો નહીં, એટલું તો નક્કી ને? પાંચેય માસ્તરો આજુબાજુમાં જ હતા. ‘મરઘા’ એટલે કે મફતલાલ રણછોડ ઘાટલિયા કહે કે- ‘સાહેબ! આખી વાત જ ભૂલી જાવ ને! અમારે કોઈને નથી જોતો એક મહિનાનો પગાર! બધું થઈને વાત તો પાંચ હજારની જ છે ને? સાહેબ અમારે તો તમે સલામત છો ઈ જ ઘણું છે!’ ‘મજરા’ અને ‘નખોરા’ એટલે કે મધુસૂદન જટાશંકર રાવલ અને નરેશ ખોડીદાસ રાવલ, મંજુબહેન વગેરેએ પણ હકારમાં માથું ધુણાવ્યું. એ સહુની આંખમાં આંસુ હતાં. ગમ્ભા એકદમ બોલી ઊઠ્યા : ‘એવું નો હાલે! આખો મઈનો અમારાં સોકરાંને ભણાવ્યાં સે… પગાર નો મળે તો તો ગામ લાજે!’ સાહેબની હાજરીમાં એમને આ વાત કરવી ઠીક ન લાગી એટલે ઊભા થઈને બહાર લીમડા પાસે આવ્યા. બીજા બધા પણ હડૂડૂ કરતાં એમની પાછળ. ગમ્ભાએ પ્રસ્તાવ મૂક્યો, ‘માદરબખતનો લેનારો તો લઈ જિયો… ભાળ તો કઢવશું જ… પણ જડે નો જડે! નક્કી નો કે’વાય…’ એમના હોઠે આવેલી બીજી ગાળને એ ગળી ગયા. આગળ બોલ્યા- ‘પણ અટાણે આપડે એવું કરીએ કે ગામફાળો કરીને પગારના રૂપિયા ગણી દઈએ... મોટા માસ્તરના માથે આટલો બધો બોજ નો પડવા દેવાય! એ આપડા માટે માવતર જેવા સે...’ બધાએ હા ભણી ને તરત ફાળો લખાવા માંડ્યો. થોડીક વારમાં તો પાંચ હજાર ભેગાય થઈ ગયા. રૂપિયા લખાવનારા બીજાઓને તો ના પાડવી પડી. ગમ્ભા પાછા અંદર સાહેબના ક્વાર્ટરમાં ગયા. હતા એમ બેસી ગયા. હળવેથી સાહેબને કહે કે- ‘મરઘા’ની વાત સાચી, પણ માસ્તરોનો પગાર નહીં અટકે. તમ્ય ઉપાધિ ન કરો. એ તો ગામે કરી આપ્યો પગાર!’ -અને કરુણાશંકરનો મિજાજ ફાટ્યો! લાલચોળ થઈ ગયા. ‘મેં તમને આવું ભણાવ્યું છે... ગમ્ભા? લોકકલ્યાણનાં કામે ફંડફાળા કરો ઈ શોભે. આ તો નરી ચોરી! અને વધારામાં આ તમારા મોટામાસ્તરની બેદરકારી કે પૈસા સંભાળ રાખીને લાવી ન શક્યા! એવું કંઈ જ કરવાનું નથી... હું ગમે તેમ પણ વ્યવસ્થા કરી લઈશ, અને આ તો નિશાળની અંદરની વાત છે! એમાં ગામ માથું મારે એ મને નહીં જ ગમે! અને ગામ શું કામ આ રૂપિયા આપે એ તો કહો?’ ગમ્ભા શિયાંવિયાં થઈ ગયા. સાહેબના પ્રકોપ સામે એમની કોઈ દલીલને અવકાશ નહોતો. વાતાવરણ ગંભીર થઈ ગયું. માસ્તર ગમ્માની ભીની આંખ જોઈને દ્રવી ઊઠ્યા. વાતાવરણને હળવું બનાવવા કહે કે— ‘આપણે પોલીસખાતાની ક્ષમતા તો તપાસીએ ને? મોટી વેણના બાવળે મેં બાંધેલી પગારની થેલી ચોરાઈ ગઈ છે એવી ફરિયાદ તો હું કરી જ શકું ને? જોઈએ મંગળસંગ ફોજદાર શું કરી શકે છે, એ પણ જોઈએ!’ ‘એટલ્યે સાહેબ તમે ફરિયાદી થાશો એમ?’ ‘જુઓ ગમ્ભા! આમાં ત્રણ વિકલ્પ છે. એક તો એ, કે હું મારી જવાબદારીએ ને મારી અનુકૂળતાએ મારા શિક્ષકોને પગાર ચૂકવી દઉં અને આખી વાત ભૂલી જઉં. બીજો વિકલ્પ એ કે ચોરી થઈ છે એની ફરિયાદ કરું ને કાયદાને એનું કામ કરવા દઉં… અને ત્રીજું એમ કે ચોર જાતે હાજર થઈને રકમ પરત કરે. ત્રીજા વિકલ્પ માટે હું રીતસરના ઉપવાસ આદરું... પણ એય એક પ્રકારે તો ત્રાગું જ કહેવાય! ચોરનીય કંઈક મજબૂરી હશે, નહિતર આમ જગજાહેર વસ્તુ કોઈ લઈ જાય? પાછું એણેય કંઈ ઓછું જોખમ નથી ખેડ્યું! એક શિક્ષકની નિષ્ફળતા ચીંધવાની હિંમત કરી છે!’ ‘સાહેબ! તમે કહો એમ..’ ‘મને તો પહેલો વિકલ્પ જ બરાબર લાગે છે. મંગળસંગ ગમે ત્યાંથી ચોરને ગોતી કાઢે એવા છે એ ખરું… ને ધારો કે ચોર પકડાઈ ગયો તો પણ એની બૂરી દશા થશે એ માટે હું પણ જવાબદાર ખરો કે નહીં? એ કરતાં તો મેં પોતે અંગત રીતે આ રકમ ભરી દીધી છે એટલો સંદેશો ચોર સુધી પહોંચે એય ઘણું છે.. ને એ તો પહોંચશે જ!’ માસ્તરની આંખમાં મક્કમતા તરી આવી. હજી આટલો સંવાદ ચાલતો હતો ત્યાં સમાચાર આવ્યા કે અનોપભાઈની જીપ આવે છે! લોકોની વચ્ચેથી રસ્તો કરતાં કરતાં અનોપભાઈ સીધા જ માસ્તર પાસે પહોંચ્યા. માસ્તરે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ એમના પગ અકડાઈ ગયા હતા. અનોપભાઈ એમની બાજુમાં જ બેસી પડ્યા. માસ્તરને એકદમ બાથ ભરી લીધી અને ગઈકાલે વરસવો રહી ગયેલો વરસાદ જાણે બંનેની આંખ વાટે ફરીથી શરૂ થયો! અનોપભાઈ એકદમ ભાવુક થઈ ગયા. હળવેથી બોલ્યા, ‘માસ્તર તમારે આવું સાહસ ન કરવું જોઈએ. કહ્યું હોત તો અમે તમને જીપમાં વહેલા ન મોકલી દેત? તમને ખબર છે? તમે ફક્ત આ પ્રાથમિકશાળાના હેડમાસ્તર જ નથી. આખા પંથકના રાહબર પણ છો...!’ માસ્તર શું બોલે? કહે કે — ‘બનવાકાળ અનોપભાઈ બનવાકાળ! નહિંતર પગાર તો બે દિ’ પછીય આવે ને?’ ગમ્ભાના મનમાં પગાર બાબતે પરપોટા થયા કરતા હતા. એમને એમ કે અનોપભાઈ સાહેબથી નોખા પડે તો કંઈક વાત કરું. એમણે કારસો કર્યો. ‘અનોપભાઈ! બહાર લીમડા હેઠે ચાપાણીની વેવસ્થા કરી સે… જો તમે આવો તો...’ તરત જ માસ્તર બોલ્યા, ‘ચાનો પ્યાલો તો અહીં પણ આવશે. તમારે એમને જે કહેવું હોય એ મારી હાજરીમાં જ કહો ને!’ ગમ્ભાની જીભ સિવાઈ ગઈ… માસ્તર ગમ્ભાની સામું જોઈને કહે કે, ‘આપણા પ્રશ્નો આપણે ઉકેલવાના! એમાં અનોપચંદભાઈને શીદ ઓરવા? વળી ધારાસભ્યને તો બીજાં અનેક કામ હોય. એમ કહો કે આપણા પ્રત્યેની લાગણીને કારણે ખેંચાઈ આવ્યા! પહેલાં એ વાત કરો કે કોનાં કોનાં ઘર પડી ગયાં છે? કોને કેટલું નુકસાન થયું છે એનો કાચો અંદાજ લગાવો અને તાલુકે મોકલવાનું ગોઠવો!’ આ સંવાદ પરથી અનોપચંદભાઈએ એટલું તારણ કાઢ્યું કે કંઈક પ્રશ્ન છે જરૂર, પણ માસ્તર કહેવા ઈચ્છતા નથી. એટલે એ પણ ચૂપ રહ્યા. ખેતીની, પાકની, થયેલા નુકસાનની અને બીજી કેટલીક વાતો કરીને નીકળી ગયા. જતાં જતાં કહે કે- ‘કામ તો ખાસ કંઈ હતું નહીં, પણ મને સમાચાર મળ્યા કે તમે વેણમાં તણાયા હતા ને માંડ બચ્યા છો તે હૈયું હાથ ન રહ્યું. એમ થયું કે મોઢું જોઈ આવું. આ વખતે સરકારમાંથી એવો પત્ર આવ્યો છે કે દસ વર્ષથી ઉપર જે શિક્ષકો એક જ ગામમાં હોય એમની ફરજિયાત બદલી કરવી. મને આ કંઈ ઠીક લાગતું નથી. જોઈશું એ તો આગળ ઉપર! એવું લાગશે તો હું પોતે, કેળવણીપ્રધાનને મળીને કહીશ! અને હા, આ નંદલાલના અને રઘુવીરના નામનો પ્રસ્તાવ મોકલવાનું નવીનભાઈને યાદ કરાવજો.. કંઈ નહીં તોય આપણે જિલ્લાકક્ષાએ તો એમનું સન્માન કરીએ ને?’ અનોપભાઈની જીપ ઊપડી અને માણસો ધીરે ધીરે વિખરાવા લાગ્યા. ખુદ માસ્તરે જ કહ્યું, ‘જાવ બધાં કામે લાગો.... મને હવે સારું જ છે બેએક દિવસમાં પાછા ઘોડા જેવા!’ બપોરે જમીને થોડો આરામ કર્યો. રેડિયો પર સમાચાર આવ્યા કે મુંબઈમાં અતિવૃષ્ટિ છે ને સામાન્ય વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. એમને યાદ આવ્યું કે આપણા ચૂડાના કવિરાજની દીકરી મેઘના મુંબઈ છે તકલીફમાં ન હોય તો સારું! પણ તરત તો શું થાય? એટલે કવિને પત્ર લખ્યો. પત્રમાં પોતાને ગામલોકોએ કેવી રીતે બચાવ્યા તેની પણ વાત લખી. કારણ એટલું જ કે કવિ ક્યાંકથી ઊડતા સમાચાર સાંભળે તો પાછા ઉચાટ કરે એ કરતાં લખી દેવું સારું! વીજળી ક્યારે આવે એનું તો ઠેકાણું હતું નહીં, એટલે સાંજ પડવા આવી કે તરત ઉમાબહેને કાચના ફોટા સાફ કરી, વાટ કાપી, કેરોસીન ભરીને ફાનસ તૈયાર કર્યાં. મોટાભાઈને બપોર પછી ભત્રીજો એમના ઘેર લઈ ગયો હતો. ફાનસ કરીને છોકરાંઓ સાથે બંને જણવાળુ કરવા બેઠાં. જમતાં જમતાં માસ્તર ઉમાબહેનને કહે કે- ‘તમારા હાથના રોટલા ખાવાના લખ્યા હશે તે અમે જીવતા રહ્યા!’ ‘તમે ક્યાં રોટલા હારુ જીવો એવા છો? શું ખાવ છો એનુંય ક્યારેક તો ભાન હોતું નથી. જે આપું છું ઈ ખાઈ લો છો! એમ કહો કે સમાજનું કામ કરવાનું લખ્યું હશે એટલે…!’ ઉમાબહેનની આંખ ભીની થઈ ગઈ. ‘એમ ગણો તો એમ! પણ, સાચું તો એ છે કે આપણે કંઈ કરતા નથી. કોઈ અલૌકિક શક્તિ આપણને નિમિત્ત બનાવીને કામ કરે છે!’ છોકરાંઓ સૂઈ ગયાં પછી, મેઘલી રાત્રે પતિપત્ની પથારીમાં બેઠાં હતાં. કરુણાશંકરે ભીંતે માથું ટેકવીને પગ લંબાવ્યા. ખાટલાની પાંજેતે બેઠેલાં ઉમાબહેન એમના પગ ઉપર હાથ ફેરવતાં હતાં. ઉમાબહેને અંધારાને કાપતો પ્રશ્ન કર્યો. ‘આપણાં લગ્નને કેટલાં વર્ષ થયાં?’ ‘આવતા ડિસેમ્બરે વીસ પૂરાં થશે! કેમ એમ પૂછવું પડ્યું?’ ‘આ વીસ વરસમાં મેં કંઈ માગ્યું છે ખરું? સાચું કહેજો!’ ‘ના ક્યારેય નહીં! પણ એનું અત્યારે શું છે?’ ‘તો એક વચન આપો!’ ‘આપ્યાં, એક નહીં બે! માગી લ્યો...’ ‘એક તો એમ કે હવે પછીથી આવાં જોખમ ક્યારેય નહીં ખેડો! મારા નહીં તો છોકરાં માટે થઈને...’ ‘સાચું કહું? ભાઈએ રમેશ માટે કન્યા જોવા જવાનો વિચાર કર્યો ન હોત તો કદાચ હું પણ ન ગયો હોત! પણ ભાઈને ના કેમ કહેવાય? અને એય આવા કામમાં?’ ‘તે કન્યા ક્યાં ભાગી જવાની હતી? પછીયે જવાત ને? અને ભાગી જવાની હોય તો આપણે આમેય શું કામની? હેં લખમણ જતિ!’ ઉમાબહેનનાં જેઠાણી જરા આકરાંપાણીએ! એટલે જ્યારે પણ મોટાભાઈનાં કામમાં ખરપાવાનું થાય ત્યારે ઉમાબહેન કરુણાશંકરને લખમણ જતિની ઉપમા આપતાં!’ કરુણાશંકર હસી પડ્યા ને ઉમાબહેનનો હાથ પકડી લીધો. એના ઉપર બીજો હાથ મૂકતાં કહે કે, ‘આ બધું તમારાં નસીબનું જ પરિણામ છે. હું તો હાવ હતો જ બૂંહાં જેવો. તમે મને માણસ કર્યો. તમારામાં સમજણ ન હોત તો કઈ પત્ની એવી હોય કે જે પરણ્યાના બીજે જ દિવસે પતિને પી. ટી. સી. નું ભણવા મોરબી જવા દે?’ ‘મેં તો ક્યાં બીજું કંઈ જોયું હતું? બસ મને તો તમારાં વાણી અને પાણીમાં જ ભરોંસો બેઠો’તો! એમ થયું કે આ માણસ કંઈક કરી દેખાડશે! બીજું તો શું?’ આટલું બોલતાંમાં તો એમણે જતિની છાતી પર માથું ઢાળી દીધું! કરુણાશંકરનો હાથ એમની પીઠ પર ફરતો રહ્યો. પડ્યે પડ્યે ઉમાબહેન રડતાં રહ્યાં. એમનાં આંસુએ જતિને પણ ભીંજવી દીધા! બંનેની ઉંમરમાંથી જાણે કે એક દાયકો થોડી વાર માટે ખરી પડ્યો! મોડી રાત સુધી બંનેએ ભૂતકાળને વાગોળ્યો. એમ જ પડી રહ્યાં. કરુણાશંકર કહે : ‘હવે બીજું વચન નથી માગવું? ‘બીજું એ કે મારી પાસે બાએ આપેલો મોરહાર અને લોકીટ છે તેમાંથી એકાદું મૂકીને આપણે પગાર કરી દઈએ. આવી મોંઘવારીમાં માસ્તરો કેમ કરીને મહિનો કાઢે? અને ખાસ તો તમારો આત્મા પણ ડંખે નહીં! અને મારે ક્યાં અત્યારે ઘરેણાં પહેરીને ક્યાંય જાવાનું છે?’ માસ્તરને જીવવું સાર્થક લાગ્યું. એમણે મનોમન ઉમાને પ્રણામ કર્યાં. પોતે કંઈ પણ બોલે એ પહેલાં— રાતની શાંતિમાં ઝાંપે બેઠેલું કૂતરું ભસી ઊઠ્યું. ઝાંપો ખખડવાનો અવાજ આવ્યો ને ઉમાબહેન માસ્તરથી અળગાં થયાં. ‘જોવો તો કોઈ આવ્યું લાગે છે...’ ‘કોણ?’ કહેતાં માસ્તર ઊભા થયા. જાળીનું બારણું ખોલ્યું. સામે વેલો વાઘરી ઊભો હતો. ‘અરે વેલા! ચ્યમ અટાણે? કોઈ હાજુંમાંદું?’ ‘મારા શ્યાહેબ! પગે લાગું બાપલા! હળવે બોલો! કો’કને ખબર પડી જાશે કે હું આવ્યો’તો.. તો તો ભારે થઈ જાશે!’ ‘બોલને તું તારે જે હોય એ વિના સંકોચે કહી દે શીદ આવ્યો છો?’ ‘ફાળો આપવા!’ ‘શેનો ફાળો? પગારનો? એ તો મેં ગમ્ભાને પણ ના કીધી છે. એવું કંઈ કરવાનું નથી. ઉપરવાળો કાઢશે મારગ એની મેળે! અને વળી તારો તે કંઈ ફાળો હોય? ભાલામાણહ કંઈક તો વચાર કર્ય....’ ‘મોટા શ્યાહેબ મને માફ કરો! મેં તો કંઈ ગનો નથી કર્યો, પણ પરજા પેટપાકી નીકળી. મારા ચમનાને ખબર્ય કે તમે બાવળિયે પગાર બાંધીન આવ્યા સો... ચમનાને સું આખા ગામને ખબર્ય. ગામમાં બીજું કોઈ ખૂટલ નો નીકર્યું ને આ એક મારો ચમનો… ઉઠલપાનિયાંનો પાક્યો... પરોઢ્યે દાતણ કાપવા જિયો તાંણે આ લઈ આઈવો. પાસુ કોઈને કીધુંયે નંઈ… ઈ તો હું જોઈ જિયો... ઘંટીના ગાળામાં મેલેલું તે! રાંડ વાંઝણીનાયે મારો ભવ બગાડ્યો.... તમ જેવા રૂખડનેય ઈણે નો ઓળખ્યા! ને આ પાતકમાં હાથ ઘાલ્યો. શ્યાહેબ ગણી લ્યો! ઈમાંથી એક પઈયે મારે ગાની માટી બરોબર... ખોટું બોલું તો મને મેલડી લે!’ વેલો ચોધાર આંસુડે રડતો હતો... જાળીની અંદર ઊભેલાં ઉમાબહેન આ બધું સાંભળતાં હતાં. રસોડામાંથી પાણીનો કળશ્યો ભરી લાવ્યાં ને વેલાના હાથમાં દીધો. માસ્તર વિચારમાં પડી ગયા. થયું કે કેળવણી સાવ ધૂળમાં નથી ગઈ..… વેલાએ ઊંચેથી ઘટક ઘટક પાણી પીધું. સાહેબના પગમાં પગારની થેલી મૂકી. પગે લાગ્યો ને ચાલતો થયો. એક ડગલું ચાલીને પાછો વળ્યો. નાક લૂછતાં લૂછતાં કહે કે, ‘ગમ્ભાને ખબર્ય નો પડે એવું કરજ્યો મારા શ્યાહેબ! નકર ઈ ચમનાને જીવતો નંઈ મેલે... આંય નિહાળ પાંહે જ વધેરી નાંખશે!’ માસ્તરે થેલી લેતાં કહ્યું કે ‘તું ફિકર ન કર, વેલા! ગમ્ભાને તો શું હું મનેય ખબર નહીં પડવા દઉં! પણ ચમનને કહેજે મને એક વાર મોઢું દેખાડી જાય... હું બીજું કંઈ નહીં કહું એને ....એટલું જ કહીશ કે તને તારા બાપનોય વિચાર નો આવ્યો?’ વેલો ગયો. ઉમાબહેને પાણિયારે ઘીનો દીવો કર્યો.

***