હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કહી કહીને અમે તમને એટલું કહીએ

Revision as of 15:06, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



કહી કહીને અમે તમને એટલું કહીએ
અમે તો શ્વેતમાં ભળતા ધવલ સમું કહીએ.

ભૂલા પડેલા અમે મૌનદેશના વાસી
કહ્યા કરો તમે કહેવા કશું તો શું કહીએ.

અમે અમારી હવાની જ બોલીએ ભાષા
અમારા શ્વાસ ભરો તો ઘણું ઘણું કહીએ.

ઊઘડતી બોલી નયનની નજરના ખૂલતા બોલ
જુઓ જરા તો જુઓ કેટલું બધું કહીએ.

અમે તમારા શબદલોકમાં રહ્યા ન રહ્યા
અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ.