સંજ્ઞા

Revision as of 14:10, 2 July 2024 by Shnehrashmi (talk | contribs)


Sangna - Cover Page 2.jpg

ગુજરાતી પ્રજાના વિચારદારિદ્ર અને બુદ્ધિમાંદ્યને નિવારવાના સંકલ્પથી જ્યોતિષ જાનીએ ૧૯૬૬માં વડોદરાથી પ્રકાશિત કરેલું ત્રૈમાસિક. ગુજરાતી ભાષાના વિદ્વાનોની સમકાલીન ચાર પેઢીઓના પ્રતિનિધિરૂપ રામપ્રસાદ બક્ષી, હરિવલ્લભ ભાયાણી, સુન્દરમ્, યશવન્ત શુક્લ, સુરેશ જોશી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, વિનોદ અધ્વર્યુ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ઉશનસ્, જયંત પાઠક, ચન્દ્રકાન્ત બક્ષી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઇવા ડેવ, રાવજી પટેલ, કિશોર જાદવ, સુમન શાહ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, લાભશંકર ઠાકર, પ્રમોદકુમાર પટેલ અને અચ્યુત યાજ્ઞિક વગેરે સર્જકો-વિવેચકોની કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ તથા સિદ્ધાન્ત-વિવેચન ઉપરાંત કૃતિ-આસ્વાદ, ગ્રન્થાવલોકન, સર્જકમુલાકાત અને પરિસંવાદ-અહેવાલ પ્રગટ કરનારા ‘સંજ્ઞા’એ અલ્પાયુમાં વિશિષ્ટ વાચકવર્ગમાં પ્રતિષ્ઠા મેળવી હતી. નાટક તથા વાર્તા-આસ્વાદના વિશેષાંકો તેમજ સાહિત્યિક સંજ્ઞાઓ અને ફિલ્મનિર્માણ વિષયક લેખમાળાઓ ‘સંજ્ઞા’નું ગુજરાતી સાહિત્યને મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩’માંથી સાભાર



સંજ્ઞા