હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું

Revision as of 06:48, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું
મારા આખા પુસ્તકમાંથી એક ફાટેલું પાનું.

હસતાં રમતાં વીત્યા વર્ષો વીતે રમતાં હસતાં
રાતોનાં ખૂણામાં છાનું અટકેલું એક સપનું.

સહુની સાથે વિતાવેલી એકએક પળ હૂંફાળી
વચ્ચે વચ્ચે એકલદોકલ પળનું ખાલી પડખું.

હળવે ઝૂલતા ઝૂલા સમ દિવસોની આવનજાવન
કદીક ઝૂલણ વચ્ચે ઓચિંતું એકાદું ઠેબું.

બાકી સઘળી સોનલવરણા દિવસો જેવી રંગત
કાલે આછું એક ધાબું ત્યાં આજે પણ એક ધાબું.

છંદવિધાન
ખંડ ચતુષ્ગણ કટાવ