૧. ઝીણાં મોતીનો હાર
ઝીણાં મોતીનો હાર દોરિયો ને હું તો હરખે પરોવતી હાર,
મારાં મોતીડાં રે વેરાણાં ચોકમાં.
સસરો મારો સમદરિયો ને મારી સાસુનાં ઘણાં ઘણાં હેત,
મારાં મોતીડાં રે વેરાણાં ચોકમાં.
ઝીણાં મોતીનો હાર...
જેઠ અડાબીડ ઝાડવું ને મારી જેઠાણી નાગરવેલ,
મારાં મોતીડાં રે વેરાણાં ચોકમાં.
ઝીણાં મોતીનો હાર...
દેરીડો મારો વન મોરલો ને મારી દેરાણી ઢળકંતી ઢેલ,
મારાં મોતીડાં રે વેરાણાં ચોકમાં.
ઝીણાં મોતીનો હાર...
નણદી મારી નાની બેનડી ને મારો પરણ્યો વસે પરદેશ,
મારાં મોતીડાં રે વેરાણાં ચોકમાં.
ઝીણાં મોતીનો હાર...
કુદરતનું અપ્રતિમ સર્જન એટલે સ્ત્રી. નદી, પર્વત, વન, પક્ષી એ બધાં પ્રકૃતિનાં તત્વો છે પણ પદમણી તો પોતે જ પ્રકૃતિ છે! સંસ્કૃત સાહિત્યમાં પુરૂષ અને પ્રકૃતિ એમ કહેવાયું છે. જે સૌથી વધુ સહન કરે છતાં સૌ ઉપર ઉપકાર કરે તે પ્રકૃતિ. આપણી નારીઓનાં જીવનનો બારિક નજરે અભ્યાસ કરીએ તો સમજાય કે પ્રકૃતિ તો આપણી પડખે જ છે! એક પરિવારમાં જન્મી, અઢાર, વીસ, પચ્ચીસ વર્ષ સુધી એ ઘરમાં રહીને અચાનક બીજા કુટુંબમાં ભીની આંખે છતાં હરખભેર વસી જવું એ કામિનીનું જ કામ છે, પુરૂષ તો પાંચમે દિવસે પાછો આવે! માનુનીઓનાં મનની મોટપ તો જુઓ, સાવ અજાણ્યા માનવીઓને પોતાનાં તરીકે સ્વીકારી લે ને નવા માળામાં ‘વહુ’ થઈને વસી જાય...! ‘ઝીણાં મોતીનો હાર દોરિયો...’ આવી જ એક વહુવારુએ ગાયેલું લોકગીત છે જે પોતાના સાસરિયામાં બહુ ખુશ હોય એવું સમજાય છે પણ હારમાં પરોવવાનાં મોતીડાં વેરાઈ કેમ જાય છે? મોતી વેરાવાં એ પ્રતીકાત્મક બાબત છે. કંઇક એવું બની રહ્યું છે જે માનુનીને મૂંઝવી રહ્યું છે એટલે ઝીણાં મોતીડાં પરોવતી વખતે પોતે ધ્યાનભંગ થઇ રહી છે ને મોતી સોયમાં જવાને બદલે જમીન પર વેરાઈ રહ્યાં છે કેમકે લોકગીતમાં ગવાયેલો એકપણ શબ્દ નિરર્થક ન જ હોય. આમ તો એ પોતાનાં સાસરિયાંનાં ખૂબ વખાણ કરે છે એટલે એ બાઈ સુખી તો હશે જ. એણે પોતાના સસરાને સમદર જેવા મોટા મનના કહ્યા ને સાસુ પણ બહુ હેતાળવાં છે. જેઠ ઘટાટોપ ઝાડવા જેવા તો જેઠાણી નાગરવેલ, દિયર વનના મોર જેવા અને દેરાણી ઢેલડી જેવી, નણંદ તો જાણે નાની બેન જ સમજો. સામાન્યરીતે નણંદ-ભોજાઈ વચ્ચે ઠંડું યુદ્ધ ચાલતું હોય એવાં અનેક લોકગીતો મળે છે પણ અહિ ચિત્ર સાવ જુદું છે. ઘરના બધા જ સભ્યોનાં નાયિકા બે મોઢે વખાણ કરે છે પણ એની વેદના એ છે કે પરણ્યો પરદેશ વસે છે! જેનો પતિ પરદેશ હોય એ દારાનું દર્દ બીજું કોણ અનુભવી શકે? દસેય દિશામાંથી સુખના સૂરજ ઊગતા હોય તોય વિરહિણી વામા પતિ પાસે ન હોવાની પીડા નિશદિન ભોગવતી રહે છે. આવો જ ખટકો આ લોકગીતની નાયિકાને છે. બાકી સૌ સારાંવાનાં છે પણ પતિ જ પોતાનાથી દૂર વસે છે એ કોને કહેવું? એ સમય એવો હતો કે ઘરના પુરૂષોને કામધંધા માટે પરિવારથી દૂર જવું પડતું. વળી સાધન-સુવિધાનો અભાવ, ટેકનોલોજીનો વ્યાપ ન્હોતો એટલે પરિવહન અને સંદેશા વ્યવહાર બહુ મર્યાદિત હતા. આ તમામ સંસારિક બાબતોનો પડઘો લોકગીતોમાં પડતો હતો એટલે જ એમ કહેવું પડે કે લોકગીતો થકી જે તે કાળખંડનું ‘વ્હોલ બોડી ચેક અપ’ થઇ શકે છે.