આંગણે ટહુકે કોયલ/મારે માથે છે
૨. મારે માથે છે
મારે માથે છે ભૂંભલાંનો ભારો, ડુંગરડામાં જાવું છે,
કાળાં કાળાં ડુંગરાનાં પાણી, ડુંગરડામાં જાવું છે.
મારે માથે છે...
મારી ટીલડી વ્યાજમાં ડૂબી, ડુંગરડામાં જાવું છે,
કાળાં કાળાં ડુંગરાનાં પાણી, ડુંગરડામાં જાવું છે.
મારે માથે છે...
મારી નથણી વ્યાજમાં ડૂબી, ડુંગરડામાં જાવું છે,
કાળાં કાળાં ડુંગરાનાં પાણી, ડુંગરડામાં જાવું છે.
મારે માથે છે...
મારાં ઝૂમણાં વ્યાજમાં ડૂબ્યાં, ડુંગરડામાં જાવું છે,
કાળાં કાળાં ડુંગરાનાં પાણી, ડુંગરડામાં જાવું છે.
મારે માથે છે...
મારો હારલો વ્યાજમાં ડૂબ્યો, ડુંગરડામાં જાવું છે,
કાળાં કાળાં ડુંગરાનાં પાણી, ડુંગરડામાં જાવું છે.
મારે માથે છે...
મારી કાંબિયું વ્યાજમાં ડૂબી, ડુંગરડામાં જાવું છે,
કાળાં કાળાં ડુંગરાનાં પાણી, ડુંગરડામાં જાવું છે.
મારે માથે છે...
શ્રૃંગારરસ છલકાતો હોય એવાં અનેકાનેક લોકગીતો આપણી પાસે છે. વિપ્રલંભ શ્રૃંગાર (વિયોગ શ્રૃંગાર)નાં પણ કેટલાંય લોકગીતો મળે છે. મજાક-મસ્તી, ઠઠ્ઠામશ્કરી, હાસ્યરસનાં ગીતો પણ ઓછાં નથી. વીર કે શૌર્યરસનાં ગીતો ગુજરાત પાસે ન હોય તો બીજા કોની પાસે હોય? રૌદ્ર, ભયાનક, બિભત્સ રસમાં ઘોળાયેલાં ગીતો પણ ઘણાં મળે જ છે. કરુણરસ તો દરેક વ્યક્તિના જીવનનું સનાતન સત્ય છે એટલે કે આપણાં લોકગીતો નવરસીલાં છે! આપણે ગુજરાતીઓ દરિયો, જંગલ, રણ, ડુંગરાના સાનિધ્યમાં રહેનારા છીએ. તનથી અને મનથી ખડતલ છીએ. સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, ડાકોર જઈને શિશ ઝુકાવનારા આસ્થાવાન છીએ. પુરુષાર્થ તો કરીએ પણ જે ફળ મળે એને કુદરતનો પ્રસાદ માનીને હકારભર્યું જીવન જીવનારા લોકો છીએ. આપણે ગરીબીને, દારુણ દશાને પણ સહી લઈએ, એમાંથી બહાર નીકળવા ઉદ્યમ કરીએ, કાળીમજૂરી કરીએ પણ પોતાની જાતનું અવમૂલ્યન ક્યારેય ન થવા દઈએ, ગુજરાતીપણાને, અસ્મિતાને અકબંધ રાખીએ એવા છીએ. આ એ પ્રજા છે જે બે ટંક જમવાનું ન મળે એવી ગરીબીનાં પણ ગીતડાં ગાઈ નાખે, વ્યાજે નાણાં લેવાં પડ્યાં હોય ને ઘરેણાં ગિરવી પડ્યાં હોય તો એનાં પણ ગીતો ગાય! સ્ટ્રેસમાં આવીને આપઘાત કરવાને બદલે દાડિયું કરીને ઘરેણાં છોડાવવા મથે ને એનું મનોમંથન ગીતમાં લલકારે! ‘મારે માથે છે ભૂંભલાંનો ભારો...’ દરિદ્રતાની પરાકાષ્ઠામાં જીવતી એક નારીએ બયાન કરેલો ગેય સ્વાનુભવ છે. એ કહે છે કે મારા માથા પર લાકડાંનો ભારો છે, મારે ડુંગરામાં લાકડાં વીણવા જવું પડે છે. લાકડાં વેચવાથી જે રકમ આવશે એનાથી પરિવારનું ગુજરાન ચલાવવાની વાત નથી પણ એ નાણાંથી ગિરવી મુકેલાં ટીલડી, નથણી, ઝૂમણાં, હાર, કાંબિયું જેવાં ઘરેણાં શાહુકારને ત્યાંથી છોડાવવાનાં છે. ગ્રામજીવનમાં ગરીબો, શ્રમિકો પેટ ભરાય એટલું તો મહેનતથી કમાઈ લેતા પણ ઘરમાં બીમારી આવે, સારા-નરસા પ્રસંગ આવે તો પૈસા વ્યાજે લેવા પડે. વ્યાજખોરો નાનકડી રકમના બદલામાં દાગીના ગિરવી મુકાવે ને અમુક સમયમર્યાદામાં રકમ ન ચૂકવી શકે તો દાગીના ગયા સમજો! લોકગીતની નાયિકાના માથાની ટીલડીથી માંડી પગની કાંબિયું સુધીનાં આભૂષણો વ્યાજમાં ડૂબેલાં છે, શાહુકારને ત્યાં છે! સોના-ચાંદીના દાગીના સ્ત્રીધન છે, એ શુકન ગણાય છે, છેલ્લા વિકલ્પ તરીકે લોકો સ્ત્રીધન ગિરવી મુકતા. અહીં બધું જ સ્ત્રીધન વ્યાજખોરોને ત્યાં છે ને ડુંગરમાંથી લાકડાં લાવી, વેંચી નાણાં રળીને એ પરત લેવાનું છે, કેટલું અઘરૂં કામ! છતાં નાયિકાએ જરાય હિંમત હાર્યા વગર અખૂટ વિશ્વાસ સાથે લોકગીત ગાઈ નાખ્યું! આજે શહેરોમાં વ્યાજનું વિષચક્ર અનેક પરિવારોને ડૂબાડી રહ્યું છે. ગામડાંમાં વર્ષો પહેલા પણ આ નાગચૂડમાં કેટલાંય કુટુંબો ફસાઈ ચુક્યાં હતાં એ લોકગીત દ્વારા છતું થાય છે એટલે લોકગીતને શાંત અને નિર્મળ નીર જેવું કહી શકીએ, જેમાં આપણો ચહેરો હોય એવો દેખાય છે.