હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/લીટી

Revision as of 17:36, 3 August 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લીટી


એને તો બસ
સરખી એક લીટી દોરવી હતી

કંઈ વિષુવવૃત્ત દોરવું નહોતું
કે દોરવા નહોતા રેખાંશ કે અક્ષાંશ
કે ઝૂંપડી ફરતે યુગયુગો પછી પણ ટકે એવી ધૂળમાં દોરાયેલી અભેદ્ય આણ
કે સુ કે કુ દર્શન કરાવતાં ચક્રની ધાર
કે ટંકારદાર ધનુષની પણછ
કે મોનાનું લીસ્સું લપસણું સ્મિત
કે પાતળી પરમાર્યની કેડ ફરતે ફરતો કંદોરો
કે કરિયાણાવાળા વાણિયાની વહીમાં રોજેરોજની આણપાણ
એને તો બસ

કેટકેટલું બધાએ કહ્યું એને
કહ્યું એને કે ખળખળતા ઝરણ પર વહનભર દોર તરલ લીટી
કે વન ઉપવનમાં સુમનથી સુમન લીટી સુવાસિત
કે પરભાતે ભલીભાતે ડાળડાળ વચવચાળ લીટી કલશોરી
કે પીંજેલા કાળા રૂના ઢગલા જેવા વાદળો વચવચે ઝબૂકતી લીટી
કે લપકતી અગનજ્વાળાઓની ટોચને ટોચ સાથે સાંકળતી લીટી કેસરિયાળ

કંઈ લીટી દોરી હતી એણે આમ તો
તેમ પણ
એવી પણ
તેવી પણ
જેવી પણ
કેવી પણ
પણ જોતાં જ આંખ ઠરે?
પણ વળે કાળજે ટાઢક?
પણ થાય બત્રીસે કોઠે દીવા?
પણ આવે દોર્યાનો ઓડકાર?
પણ પ્રથમ બિંદુથી માંડીને તે અંતિમ બિંદુ સુધી
પહોંચી પહોંચી પહોંચતા પૂરો થઈ જાય આજન્મ કોડ?
એને તો બસ
સરખી એક લીટી દોરવી છે