હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/રફૂકાર
એની કળા દેખાય નહીં, એટલી શોભે
ઓપે, નરી આંખે દેખાય નહીં એટલી
જાણે વિધિવત્ વણાટ હોય, એમ
ન ઢીલો ન પોચો ન સાંધો ન રેણ વણાટ હોય, એમ
જોનારની આંખો આઠે ગાંઠે આભી થઈ જાય, એમ
એવી એવી એની મથામણી એવી એવી એની ગૂંથામણી
શું જરકસી જામો
શું અતલસી અંગરખું
શું કિનખાબી કંચુકી
શું જરિયાનાળ ઝબ્બો
શું ઘુઘરિયાળ ઘમ્મરઘાઘરો
તસુ તો શું, ટચલી આંગળીનાં ટેરવાં જેટલુંયે, અશુંકશુંયે, અશેકશેયે
ફાટતાં ફાટતાં ફાટ્યું હોય, પડતાં પડતાં બાકું પડ્યું હોય
રફૂકાર ઠીકઠાક કરતો કરતો, ઠાકઠીક કરતો કરતો રફૂ કરે
રફૂ કરે એટલે શું? સમજો છો શું કે એટલે શું?
રફૂ કરે એટલે કે એટલે કે
કરે કાળજી કામકરંદો લૂંગડાંલત્તાં કરી દે પાછાં પૂરાપાધરાં આખેઆખાં, એમ
ન કાપ ન ફાટ ન વાકું બાકું, એમ
વણકર પણ જોઈ જોઈને મોંમાં આંગળાં ઘાલે, એમ
ચાંદનીમાંય જો ચીરાડો પડ્યો હોય
કદરૂપો, જોતાંવેંત ચીતરી ચડે એવો, ચરરર ચીરાડો
રફૂકાર ચાંદની હાથમાં ધરે
ચંદ્રકિરણના શીતળ તાણા અને રૂપેરી વાણાની એવી તો ગૂંથણી આદરે
એવી તો ગૂંથણી કરે
એવી તો એની રફૂકારી જાદુઈ છડીની જેમ ફેરવી દે
ચીરાયેલી ચાંદની પણ પાછી, જીવતરભરના શ્વાસ જેમ, કરીકારવી દે
અદલોઅદલ સળંગ
સુદ બારશ પછી સુદ તેરશ જ આવે
સુદ તેરશ પછી સુદ ચૌદશ જ આવે, એમ
લોક તો સીવે, સીવી લે, સીવડાવી લે
થીંગડાં મારે, થીંગડથાગડ કરી મૂકે
જાણે સાતમ પછી પાંચમ આવે, એમ
લોકની કક્કાવારીમાં ‘ર’ રફૂકારીનો ‘ર’ નહીં
નહીં બારાખડીમાં રફૂકારનો ‘ર’ કાર
લોક તો કદીકે પણ જરીકે પણ જોતાંય ન હોય જાણતાંય ન હોય
રફૂકાર જેવો પણ કોઈ હોય, હોય છે, છે
રફૂકારી જેવું પણ કશું હોય, હોય છે, છે
લોક તો સીવણકાર, સીવે, સીવી લે, સીવડાવી લે
રફૂકાર એક ગામથી બીજે ગામથી ગામેગામ ફરે, ફરતો રહે, ફર્યા કરે
એની લાખલખેણી રફૂકારી રજૂ કરે, કરતો રહે, કર્યા કરે
લોક તો ચપટીભર પણ પૂછે નહીં, બે ચપટીભર પણ ગાછે નહીં
વેઢભર પણ જોયું જાણ્યું ન હોય તે વેંતભર થોડું જ કંઈ સૂઝ્યું બૂઝ્યું હોય
રૂમઝૂમતાં ઝરણાં, ખળખળતી નદી વિનાનો દેશ હોય
કૂવાથાળે જીવતા જીવો કૂવાથાળે જીવે, જીવતા રહે, જીવ્યા કરે, એમ
હજી પણ રફૂકાર કદી પેલા કદી ઓલા ગામે દેખાય છે
હજી પણ રફૂકાર ગામેગામથી ધોયેલા મૂળા જેવું જાય છે
હજી પણ લોક પૂછતાંય નથી, ગાછતાંય નથી
હજી પણ લોક આછોતરી પાછોતરી પણ નજર નાખતાંય નથી