રચનાવલી/૪૨

Revision as of 01:38, 7 August 2024 by Atulraval (talk | contribs)


૪૨. ગોડાર્ડનો ગરબો (મગનલાલ વખતચંદ શેઠ)





૪૨. ગોડાર્ડનો ગરબો (મગનલાલ વખતચંદ શેઠ) - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


કોઈ આપણને પૂછે કે અમદાવાદ વિશે શું જાણો છો? તો રુબેન ડેવિડના તકિયા કલામમાં કહી શકાય કે, ‘રાણીનો હજીરો' એટલે કે કશું જાણતા નથી. આમ તો તળ અમદાવાદમાં હરતાં ફરતાં ઠેર ઠેર ઐતિહાસિક અવશેષો નજરને અથડાયા કરે છે. સીદી સૈયદની જાળી, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, બાદશાહનો હજીરો, શાહઆલમનો રોજો, ઝૂલતા મિનારા, ગાયકવાડની હવેલી દિલ્હીની જેમ અમદાવાદ પર પણ ઇતિહાસના થર પર થર ચઢેલા છે. અમદાવાદમાં સત્તાના કેટલા હાથબદલા થયા છે. મૂળે આશાભીલનો ટીંબો તે આશાવલ યાને અમદાવાદ, રજપૂતોનું કર્ણાવતી તરીકે ઓળખાતું અમદાવાદ. મુસલમાન સુલતાનોનું અમદાવાદ, મોગલ બાદશાહોનું અમદાવાદ, પેશ્વાઈ અમદાવાદ, ગાયકવાડી અમદાવાદ, અંગ્રેજોનું અમદાવાદ, આઝાદ ભારતનું અમદાવાદ. સરસુબાઓ આવ્યા અને ચડસાચડસી થતી રહી. વેરાઓ અને ચોથો ઉઘરાવાતી રહી. અમદાવાદે અત્યા૨ સુધીમાં કેટકેટલાં જુલ્મો અને ખૂનામરકી, કેટકેટલી લૂંટફાટ અને કેટકેટલી ચોરધાડનું ભોગ બન્યું છે. અમદાવાદે કેટકેટલી ચડતીપડતી, કેટકેટલી હારજીત જોઈ છે. અમદાવાદની આવી જ એક શરણાગતિની કથા અંગ્રેજોએ પેશ્વાના બાપજી પંડિતને નમાવ્યો એ કાળની છે. જનરલ ગોડાર્ડ ગુજરાતમાં આવ્યો હતો અને સુરતમાં એણે મુકામ કરેલો. મુંબઈથી અંગ્રેજ સરકારનો હુકમ હતો કે ગાયકવાડ સરકાર સાથે સુલેહ કરવી. સન ૧૭૮૦ની સાલમાં ૨૬મી જાન્યુઆરીએ ગોડાર્ડે ગાયકવાડ સરકાર સાથે સુલેહ કરતાં ગાયકવાડે અંગ્રેજોને તાપી નદીની દક્ષિણનો પ્રદેશ આપ્યો અને ૩૦૦૦ ઘોડાની ખોરાકીનું કબૂલ્યું. તો સામે અંગ્રેજો વતી જનરલ ગોડાર્ડે એ વખતના પેશ્વાના તાબામાં રહેલા ડભોઈ અને અમદાવાદ જીતીને ગાયકવાડને આપવાનું વચન આપેલું. વચન પ્રમાણે ડભોઈ એક ઝાટકે જીતીને ગાયકવાડને હવાલે કરી જનરલ ગોડાર્ડ અમદાવાદ તરફ ફોજ હંકારી ગયો અને શાહ ભીખનના ટેકરા પર પડાવ કર્યો. અમદાવાદમાં તે વખતે પેશ્વાના સરસૂબા બાપજી પંડિત કર્તાહર્તા હતા. એમણે અંગ્રેજી ફોજને ખાળવા માટે કોટના દરવાજા બંધ કરાવ્યા. એમની પાસે ૬૦૦૦ આરબ અને ૨૦૦૦ સવાર ઉપરાંત પાયદળ પણ હતું. પાંચ દિવસ બાપજી પંડિતે મચક આપી નહીં પરંતું અંગ્રેજોના તોપોના મારાથી કોટની દીવાલોમાં ગાબડાં પડવાથી અને જનરલ હાર્ટલી જેવાના મરણિયા જંગથી અંગ્રેજો છેવટે અમદાવાદમાં ઘૂસી શક્યા. ઘૂસ્યા એટલું જ નહીં પણ ત્રણ દિવસ લાગલગાટ શહેરને બેફામ લૂંટ્યું. આખરે નગરશેઠ નથુશા ખુશાલચંદ, કાજ શેખ મહંમદ સાલે અને પાદશાહી દીવાન મિયા મિર્ઝા આપુ જેવા શહેરના અગ્રણીઓ જનરલ ગોડાર્ડને મળ્યાં અને શહેરને ન લૂંટવા વિનંતી કરી. તો ગોડાર્ડે કહ્યું ‘તમે પહેલેથી અમારે શરણે કેમ ન આવ્યા?’ અગ્રણીઓએ જવાબ આપ્યો કે "બાપજી પંડિત જેવા અમારા રક્ષણ માટે ઝૂઝતા હોય ત્યારે અમે નિમકહરામ કઈ રીતે થઈ શકીએ? તમે સરસુબાને જીતી લીધો છે ને તમારો અમલ શરૂ થયો છે તો અમે તમારે શરણે આવ્યા છીએ." અગ્રણીઓના જવાબથી ઠંડા પડી ગયેલા જનરલે લૂંટફાટ અટકાવી, અને અમદાવાદમાં બાર દીવસ રહી વચન પ્રમાણે પેશ્વાના સરસુબાને જીતીને અમદાવાદને ગાયકવાડને હવાલે કર્યું. અંગ્રેજ જનરલ ગોડાર્ડની અમદાવાદ પરની ચઢાઈ અને બાપજી પંડિતના મુકાબલે મગનલાલ વખતચંદ શેઠે ‘ગોડાર્ડનો રાસડો’ નામની કાવ્યરચનામાં ગૂંથી લીધો છે. મગનલાલ વખતચંદ શેઠ ૧૯મી સદીના અંગ્રેજ અમલમાં વિકસતા જતા અમદાવાદની એક નામાંકિત વ્યક્તિ છે. જ્ઞાનપ્રસાર અને વિદ્યાવિકાસ માટે ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી'ની સ્થાપના થઈ તેમાં અનેક અંગ્રેજ કાર્યકર્તાઓની વચ્ચે મગનલાલની પહેલા ગુજરાતી સહાયક મંત્રી તરીકે નિમણૂક થઈ હતી, ‘બુદ્ધિપ્રકાશ’ જેવા સામયિકનું એમણે સંપાદન કરેલું અને એમાં લેખન પણ કરેલું. એમણે ૭00 કહેવતોનો ‘કથનાવલિ’ (૧૮૪૯) નામે સંગ્રહ કહેલો, તેમજ જૈનાચાર્ય શ્રી વીરવિજયજીનું જીવનચરિત્ર લખેલું એમણે અમદાવાદનો ઇતિહાસ (૧૮૫૧) અને ‘ગુજરાતનો ઇતિહાસ' પણ આપ્યો છે, મગનલાલ દૃષ્ટિસંપન્ન સાહિત્યસેવી હતા. કહેવાય છે કે મ્યુનિસિપાલિટીના અને પછી બેન્કોનાં કાર્યોની દિશામાં એ જો ન વળી ગયા હોત તકો તેઓ એક સારા સાહિત્યકાર બની શક્યા હોત. આ વાતની ખાતરી એમણે લખેલો ‘ગોડાર્ડનો રાસડો’ કરાવે છે. વળી એમનો ઇતિહાસશોખ પણ એમાંથી પ્રગટ થાય છે. ‘ગોડાર્ડનો રાસડો’ સંવત ૧૯૦૭ એટલે કે સન ૧૮૫૧માં રચાયો છે. એમાં મધ્યકાળની ગરબીનો ઢાળ છે પણ દલપતરામે જેમ નવા જમાનાના નવા વિષયો કવિતામાં શરૂ કરેલા તેમ ગરબીના ઢાળમાં મગનલાલે ૪૨ કડીમાં નવો વિષય રજૂ કર્યો છે. રાસડાની શરૂઆત સરસ્વતીને પ્રાર્થીને શરૂ થાય છે : ‘માતા સરસ્વતી પાયે લાગુ રે કર જોડીને આગના માડુ રે / અમદાવાદ ગાડર્ડ આવ્યો રે, સાથે વિલાયતી ફોજ લાવ્યો / વાલો મારો ટોપીવાલો હવે આવ્યો રે તે તો જગમાં ડંકો વગાડો / વાલો મારો ટોપીવાલો હવે આવ્યો રે દરેક કડીમાં ચાર ચરણ પછી ‘વાલો મારો ટોપીવાલો’ની ટેક રાસડામાં છેવટ સુધી મૂકી છે. અને દરેક બબ્બે ચરણને પ્રાસથી સાંકળવા પ્રયત્ન કર્યો છે. જેમ કે : ‘છ હજાર આરબ તાજા રે દોયસેહેંસથી અસ્વાર જાઝા રે / વળી વાજે મરેઠી વાજાં રે, પણ નહી રહી પંડિતની માઝા’ આખું કાવ્ય કથા કહેતું ચાલે છે. કઈ રીતે બાપુજી પંડિતે ઉપાયો યોજ્યા અને કઈ રીતે જનરલ ગોડાર્ડે અમદાવાદનો કબજો લેવા પ્રયત્ન કર્યા એનું સામસાનું વર્ણન આવે છે. બાપજી પંડિત વિશે કહે છે : ‘બીજું પાયદળ બહુ જાણો રે, આવ્યા લેઈ ધનુષ્ય બાણો રે / માણેક બુરજે ચડાવી તોપો રે ઘર વાશી માંહી પેઠા લોકો’ તો જનરલ ગોડાર્ડ શું કરે છે? ‘સુદી આઠમ બપોર વેળા રે ગોડાર્ડે ચલાવ્યા ગોળા રે / અમદાવાદના ફોટ ડોલ્યા રે ખાનજહાં આગળ કોટ તોડ્યા' મગનલાલની કવિત્વ શક્તિ ક્યારેક યુદ્ધની ગતિમાં જોવાય છે : ‘કંઈ મરીયાને કોઈ પડિયા રે, કેઈ નાઠાને કંઈ અડીયા રે / કોઈ ઊભાં ને કંઈ વઢિયા રે પણ બાપજીને બહુ નડિયા’ કોઈવાર સરખામણીમાં મગનલાલની પ્રતિભા ઝળકી આવે છે : ‘તરવાર, સમળીઓ ફરતી રે, એક કોળીયો તેનો કરતી રે / જાણે વીજળીઓ ઝબુકતી’ અહીં એક ચરણને જવા દઈ ઝડપથી ટેક સાથે જોડીને અને સળંગ ત્રણ ચરણને એક જ પ્રાસથી બાંધીને કવિએ વીજળીની ત્વરાને બરાબર પકડી છે. ક્યારેક કવિ યુદ્ધને કાનથી સંભળાવતા હોય એવી નાયુક્ત પંક્તિઓ રચે છે : ‘ચાલે ગોળા તે બહુ ધાટે રે બીહીકણની છાતી ફાટે રે / થયું જુદ્ધ તે દહાડે ને રાતે રે, ચાલ્યું સુબાનું નહીં કઈ વાતે.’ મગનલાલ વખતચંદ શેઠનો આ રાસડો ‘બુદ્ધિપ્રકાશ’ના બહુ જૂના અંકમાં દટાઈને પડ્યો છે. પરંતુ ‘ગુજરાત વર્નાક્યુલ૨ સોસાયટીનો ઇતિહાસ’ના પહેલા ભાગમાં આખેઆખો ઉતારી લીધો હોવાથી આજે એટલો દુર્લભ નથી બની ગયો. ૧૯મી સદીના પૂર્વાર્ધની આજુબાજુ દલપતરામની સાથે સાથે ચાલનારી અર્વાચીન કવિતામાં રડ્યું ખડ્યું કોઈ આવું કૌવત આનંદની લહેર ફરકાવી ન જાય તો જ નવાઈ.