◼
૩૫. મીરાં યાજ્ઞિકની ડાયરી (બિન્દુ ભટ્ટ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
મનુષ્યની જાતીય વૃત્તિને મોટે ભાગે ઢાંચામાં નાખીને જોવાતી રહી છે પણ જાતીય વૃત્તિ એ કેવળ શરીરનો વ્યવહાર નથી પણ શરીર દ્વારા થતો લાગણીનો વ્યવહાર પણ છે – સંબંધનો વ્યવહાર પણ છે. મનુષ્યના અન્ય મનુષ્ય સાથે રચાતા સેતુનો વ્યવહાર છે. સ્ત્રી-પુરુષના સંબંધને સાધારણ ગણી એ જ સંબંધને જાતીય વૃત્તિના કેન્દ્રમાં મૂક્યો છે પણ પુરુષનો પુરુષ સાથેનો સંબંધ કે સ્ત્રીનો સ્ત્રી સાથેનો સંબંધ પણ ક્યારેક શરીર દ્વારા લાગણીનો પડઘો પાડતો હોય છે. ગઈ કાલ સુધી મનોવિજ્ઞાનમાં કેટલાક સંબંધોને વિકૃતિરૂપે જોવાતા હતા એને આજનું મનોવિજ્ઞાન માત્ર વિવિધતારૂપે જુએ છે. મૂળ વાત તો એ છે કે મનુષ્ય જગતમાં એક્લો નથી રહી શકતો, એ કોઈની ને કોઈની સાથે જોડાતો જતો હોય છે. એના સંબંધોનાં વર્તુળો વિસ્તરતાં એકબીજાને છેદતાં ક્યાંનાં ક્યાં જતાં હોય છે. ઘણીવાર લાગે છે કે દુઃખનું કારણ વ્યક્તિ માત્ર પોતે નથી પણ અન્ય વ્યક્તિઓ સાથેના એના સંબંધો છે અને આ સંબંધોની સપાટી સ્થિર રહેતી નથી. સંબંધોથી ઊભી થતી લાગણી અને લાગણીમાંથી જન્મતા આઘાતો એ સમાજમાં રહેતા મનુષ્યની ઓળખમાં અગત્યનો ભાગ ભજવે છે. ‘ફાયર’ જેવી ફિલ્મમાં શબાના આઝમી અને નંદિતા દાસ જેવી અભિનેત્રીઓએ પોતાની ભૂમિકાઓની સમસ્યાઓ અને એકલતામાંથી માર્ગ કાઢતા જે રીતે લાગણી સાથે શરીરોનાં માધ્યમનો ઉપયોગ કર્યો છે એમાં શરીરનું માધ્યમ જાતીય વૃત્તિ પ્રગટ કરવાને બદલે બંને નિરાધાર મનુષ્યોની લાચારી અને કરુણતાને વધુ પ્રગટ કરે છે, પરંતુ આપણો સમાજ હજી સ્ત્રીના અન્ય સ્ત્રી સાથેના શરીરના માધ્યમથી કે પુરુષના અન્ય પુરુષના શરીરના માધ્યમથી થતા લાગણીના આવિષ્કારને સમજવા અને જાતીય વૃત્તિની પાર રહેલા મનુષ્યના અન્ય મનુષ્ય સાથે સેતુ રચવાના સામર્થ્યને જોઈ શક્યો નથી. ક્યારેક મનુષ્યના જાતીય જીવનના આવા ઊંડા ખૂણાઓને નવલકથાકારો હાથમાં લેતા હોય છે; ત્યારે એને પામવા માટે આપણે વિશેષ પ્રયત્ન કરવો પડે એ સ્વાભાવિક છે. ગુજરાતી સાહિત્યમાં બિન્દુ ભટ્ટે એની પહેલી નવલકથા ‘મીરાં યાજ્ઞિકની ડાયરી'માં જાતીય વૃત્તિનો અને એ દ્વારા મનુષ્યના જીવનમાં સંબંધોમાંથી જન્મતી દુ:ખની દિશાઓનો ન સમજાય એવો અર્થ ઊભો કરવા ચાહ્યો છે. ‘જન્મભૂમિ પ્રવાસી’ રવિવારની પૂર્તિમાં આ જ લેખકની બીજી નવલકથા ‘અખેપાતર’થી હવે એ ગુજરાતને પૂરતાં જાણીતાં થયાં છે. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી" નવલકથા કાલ્પનિક પાત્રની ડાયરીના રૂપમાં લખાયેલી છે. અહીં તારીખવાર નાની નાની નોંધો છે અને નોંધોમાં રજૂ થયેલી વીતકથી કથા બંધાતી આવે છે. અમદાવાદની યુનિવર્સિટી હોસ્ટેલમાં રહી મીરાં સંશોધન સાથે પીએચ.ડી.ની તૈયારી કરે છે. મીરાંનો ઉપરનો સંબંધ હૉસ્ટેલની અન્ય છાત્રાઓ સાથે છે. પણ એનો અંદરનો સંબંધ વૃંદા અને ઉજાસ સાથે બંધાય છે. છતાં બંને સંબંધો – વૃંદાનો અને ઉજાસનો - કઈ રીતે મીરાંના જીવનને ગૂંગળામણ અને આઘાત સુધી લઈ જાય છે એની કથા એમાંથી ઊભી થાય છે, મીરાં ત્યક્તા સ્ત્રીની દીકરી છે એટલે એક અભાવનો ખૂણો તો મીરાંમાં પડેલો છે. મીરાંને કોઢ છે છતાં એણે પોતાની છબીને જરાય ચહેરા વગરની જોવાની ટેવ પડી છે એ એના અભાવનો બીજો ખૂણો છે. મીરાં નવાનગર જેવા નાના સ્થળને છોડી માથી અલગ થઈ હૉસ્ટેલમાં રહી છે એ એના અભાવનો ત્રીજો ખૂણો છે. આથી શાળામાં વૃંદા નામની જે શિક્ષિકાએ એને લાગણીથી હૂંફ અને વિશ્વાસ આપેલાં તે શિક્ષિકા વૃંદા એની હૉસ્ટેલમાં વધુ અભ્યાસ માટે મીરાંની જ રૂમમાં સાથી બનીને આવે છે. વૃંદા પાસે પાછો નિશાળના પરિણીત આચાર્ય કમાણી સાહેબ સાથેનો પોતાના પૂર્વસંબંધના ઊંડા સંસ્કાર છે. આ સંજોગોમાં મીરાં અને વૃંદાને શરીરોના માધ્યમ લાગણીના આસક્ત સંબંધમાં ખેંચી જાય છે. પણ બંનેનો સંબંધ ન સમજાય એવી ભૂમિકા ૫૨ મૂકાય છે. એક બાજુ ડૉ. અજિત તરફ ઢળતી વૃંદાનો ઓસરતો સંબંધ મીરાં સાંખી નથી શકતી તો બીજી બાજુ મીરાં પોતે પણ કવિ ઉજાસ તરફ જાણે-અજાણે ખેંચાણ અનુભવે છે. મીરાંને વૃંદાની આસક્તિ છૂટતી નથી અને કવિ ઉજાસની આસક્તિ વળગતી આવે છે. આ ખેંચતાણમાં કવિ ઉજાસનો મીરાં સાથેનો લગભગ બળાત્કાર કહી શકાય એવો વ્યવહાર મીરાંના જીવનના સુન્દરને કચડીને ચાલ્યો જાય છે. વૃંદાની ઉદાસીનતા અને ઉજાસની આક્રમકતા મીરાંને સંબંધોની કરુણતાની ખાતરી કરાવે છે. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ એક બુદ્ધિજીવી સંવેદનશીલ નારીની સંબંધોને સમજવાની મથામણને રજૂ કરે છે, અને એમ કરવામાં નવલકથાકારે જર્મન કવિ રિલ્કે માંડી દોસ્તોયેવસ્કીનો આધાર તો લીધો છે પણ અનેક કલાઓનો આધાર પણ લીધો છે. હિંદી સાહિત્યની જાણકાર નાયિકા હોવાથી હિંદી રચનાઓનો પણ સંસ્કાર એમાં ભળ્યો છે. ડાયરીના સ્વરૂપમાં વાત કહેવાતી હોય એ પ્રકારે લખાયેલી આ નવલકથા આપણી થોકબંધ બહાર પડતી ધંધાદારી નવલકથાઓ વચ્ચે ખાસ્સું ધ્યાન ખેંચે છે. બિન્દુ ભટ્ટે બે સ્ત્રીઓ વચ્ચેના સજાતીય સંબંધોને લગતો વિષય પડકારરૂપે લીધો છે એટલો જ પડકારરૂપ ડાયરી સ્વરૂપમાં નવલકથા લખવાનો એમનો પ્રયત્ન પણ છે.