ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ક્યાં છે સોનું?

Revision as of 21:24, 11 August 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ક્યાં છે સોનું?

સુરેશ જોશી




ગુજરાતી નિબંધસંપદા • ક્યાં છે સોનું? - સુરેશ જોશી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

ખૂબ ખૂબ માયા છે, ને માટે જ ખૂબ ખૂબ સુખ પણ છે. જે જાણી કરીને અતડા રહે છે, અતડા રહેવા બદલ અભિમાન સેવે છે, તેની પ્રત્યે પણ અપાર કરુણા થાય છે. મારું ચાલે તો એમનો એ બોજો ઉતારવામાં મદદ કરું. કરડાકીભરી નજરે જ જોવા ટેવાયેલાની આંખમાં શી રીતે સ્નિગ્ધતાનું અંજન આંજવું તેનો ઘણી વાર વિચાર કરું છું. સ્પર્શબધિર ને ચક્ષુબધિર લોકોને જોઉં છું, ને મારું હૃદય દ્રવી જાય છે. દિવસો સુધી ફૂલને ન સ્પર્શ્યા હોય, કોઈની ગ્રીવાની સુંવાળી રુવાંટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દૃષ્ટિને આળોટવા દીધી નહીં હોય ને છતાં મનને એનું દુ:ખ નહીં થાય, કશું કઠે નહીં એવાય લોકો હોય છે. આંખ જોતી હોય છતાં એનામાં આશ્ચર્યની ચમક ન હોય, કેવળ મનની કચેરીના નોંધણી-કારકુનનું જ કામ એ કરતી હોય એવુંય ક્યાં નથી બનતું? કોઈના મોઢા પર સ્મિત જોઉં છું – શબ પર ચઢાવેલાં ફૂલના જેવું, ને આંખ ભીની થઈ જાય છે; કોઈ મારી આંખોમાં આંખ માંડે છે ત્યારે એક દૃષ્ટિના ઘૂંટથી એ આંખોમાં રહેલો બધો વિષાદ પી જવાનું મન થાય છે. પણ મારી જ પાંચ વર્ષની કન્યાના જગતમાં હું પ્રવેશી શકતો નથી. જેને આત્મીય કહીએ તેની સૃષ્ટિની સીમાઓ પણ ભેદી શકાતી નથી. હૉસ્પિટલની બારીમાંથી ડોકિયાં કરતાં ફૂલના જેવી કરુણ દૃષ્ટિએ કોઈ જોતું હોય છે ત્યારે એ આંખની પાંપણોને કોમળ સ્પર્શથી શાતા આપવાનું મન થાય છે. શરદ્ બેઠી છે. સોનું લૂંટાવવાના દિવસો છે. ક્યાં છે સોનું? ક્ષિતિજ : ૧૦-૧૯૬૨