ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મોહમયી મુંબઈ

Revision as of 01:30, 12 August 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મોહમયી મુંબઈ

ચુનીલાલ મડિયા




ગુજરાતી નિબંધસંપદા • મોહમયી મુંબઈ - ચુનીલાલ મડિયા • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

મુમ્બાપુરીની મૂલ્યપત્રિકા ફડાવતી વેળા ભદ્રંભદ્રે આ શહેર માટે ‘મોહમયી’નું સૂચક વિશેષણ વાપરેલું. કાઢિયાવાડીઓ તો કૃતજ્ઞભાવે આ નગરીને ‘મુંબઈ માવડી’ કહીને સંબોધે છે. આ બન્ને વર્ણનો સરખા જ પ્રમાણમાં માણ્યાં છે. મુંબઈ સૌ કોઈને મોહિની લગાડે છે. અને સાથોસાથ, પુત્રવત્સલ માતાની જેમ સૌ આગંતુકોને પોતાને ખોળે સમાવે છે.

ક્રિકેટની મોસમ હજી હમમાં જ પૂરી થઈ. એક તરફ કાપડ- કરિયાણાંના ભાવ ગગડવાથી વેપારી લોકો ‘મરી ગયા! મરી ગયા!’ની બૂમો પાડતા હતી ને બીજી તરફ ક્રિકેટની ટેસ્ટ માટે સ્ટેડિયમમાં ટિકિટ નહોતી મળતી. (દોઢસો વર્ષના બ્રિટિશ શાસને કેળવેલા આ ક્રિકેટશોખનો લાભ અથવા ગેરલાભ લઈને સિનેમાના અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પણ સ્ટેડિયમ પર મુંબઈગરાંઓનાં ખિસ્સાં ખંખેરી લીધાં.) અને ભારતીય ક્રિકેટ ટીમ વિદેશીઓ સામે આખા દેશમાં પરાજય પામતી પામતી હાર્યો જુગારી બમણું રમે એમ વેસ્ટ ઇન્ડિઝમાં રમવા ગઈ ત્યાં તો મુંબઈને આંગણે જે. કૃષ્ણમૂર્તિનું આગમન થઈ ચૂક્યું હતું.

કૃષ્ણમૂર્તિએ ખાસ્સા દોઢેક મહિના સુધી વ્યાખ્યાનો આપ્યાં. અને એમાં તો મુંબઈવાસીઓએ ક્રિકેટ મૅચ કરતાંય વધારે ઉત્સાહ દાખવ્યો. ભદ્રવર્ગમાં તો ઉદયશંકરનાં નૃત્યોની જેમ કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાનોમાં હાજરી આપવાની રીતસરની ફૅશન જ થઈ પડી. ‘તમે કૃષ્ણમૂર્તિને સાંભળવા નથી જતા?’ એમ કોઈ પૂછે તો નીચી મૂંડીએ ભોઠામણ અનુભવવી પડે એવી સ્થિતિ સરજાઈ ગયેલી. ઉદયશંકરનાં નૃત્યોમાં કશુંય સમજ્યા વિના પણ તાળીઓ પાડવી જ પડતી એમ કૃષ્ણમૂર્તિના ફિલસૂફીના ગબારા પકડાય કે ન પકડાય તોપણ એ વિશે ભારેખમ મોંએ વિશ્લેષણ, વિવેચન અને વિવરણ કરવાં પડતાં.

મુંબઈવાસીઓ માટે આવા સમારંભોની બીજી કોઈ ફલશ્રુતિ હોય કે ન હોય પણ એનો એક આનુષંગિક લાભ એ છે કે, આવે પ્રસંગે ‘ફેન્સી ડ્રેસ’ જેવી ફાંકડી ફૅશન પરેડ યોજાય છે. અમદાવાદમાં શાહીબાગી શાલ-દુશાલાનું પ્રદર્શન કરવાની તક જેમ પ્રેમાભાઈ હૉલમાંના શિયાળુ કાર્યક્રમોમાં સાંપડી રહે છે એમ મુંબઈમાં પણ ભારતીય વિદ્યાભવન કે સુંદરાબાઈ હૉલ આવી સગવડ પૂરી પાડે છે. કમનસીબે વિદ્યાભવનમાં ગુજરાતી રંગભૂમિના કહેવાતા ‘શતાબ્દી’ ઉત્સવે નાટ્યપ્રવૃત્તિનાં સોએ સો વરસ પૂરાં કરી નાખ્યાં ત્યાર પછી સારાં નાટકો ભજવાતાં સમૂળગાં બંધ થઈ ગયેલાં. આવી વિષમ સ્થિતિમાં કૃષ્ણમૂર્તિનું આગમન—વિશેષ તો ગુજરાતીઓ માટે—આશીર્વાદ સમું થઈ પડેલું. બુશશર્ટની છેલ્લામાં છેલ્લી ડિઝાઇન કે બ્લાઉઝનો અદ્યતન ‘કટ’ જોવા—કે જોવડાવવા—માટે હવે રેસકોર્સ ઉપર જવાની જરૂર નહોતી. ઊંચામાં ઊંચા રેશમ કે એટલી જ મોંઘી ઝીણામાં ઝીણી ખાદીનાં દર્શન એ સલૂણી સાંજનાં વ્યાખ્યાનોમાં થઈ શકતાં.

રેસકોર્સની જેમ કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાનોમાં પણ સમાજનો સમગ્ર ‘ક્રૉસ સેક્શન’ ઠલવાતો; છતાં અહીં પણ, રેસકોર્સમાં બને છે તેમ, ગુજરાતીઓનું બાહુલ્ય ધ્યાન ખેંચી રહેતું. કહેવાય છે કે શ્રી ઑરોબિન્દોના વધુમાં વધુ અનુયાયીઓ ગુજરાતીઓ છે. કૃષ્ણમૂર્તિના પ્રશંસકો પણ વધુમાં વધુ સંખ્યામાં ગુજરાતમાંથી નીકળે તો નવાઈ નહિ. કૃષ્ણમૂર્તિ જે ‘મુક્ત માનવમન’ની વાત કરે છે એ ગુજરાતી તાસીરને અત્યંત અનુકૂળ આવી જાય એમ છે. શ્રોતાઓમાંથી એક બહેને વક્તાને ચિઠ્ઠી મોકલીને પ્રશ્ન પૂછેલો: ‘મારું દામ્પત્ય મારા પતિ સાથેની તડજોડની એક અખંડ પરંપરા સમું છે. મારે શું કરવું એ કહો.’ અને વક્તાએ જે ઉકેલ સૂચવ્યો એ આ વ્યાખ્યાનોની લોકપ્રિયતા સમજાવી રહે એવો હતો. મુંબઈમાં આજ સુધી ચાર સર્કલો જાણીતાં હતાં: માટુંગાનું કિંગ્ઝ સર્કલ, સાત રસ્તા પરનું જેકબ સર્કલ, ટાઉન હૉલ સામેનું એલ્ફિન્સ્ટન (હવે હોર્નિમેન) સર્કલ અને ચોથું શ્રી ઑરોબિન્દો સર્કલ. હવે પાંચમું ‘કૃષ્ણમૂર્તિ સર્કલ’ અસ્તિત્વમાં આવે તો પંચ ત્યાં પરમેશ્વર સિદ્ધ થઈ જાય.

ક્રિકેટ અને કૃષ્ણમૂર્તિનું પૂરું થયું ત્યાં જ જાણે કે કક્કાનો મેળ સાવવવા મુંબઈને આંગણે કુસ્તીબાજો ઊતરી પડ્યા. અને એમનાં મલ્લયુદ્ધો પણ સરદાર વલ્લભભાઈનું નામ જેની સાથે સંકળાયેલું છે એ સ્ટેડિયમ પર ખેલાયાં. નેવું નેવું હજાર પ્રેક્ષકોની ભીડ જામવા માંડી. આ દિવસોમાં મુંબઈમાં સાંજના સમયે જેટલી જેટલી જાહેર સભાઓ યોજાયેલી એ બધી, કંગાલ હાજરીને કારણે નિષ્ફળ ગયેલી. કેટલાંક છબીઘરોમાં પણ કાગડા ઊડેલા. ટ્રામમાં, બસમાં, ટ્રેનમાં કે ચોપાટીને બાંકડે — જ્યાં જુઓ ત્યાં કોરીઆની લડાઈને બદલે કિંગકૉંગની જ વાતો થતી. મહારાષ્ટ્ર-ગુજરાતના દુષ્કાળને બદલે દારાસિંગના પરાજયની વધારે ચિંતા દેખાતી. પ્રજાનાં નાડપારખુ છાપાંઓએ પણ આ પ્રસંગે પ્રશસ્ય કામગીરી બજાવી. એક અખબારે તો સ્તાલિનના મૃત્યુના સમાચારની સમાંતર આ પહેલવાનનો ‘પર્સનલ ઇન્ટરવ્યૂ’ (અંગત મુલાકાત) પ્રગટ કરેલો.

આ કુસ્તીજંગમાં દાવ લેવાના કોઈ નિયમો કે ‘કોડ’ નથી. પ્રતિસ્પર્ધીને મહાત કરવા માટે મરણતોલ માર મારવાની પણ છૂટ છે. અને તેથી જ પ્રેક્ષકો આટલો રોમાંચ અનુભવતા લાગે છે. આખરે તો માણસ પણ હિંસ્ર પ્રાણી જ છે ને!

કુસ્તીના કાર્યક્રમોની સાથોસાથ મુંબઈમાં કંકોત્રીઓની મોસમ પણ ચાલતી હતી. કહેવું પડશે કે કુમકુમપત્રિકાની કલામાં ગુજરાતીઓએ અસાધારણ પ્રગતિ સાધી છે. ગાંધીજી જીવતા હતા ત્યાં સુધી બ્લૉટિંગ પેપર જેવા હાથકાગળ પર લગ્નપત્રિકા છાપવાની ફૅશન હતી. આજે કાચકાગળ જેવા એ ખડબચડા પદાર્થમાંથી રંગબેરંગી રેશમ સુધીની ઉત્ક્રાંતિ આપણે સાધી ચૂક્યા છીએ. આજની ભભકદાર કંકોત્રીઓ જોઈને ભલભલા ભીષ્મ પિતામહોને પણ પરણવાનું મન થઈ જાય એવું છે.

મુંબઈમાં લગ્નોત્સવ માટે બે જ વસ્તુઓની જરૂર પડે છે. તમે કહેશો કે વર અને કન્યાની. ના, ભાઈ, ના. મુંબઈના લગ્નોત્સવમાં વર અને કન્યા કરતાંય વધારે અગત્ય સાંચી સ્તૂપના તોરણ અને સ્ટ્રૉબેરી સન્ડી આઇસ્ક્રીમની હોય છે. લગ્નમંડપના સુશોભનમાં પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકસમું સાંચીનું તોરણ ન લગાવ્યું હોય તો પરણનારાં અસંસ્કૃત ગણાઈ જાય — કલ્ચર્ડને બદલે એગ્રિકલ્ચર્ડ જેવાં લાગે એમ છે. આવી ઉચ્ચ રસવૃત્તિ કેળવવામાં કેટલીક અવેતન નાટ્યસંસ્થાઓનો ફાળો નાનોસૂનો નથી. કંકોત્રીની કલાની ઉત્ક્રાંતિના ઇતિહાસમાં જેમ કુમાર કાર્યાલયની કામગીરીની નોંધ લેવાશે એમ લગ્નમંડપની સુશોભનકલાની તવારીખમાં ઇન્ડિયન નૅશનલ થિયેટરની સેવા પણ સ્થાન પામશે જ. આ નાટ્યસંસ્થાએ રંગભૂમિ કરતાંય વધારે સેવાએ લગ્નભૂમિની બજાવી છે એટલું ન્યાય ખાતર પણ નોંધવું પડશે.

હુતાશણી પછી લગ્નની એક જ તિથિ નીકળતાં એ દિવસે રોગચાળાની જેમ લગનગાળો પણ વ્યાપક પ્રમાણમાં ફાટી નીકળેલો. એ દિવસે સાંચી તોરણોની કારમી ખેંચ પડેલી. એટલું જ નહિ પણ મુંબઈના પ્રધાનો ઉપર પણ કામનો અસાધારણ બોજો આવી પડેલો. કેટલાક લગ્નમંડપોમાં તો લગભગ આખી કેબિનેટે હાજરી આપવી પડેલી. આ સમારંભોના સવિસ્તર અને સચિત્ર અહેવાલો ‘કવર’ કરવા માટે એક અખબારને તો આખું પાનું ફાજલ પાડવું પડેલું. લગનગાળો અંકુશમાં ન આવ્યો હોત તો તો છાપાંઓને આખેઆખા લગ્નાંક પણ બહાર પાડવા પડત.

આ વખતની લગનની મોસમની વિશિષ્ટતા પ્રધાનોની અસાધારણ હાજરીને કારણે નહિ પણ ખુદ રાષ્ટ્રપતિએ આ પરિણયોમાં દાખવેલા ઉત્સાહને આભારી હતી. રાષ્ટ્રપતિ તરફથી એક જ દિવસે બે સંદેશાના સમાચાર વાંચવા મળેલા: એક હતો માર્શલ સ્તાલિનના નિધન અંગેની દિલસોજીનો; અને બીજો હતો, એક વરવધૂના જીવનસાયુજ્ય પ્રસંગની શુભેચ્છાનો.

કુમકુમપત્રિકાઓની મોસમની પૂર્ણાહુતિ ‘મધુરેણ સમાપયેત્’ની શૈલીએ મુંબઈ રેડિયો પરથી કવિસંમેલને કરી આપી. થોડા સમય પર લાયસન્સ વિનાના રેડિયોસેટ ધરાવનાર કેટલાક ગૃહસ્થો પકડાયેલા ત્યારે એમને શી સજા ફટકારવી એ અંગે સત્તાવાળાઓ વિચારણા કરી રહ્યા હતા. એ વેળા અમે દલીલ કરેલી કે લાયસન્સ કઢાવ્યા વિના પણ શ્રોતાઓએ રેડિયો પરથી રજૂ થતા એવા કાર્યક્રમો સાંભળવાની જે સજા સહન કરી છે એ શું કમ છે કે એમને હજી વધારાની સજા ફરમાવવી પડે? છતાં મુંબઈ રેડિયોએ ૧૫મી અને ૧૬મી માર્ચે રાતે કલાક બે કલાક સુધી કવિસંમેલનો યોજીને સમગ્ર શ્રોતાવૃંદને પાકી આરાનકેદ ફટકારી! આ કાર્યક્રમો સાંભળ્યા પછી ઘણા શ્રોતૃઓએ પોતાના રેડિયો-સેટનાં લાઇસન્સ કઢાવવાનું માંડી વાળ્યું છે. એનું કારણ જાણો છો? કારણ એ છે કે સંમેલનમાં કેટલાક કવિઓએ જે અસાધારણ બુલંદ અવાજે ‘શાયરી’ લલકારી એ અવાજની ઉગ્રતા કાચાપોચા રેડિયો ઝીલી-ખણી શક્યા નથી. આ કાર્યક્રમ પછી ઘણા લોકોને ઘેર રેડિયોના વાલ્વ બગડી જતાં હોનારત સરજાઈ ગઈ છે અને એમાંથી ઘંટીના અવાજ જેવા ઘર્‌ર્‌ર્… નાદ ગુંજ્યા કરે છે.