ગુજરાતી નિબંધ-સંપદા/જયંતી દલાલ/શહેરની શેરી

Revision as of 02:48, 12 August 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શહેરની શેરી

જયંતી દલાલ




ગુજરાતી નિબંધસંપદા • શહેરની શેરી - જયંતી દલાલ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

દિવસના હરેક કલાકની હરેક પળે અહીં કોઈ ને કોઈ અવાજ હાજર હોય છે. સાપેક્ષત્વના કશા અજબ કાનૂન જેમ અહીં જીવનના કોઈ પણ આવિષ્કારને, દુનિયાની કશી પણ અનુભૂતિને, પહેલાં અવાજે અવતાર ધારવો પડે છે. અવાજના ખોળિયામાં આત્મા મૂકીને જ ચેતના જન્મ ધારી શકે છે.

અને એ અવાજ—

સાઇકલની ઘંટડી સાથે દૂધવાળાની બૂમ આવે છે. જીવતરના એક વધુ દિવસને ટોકતો મંદિર – દેરાનો ઘંટ વાગે છે. કોડિયાના આછા અજવાળે, કાચા ધાનને આરોગતી ઘંટી, ચાવણાની ચર્‌ર્‌ર્ ભર્‌ર્‌ર્ કરતી રહે છે. કુદરતે ઓછી ઊંઘ આપી કરેલા ઉપકારના સ્વીકાર જેવાં પ્રભાતિયાં જાડા ઝીણા, સૂરીલા બેસૂરા ગળામાં ઘૂંટાય છે. ચીમનીની ચીસ પહેલાં મિલે પહોંચવા મથનારાં ગળાં સાફ કરતાં હોય છે. આછા અવાજની પ્રાથમિક દશામાં ગળફો ફેંકી દઈ, આરામ અનુભવતા હેડિયાનો છુટકારાનો દમ ભક્ષ મેળવી પાણીમાં સરી પડતા પાણીના સાપની સળવળ જેવો તીવ્ર લાગે છે. પ્રાઇમસ અવાજે કરે છે અને ચિત્રવિચિત્ર અજવાળુંય પાથરે છે. અડિયલ લાકડાને અડીખમ હૈયાનો શ્વાસ પહોંચાડતી વાંસની ભૂંગળીય અવાજ કરી લે છે. જાગી પડેલું છોકરું બાને પોકારે છે, અને ‘જરી જંપતુંય નથી’ એવી ફરિયાદ સાંભળી કોક વાર સભાન છાનું બની ઊંઘીય જાય છે. ચાટમાં દૂધવાળાએ નાખેલા દૂધમાં લઘુમતી-બહુમતીથી સંખ્યાની તડજોડ કરતાં કૂતરાંય આખડી પડે છે. અવસ્થા પ્રમાણે બારણાં કચૂડથી માંડી ખડખડ સુધીનો રવ ગજાવી જાય છે. સ્વરાજસવારીની નોબત પુકારતો નળ પાણી આવતાં પહેલાં કંજૂસનાં દાન જેવો ઘુઘવાટ કરે છે. ઠાલાં વાસણોમાં વેરાતી જલધારા, કોડભરી મુગ્ધા કોક મર્કટના પનારે પડતાં કરે એવી હાયવોય કરે છે. દાદરાનાં પાટિયાં રાતની નીંદ લઈ ઊઠતાં હઠીલાં છોકરાં જેમ ચિચિયારી કરે છે.

અને એકદમ, ટપકે નીતરતું પાણી અચાનક ગંગા-જમુનાનો પ્રવાહ બને એમ, ઘણાં ગળાંમાંથી ઘૂંટાતો સાદ, શબ્દ રૂપે અસ્પષ્ટ છતાં અવાજ રૂપે સુસ્પષ્ટ બને છે. ઊઘડેલી ઉષામાં અચાનક જ પલટો આવે છે. આકાશે સૂરજ તથા દિવસની મજલ કાપવા કૂદકો મારી આવી પહોંચે છે. અહીં અવાજના ક્ષેત્રમાં, વિસ્તારમાં, ઊંડાણમાં પલટો આવે છે.

ઓટલે ઓટલેથી ગળું-મોં સાફ કરવાના અવાજ આવે છે. લીંપણ, પથ્થર, લાદી, સહુ પોતાની જડતા પ્રમાણે અને વાળનારના હૈયાની કુણાશ પ્રમાણે, દાભના કે ખજૂરીના ઝાડુ સાથેના સનાતન ઝઘડાને સવાક્ રજૂ કરે છે. કોક ને કોક ઠેકાણે તો પ્યાલો, રકાબી, બુઝારુ, ડબ્બો, ચમચો, ડોલ જમીન પર પછડાય છે અને ધરતીની અહિંસાના ધોરણે અવાજ કરે છે. જીવનસંગ્રામના પાણીપત પર, દિવસ પૂરતાં, પહેલાં પગલાં ક્યાંક વેઠનો, ક્યાંક કઠોરતાનો અને ક્વચિત જ સંતોષનો પડઘો પાડે છે. ફરમાશના છૂટતા હુકમોમાં ક્યારેક બગાવતનો અવાજ ભળે છે. દહીંનાં મૂલ બતાવતી મહિયારી પૂરા લાલિત્યથી ‘દહીં લેવું છેય દહીં’ ઉચ્ચારે છે. કમને મીઠી ઊંઘ છોડી જાગેલા બટુઓ મોટે ઘાટે વાંચવા- લખવા ગોખવાનું શરૂ કરે છે. છાપાંવાળો સનસની ખબરો બોલવા સાથે જ એનાં છાપાંની કિંમત પણ જણાવતો જાય છે. સડક પર એ રાજદ્વારી ખબર આપે છે. અહીં એ ખૂણેખાંચરે છપાયેલી કશા કજોડાની, કશી ધાડની, કોક ખૂનની અને ખાસ કરીને કોક સ્ત્રીની આસપાસ વણાયેલી વાતનું ભભકભર્યું, ગલીપચી કરતું, મથાળું બોલે છે. અને થોડીક જ ક્ષણમાં મંદિરની આરતી જેમ છાપું ઓટલે ઓટલે ઘૂમી વળે છે. સ્ફુટ અને અસ્ફુટ અવાજે તાજો ફિચરનો આંક વેચાય છે, ઘૂંટાય છે, ગોખાય છે.

માલિકની મનઃસ્થિતિ પ્રમાણે સાઇકલ પર ઝપટાતું કે લપેટાતું ઝાટકણું મર્મર કરી જાય છે. આજ્ઞાંકિત બાળક જેમ બહાર નીકળતાં પહેલાં સાઇકલની ઘંટડી ક્યાંક અવાજ કરી રજા લઈ જાય છે. નવા દિવસનું રુદન આરંભતાં જોડામાં જરાક ઘૂંટાયેલો અવાજ જણાય છે, તો ચટચટ કરતી ચંપલ થોડી આછકલઈ સાથે અગંભીર વૃત્તિ ભેળવે છે.

ઘરનાં વાસણો એકસામટાં ઘર બહાર ઠલવાતાં કર્કશ વાણી બોલી જાય છે. વાસણનાં ઘસાટા કૂચડા, વાસણ પર બરછટ હાથે ફરતી રેતી, રાખ કે ઈંટની ભૂકલી, શ્રોતાની સાનુકૂળતા મુજબ અવાજ કાઢે છે. અને એમાં નવા દિવસે મંડાતી જૂની વાતનો લહેકો ભલે છે. ફરિયાદ કે નિરાશાના મલ્હાર સાથે, ઔત્સુક્યના ખમાજ અને બિહાગ તાણેવાણે ગોઠવાય છે અને સંગીતની કોક અજબ સૂઝ જેમ, એમાં એક બાજુથી પ્રાર્થનાનો કલ્યાણ મળે છે તો બીજી બાજુથી આર્જવતાભર્યા, દયાપ્રેરતા તોડાના સૂર પણ પુરાવાય છે. ટેલિયા ભટ કે સાંઈમોલાની મોહતાજીનેય નિજનો અનોખો અવાજ છે. મોસમનાં શાકપાંદડાંની વેચનારીનો લહેકાબંધ લંબાયેલો સૂર શેરીના ખૂણે ખૂણે ગાજે છે. સ્વચ્છતાના પાઠ શીખવતા નીકળેલો કલાઈ કરનારો ‘કલાઈ’ ‘કલાઈ’નો નાદ જગાવે છે. મુકાદમની પહેલી નજર પડે તે ભાગને વાળીઝૂડી સાફ કરી નિવૃત્ત બનેલો સુધરાઈનો સાવરણો સડકના મેલ ઊતરડતાં ચીંચીં કરી જાય છે.

કોક ખૂણેથી ઉગ્ર શબ્દો આવે છે: ‘ક્યાંથી સવારના પોરમાં જીવ લેવા આવી પહોંચ્યા છો!’ અને કડવાશભર્યો જવાબ: ‘એવું લાગતું હોય તો લેણા પૈસા શા સારુ ચૂકવી નથી દેતા! મિજાજ તો પાછો મોટા ગવંડર જેટલો! દેવાના તો દાસ રહેવું જોઈએ!’ શિખામણ, ઉઘરાણી, દાંડાઈ, નમનતાઈ સહુ કશી ભાતીગળ નકશીએ વણાય છે. સાબદા કાને પ્રેરેલા ગરદનના મરડાટ, સંતોષના મલકાટ, કે નાખુશીના વલવલાટ સહુ નિરનિરાળા અવાજ ધારી કાને અથડાય છે.

અને ગાનારો રાગ તાલ બદલે એમ શેરીનું સંગીત પણ હવે રાગ- તાલ બદલે છે. હવેના ત્રણચાર કલાક માટે ધોકણું તાલ સાચવે છે: ધબ, ધબ, ધબાધબ. અત્યાર લગી સમૂહજીવનનો પહેલો ભડકો સળગી ન ચૂક્યો હોત તો અત્યારે એને પહેલો ઉચ્ચાર લાધે છે. લગભગ અચૂક ક્યાંક તડતડતા ચાર છાંટા, અવાજનો એક વડવાનળ જગાવી જાય છે. શબ્દમાં રસ સાંભળ્યો છે, શબ્દમાં ઘાટ કલ્પી શકાય છે, પણ શબ્દમાં રંગીનતા અત્યારે અને અહીં જોવામાં આવે છે. ફરિયાદી, આરોપી અને ન્યાયાધીશ સહુની ભૂમિકા એકસાથે ભજવનાર નટની અનેરી અદાથી, હરેક આદમી અત્યારે કાકલૂદી, કરુણા, ઉદ્દંડાઈ કે તાટસ્થ્યના ભાવને વાચા દે છે: ધબ, ધબ, ધબાધબ.

વંશાવળી ગવાય છે. બિરાદાવલી અનેક જીભે ઉચ્ચારાય છે. શબ્દની શક્તિનું પરિણામ જાણે અત્યારે તવાતું જણાય છે. ઉગ્ર શબ્દો સાથે બી ઊઠેલાં બાળકોનું રુદન ભળે છે. કોઈ દાધારંગી વાતુડિયણની દાળ ચૂલામાં પડી પડી સિત્કાર કરે છે. રસ્તે જતાં વાટડાહ્યાના સાન્ત્વનના શબ્દો ઘામાં મીઠું ભેળવે છે. વધુ અવાજ, નવી બિરદાવલી: ધબ, ધબ, ધબાધબ.

અને જાગ્યા હતા એમ અવાજ અધૂકડા અણધાર્યા શમી જાય છે. ઘંટારવને સ્થાને ઝીણી મર્મર આવે છે. મીઠામરચાંથી માંડી પ્રાઇમસની પિન અને બટબોરિયાં લગીનાં નારા ખૂણે ખૂણે પડઘા પાડે છે. નજર ચુકાવી ભાગેલા બટુઓ સમયસરની રમતો રમતાં ઘાંટા પાડતા હોય છે.

ધબ ધબ પછીનો બીજો સર્વસામાન્ય અવાજ છમછમનો હોય છે. કિશોરાવસ્થાનું તીવ્ર મૌગ્ધ્ય તજી યૌવનની પ્રથમ પગલીઓમાં પ્રવેશતો દિવસ તરવરાટના સૂર કાઢે છે. શૈશવની નિઃસ્પૃહા અને બેતમાને સ્થાને આવી પડતો યૌવનની સભાનતાનો ભાર એની પાસે અનેરા હુંકાર કરાવે છે. નવી જિજ્ઞાસા, નવો ઉત્સાહ, નવો ઉમંગ અને પહેલી નિરાશા, નિસ્સહાયતાનો પ્રથમ અણસાર, જીવનની તીખાશ અને કડવાશનું અનેરું મિશ્રણ, જેમ ઘડીભર તો માનવીને મૌનના ખૂણામાં ધકેલી દે છે એમ, દિવસ પણ આ ઘડીએ આછકલા મૌનનો આશ્રય લે છે. એના સાજમાત્ર છમછમ કરતા હોય છે. ચોવીસ કલાક પહેલાં જેને હેમખેમ જોયાં હતાં તે ગોખ, ઝરૂખા અને અંતરિયાળને ફરીથી નીરખવા, સૂરજ વાચાભર્યા મૌનથી થનગનતો દોડતો આવે છે. આંખ ભરીને એ જોઈ લે છે. રખે કાલે કોક વાદળું આડું આવ્યું કે ઊંચે આભમાં માથું મારવા ઇચ્છતી કોક ઇમારતે ડોકું ઊંચું કર્યું, તો આ વેળા ક્યાંથી આવવાની હતી!

છમછમ!

અનેક જાતના રણકે ગાજતા જાહેરાતના ઢોલ સિનેમાના હો, કરામતી, કીમિયાગરી સોનાની હો, કે પરભવના વૈભવની હો, ટીપી ટીપીને જાહેરાત કરતા જાય છે. અને થોડાક આગળપાછળ ગૌમાતાના ઘાસની ટહેલ નાંખનાર કે ખરેખર માબાપ વિના કે છતે માબાપે અનાથ બનેલાં, સમાજને સમર્પિત થયેલાં બાળકોનું ઝુંડનું ઝુંડ નાનકડા હાથવાજાના સૂર રેલાવતું दरिद्रान्भर कौन्तेयનો ઉપદેશ દેતું, દાનનો મહિમા ગાતું આવી જાય છે. રીઢા કાન પર અથડાઈને અવાજ પાછો પડે છે.

છમછમ!

અને એકદમ અનેક ગળામાંથી, અનેક રીતે, કશી મથામણનો, કશા ઉકળાટનો અવાજ નીકળી પડે છે. મોડા પડ્યાની ફડક હજાર જીભે ઉચ્ચાર કરે છે. પાટલા મંડાયાના, થાળી મુકાયાના અને ચમચા-તપેલીના શાશ્વત સંવાદના અવાજ કાને પડી જાય છે. તરત જ કોઈ મહત્તર નિષ્ક્રમણના રવ આખી શેરીને ભરી દે છે. નોકરિયાતો, અને આવતી કાલે નોકરિયાત બનવાની તાલીમ લેતા નિશાળિયા જીવનના એક જ સૂરમાં વિવિધતા આણવાનો પારદર્શક પ્રયત્ન કરતા ઘર બહાર નીકળે છે. શેરી થોડી પળ મૌન જાળવી એમને જતા જોઈ રહે છે. આજના અને આવતી કાલના એ શેરીના રળનારા છે. એમનાં પગલાં જોતી શેરીના મૌનમાં પણ તૃષ્ણાનો થડકાર છે.

મન વાળી શેરી પાછી પોતાના શબ્દદેહે જીવનમાં ઝંપલાવે છે. સડક પર, ખાળે કે ચોકમાં અજૂઠાં વાસણો, ચિત્રકૂટના ઘાટ પરના સંતજનો જેમ અથડાય છે, અટવાય છે. ન દીઠાના દીઠા જેવું તો એ છે કે આ વાસણોનેય પોતાનો વર્ગીય હુંકારો છે.

ફરી પાછો એક વાર વિસંવાદમાંથી સંવાદ જામે છે. ઝીણા ઝીણા અનેક કલરવમાંથી એક વિરાટ અવાજ પ્રગટે છે. પ્રભુની સદય દયા અને એમના જૂઠા ટુકડા યાચતા અશક્ત દીસતા ભિખારુના નાટકી અવાજો ને લગભગ એવા જ જવાબ, કશું અનેરું લોકસંગીત ગજાવી જાય છે. અનુભવોની સરખામણી, રસિક ખબરની તાઝગીભરી પેશગી, બદલાયેલા જમાના વિશેનો ખેદ, બોલે વધુ દર્દભરી બનતી આપવીતીનું બયાન, ‘મેં તો કીધું જ હતું’ના ધ્રુવપદ, સહુ અવકાશને અનેરા સ્વરરંગે રંગી દે છે.

કુશકી કોરમું ઉઘરાવવા આવતી રબારણ જૂનાંપુરાણાં કપડાંના બદલામાં અપાતાં ચીની પ્યાલાંરકાબી અને પિત્તળનાં વાસણોના વ્યાપારી, શાળાનાં બાળકોને પતાવી શેરીનાં બાળકોને પતાવવા આવેલો ચવાણાચેવડાવાળો, જૂના જોડા અને જૂનાં ગોદડીગાભામાંથી રોટલા રેડવી લેનારા સહુ, હવે એમની લાક્ષણિક રીતે, કેવળ અવાજથી અહીં એમની હાજરી પુરાવી જાય છે. પાપડ વણવા કે અનાજ વીણવા કે વહોરેલા માલની ગુણમૂલ મુલવણીમાં સ્ત્રીશક્તિનો અવાજ રેડાય છે. કોક શોખીનને ત્યાં થાળીવાજું નવીજૂની નાટકસિનેમાની તરજો આરડતું રહે છે. રસ્તા વચ્ચે રહેતો સૂરજનો તાપ સુવવાટા મારતો રહે છે.

નાનકડી વામકુક્ષી કરી ફરી પાછો શેરીનો અવાજ એના અનન્ય રૂપે ઘુઘવાટ કરે છે. ફરી પાછા જલદેવતાના ઊંચાનીચા અવાજ, ચીજભાવ પર દોસ્તભાવે વળગેલી ધૂળના વિજોગસૂર, નાનાં બાળકોનાં ખંખોળિયાં, તાસકસબવાળા બુઢ્ઢા વહોરાજીનો વર્ષોથી એક જ નીકે વહ્યે જતો અવાજ, સહિયરોની અવરજવર, શેરીમાં કામ કરતા નોકરોની અવિધિપુરઃસરની મંત્રણાઓ, ઓટલે આવી પડોશીઓના ન્યાયાલયમાં નોકરડીની બેદરકારી વિશે અને પોતાની સહિષ્ણુતા વિશે અનંતના વિસ્તારથી વાત કરતી શેઠાણીના રાગડા, સહુ પોતપોતાનું વૈશિષ્ટ્ય ધારવા છતાં એક નવો ગુણવત્તાભર્યો અવાજ પેદા કરે છે.

સાંજ ઢળતી આવે છે. જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી, હળવા થઈ શાળાએથી પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છે અને ઘડીભરમાં શેરી નફિકરાઓનું ક્રીડાંગણ બની રહે છે. દેશવિદેશી રમતોના અનેકવિધ અવાજ, વિરોધના સૂર, મનાવણાં, માફી, અને ઉદ્ધતાઈના ભાતીગર શબ્દો, કોક ખૂણે અન્યાયે આણેલાં આંસુ સાથે ભળી જાય છે. ડાહ્યાં ગણાતાં છોકરાં ઓટલે નિશાળની દુકાનદારી પાથરી ‘લેસન’ના રાગડા ખેંચે છે અને વડીલોનાં મન મનાવે છે.

રોટીના રળનારા પાછા આવતા હોય છે. એ પગલાંમાં છુટકારાના દમ ઉપરાંત થાકનો પડઘો પણ પડતો હોય છે. અને શેરીમાં રોશની પણ અવાજ સાથે આવે છે. આરતીના ઘંટારવ થાય છે. પાછા જવાના અખાડા કરી, શેરી વચ્ચે સૂતેલી ગાયને ઢસડીને લઈ જતા રબારીના ‘તને ઢેડ ભણે’ના સાદ ઘંટારવનીય ઉપર ગજુ કાઢી જાય છે. આવતી કાલ આવવાની છે એની ખાતરી દેતી દાતણવાળી પણ દાતણ વેચવા આવી જાય છે. યંત્ર જેટલા નિયમિત બનેલા ભિખારીઓ ફરી પાછા શેરી પર તૂટી પડે છે. એની એ જ કરુણાપ્રેરતી વિનંતીઓ, એના એ જ રીઢા જવાબ.

થાળીવાજાં, રડ્યાખડ્યા સ્થાને રેડિયો, હચમચતા અવાજની બકારી પર બકારી કરતા હોય છે. બજારે આંટો મારવા જતા ધંધાદારીઓ, ફરવા કે સિનેમામાં જતા સહેલાણીઓ, કોકને ટોકતા કે જાતને જગાડતા અવાજ કરતા હોય છે. વહેલામોડા જમનારાને ત્યાં અજીઠાં વાસણોના શોરગુલ, ઊંઘ માગતાં બાળકોને સાંપડતાં હાલરડાં, ફરી પાછી અનુભવોની સરખામણી, દિવસના અવનવા સમાચારોની ચકાસણી, સુધરાઈના દીવા નીચે કે સગવડભર્યા ઓટલે જામેલી સમયસંહારક મંડળની અવાજી કાર્યવાહીઃ બુઝાતા દીપકની આખરી ઝબક જેમ નીંદર માટે સોડ તાણતા શેરીના દિવસનો અવાજદેહ અત્યારે પણ જોર કાઢી જાય છે.

અને શેરી સૂવા માંડે છે. પણ એમ ન માનતા કે એની નિંદ અવાજહીણી છે. રોતાં બા ળકો, ઝઘડતાં દંપતી, પોતાની શેરીનો આશ્રય શોધી રહેલાં કૂતરાં, મોડા આવી પોતાનાં ઘરનાંને જગાડતાં પહેલાં આખી શેરીને જગાડી દેનારા, દૂર દૂર પાટા પાસે ચિત્કાર કરાવતા ભારખાનાના ડબ્બા, શહેરમાં આવી ચઢેલા સરકસના તમાશબીનોના આનંદ ખાતર તડૂકતા સિંહવાઘ, પોતાની નીંદ ઉડાવવા જોરશોરથી ડંકા વગાડતી ટાવર-ઘડિયાળ, જીવનના અનેરી સોપાને ગોઠવાઈ શેરીની નીંદને કશી અવાજભરી કરી દે છે. બિલાડી અને ઉંદર પણ પોતાનો ફાળો આપી જાય છે. મચ્છર-માંકડની અહર્નિશ ચાલતી પ્રવૃત્તિ અત્યારે સવાક્ બની છે. ઊંઘ અને આરામને ભજતા માનવીના ધમપછાડા, બગાસાં, સહુ અનેરા અવાજે શેરીની રાતને અવાજે મઢી દે છે.

અને ચોવીસ કલાકના અવાજ – ભારતમાં અવારનવાર આવતા હર્ષ-શોકના પ્રસંગોના, ઋતુઓના અવાજ ઉમેરાય છે. આનંદ કે વિષાદ વહેંચાય તે પહેલાં એના ઉચ્ચાર પૂરી અનાસક્તિથી સમગ્રમાં વહેંચાય છે.

એક પરિમિત જગમાં આટલા શબ્દોને ઝીલવાનું અને પચાવવાનું સામર્થ્ય ક્યાંથી હોય છે એ સવાલ કદાચ કોઈને મૂંઝાવે. એવો સવાલ કરનાર ભૂલી જાય છે તે વાત: શહેરની શેરીને તો અક્ષરદેહ છે—સરજતની શરૂઆતમાં લાધ્યા હતા તેવા અક્ષરનો બનેલો દેહ, એને તત્ત્વજ્ઞાનના લપેડાથી રંગવાનો યત્ન ન કરતા: એનો શ્વાસ અવાજ છે.

એવો છે ધ્વન્યાલોક. એવી છે મારા શહેરની શેરી.

આવી શેરી કોણે વસાવી હશે?

દોરીબાંધી માનવતાનું આવું સાદ્યંત, નખશિખ સંપૂર્ણ દર્શન, એક જ કાળે, એક જ સ્થળે કરાવી દેવાની ધન્ય ભાવના કોના દિલમાં ઊગી હશે?

પોળ, પાડા, વાડા, ફળી, શેરી, મહોલ્લો અને હવે કોક ઠેકાણે દેખાતી ‘સ્ટ્રીટ’: આજના એના રૂપને પામવા માટે કયા કયા તબક્કાઓમાંથી પસાર થઈ હશે?

માનવી જંગમ મટીને સ્થાવર થયો, શિકારી મટી માલધણી થયો, રઝળપાટ મૂકી એણે કોક જલસ્રોત પાસે સ્થિર થવાનું સ્વીકાર્યું, તેમાં જ આજની શેરીનું પ્રથમ મંડાણ થયું. શેરીના વિકાસનો એ ઇતિહાસ રસિક જરૂર છે પણ આજે તો એ અપ્રસ્તુત લાગે છે. આજની શેરીનું સાચું મૂળ તો માનવના મનમાં રહેલી સલામતીની શોધમાં રહ્યું છે. સમૂહજીવન એવા વિશિષ્ટ અને લાક્ષણિક આકાર લેતું હતું કે એને સંરક્ષણની આવશ્યકતા જણાઈ. વિકસતા જતા સમાજજીવનમાં જીવન-સંઘર્ષણમાં ટકી રહેવાની પ્રવૃત્તિ પણ સમૂહે સમૂહે વૈયક્તિક રૂપ ધારણ કરતી હતી. આમ શેરીની જડ પ્રવૃત્તિ અને એની આનુષંગિક પરિસ્થિતિ જ્ઞાતિ પર મંડાઈ. સામૂહિક જીવનનો એ એક અનોખો આવિષ્કાર હતો. સહજીવનની એ એક અનેરી અભિવ્યક્તિ હતી.

મધ્યકાલીન રાજકીય પરિસ્થિતિએ આ વસ્તુને વધુ જડ બનાવી. સલામતી એ જ જાણે કે આધારમંત્ર બન્યો. કુલદેવતા કે આરાધ્ય દેવની આસપાસ કોઈ વૈશિષ્ટ્યભર્યા સંબંધે સંકળાયેલા સમૂહે એકબીજાની સાથે જીવવાનું, જરૂર પડે તો સહકાર્ય સલામતી શોધવાનું યોગ્ય માન્યું. નાનકડા જનપદમાં આ ફળિયું હતું. જનપદમાં ચૌટાનું ઉમેરણ થતાં એ કસ્બો બનતો. અને ફળિયું પણ આ ઉમેરણને અંગે થોડું વધુ ગજું કાઢી લેતું. શહેર રાજસત્તાનું કેન્દ્ર બનતાં અને હુન્નરઉદ્યોગનાં બજારો અને ચૌટાં તેમાં ભળતાં શહેરની શેરીએ નવો આકાર ધારણ કર્યો. રાજસત્તા જેમ શહેરની આસપાસ કોટકાંગરા રચી સંરક્ષણનો પ્રબંધ કરતી તેનું જ અનુકરણ કરતાં શેરીએ પણ આસમાની સુલતાની સામે ટકી રહેવાનો યત્ન કર્યો. શેરીનું બં ધારણ જ એવું હતું કે એમાં જૂની પંચાયત પદ્ધતિને સારો એવો અવકાશ હતો. એટલે આ સંરક્ષણ-યોજના માત્ર શારીરિક કે જાનમાલના સંરક્ષણની જ ખેવના કરનારી ન હતી, એનો કાર્યપ્રદેશ એ સમૂહમાં જીવતા માનવીઓના યોગક્ષેમ લગી પહોંચતો. શેરીની ચાર દીવાલો વચ્ચે રહેનાર, ક્યારેક એક જ કુટુંબનાં હતાં, તો લગભગ બધા જ કિસ્સામાં એ એક જ જ્ઞાતિનાં, એક જ ગોળનાં, અને જૂજજાજ અપવાદ સિવાય એક જ જાતની કામગીરીમાંથી રોજી રળનારનો સમૂહ હતો. આથી એમના પરસ્પરના સામાજિક સંબંધોમાં પણ ઘનિષ્ઠતા આવતી તો સાથે સામૂહિક યોગક્ષેમનો ભાર પણ સમસ્ત શેરી પર પડતો.

શહેરની શેરીનો આ કીર્તિમધ્યાહ્ન હતો. શેરીનું સામાજિક તંત્ર એની ઉત્કૃષ્ટતાએ પહોંચ્યું હતું. મહાજનોમાં આ તંત્ર માગ મુકાવતું. રાજદરબારમાં પણ યથાશક્તિ એનો અવાજ પહોંચતો. વિકસતી જતી રાજસત્તા પ્રમાણે શેરીનું તંત્રપણ વિકસતું હતું. શેરીના વડેરા લોકશાહીના અવનવા પ્રયોગને આગળ ધપાવતા જતા હતા. અને એક જાતની ડંખીલી સમાનતાનો અભિનવ પ્રયોગ પણ થતો જતો હતો. સારામાઠા પ્રસંગોએ માથાભેરની સાન ઠેકાણે આણવાની તક અનાયાસે મળી જતી. વ્યક્તિવિશેષને માટે જેમ આદર રહેતો તેમ, અસામાજિક વ્યક્તિત્વ ખીલવનારાઓની સાન ઠેકાણે લાવવાને માટે પણ નિશદિન ચિંતા સેવાતી. શેરીના લોકશાસને પોતાના નિર્ણયોને અમલી બનાવવા માટે જે દબાણની ઢબ યોજી, તેની તોલે બીજી કોઈ દબાણની પદ્ધતિ આવી શકે એમ નથી.

શેરીનું આ સામાજિક લોકશાસન, એક બાજુથી વિકસતું હતું તેમ એનું આંતરિક સ્વરૂપ પણ પલટાતું હતું. શેરી એ ઉદ્યોગશાળા પણ બની હતી. મંદિર કે દેવસ્થાનનો ઓટલો એ શેરીની આમની સભા બની હતી. કરકરિયાવરની વાટાઘાટો, દેવદ્રવ્યનો વહીવટ, પંચપાડાના ઝઘડા, અહીં પતાવતા. તો ચાડિયાના આક્રમણ કે પરધર્મી રાજ્યકર્તાની જોરતલબી સામેના સંરક્ષણની યોજનાઓ પણ અહીં જ રચાતી. વસ્તી વધતી હતી. સંયુક્ત કુટુંબમાં અનિવાર્ય થઈ પડે એવા ભાગલાગને લીધે પણ વસવાટની જગા સાંકડી થતી ગઈ હતી. જાણે આ જ સ્થિતિનો બીજી રીતે પડઘો પાડવાનો ન હોય એમ શેરીના અચાનક ધનવાન બનેલાને કે રાજ્યકર્તાની મીઠી નજર પામેલાને પેલી સમાનતા કઠતી. અમી ચાલી ગઈ હતી. સહજીવનની મીઠાશ ક્યારનીય વિદાય થઈ ગઈ હતી. સામાજિક લોકશાહી એના ઉત્કૃષ્ટ શિખરે પહોંચી હવે નિરુપયોગી અને જડ બનતી જતી હતી. સંજોગોને સમજીને દૂરઅંદેશ માનવીઓ એને બચાવવા યત્ન કરતા.

આવી સ્થિતિમાં શહેરમાં યંત્રવાદ આવ્યો.

આ યંત્રવાદે આપણા સમાજજીવનને કેટલું પલટી નાખ્યું છે એનો પૂરેપૂરો ખ્યાલ તો હજુ આપણને આવ્યો જ નથી. માત્ર એક આપણી આ શેરીને લઈએ તો? સામાજિક તંત્રની નજરે, એની લાક્ષણિક લોકશાહી આજ સાવ નષ્ટ પામી નથી, તો માત્ર એક આચરણનો વહેવાર બની ગઈ છે. ‘વહેવાર’ એ શબ્દ જ એમાં રહેલા ઊર્મિ અને ઉમળકાના સર્વ અભાવનો દ્યોતક બની ગયો છે. સામૂહિક જીવનની સર્વ મીઠાશ તો જતી જ રહી છે. દુઃખના સમભાગી બનવાનો વહેવાર પણ નાશ પામતો જાય છે અને સુખ તો માત્ર અસૂયા જન્માવે છે.

યંત્રવંદના જોરે શેરીની વસ્તીમાં પણ ખૂબ મોટો પલટો થતો ગયો છે. લગભગ એક લોહીનું જૂથ કાં તો નાશ પામ્યું છે કાં તો ભિન્ન ભિન્ન કારણસર પૃથ્વીના પટ પર વહેંચાઈ ગયું છે. અને શેરી ભિન્ન વ્યવસાયવાળાના વસવાટની શેરી બની છે. શેરીમાં હવે ભાગ્યે જ ઉદ્યોગશાળા છે. હવે તો એ કારખાનું બન્યું હોઈ, શેરીથી દૂર જતું ગયું છે. જૂનો એકરાગ નાબૂદ થયો છે. નવા આવ્યા છે એની વિસંવાદિતા હજુ એમ ને એમ જ ઊભી છે.

આની સીધી અસર શેરીની બાંધણી પર થઈ છે, તો ઘરના સ્થાપત્ય પર પણ એની ખૂબ ઘેરી અસર છે. આપણા ઘરના ચોકની વિકાસકથા કોક લખશે ત્યારે જ આપણને આ મૂગી ક્રાન્તિની ખરેખરી જાણ થશે.

યંત્રવાદની સંસ્કૃતિએ શેરીના બે લાક્ષણિક ગુણોનો બહુધા નાશ કર્યો. એક તો શેરીની સાંપ્રદાયિકતા તૂટી. બીજું જૂનો સલામતીનો ખ્યાલ એને છોડી દેવો પડ્યો. આની ઘણી ઘેરી અસર શેરીના રહેનાર પર પડી છે. આ ક્રિયાનો હજુ અંત નથી આવ્યો. આજનો શેરીનો રહેનારો, શેરીને લગભગ વખોડતો, શેરીમાંથી બહાર જવા, મુક્ત થવા ઇચ્છતો હોય છે. એને શેરીના સમૂહજીવનમાં ઇષ્ટ ફળ ચાખવાની તક જ જાણે મળી નથી. અને સાથે સાથે એના મનમાં ઘર કરી ગયેલી લાઘવગ્રંથિ, એને પારકી પતરાળીના લાડવાને બહુ મોટા કરીને બતાવી રહી છે. આ કચવાટનું મુખ્ય કારણ એ છે કે આ નવી શેરીએ પરસ્પરના વહેવારની એક નવી જ દિશા ખેલી છે. એ માત્ર વહેવાર છે. ઊર્મિતંત્ર ત્યાં ચાલતું જ નથી. હા, દેખાવમાંથી એ પાછી નથી પડતી, પણ માનવતાનો થડકાર તો ત્યાંથી ગેરહાજર જ છે.

ગાવાનું છે તે આ શેરીનું ગીત છે.

બુદ્ધિ અને કલ્પના પહોંચી શકે છે ત્યાં પણ એક વસ્તુ તો નિશ્ચિત દેખાય છે. સામૂહિક જીવનને છોડીને, ત્યજી દઈને, માનવી ફરી પાછો એની જૂની સ્થિતિએ નથી જવાનો. વિકાસ સાધીને એ વિષમતા દૂર કરવા યત્ન કરશે, પણ આ વિકાસની કેડી તો સામૂહિક જીવનની જ રહેશે. અને આમ થશે તો એક યા બીજા સ્વરૂપે શેરી જીવશે જ. કદાચ શેરીના સામૂહિક જીવનમાં ઉમેરો થશે. ઘટાડાને કે નાબૂદીને એમાં સ્થાન જ નથી.

આમ કબૂલવા છતાં એક વસ્તુ ધ્યાનબહાર ન જવી જોઈએ. શેરીએ જેમ જેમ નવા વળાંક લીધા, તેમ તેમ વર્તનનું પુદ્ગળ પલટાયું છે. ભવિષ્યમાં શેરીનો વિકાસ થાય, એની વિષમતા જાય કે વધે; પણ તેટલે અંશે માનવીનું માનવ પ્રત્યેનું વર્તન પણ પલટો અનુભવશે જ.

આની વાત તે વખતનો કોઈ માનવી કરશે તો જ વાજબી ગણાશે. અહીં તો આપણે આપણી આજની શેરીને એના યથાર્થ રૂપે જોવી છે.

એનું યથાર્થ રૂપ, એના ‘માનવ-વસવાટને માટે નાલાયક’ના બિલ્લાને ભાતીગળ રંગફૂદડી વચ્ચે લહેરાવતા મકાન કે પડખેની જ હવેલીમાં જોવા નહીં મળે. એનું યથાર્થ રૂપ સંસ્કારિતાના પલટાતા આદર્શો પ્રમાણે બદલાતાં રહેલાં દેવસ્થાનોમાં પણ જોવા નહીં મળે. ચોખ્ખી પરસાળ અને ગંધાતાં આંગણાં, ઊજળાં કપડાં અને મેલાં મનમાંય એનું યથાર્થ રૂપ જોવા નહીં મળે.

એનું યથાર્થ રૂપ જોવું હશે તો તો તમારે આ શેરીમાં વસતી એક એક વ્યક્તિને જોવી-સમજવી પડશે. એક એક વ્યક્તિના ઉલ્લાસ અને આનંદ, ક્ષોભ અને રંજ, તૃપ્તિ અને અસંતોષ, એનું મનોદાર્ય અને એનું સાંકડું મન, એની ઊર્મિ અને એની વાસના, સહુને એના વાસ્તવિક સ્વરૂપે જોવાં પડશે. એને કશા વર્તન-વહેણમાં વાળવાનો યત્ન ખોટો છે. સહજીવનમાં પણ શેરીની એક એક વ્યક્તિ એનાં વર્તનમાં ઝનૂનભરી વ્યક્તિવાદી છે. હા, વિચારદોર પકડી શકાય છે, પણ વિચારે પ્રેરેલા વર્તનની અભિવ્યક્તિ સાવ વ્યક્તિવાદી છે. વ્યક્તિ ટોળામાં હોય છે ત્યારે કહેવાય છે કે તે માત્ર ટોળામાંની એક બની જાય છે. એને કશું વૈયક્તિક સંચાલન નથી હોતું. શેરીમાં આવું નથી થતું. જાણે શેરીનું નિર્માણ જ વૈવિધ્યમાં દેખાતી એકતા એકવાક્યતા, એકરાગનું દર્શન કરાવવા જ ન થયું હોય!

અને ગમે તેવાને માટે પણ આ અશક્ય કાર્ય છે. એટલે જ હારી- થાકીને પણ અહીં પસંદગી જ કરવી પડે છે. અહીં જે છે તે સિવાય શેરીમાં કાંઈ જ નથી એવો દાવો કરવાનો કશો જ અધિકાર નથી. દાવો કરવાનો હોય તો તે માત્ર એક મૌગ્ધ્યનો છે: માનવસ્વભાવની કેટકેટલી બાજુઓ અહીં એક નાના વિસ્તારમાં ખડકાઈને ઊભી છે! એક ઈંટના ભઠ્ઠા આડે કેટકેટલા અને કેવકેવડા વિરોધ ભરાયા છે! અને સહુને એ કહેવાનો અધિકાર છે કે પોતે જ માનવી છે! આ જ દુનિયા છે!