ગુજરાતી બાળવાર્તા સંપદા/જાદુઈ વાંસળી

Revision as of 04:16, 12 August 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયવતી કાજી

જાદુઈ વાંસળી

આનંદી અને મહેનતુ એક છોકરો. હીરો એનું નામ. પ્રામાણિક અને ઉદાર પણ ખરો. એની મા સાથે એક નાના ગામમાં રહે. બહુ નાનો હતો ત્યારે જ એણે એના પિતાને ગુમાવેલા. મજૂરી કરી જેમતેમ એની મા ગુજરાન ચલાવે. થોડાં વર્ષો રહીને એની મા પણ મૃત્યુ પામી. હીરો તો સાવ એકલો પડી ગયો. મા વગર એ ગામમાં રહેવાનું એને ગમ્યું નહીં એટલે એણે પાસેના શહેરમાં જવાનો વિચાર કર્યો. એને થયું શહેરમાં કોઈ સારું કામ પણ મળી રહેશે. નસીબ તો અજમાવી જોઉં ! જે કાંઈ થોડી ઘરવખરી એની પાસે હતી તે માની માંદગીમાં વેચાઈ ગઈ હતી. થોડુંક પરચૂરણ એની પાસે બચ્યું હતું. એ ગજવામાં નાખી એ નીકળી પડ્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં એને એક ભિખારી મળ્યો. ભૂખને લીધે એના પેટમાં ખાડો પડી ગયો હતો. મોં સુકાઈ ગયું હતું. કપડાં ફાટેલાં હતાં. એણે હીરાને કહ્યું : ‘ભાઈ, હું ઘણા દિવસનો ભૂખ્યો છું. કાંઈક ખાવાનું આપ. ભગવાન તારું ભલું કરશે.’ ભિખારીને જોઈને હીરાને દયા આવી. એણે કહ્યું : ‘મારી પાસે ખાવાનું તો કાંઈ નથી; માત્ર થોડાક પૈસા છે. એ હું તને આપું છું. એમાંથી તું ખાવાનું લેજે.’ હીરો એને પૈસા આપવા જાય છે ત્યાં તો એ ભિખારી મળે જ નહીં ! એની જગ્યાએ એક ખૂબ તેજસ્વી પુરુષને ઊભેલો જોઈ એને ખૂબ નવાઈ લાગી. એ એને પગે લાગ્યો. એણે હીરાને કહ્યું : ‘તું દયાળુ અને ભલો છોકરો છે. હું તારા પર ખુશ થયો છું. હું તને જેનું નિશાન ખાલી ન જાય એવી એક બંદૂક આપું છું અને આ લે વાંસળી. આ વાંસળી તું વગાડશે એટલે એ સાંભળી લોકો નાચવા લાગશે.’ આ રીતે હીરાને નિશાન ખાલી ન જાય એવી બંદૂક અને જાદુઈ વાંસળી આપી તેજસ્વી પુરુષ અદૃશ્ય થઈ ગયો. હીરો તો બંદૂક ને વાંસળી મળી એટલે રાજી થઈ ગયો. વાંસળી અને બંદૂક લઈ એ પોતાને ગામ પાછો જવા લાગ્યો. પાછા જતાં રસ્તામાં એણે ઝાડ પર બેઠેલું એક પક્ષી જોયું. એને થયું, લાવ ને, મારી બંદૂકની ખાતરી કરી જોઉં ! એણે નિશાન તાક્યું, બંદૂક છોડી; પક્ષી વીંધાઈને નીચે પડ્યું. એ ઝાડ નીચે એક ખેડૂત આરામ લેવા બેઠો હતો. એના પગ આગળ પક્ષી પડ્યું. એણે એને ઊંચકી લીધું. હીરો પક્ષી લેવાને ઝાડ પાસે ગયો. જોયું તો પક્ષી ખેડૂતના હાથમાં ! એણે ખેડૂતને કહ્યું : ‘એ પક્ષીને મેં બંદૂક મારી છે. એ મારું છે. મને આપી દે.’ ‘જા, જા, એ પક્ષી તો મારું છે. મારા પગ પાસે પડ્યું હતું. મોટો પક્ષી લેવા આવ્યો છે !’ એમ કહી ખેડૂતે પક્ષીને લઈને ચાલવા માંડ્યું. ‘હું સાચું કહું છું. મેં મારી આ બંદૂકથી પક્ષી માર્યું છે, માટે મને એ મળવું જ જોઈએ.’ હીરાએ ખેડૂતને ઘણું સમજાવ્યો પણ એણે માન્યું જ નહીં. હીરાને થયું કે લાવ, વાંસળી વગાડી જોઉં. ખેડૂતને બરાબર નચાવું ત્યારે જ હું ખરો. એણે વાંસળી વગાડી. ખેડૂતના પગ થનગનવા લાગ્યા. હીરો વાંસળી વગાડે અને ખેડૂત નાચે, જોર જોરથી હીરો વાંસળી વગાડ્યે જતો હતો. ખેડૂત નાચતાં નાચતાં થાકી ગયો. એના પગ લથડવા લાગ્યા. એણે હીરાને કહ્યું : ‘લે આ પક્ષી, પણ તું વાંસળી બંધ કર.’ હીરો તો ખેડૂતની વાત સાંભળે જ નહીં અને વાંસળી વગાડ્યા જ કરે. ખેડૂત તો થાકીને લોથપોથ થઈ ગયો. પગ એના ઊપડે નહીં પણ નાચ્યા વગર ચાલે નહીં ! એ ખૂબ હેરાન હેરાન થઈ ગયો. હીરાને કહે : ‘ભાઈ, તને તારું પક્ષી જ નહીં પણ આ મારી થેલી પણ આપી દઉં છું. એમાં સો રૂપિયા છે, તે પણ તું લઈ લે. પણ તારી આ વાંસળી બંધ કર. હું તો નાચી નાચીને મરી જઈશ.’ ખેડૂતે રૂપિયાની થેલી હીરાને આપી, પક્ષી પણ આપ્યું એટલે હીરાએ વાંસળી વગાડવી બંધ કરી. રૂપિયાની થેલી લઈ હીરાએ તો આગળ ચાલવા માંડ્યું. પણ ખેડૂત એમ સહેલાઈથી પૈસા જતા કરે એવો ન હતો. નાછૂટકે જ એણે પક્ષી અને રૂપિયા હીરાને આપ્યાં હતાં. એ સીધો ગયો પોલીસ પાસે અને ફરિયાદ નોંધાવી. એણે કહ્યું કે, ‘હીરો બહુ લુચ્ચો છોકરો છે. મને છેતરીને એ રૂપિયાની થેલી લઈ ગયો છે.’ બીચારો હીરો ! પોલીસે એને પકડ્યો. અદાલતમાં એને હાજર કરવામાં આવ્યો. અદાલતમાં ન્યાયાધીશ, વકીલો અને બીજા ઘણા માણસો હતા. હીરો તો ગભરાઈ ગયો. કોઈને છેતરવા માટે તે દિવસોમાં સખત સજા થતી હતી. ન્યાયાધીશે ખેડૂતની વાત સાચી માની. નાના છોકરાની વાત કોણ સાંભળે ? ન્યાયાધીશે ફાંસીની સજા ફરમાવી. આ સાંભળી હીરાની આંખમાં આંસુ આવ્યાં. ખેડૂતે જ રૂપિયાની થેલી આપી છે. એણે એને છેતરીને લીધી નથી એવું હીરાએ ઘણી વખત કહ્યું પણ ન કોઈએ માન્યું કે ન તો એ ગરીબ છોકરાની કોઈને દયા આવી. અદાલતનો એવો નિયમ હોય છે કે જેને ફાંસી આપવાની હોય એની છેલ્લી ઇચ્છા પૂરી કરવામાં આવે. હીરાને ન્યાયાધીશે પૂછ્યું : ‘તારી છેલ્લી ઇચ્છા શી છે ? તારે કોઈને મળવું છે ? કાંઈ ખાવું છે ? એક સજા માફ કરાવવા સિવાયની તારી જે કાંઈ ઇચ્છા હોય તે જણાવી દે. અમે તારી એ ઇચ્છા પૂરી કરીશું.’ ‘મને બસ એક છેલ્લી વાર મારી વાંસળી વગાડી લેવા દો.’ હીરાની આ માગણી સાંભળી ખેડૂત તો ગભરાઈ જ ગયો. એણે કહ્યું : ‘હીરાને વાંસળી વગાડવા દેશો નહીં. એ તો જાદુઈ વાંસળી છે.’ ન્યાયાધીશે ખેડૂતની આ વાત માની નહીં કારણ કે ગુનેગારની છેલ્લી ઇચ્છા પૂરી કરવી જ જોઈએ. હીરાએ વાંસળી શરૂ કરી. વાંસળીના સૂર સાંભળી ખેડૂત, ન્યાયાધીશ, અદાલતના માણસો અને આજુબાજુ ઊભેલા લોકો બધાએ નાચવા માંડ્યું. હીરો વાંસળી વગાડ્યા કરે અને બધા નાચ્યા કરે. હવે તો એ વાંસળી બંધ કરે જ શેનો ! એ તો જોર જોરથી વગાડ્યે જ ગયો. બધા થાક્યા. ખૂબ થાક્યા. થાકીને લોથપોથ થઈ ગયા. એમના પગ લથડવા લાગ્યા. ખેડૂત તો ખૂબ નાચ્યો હતો, હવે તો નાચીને એ અધમૂઓ જ થઈ ગયો. ન્યાયાધીશ પણ બીચારો લોથપોથ થઈ ગયો હતો. એને મોંએ ફીણ આવી ગયાં. વાંસળીએ તો બધાને હેરાન હેરાન કરી મૂક્યા. વાંસળી બંધ કરવા માટે બધાએ હીરાને આજીજી કરી પણ હવે હીરો શા માટે માને ? કોઈનામાં બોલવાની શક્તિ પણ રહી નહોતી. જેમતેમ ન્યાયાધીશે કહ્યું, ‘હીરા, જો તું વાંસળી બંધ કરે તો હું તને છોડી દઈશ. તને સજા નહીં કરું.’ હીરાએ આખરે વાંસળી બંધ કરી. ન્યાયાધીશે એની સજા માફ કરી. રૂપિયાની થેલી પણ એને પાછી અપાવી. વાંસળી, બંદૂક અને રૂપિયાની થેલી લઈ હીરો એને ગામ પહોંચ્યો. એણે થોડી જમીન લીધી અને ખેતી કરવા માંડી. એ સારું કમાવા લાગ્યો. નાની ઝૂંપડીમાં રહેતો ગરીબ હીરો વખત જતાં પોતાની મહેનતથી અને પ્રામાણિકતાથી શ્રીમંત બન્યો, છતાં ગરીબ લોકોને એ ભૂલ્યો ન હતો. યથાશક્તિ સૌને એ મદદ કરતો.