વિરમણલાલ પી. સોની
એક રાજા હતો. આખો દિવસ એ પોતાનો સોનાનો ભારે મુગટ માથે મૂકી રાખતો. કારણ કે એની રાણીએ એક વાર કહ્યું હતું કે તમે મુગટ ઉતારો છો, ત્યારે જરાયે રાજા જેવા નથી લાગતા. કેવા લાગો છો એ રાણીએ નહોતું કહ્યું. પણ રાજાને ખાતરી થઈ ગઈ હતી કે રાજા જેવા દેખાવા માટે માથે મુગટ રાખવો જ જોઈએ. તેથી તે સૂવાના સમય સિવાય હંમેશાં માથે મુગટ રાખતો જ. એક દિવસ એ મહેલના ઝરૂખામાં બેઠો બેઠો હવા ખાતો હતો. માથે ભારે મુગટ હતો. એવામાં એની કુંવરી દોડતી આવી અને ગેલમાં એને બાઝી પડી. પણ બિચારીને રાજાનો ભારે મુગટ નાક પર વાગ્યો ! કુંવરીએ મુગટ ઉતારી આઘો મૂકી રાજાના માથાના વાળમાં આંગળાં વડે રમત કરવા માંડી. રાજાને પણ લાડકડી દીકરીની એ રમત ગમી, એટલે એણે મુગટ માથેથી ઊતર્યો તેનો અફસોસ કર્યો નહિ. એકાએક કુંવરી આશ્ચર્ય પામી બોલી ઊઠી : ‘ઓહ ! આ શું ?’ રાજાએ પૂછ્યું : ‘શું છે ?’ કુંવરી હસીને બોલી : ‘તમે કહો, શું હશે ? તમારા માથામાં કંઈક છે !’ રાજાએ કહ્યું : ‘કીડીમકોડી તો માથામાં આવે ક્યાંથી ? સસલું હોય તો કોણ જાણે !’ કુંવરી બોલી : ‘સસલું નથી, સિંહ નથી, કીડી નથી, મકોડી નથી, જૂ નથી, જનાવર નથી, જીવતું નથી, મરેલું નથી, - બોલો શું હશે ?’ એમ કહી એ તો ગાવા મંડી : ‘રાજાના માથા પર અકલુંચકલું !’ રાજાએ અનેક વસ્તુઓનાં નામ કહ્યાં, પણ એકે ખરું પડ્યું નહિ. છેવટે થાકીને તે બોલ્યો : ‘તું જ કહે.’ હસીને કુંવરી બોલી : ‘તમારા માથા પર ધોળો વાળ !’ ‘હેં ? ધોળો વાળ ? ખોટી વાત ! હોય જ નહિ. હું ક્યાં ઘરડો થયો છું કે મારે માથે ધોળો વાળ આવે ?’ કુંવરી બોલી : ‘ઘરડા થયા છો કે નથી થયા એની મને ખબર નથી, પણ ધોળો વાળ તો છે. લ્યો જુઓ.’ કહી કુંવરીએ ધોળો વાળ તોડી રાજાના હાથમાં મૂક્યો. એ જોઈ રાજા મનમાં ગણગણ્યો : ‘મારે ઘરડા નથી થવું ! હું ઘરડો નથી થયો, નથી થવાનો. મારા માથામાં ધોળો વાળ શા માટે ?’ એ એકદમ વિચારમાં પડી ગયો. કુંવરીને એણે આઘી ખસેડી દીધી. ‘રાજાના માથા પર અકલુંચકલું’ ગાતી ગાતી એ તો આ સમાચાર એની માને કહેવા દોડી ગઈ. રાજા ફરી મુગટ માથે મૂકી વિચારમાં પડ્યો. થોડી વારે એણે એકદમ બૂમ પાડી : ‘કોઈ હાજર છે કે ? જા, વજીરને બોલાવી લાવ.’ વજીર આવ્યો. રાજાએ તેને કહ્યું : ‘ભારે આફત ! ભારે આફત ! હું આજે અધમૂઓ થઈ ગયો છું.’ ‘શાથી ? કોઈ ઘા તો નથી લાગ્યો.’ ‘ઘા જ લાગ્યો છે ! માથામાં લાગ્યો છે !’ ‘હેં ! ઘા ? માથામાં ? તલવારનો તો નથી ને ?’ ‘ના, તલવારનો નથી; વાળનો છે.’ ‘વાળનો ?’ વજીર મૂંઝાયો : ‘મહારાજ, મને કંઈ સમજાતું નથી !’ ‘ઊંહ ! આવા જાનવરને તે કોણે વજીર બનાવ્યો ? ધોળો વા....ળ ! મારા માથામાંથી ધોળો વાળ નીકળ્યો !’ હવે વજીરમાં કંઈક અક્કલ આવી. તે બોલ્યો : ‘આપના માથામાંથી ધોળો વાળ નીકળ્યો - એમ ને ? ઓહો ! તો એમાં શું ? માથામાંથી વાળ ન નીકળે તો શું માકણ નીકળે ? મહારાજ, આપ તો સમજુ છો. આ મારા માથા -’ બોલતાં બોલતાં વજીરે માથું ખુલ્લું કર્યું, પણ રાજા વચમાં જ બોલ્યો, ‘તારા માથા પર તો ખાસ્સી ટાલ છે ! શું દેખાડે છે !’ ‘મહારાજ, એક વખત આ માથા પર -’ ‘બસ કર, તારું જીવનચરિત્ર મારે નથી સાંભળવું. મારે શું કરવું તે કહે. મારે ધોળા વાળ નથી જોઈતા, મારે ઘરડા નથી થવું, મારે હંમેશાં જુવાન ને જુવાન રહેવું છે.’ ‘ઠીક, તો હું આપણા પંડિતોને પૂછી જવાબ દઈશ.’ કહી વજીર ઘેર ગયો. પંડિતોએ શાસ્ત્રોનાં પોથાં ફીંડીફાડી છેવટે જાહેર કર્યું કે દેવોએ અમૃત નામનું એક પ્રવાહી પીધું છે તેથી તેઓ હંમેશાં જુવાન રહે છે. એવી અમૃતની કૂપીઓ કેટલાક રાક્ષસો અને રાજકુંવરો પાસે હતી એવું અમારી ડોશીમાઓની વાર્તાઓમાં આવે છે. એવી જો કોઈ કૂપી હાથ લાગી હોય તો રાજા કદી ઘરડો થાય જ નહિ.’ રાજાએ એ કૂપી લઈ આવવા નોકરોને હુકમ કર્યો. સંખ્યાબંધ નોકરો કૂપી ખોળવા માટે ધનની કોથળીઓ લઈને નીકળી પડ્યા, પણ કોઈ પાછા આવતા દેખાયા નહિ. છેવટે થાકી, રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે જે કૂપી લઈ આવશે તેને ચોથા ભાગનું રાજ આપવામાં આવશે. આ વખતે પણ ઘણા માણસો કૂપી શોધવા નીકળી પડ્યા, કોઈ શોધીને પણ આવ્યું નહિ ! ઘણે દહાડે એક યુવાને દરબારમાં આવી અવાજ કર્યો : ‘મહારાજ ! અમૃતની કૂપી ક્યાં છે તે હું જાણું છું - ચોખૂંટ ધરતી પર હું જ એકલો એ જાણું છું. ‘તો લઈ આવ, જા.’ રાજાએ હુકમ કર્યો. ‘પણ મહારાજ ! ચોથિયું રાજ એ તે કંઈ રાજ કહેવાય ? ચોથિયું રોટલો તો કૂતરાં પણ નથી ખાતા -’ ‘તો અરધું લેજે, જા !’ રાજાએ ઝટ જવાબ દીધો. ‘બસ, અરધું જ !’ યુવકે હસીને કહ્યું : ‘મહારાજ ! આપની ઇચ્છાવિરુદ્ધ મારાથી શું કહેવાય ? - પણ હું તો એમ કહેતો હતો કે રાજકુંવરીને મારી વેરે પરણાવવાનું વચન આપો.’ ‘પણ કુંવરી ના કહેશે તો ?’ ‘એ મારે માથે.’ ‘તો કબૂલ.’ રાજાએ કહ્યું. પખવાડિયા પછી પેલો યુવક હાથમાં એક સુંદર ચાંદીનો કૂંજો લઈને આવી પહોંચ્યો. રાજાએ પૂછ્યું : ‘લાવ્યો, અમૃતકૂપી ?’ ‘હા, મહારાજ !’ ‘તો લાવ, પી જાઉં.’ રાજાએ ઉતાવળ દેખાડી. ‘સબૂર મહારાજ, થોડું કહેવાનું છે.’ ‘શું ? કહે, ઝટ કહે.’ યુવકે કહ્યું : ‘આ અમૃત પીવાથી આપ અમર થઈ જશો. પછી આપને કોઈ મારી શકશે નહીં. આપને કદી ઘડપણ નહીં આવે, આપના માથાના વાળ કદી ધોળા નહીં થાય, આપ કદી માંદા નહીં પડો ; પણ એક - એક ચીજથી આપે બીવાનું છે.’ ‘કઈ ચીજ ?’ ‘અકસ્માત ! અકસ્માત સિવાય બીજી એકે વસ્તુથી આપે ડરવાનું નથી. એ સિવાય બીજું કોઈ - પશુ, પક્ષી, માણસ, અગ્નિ, જળ, આકાશ, વાયુ, પૃથ્વી - કોઈ આપને કશું કરી શકે તેમ નથી. એક માત્ર અકસ્માત સિવાય આપ કદી મરવાના નથી.’ ‘બસ, એ જ ને ? છટ્ ! હું એથી ડરતો નથી. લાવ, હવે પી જાઉં.’ યુવકે કૂજો રાજાના હાથમાં આપ્યો. રાજા ભરી સભામાં તે ગટગટાવી ગયો. યુવકે કહ્યું : ‘મહારાજ ! મારું ઇનામ ?’ રાજાએ ગળું ફુલાવી હસીને કહ્યું : ‘ઇનામ ? હં, ઇનામ ! બરાબર છે, ઇનામ માગવાનો તારો હક છે. પણ જો ભાઈ, વાત એમ છે કે, હમણાં રાજના ભાગલા પડી જાય તો રાજ્યની બહુ કફોડી દશા થાય. એટલે મારા મરણ પછી અરધું રાજ તું લઈ લેજે.’ ‘અને કુંવરી ?’ ‘તું અત્યારે ગરીબ હાલતમાં છે. તારે ઘેર મારી કુંવરી શું ખાશેપીશે ? માટે તારા હાથમાં રાજ્ય આવે - તું રાજા બને ત્યારે કુંવરી માગવા આવજે.’ આખી કચેરી હસી પડી. યુવક ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો. રાજકુંવરીને અમૃતપાનની વાત કરી. રાણી ક્રોધ કરી બોલી : ‘મને મૂકીને એકલાં અમૃત પીધું ! તમે જુવાન રહો અને હું બૂઢી થાઉં, કેમ ? તમે જરાય રાજા જેવા નથી લાગતા !’ રાજાને બહુ ખરાબ લાગ્યું. તે તરત જ ઘોડાગાડીમાં બેસી નદીકાંઠે ફરવા નીકળી પડ્યો. રસ્તે જતાં એક પથ્થર પર પૈડું ચડી જતા ગાડી જોરથી પછડાઈ - જબ્બર આંચકો લાગ્યો. “અકસ્માત !” ગાડીવાળો બોલી ઊઠ્યો, ‘અકસ્માત’ શબ્દ સાંભળતા જ રાજાના હોશ ઊડી ગયા. પેલું મરણ તો આવત, ત્યારે આવત, પણ અકસ્માત તો હમણાં જ આવીને ઊભો ! એ વખતે તો એ બચી ગયો, પણ એના દિલમાંથી ધ્રાસકો ઓછો થયો નહિ. એણે ગાડીમાં ફરવા જવાનું બંધ કર્યું; પગે ચાલીને જ નીકળી પડ્યો. નદીના ભાઠામાં એક દેડકાને કૂદકા ભરતો જોઈ રાજાને એકાએક એ ચાલ શીખવાનું મન થઈ આવ્યું હો કે ગમે તેમ, પણ ઓચિંતાની એક ઠેસ વાગતાં એણે ત્રણચાર ઠેકડા ભરી લીધા. જમણા પગના અંગૂઠાનો નખ જરા ચિરાયો. થોડુંક લોહી દેખાયું. અકસ્માત ! વળી પાછો અકસ્માત ? રાજા સીધો મહેલમાં આવી પોતાના ખંડમાં સૂઈ ગયો. આંખો મળવા આવી ન આવી ત્યાં કુંવરીએ જોરથી બારણું ઉઘાડી અંદર પ્રવેશ કર્યો. ભડકીને રાજા ઊંઘમાંથી જાગી ઊઠ્યો. તેને લાગ્યું, જાણે આખું મકાન તેની ઉપર ઢગલો થઈ તૂટી પડે છે ! ‘અકસ્માત !’ એ ચીસ પાડી ઊઠ્યો. આ અકસ્માતની અસરથી એ સ્વસ્થ થયો, ને બાજુના ખંડમાં હાથમોં ધોઈ તે લૂછતો લૂછતો પાછો આવતો હતો, ત્યાં આરસની ફરસબંદી પર ભીનો પગ લપસ્યો - રાજા ચત્તોપાટ થઈ પડ્યો. હાય અકસ્માત ! રાજાને લાગ્યું કે આ અકસ્માત નક્કી મારી પાછળ પડ્યો છે. એનો કાંઈ ઉપાય કરવો જ જોઈએ. છેવટે એણે પેલા યુવકને બોલાવ્યો. ‘મારે તો ભાઈ, અમર નથી થવું. આ અકસ્માત મારી પાછળ પડ્યો છે. એવું હવે કંઈ છે જે પીધાથી પાછો હું હતો તેવો થઈ જાઉં ?’ યુવક બોલ્યો : ‘હા, છે - અને મને એકલાને જ એની ખબર છે.’ ‘તો જા, લઈ આવ.’ ‘મારું ઇનામ ?’ ‘ઓહ ! અરધું રાજ અને રાજકુંવરી ને ?’ ‘એ તો પહેલાં પણ તમે કહેલું. પછી આપ્યું કર્યું કંઈ નહીં ! માટે હવે તો પહેલાં આપો, પછી વાત.’ રાજાએ મુગટ ઉતારી એના માથા પર મૂકી દીધો. તત્કાલ કુંવરીને બોલાવી લગ્નની સંમતિ લઈ લીધી. પછી રાજાએ કહ્યું : ‘હવે પેલું જાદુઈ જળ ?’ યુવક રાજાનો હાથ પકડી તેને પાણિયારા આગળ લઈ ગયો. પછી પાણીની ગોળી દેખાડી બોલ્યો : ‘આમાંથી એક પ્યાલું પાણી પી જાઓ ! એક જ વધારે નહિ !’ “શું ?” રાજાએ ગુસ્સે થઈ કહ્યું : ‘આ તો સામાન્ય જળ છે !’ ‘સામાન્ય નથી, અસામાન્ય છે. પીતાં ને પિવડાવતાં આવડવું જોઈએ. પેલું અમૃતપાન કરેલું, એ પણ આ જ જળ હતું, આ જ ગોળીનું જળ હતું. ન માનતા હો તો પૂછો રાણીમાને, પૂછો તમારી કુંવરીને !’ ‘હેં ?’ રાજાએ જીભ કાઢી કહ્યું : ‘સાદું જળ ! રાણી પણ જાણે છે !’ આ નવું જ્ઞાન થતાં, રાજા ખૂબ હસ્યો, ખૂબ હસ્યો. રાણી એ જોઈ બોલી : ‘હવે તમે રાજા જેવા લાગો છો !’