૩૬. સંગત
તાનપુરાના તાર પર આવીને સ્વરો સજ્જ થઈ ગયા છે.
હારમોનિયમનું ગળું સાફ થઈ ગયું છે.
ગાયન ગાયકના કંઠમાં આવી પદ્માસનમાં સ્થિર થયું છે.
તબલચીએ બે ડગલાં આગળ
ને ચાર ડગલાં પાછળ જઈ પોતાનું ઘર અંકે કરી લીધું છે.
સભાગૃહની એક પરિક્રમા લઈને
તાલ રાહ જુએ છે.
સાજ અને સાજિંદાઓ એકતાન
શ્રોતાઓ એકકાન
સમો બંધાઈ ગયો છે...
હવે જે થશે તે તો વર્ણન હશે
આ ઘટાટોપનું.