રમણીક અગ્રાવતની કવિતા/દિલરૂબા
૪૪. દિલરૂબા
સ્વરને સાતમે પગથિયેથી પડતું મૂકતો બોલ
તાલની પાછળ પાછળ ઘૂમી વળે
અદમ્ય ઝંખનામાં
શ્રુતિજળનાં ઊંડાણોમાં ગોરંભાતું તોફાન
આપમેળે ઊઘડતું આવે
ચઢતા-ઊતરતા સ્વરોની માંડણીમાં
એક એક પગથિયે ખૂલતી તડપ
તાર ભેગી ખેંચીને બાંધેલી પીડા
આ કોની પાછળ વિહ્વળતામાં
છુટ્ટા કેશે નીકળી પડી છે?
લયને લસરકે લસરકે છલકાતા
ઘૂંટડે ઘૂંટડે પીવાતા
સ્વરો
સ્મૃતિમાં જઈ ઠરે
વિલંબિત સમયમાં ઝમ્યા કરે ચિરંતન શોધ