૬૬. ઊમસ
ઊંઘની ઘન વૃક્ષઘટામાં ફૂંકાય
કાળોતરા પવનો
સરકતા લીસા લીસા સ્પર્શ ચસોચસ
ઊંડળમાં લઈ ગરકે ઊંડે
ઊંડે...
અચાનક વાદળોને ચીરતો
ધસી આવે બુકાનીધારી ચન્દ્ર
ખચાખચ ઝીંકે ટાઢીબોળ બરછીઓના ઘા
ટપક
ટપક
ઝમે ઝકાઝક ભૂરો અજવાસ
સાચુકલી પથારી ધીમે રહી ફેરવાઈ જાય
ટચૂકડાં ઊડતાં પંખીમાં
કાળાં ડિબાંગ વાદળોમાં ગોઠીમડાં ખાતું
શીમળાનાં રૂ જેવું ધોળું પંખી...