રમણીક અગ્રાવતની કવિતા/રાત વિતાવતું ગામ - ૨

Revision as of 14:02, 18 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭૪. રાત વિતાવતું ગામ - ૨

કણજીનાં વકરેલાં જાળાં જેવું ગામ
ઈભલા પગીના ખોંખારાને ય પૂગવા ન દે
આ પાદરથી પેલે પાદર લગી,
ઉગમણી ખળાવાડમાં નવકોસી કૂવો
એની ગરેડિયું એકલી ફુદરડી ફરે
સીંચણને ઘસારે ઘસારે ઊઠે રીડ
સવામણની ઊંઘ ચરતો સંભળાય ધબાકો.

વચમાં વસવાયા શેરી
બારના ટકોરે એકલાં ઝાંઝર નીકળે
રૂમઝૂમ રૂમઝૂમ બારણે બારણે ડૂસકાં ફરે
વચમાં દરબારગઢનો ઝાંઝડ પીપળો
એને પાંદડે પાંદડે ચરીતર ખડખડે
વચમાં ટૂંટિયું વાળીને પડેલી નિશાળ
નિશાળને એકેએક ઓરડે મોંપાટ લેતો મોકળો પવન
સાત તાળી રમે એવા ભેરુની શોધમાં
ખંખોળિયાં ખાતો ફરે
વચમાં ચોક
ચોકના જોગડા હનુમાનની જીવતી આણ વટી
દેન છે કોઈ ડાકણ શાકણ મામા ખવીહ જીનની
કે પગલુંય પડે?
એક ન નડે કોઈ નડતર
વખતચંદ વાણિયાના પુરાતન ચોપડાને
રાતોરાત વધી જાય એનું વજન સવાયું
મોડી રાતે રામગરી ઓઢી માંડ જંપેલો
કરશનદાસ મહારાજનો રામસાગર
ભજન ગોખતો સળવળે
ઊંઘને સામે કાંઠે પૂગેલાં ગામ પર તૂટી પડે
રોજનાં લેણિયાત પંખીઓનું કકલાણ.