ગુજરાતી અંગત નિબંધો/શૈશવથી ચીતરેલી શેરી

Revision as of 02:52, 20 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૫.
શૈશવથી ચીતરેલી શેરી -- અનિલ જોશી

મુંબઈમાં ચોમાસું બેસતાંની સાથે જ આપણી અનુકંપાને પડકારે એવાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. એક થેલી કે ગૂંજામાં સમાઈ જાય એટલી ઘરવખરી લઈને છાપરું શોધતાં કુટુંબો રેલવે પ્લેટફોર્મ પર કંતાન ઓઢીને સૂતેલાં મેલાં ઘેલાં બાળકો, માથા ઉપર પ્લાસ્ટિકનું આકાશ રચીને, હવાઈ ગયેલી બાકસથી ચૂલો સંધૂકવા મથતી ફૂટપાથની ગૃહિણીઓ, માટુંગાથી વાંદરા જતી રેલવેલાઈનની સમાંતર વસેલી ઝૂંપડપટ્ટીનાં ઊડી જતાં છાપરાં, નાહ્યા પછી જેને ટુવાલનો ક્યારેય અનુભવ નથી એવા, ગટરના પાણીમાં નાહીને તડકે શરીર સૂકવતાં નાગાંપૂગાં બાળકો, બે પાણા ઉપર થોડાંક કરગઠિયાના તાપે, ટીનની ઘોબાવાળી તપેલીમાં ચાનું ઊકળતું પાણી, અને ચા તૈયાર થવાની રાહ જોતું કુટુંબ. ફૂટપાથ પર ઝૂંપડું બાંધીને રહેતા કુટુંબને ચોમાસાના દિવસોમાં જો ક્યાંયથી ઉષ્મા મળતી હોય તો તે ટીનની તપેલીમાં ઊકળતી ચામાંથી મળે છે. મુંબઈ શહેર ઉપર ગાંડોતૂર વરસાદ પડે છે ત્યારે આપણી ઉષ્માની સગડીઓ ઠરીને ઠીકરું થઈ જાય છે, પણ પેલી ડાળ ઉપર બેસીને ઘુર્ટુર્ટુર્ટુર્ટુર્ટુ બોલતા કબૂતરના પેટની ઉષ્માની મ્હોરી ઊઠેલું ઝાડ જોઈને મનમાં એવી નિરાંત થાય છે કે થડની છાલ પાછળ સંતાઈ ગયેલી ભીની કીડી હવે સલામત છે. લીમડા હેઠે ખરેલી લિંબોળી સાથે રમતી ખિસકોલી જોઈને થાય છે કે અહીં આંખનો પલકારો ભૂલો પડી ગયો છે! પણે કેળના પાન ઉપર પિલાતા જળના ટીપાનો અવાજ સાંભળી કોઈ બારણું ખખડાવે છે એવી ભ્રાંતિ થાય અને આપણે રેશમી રજાઈની હૂંફ આઘી હડસેલીને બારણું ખોલવા દોડીએ અને બારણું ખોલીએ એટલામાં તો વીજળીનો ચમકારો સટાક કરતો ઘરમાં ઘૂસી જાય અને ઘરવખરીને અજવાળી જાય. આવા ટાણે વીજળીને ઝબકારે મોતી પરોવવાની વાત મને યાદ નથી આવતી, આપણી પાસે મોતી છે જ ક્યાં કે પરોવીએ? આપણે ખુદ પવનના માંજો પાયેલા દોરામાં પરોવાયેલા છીએ. જિંદગી સાથે પેચ લડાવતાં દોરો ક્યારે તૂટી જાય એનું કાંઈ કહેવાય નહીં. આમ લખવાથી કદાચ ભાવુક અને ભોળું ઑડિયન્સ ખુશ થઈ જાય પણ આપણે ખુશ થતા નથી. આપણે એટલા માટે ખુશ નથી થતા કે રાંધેલા શબ્દભંડોળની ખીચડી હવે ગંધાવા લાગી છે. બારે મેઘ ખાંગા થઈને તૂટી પડે છે અને ગાંડીતૂર બનેલી નદીઓનાં પૂરમાં આપણું બધું જ તણાઈ જાય છે પણ શબ્દભંડોળ તણાતો નથી. જો એક વાર આ વાસી શબ્દભંડોળ તણાઈ જાય તો તરણાં જેવા હળવાફૂલ થઈને ઝૂલીએ. ઘાસમાં નાગા થઈને આળોટીએ. ખેતરના શેઢાઓને ગટગટાવી પી જઈએ. મેદાનોમાં ઊગેલું હરિયાળું ઘાસ પશુ થઈને ચરી જઈએ. હવામાં સમળીની પાંખ સેલારા મારતી હોય ને ચકલીઓના ચીંચીંચીંની હળવી ફોતરીઓ ખેતરમાં ઊડતી હોય ને સર્વત્ર અર્થહીનતા પ્રર્વતતી હોય એવે ટાણે ઊડી જતી ઊંઘની ફફડતી પાંખનો ઘસરકો આંખને લાગતાં જ સ્વપ્ન પોતાનો અર્થ ખોઈ બેસે છે. એમ આપણા નામનો કાટમાળ નદીના પૂરમાં તણાઈ જાય છે. નામનો કાટમાળ તણાઈ ગયા પછી જે હું રહું છું તેને અગ્નિ બાળી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી એમ ગીતાને આધારે કહું તો કદાચ મોરારિબાપુના ઑડિયન્સમાંથી મને વીસ-પચીસ તાળીઓ મળે, પણ મને કશું જ ન મળે. શું કહેવું એ જ સૂઝતું નથી. [...] પણ શૈશવમાં બાળોતિયાંની તીવ્ર વાસથી સમય મઘમઘે છે. એ વાસને ઊંડાઊંડા શ્વાસો લઈને ફેફસાંમાં ભરી રાખવી ગમે છે. રૂનાં પૂંમડાંમાં વીંટી કાનમાં રાખવી ગમે છે. ગોંડલની શાળામાં હું એકડિયા–બગડિયા ઘૂંટતો હતો એ સમયની તીવ્ર વાસ હજી મારા નાકમાંથી જતી નથી. ચોમાસાના દિવસો હોય. સાત દિવસનું હેલાડું પડ્યું હોય, અમારી ખાડા-ખડિયાવાળી શેરીમાં ગોઠણભર પાણી હાલ્યાં જતાં હોય અને બધાં ઓસરીમાં બેઠાંબેઠાં લેસન કરતાં હોઈએ એ વખતે અમારા દફતરમાંથી જે વાસ આવતી તે વાસ હજીયે મારા લોહીમાં ક્યાંક સંઘરાયેલી પડી છે. બાળપણમાં હું નહાવાનો ચોર હતો દર આઠ દિવસે મારી બા મને હાલ્ય ‘તને નવડાવું’ એમ કહેવાને બદલે, હાલ્ય, ‘તને ધમારું!’ એમ કહેતી. બાથરૂમની ચોકડીમાં એ પાટલો મૂકતી અને છણછણતા ગરમ પાણીની ડોલ ભરીને લાવતી. મને ધમારવા માટે એ સાબુને બદલે ઠીકરાનો ઉપયોગ કરતી. ધમાર્યા પછી મારું માથું કોરું કરીને એ જે ધૂપેલ તેલ ઘસતી એ ધૂપેલ તેલની વાસ હજીયે મારા શ્વાસમાં તર્યા કરે છે.[...] અષાઢ મહિનો બેસે એટલે અમારાં ફળિયામાં અને શેરીમાં આવનારા ઉત્સવોની ચહલપહલ શરૂ થઈ જતી. એક પ્રકારની મધુર આળસ અમારાં ઘરોમાં છવાયેલી રહેતી. વરસાદ પડતો હોય ત્યારે ગરમ મસાલાવાળી ચાની સોડમથી અમારાં ઘર મઘમઘતાં. અમારી શેરીના ગોર મણિશંકર અબોટિયું પહેરીને શેરીમાં ફરતા દેખાય એટલે ખબર પડે કે શ્રાવણ મહિનો હવે ગામને પાદરે ઊભો છે. અમારા ફળિયામાં મોળાકાતનું વ્રત કરતી કુમારિકાઓ પાંચીકે રમવા બેસતી ત્યારે એ હાથથી પાંચીકા નહીં, પણ નદી ઉછાળતી હોય એવું લાગતું. એના હાથના વળોટમાં, એના અંગમરોડમાં, એના બેસવામાં, એના ઊઠવામાં, એના ચાલવામાં જે સૌંદર્ય છલકાતું એની ઝલક આંખને ખૂણે હજીયે ક્યાંક સચવાયેલી પડી છે. આજે એ જ કુમારીઓને સ્થૂલકાય સ્રીના રૂપે શાકમારકીટમાં ભીંડા લેતી જોઉં છું ત્યારે થાય છે કે આ પાંચીકાનો ખડક કેવી રીતે થઈ ગયો?[...] બધું જ બદલાઈ ગયું છે, માત્ર હું જ નથી બદલાયો એવી લાગણી સતત રહ્યા કરે છે. મારી બાના મોઢામાંથી કોઈ વાર નીકળી જાય છે કે ‘ઢગો થ્યો તોય એવો ને એવો રહ્યો!’ કોઈ વડીલ મારા વિશે બીજાને અભિપ્રાય આપતાં કહે છે કે ‘એ હજી ઘોડિયામાં સૂતો છે.’ કોઈ વાર મારી પત્ની પણ કહી નાખે છે કે ‘બે છોકરાના બાપ થયા, હવે તો સમજો!’ કોઈ હિતેચ્છુ કવિમિત્ર મળી જાય તો એ પણ કહેવાનું ચૂકતા નથી કે ‘થોડો પ્રેક્ટિકલ થા!’ મારા કાને આ બધાં વિધાનો પડે છે ત્યારે થોડીક ક્ષણ પૂરતો ગંભીર થવાનો ઢોંગ કરું છું તો એય પકડાઈ જાય છે. મારા માટે આ સુખદ સ્થિતિ છે. માથે ધોળાં આવ્યાં હોય છતાં આપણને કોઈ પુખ્ત ગણવા તૈયાર ન થાય એ સ્થિતિ માટે મને લેશમાત્ર અફસોસ નથી. બાકસમાં પતંગિયાની જેમ પૂરી રાખેલું શૈશવ એટલું બધું જોરૂકું છે કે તે બાકસ-સોતું ઊડે છે. આ વાત ઉપર કોઈને મફતના ભાવમાં જોઈતો હોય તો મારો પુખ્ત મતાધિકાર પણ પાછો આપી દેવા હું તૈયાર છું.

[સંપાદિત]
[‘સ્ટેચ્યુ’, ૧૯૮૮]