રમણીક સોમેશ્વરની કવિતા/આંખોમાં રેતીની ડમરી

Revision as of 02:24, 21 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. આંખોમાં રેતીની ડમરી

આંખોમાં રેતીની ડમરી
ને છાતીમાં ઘૂઘવતા દરિયાનો નાદ
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટોછવાયો વરસાદ

નેજવું કરીને જરા જોઈએ તો
વિસ્તરતાં રેતી, દરિયો કે આકાશ,
કોક’દી ઉલેચવાનું સીમાડે ફૂટેલું
વાંભવાંભ સૂકેલું ઘાસ
વણઝારા જેમ અમે ઊંટોની પીઠ પર
લાદીને ચાલ્યા અવસાદ,
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટોછવાયો વરસાદ
પાંસળીમાં પાવાના સૂર
અને નાડીમાં એકાદું ખારવાનું ગીત,
ચારે દિશાએથી ખુલ્લા આવાસ
એને બારી ન બારણાં ન ભીંત
સૂસવતા-ઘૂઘવતા અંકાશી જીવથી
જોડ્યો છે ધીમે સંવાદ,
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટોછવાયો વરસાદ