પન્ના નાયકની કવિતા/પન્ના નાયકની કાવ્યસર્જનયાત્રા

Revision as of 02:34, 22 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પન્ના નાયકની કાવ્યસર્જનયાત્રા– સંધ્યા ભટ્ટ

પન્ના નાયક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલાં ગુજરાતી ભાષામાં લખતાં ભારતીય કવયિત્રી છે. કવિતા એ તેમની આંતરિક જરૂરિયાત છે. આયુષ્યના નવમા દાયકાના ઉંબરે ઊભેલાં પન્ના નાયકના દસ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. તાજેતરમાં તેમની સમગ્ર કવિતા ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ એમ બે ભાગમાં નવજીવન પ્રકાશન દ્વારા પ્રગટ થઈ છે. ડિસેમ્બર, ૧૯૯૯માં લખાયેલા એક નિવેદનમાં તેઓ પોતાની કેફિયત આપતાં લખે છે, ‘કવિતા ન લખતી હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલાં વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયાં કરું છું.’ તેમની સમગ્ર કવિતામાંથી પસાર થઈએ છીએ ત્યારે બંને દેશની કેટકેટલી બાબતો સાથે તેમના અંતર-મનમાં ચાલ્યા કરતાં સંવેદનોમાંથી આપણે પણ પસાર થઈએ છીએ. પન્ના નાયકની કવિતામાં કેન્દ્રસ્થ એવી આ મથામણ તેમને એક મહત્ત્વનાં ડાયસ્પોરિક સર્જક ઠેરવે છે. ભારતીય કુટુંબમાં ઊછરેલી સ્ત્રી વિદેશમાં જઈ વસે છે ત્યારે અનેક બાહ્ય અને ભીતરી સંઘર્ષો અને પડકારોનો સામનો તેને કરવો પડ્યો હોય એ તેમની કવિતા દ્વારા પામી શકાય છે. પોતાનો સંગ્રહ તેઓ અર્પણ કરે છે ‘પૂજ્ય બા તથા બાપાજીને – આંહી લોકે લખ લખ જનોમાંય એકાકી રહેવું’ – અર્પણમાં કવયિત્રીનું એકાકીપણું પડઘાય છે. જેમનાં મૂળિયાં અહીં રોપાયેલાં છે તે કવયિત્રીને સ્મૃતિ જંપવા નથી દેતી અને તેઓ ‘વસંતપંચમી’ શીર્ષકની કવિતામાં લખે છે, ‘આજે ભરભર શિયાળાના/ પીળા રણમાં/ ઝંખું છું/ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ./ પછી,/ હું ખુદ વસંતપંચમી’. (‘વિદેશિની’, પૃ. ૧૧) બે દેશ વચ્ચે અનુભવાતો ઋતુભેદ પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રવેશ’ની આ પ્રથમ લઘુકવિતામાં પ્રતીકાત્મક રીતે પડઘાય છે. ઉષ્ણ આબોહવામાં હૂંફાળા સંબંધો વચ્ચે ઊછરેલી સ્ત્રી અમેરિકામાં હિમપ્રપાત વચ્ચે નિવાસ કરે છે અને એટલે જ એને ડર છે કે ‘આ શિશિરના હિમપ્રપાતોની નીચે તું કણસતો તો નહીં હોય ને?’ (‘વિદેશિની’ પૃ. ૨૦) પણ હવે એનામાં રહેલી ચંચળતા જુઓ... ‘આજે તાજા જ પડેલા સ્નોમાં/ હું તારું નામ લખી આવી/ મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ/ પણ સાચ્ચે જ મઝા આવી ગઈ.’ (‘વિદેશિની’, પૃ. ૨૧) કવયિત્રી બે દેશ વચ્ચે, બે લાગણી વચ્ચે, બે સંસ્કૃતિ વચ્ચે, બે પરિવેશ વચ્ચે ભીંસ અનુભવે છે. પન્ના નાયકની કવિતા એકી સાથે બે સંદર્ભોનાં સહઅસ્તિત્વની કવિતા છે. એમ કહીએ કે આ બે સંદર્ભોની સાથે જીવાતા જીવનને જોવા માટે પન્ના નાયકની કવિતા પાસે જવું પડે. સ્ત્રી હોવાને નાતે તેમની સંવેદનામાં એક ઉત્કટતા પણ છે. આ સાથે જ એમ પણ કહેવું પડે કે સ્ત્રી હોવાને કારણે અનુભૂતિને ગોપિત રાખવાનું વલણ તેમની અભિવ્યક્તિમાં જોવા નહીં મળે. બંને સંગ્રહના ચોથા આવરણ પર કવિ સુરેશ દલાલનું અવતરણ છે, ‘પન્નાની કવિતા એટલે અંગત સંવેદનાની નોંધપોથી. કવિતામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અંગત સંવેદનબિંદુ તો હોય જ છે. એ બિંદુમાંથી જ વર્તુળ વિસ્તરે છે; પણ કવિતાની ધન્યતા, બિંદુ સ્વયં વર્તુળમાં એ રીતે પ્રસરે કે શોધ્યું શોધાય નહીં, એમાં છે.’ તો વાત એમ છે કે પન્ના નાયકની કવિતામાં અંગત સ્પર્શ છે પણ તે વ્યાપક અભિવ્યક્તિનું રૂપ લઈને ભાવકો સુધી પહોંચે છે. પન્ના નાયકની વતનસ્મૃતિની કવિતા વિદેશમાં વસતા અસંખ્ય નાગરિકોની અનુભૂતિનો અવાજ છે. આ વાતને સમજવા માટે કવયિત્રીની કવિતા વિગતે જોવી જોઈએ. ઈ. સ. ૧૯૭૫માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો ત્યાર પહેલાંથી શરૂ થયેલી સર્જનયાત્રા આજપર્યંત એટલે કે ૨૦૨૪ સુધી અવિરત ચાલી હોય ત્યારે તેના વિવિધ પડાવોની વાત થવી જરૂરી છે. કવયિત્રીની શરૂઆત આગળ ઉદાહરણ આપ્યું છે તેવાં લઘુકાવ્યોથી થાય છે જેમાં ઘર, ઓરડો, માળો, પંખી, તણખલાં, નદી, વર્ષા, પર્વત વગેરે કલ્પનો કવયિત્રીના અતીત અને વર્તમાનનાં વિવિધ પરિમાણોને રજૂ કરે છે. ક્યારેક ટ્રેન અને પ્લેટફૉર્મનાં પ્રતીકો તેમના સ્થાયીપણાને કે ગતિશીલતાને સૂચવે છે. ‘રવિવાર’ શીર્ષકની એક કવિતામાં કવયિત્રી આંગળી થાકી ત્યાં સુધી ટેલિફોનનાં ડાયલ ફેરવ્યા કરે છે પણ ‘ફરી ફરી ઠેરનું ઠેર... સૌ પોતપોતાના સબંધીને ત્યાં!’ (‘વિદેશિની’, પૃ. ૪૯) સૂકું વૃક્ષ, સડી ગયેલી ડાળી, પાંખોરહિત પક્ષીઓનાં તેમની કવિતામાં આવતાં કલ્પનો તેનાં ડાયેસ્પોરિક સંવેદનને ઇંગિત કરે છે. સ્ત્રીસંવેદના ક્યારેક તો અતિ કોમળ કલ્પનની ક્ષણિકા સમ કવિતા રચે છે. જેમ કે, ‘પતંગિયું’ કાવ્ય જુઓ... ‘પતંગિયું/ હવામાં મોજાંનો ઉન્માદ જન્માવી/ ઊતરે છે/ એકાંકી ફૂલના દ્વીપ પર/ ને/ સ્પર્શ થયો ન થયો/ત્યાં તો/ ઊડી જાય છે./ જાણે.../ કાવ્યનું જન્મ પામતાં પામતાં જ/ અદૃશ્ય થઈ જવું’ – કવયિત્રીનું સંવેદન સીધું હૃદયમાંથી જન્મીને શબ્દમાં અવતરિત થાય છે. અંગ્રેજીમાં જેને direct poetry કહે છે કે જેમાં ઊર્મિનો ઉદ્‌ગાર કવિના હૃદયમાંથી સીધો નીકળીને ભાવકનાં હૃદયમાં સીધો પહોંચે છે. અહીં કવિપક્ષે આયાસ થયો હોય તોય તે જણાતો નથી. પન્ના નાયકની કવિતામાં આવી કવિતાઓની બહુલતા છે. ‘તળાવને તળિયે’, ‘સ્વપ્ન’, ‘હું કંઈ નથી’ જેવી આ સંગ્રહની કવિતાઓ આ વાતની સાહેદી પૂરશે. ઈ. સ. ૧૯૮૦માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ફિલાડેલ્ફીઆ’નું શીર્ષક કવયિત્રીની ડાયસ્પોરિક સંવેદનાને ત્વરિત સૂચિત કરે છે. તેમનો ‘હિમ-યોગ’ અહીં બરાબર વ્યક્ત થયો છે. આ સંગ્રહની કવિતામાં ઊર્મિની સાથે સાથે એક પ્રકારની સભાનતા પણ છે. ચિંતનાત્મક કવિતા (reflective poetry) અહીં સિદ્ધ થતી જણાય છે. ‘નદી ફસડાઈ પડી છે’ શીર્ષકની શરૂઆત કંઈક આમ થઈ છે, ‘વસ્તુઓને તો હોતો નથી/ પૂર્વાપર સબંધ–/ આપણે જ તેમને/આપણાં સબંધો, સ્મરણો અને સંયોગોથી સાંકળી/ આપણામાં વણી લેતા હોઈએ છીએ.’ (‘વિદેશિની’, પૃ. ૭૭) એક વિદેશિની જ લખી શકે તેવું આ લઘુકાવ્ય જુઓ... ઠરી જતાં શિયાળાની/ ઠંડીમાં/ ઠૂંઠવાતાં તારાં પગલાંને/ બહાર વિસ્તરેલા સ્નોમાંથી કેટલીય વાર/ ઘરમાં આણ્યાંતાં.../ હવે/ એમને ક્યાં શોધું/ભરઉનાળે...? (‘વિદેશિની’, પૃ. ૮૭) માણસના પ્રયત્નોને ઋતુ અને પરિવેશ કેવી રીતે વિફળ બનાવી દે છે તેની વાત જુદી જુદી રીતે આ કવિતામાં પડઘાય છે. કવિતાનાં શીર્ષકો – અશક્ય. point of no return, રાહ જોઉં છું, પાનાંની રમત, હોમસિકનેસ, પાનખર,-માં પણ નૈરાશ્ય દેખાય છે. કેસૂડો અને ચેરી બ્લોસમ્સ વચ્ચેનો તફાવત કવયિત્રીને ઉદાસીમાં ગરકાવ કરી દે છે. પ્રવાસી જે આનંદ માણી શકે છે તે વિદેશનિવાસી નથી માણી શકતી એવો એક બોધ ભાવકને થાય છે. માર્કેટમાં ખરીદી કરતી વખતે ‘ઍરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિક એમ બેવડા કવરમાં સચવાઈ પડેલાં શાકભાજી અને ફળો જાણે કે વીનવે છે સૌને બહાર લઈ જવા!’ (પૃ. ૧૦૧) ઈ. સ. ૧૯૮૪માં પ્રકાશિત થયેલો ‘નિસ્બત’ કાવ્યસંગ્રહ તેઓ મિત્રકવિ સુરેશ દલાલને અર્પણ કરતાં લખે છે, ‘તું મિત્ર... મમતાભર્યો/ જીવન ને કવિતાભર્યો’. અહીં પહેલી વાર અછાંદસની સાથે સૉનેટ પણ આવે છે. મન્દાક્રાન્તામાં ‘ઝંખું છું...’માં તેઓ લખે છે, ‘આંખો મારી જળકબર છે : વૃક્ષની છાંય વિના રે ક્યાંયે તો જરીક અમથો ઘાસનો કંપ પણ ના’ (પૃ. ૧૪૦) લગ્નજીવન જ્યારે રણ બન્યું હોય અને ઝાંઝવા સમું આશ્વાસન પણ નજરે ન પડતું હોય ત્યારે એકાકી બની ગયેલી નાયિકાનો વિષાદ આ સૉનેટમાં યથાતથ વ્યક્ત થયો છે. બાળપણની સ્મૃતિઓ અને વર્તમાનનાં વાસ્તવનું રસાયણ આ તબક્કાની કવિતાઓમાં તારસ્વરે પ્રગટે છે. ક્યાંક પુરાકલ્પન, ક્યાંક પરંપરા સામે આક્રોશ, ‘અશોકવાટિકા અને શોકવાટિકા’ જેવા નવીન શબ્દપ્રયોગો (coinage), ક્યાંક વેદનાની ટીસ અને મોટે ભાગે સંવેદનની તીવ્રતા પન્ના નાયકની કવિતાને નોંધપાત્ર બનાવે છે. ઈ. સ. ૧૯૮૯માં ‘અરસપરસ’ કાવ્યસંગ્રહનાં કાવ્યો તેમની ડાયસ્પોરિક કવયિત્રી તરીકેની છાપને વધુ દૃઢ કરે છે. આ એક એવો તબક્કો છે જ્યારે વયની દૃષ્ટિએ પણ તેઓ મઝધારે આવી ઊભાં છે. અમેરિકાનિવાસ છોડીને ભારત પાછા આવવાનું તેમને માટે શક્ય નથી. જીવનની રોજિંદી ક્રિયાઓ પરત્વે પણ સૂક્ષ્મ સંવેદનો અનુભવાય છે જે કાવ્યોમાં વ્યક્ત થાય છે. ‘પૂજા’, ‘પ્રભાતે’, ‘અથવા’, ‘બાને’ વગેરે આ સંદર્ભે જોઈ શકાશે. બજારમાં કે ઘરમાં, માથું હોળતી વખતે કે પૂજા કરતી વખતે, પત્ર લખતી વખતે કે કપાળમાં કંકુનો ચાંલ્લો કરતી વખતે, પંખીને કે વરસાદને જોતી વખતે, ફિલ્મી અભિનેત્રીઓ બાબતે કે સ્વ વિશે વિચારતી વખતે કવયિત્રીની ભીતર તુલના ચાલતી રહે છે, વિષાદ અનુભવાય છે અને તેઓ મૂક બની જાય છે. આ સમયમાં શબ્દ એ તેમનું એકમાત્ર માધ્યમ છે જેમાં પારદર્શક અભિવ્યક્તિ થઈ શકી છે જે તેમને પોતાને માટે અને સાહિત્યને માટે – ઉભયપક્ષે ઉપકારક છે. ‘શૂન્ય મને’ કાવ્યનું ઉદાહરણ આપું... સવારે/ આંખ ખૂલતાં જ/ ભીંત પર અવનવી આકૃતિ દોરતો/ કુમળો તડકો/ મને પૂછે છે/ હું કોણ છું?/ ‘રાતના જવાબ દઈશ’ કહીને એને ટાળું છું. (પૃ. ૨૪૧) જાત સાથેનો સંવાદ કાવ્યમાં પરિણમે છે એવું અહીં મોટેભાગે જોવા મળશે. વૃક્ષ વિશે, ચંદ્ર વિશે, પથ્થર વિશે, દરિયા વિશેનાં ભાવસંવેદનો એક વર્તુળની માફક વિસ્તરતાં રહે છે અને ચમત્કૃતિ સર્જી રહે છે. આ જ રીતે એક સ્થાને લખાયું છે, ‘માછલી રડતી હશે ખરી?/ માછલી રડે ત્યારે એની ખબર/ સમુદ્રને પડતી હશે ખરી?/ માછલીનાં આંસુથી જ/ સમુદ્ર ખારો તો નહીં થઈ ગયો હોય ને?’ (પૃ. ૨૮૭) ઈ. સ. ૧૯૯૧માં ‘આવનજાવન’ કાવ્યસંગ્રહમાં કવયિત્રીની અભિવ્યક્તિ બદલાય છે. અછાંદસમાંથી ગીત તરફ અને વિચારમાંથી લય તરફની તેમની ગતિ સ્પષ્ટ રીતે નોંધી શકાય છે. પ્રકૃતિ સાથે સામંજસ્ય કેળવાતું હોય અને પરિસ્થિતિ સાથે ચોક્કસ પ્રકારનું સમાધાન થયું હોય એમ કવયિત્રી હવે ફરિયાદ નથી કરતાં કે નૈરાશ્ય નથી અનુભવતાં બલકે પોતાની વાત ગીતમાં મૂકવાની ફાવટ તેમને સાંપડી છે. આ સંગ્રહનું એક ગીત તો પન્ના નાયકની પોતીકી મુદ્રાનું સર્વસ્પર્શી બની રહ્યું છે. જુઓ...

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી. (પૃ. ૩૨૪)
આમ છતાં તેમનાં કેટલાંક ગીતની શૈલીમાં સુરેશ દલાલની છાપ વર્તાય છે. જુઓ...
ડ્રોઇંગરૂમમાં પ્લાન્ટ ઉછેર્યાં અને મનાવ્યું મન,
મનમાં અમને એમ કે પાછળ વહી આવશે વન (પૃ. ૩૩૦)

ઈ. સ. ૨૦૦૪માં ‘રંગઝરૂખે’નાં નિવેદનમાં તેઓ લખે છે, ‘મારે એટલું જ કહેવું છે કે આ સંગ્રહમાં જીવન પ્રત્યે મારો જે અભિગમ છે તે પ્રગટ થયો છે. વેદનાથી પ્રારંભ થયેલી મારી કવિતા કોઈ વિસ્મયના વિશ્વમાં મને લઈ જાય છે. આ કાવ્યો અછાંદસ હોવા છતાંય એની ગતિવિધિ કંઈક જુદી જણાયા વિના નહીં રહે.’ (‘દ્વિદેશિની’, પૃ. ૧૨) અહીં અગિયાર અછાંદસ કાવ્યો છે પણ તે મળીને એક દીર્ઘકાવ્ય થયું હોય એમ લાગે. પોતાની આસપાસના જગતને તેઓ તીવ્રતાથી સંવેદે છે અને લખે છે કે ‘કોઈ પણ હેતુ વિના સેતુ થઈ જાઉં છું.’ (‘દ્વિદેશિની’, પૃ. ૫૫) સહૃદય ભાવકને સમજાય છે કે આ કોઈ ઠાલી શબ્દરમત નથી પણ તેની પાછળ અનુભૂતિનું બળ છે. તેઓ લખે છે. ‘હું/ મીરાંની સ્વતંત્રતા સાથે જીવવા માગું છું/ પણ/ શરણાગતિ ખપતી નથી’ (‘દ્વિદેશિની’, પૃ. ૫૯) તેમની આ પ્રકારની અભિવ્યક્તિ પર આધુનિક નારીવાદની અસર જોઈ શકાય છે. એ તબક્કો પણ એવો હતો કે વિદેશનિવાસી કવયિત્રી નારીવાદથી પ્રભાવિત હોય! પણ ક્વચિત અપવાદ સિવાય તેઓ મુખર બનતાં નથી. અનુભૂતિનો આવેગ ‘રંગઝરૂખે’નાં અછાંદસમાં પામી શકાય છે અને સમાંતરે આ જ વર્ષમાં ‘ચેરી બ્લોસમ્સ’ કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થાય છે જ્યાં અછાંદસની સાથે ફરી એક વાર ગીતો પણ છે. ‘માતૃભાષા’, ‘કૂર્માવતાર’, ‘ઉદાસી’, ‘સમાધાન’ જેવાં કાવ્યો કવયિત્રીની મનઃસ્થિતિને સૂચવે છે. સ્વીકારની ભાવના હવે તેમને અજંપ બનવા દેતી નથી. કવિતાની સપાટ બાનીમાં છુપાયેલો અર્થ ભાવકને કાવ્યનો આનંદ આપે એવો સક્ષમ બન્યો છે. જેમ કે, ઘર છે/ એટલે બારીઓ છે એટલે આકાશ છે/ એટલે પક્ષીઓ ઊડે છે એટલે પતંગ ચગે છે... (‘દ્વિદેશિની’, પૃ. ૧૩૨) કેટલાંક કાવ્યોમાં વૃદ્ધાવસ્થા પ્રતિબિંબિત થાય છે તો ક્યારેક બાળપણની સ્મૃતિ ડોકાય છે! એક કવિતા નામે ‘પ્રિસ્ક્રિપ્શન’માં તેઓ કવિતા લખવા માટેની પૂર્વશરત કહે છે. ઈ. સ. ૨૦૧૧માં તેઓ હાઈકુ-સંગ્રહ ‘અત્તરઅક્ષર’ આપે છે. આગળ લખાયેલાં છૂટાછવાયાં હાઈકુમાં દેખાયેલી લાઘવની કલા અહીં પૂર્ણપણે પ્રગટી છે. કાવ્યની આછી મીઠી સુગંધ પ્રસરાવતાં હાઈકુનો સંગ્રહ એ પણ પન્ના નાયકનું એક નોખું પ્રદાન છે. એક નોંધું... ‘બેઠા શ્વાનની/ લટકતી જીભમાં/ હાંફે બપોર’ (‘દ્વિદેશિની’, પૃ. ૧૭૧)આ હાઈકુમાં સ્વભાવોક્તિ અને સજીવારોપણનું સાયુજ્ય કાવ્યાનંદ આપે છે. ત્યાર બાદ ઈ. સ. ૨૦૧૨માં ‘ગુલમહોરથી ડેફોડિલ્સ’નું શીર્ષક એક યાત્રા સૂચવે છે. જે છે તે પરત્વે હવે તેમને કોઈ ફરિયાદ નથી. સમજણ સાથે સ્વીકાર અને શરણાગતિનો ભાવ આ કાવ્યોમાં છે. વર્તમાનની ક્ષણમાં જીવવાનું હવે તેમને આવડી ગયું છે. તેઓ લખે છે, ‘મુંબઈ જેટલું જ/ આ ફિલાડેલ્ફિઆ મારું પ્રિય પ્રિય શહેર/ મારા હૃદયમાં એકીસાથે શ્વસે છે/ બે શહેર/ મુંબઈ અને ફિલાડેલ્ફિઆ’ (‘દ્વિદેશિની’, પૃ. ૨૨૩) અને – ઈ. સ. ૨૦૧૪માં ‘અંતિમે’ પ્રગટ થાય છે ત્યારે કવિમિત્ર સુરેશ દલાલ નથી. ઊંડો વિષાદ અને નીરવ સ્મૃતિ આ કાવ્યોનો વિશેષ છે. ઈ. સ. ૧૯૭૫માં ‘પ્રવેશ’ સાથે કાવ્યજગતમાં પ્રવેશેલાં કવયિત્રી ઈ. સ. ૨૦૧૪માં ‘અંતિમે’ કાવ્યસંગ્રહ આપે છે અને કાવ્યસર્જનનું એક વર્તુળ પૂરું થતું લાગે છે. ‘પ્રવેશ’ની જેમ જ ‘અંતિમે’માં લઘુકાવ્યો છે. હા, પણ શરૂઆતની મુગ્ધતા અને મૂંઝવણના સ્થાને હવે સમજણ અને સભાનતા છે. પ્રશ્નો સાવ નથી એવું નથી જ! બાની સ્મૃતિ અહીં પણ છે અને એ તો રહેવાની જ ને! પણ હવે તેઓ ઘણું બધું શીખી ગયાં છે. ‘મારી જાતને’માં વ્યક્ત થયેલું શાણપણ એ એક ઉપલબ્ધિ છે! ‘મારી પાસે છે’માં તેમણે પોતાને જે લાધ્યું છે તેની યાદી આપી છે. કાવ્યસર્જનના અંતે તેમણે કહી છે તે હકારાત્મકતા અને આઠે પહોરનો આનંદ ભાવક તરીકે આપણને પણ કશુંક ભાથું આપી જાય છે!