રાજેન્દ્ર પટેલની કવિતા/દ્વાર
૭. દ્વા૨
ખૂલુંખૂલું થતાં દ્વાર ખૂલતાં નથી.
ખૂલવું હોય છે તેને દરેક પળે
ને બનવું હોય છે આકાશ.
અંદર કે બહાર કશુંક જોવું હોય છે અતિગોપિત.
અડધી રાતે પક્ષી ટહુકે
બંધ દ્વારને કાન ફૂટે
રૂંવે રૂંવે લ્હાય ઊપડે
વર્ષોથી જકડાએલાં અંગેઅંગ કળે.
પવનને પૂછે
વળી પાણીથી પલળે
દૂર દૂર નક્ષત્ર વચ્ચે એથી અંધ ભટકે
ને ભોંયમાં જડબેસલાક ખવાએલાં મૂળને શોધે,
પણ દ્વાર ના ખૂલે.
અભેદ કિલ્લો પોતાની જ ચારેકોર
અનેક અવાવરુ સ્પર્શ વચ્ચે
એકાંતને ગોપિત રાખતાં રાખતાં એ પોતે જ એકાકી.
ફરી ફરીને ખૂલવા મથે
નજીકના ઝાડ ઉપર પક્ષી ઊડે ને દ્વાર પાંખો શોધે.
અંતે દ્વાર, દર બની ખોળે ભીતર
અંધકારનો અંકુર.
ફૂટે તેને ધીરે ધીરે કશોક કિચૂડાટ.