રાજેન્દ્ર પટેલની કવિતા/ધૂળ
ગમે તેટલો સાફ કરું રૂમ
છતાં છવાઈ જાય ધૂળ.
તે થર પર થર બની ગોઠવાય
કબાટોની તિરાડમાં, પુસ્તકોમાં, કપડાંમાં
અને ફરતા પંખા ઉપર સુધ્ધાં.
ઘણી વાર બહારગામ જાઉં ત્યારે પણ
તે બંધ ઘરમાં અડ્ડો જમાવી
પાછળ રહી ગએલા સ્પર્શની
રખેવાળી કરતી હોય છે.
અને ફ્રેમમાં મઢેલા ચહેરાને
હંમેશાં ધૂંધળો કરી મૂકે છે.
સ્વપ્નમાંય લાગે
બે પોપચાં વચ્ચે પથરાયેલી છે ધૂળ
તેના કણકણ વચ્ચેના અવકાશમાંથી
દિવસ ઝાંખોપાંખો દેખાય.
તેની નીચે ધરબાએલી
ન ઊડી શકતી ગમતી ક્ષણો
ગમે છે અજવાળાની જેમ
ધૂળ છે અક્ષયપાત્ર પૃથ્વીનું
- હંમેશાં પિતાજી આગ્રહ રાખતા
ઘરમાં પ્રવેશતાં પગરખાં ખંખેરવાં :
ધૂળ આવે નહીં અંદર.
પણ આખો દિવસ તે વાળમાં ગોઠવાય
ક્યારેક પરસેવામાં ન્હાતીન્હાતી
ચામડીનો રંગ બદલી કાઢે ચૂપચાપ.
રૂમાલ ગમે તેટલો ચોખ્ખો રાખું
ડાઘવાળો રહે.
ધૂળ છે સમયનાં પદચિહ્ન.
- ધૂળ ભૂતકાળ સાચવતીસાચવતી
મારી હારોહાર ચાલતી હોય છે.
દાદીમાના હાથને યાદ કરાવતીકરાવતી
બાપુજીની ચિતામાં
રાખ જોડે ભળી ગઈ ત્યારથી
તે બાપુજી જેવી લાગે છે.
ચોફેર નિરાકાર બની ભમતી હોય છે.
જન્મ પહેલાં અને પછીયે
કશાકની રાહ જોતી હોય છે ધૂળ.
તેથી જ લોહીમાંસથી અધિક
તે લાગે છે વ્હાલું મૂળ.
તે ચાલી ગયેલા અને આવતા સમયનો પગરવ બની
હંમેશ મને જાગતો રાખે છે.
ધૂળ
દ્વાર છે મારાં
ધૂળ સુધી પહોંચવાનાં.