રાજેન્દ્ર પટેલની કવિતા/હજુ નહિ

Revision as of 02:28, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૩. હજુ નહિ


એક પછી એક
સ્ટેશન પસાર કરતી
ટ્રેઇનને મેં પૂછ્યું :
ક્યારે આવશે મારું સ્ટેશન?
ધસ્યે જતી સરતી ટ્રેઇને કહ્યું :
હજુ નહિ.

તૈયાર થઈને બેઠો
બારી પાસે.
બહાર પસાર થતાં વૃક્ષો, ખેતરો અને મકાનો
સૌ કોઈ જાણે એના જ પડઘા પાડતાં હતાં :
હજુ નહિ, હજુ નહિ.

રાત્રિઓ પસાર થતી રહી
દિવસો બધા ચાલતા રહ્યા
દરરોજ સૂઈ જવા જતો સાંજનો સૂરજ
વધુ એક દિવસ માટે બોલ્યો :
હજુ વાર છે.
ફરી ફરીને
પગરખાં કાઢ-ઘાલ કરું,
વારેઘડીએ
બૅગ ખોલ-બંધ કરું,
વારંવાર ઘડિયાળ સામે જોયા કરું.

એ સૌ કોઈ મારી સામે મીટ માંડીને જોઈ રહ્યાં.
જાણે કહેતાં :
હજુ વાર છે! હજુ વાર છે!

જેટલો મળ્યો એટલો સમય,
બારી બહારના અંધારાને
સરતી ટ્રેઇનના અવાજોને
દૂરની ટેકરીના ઓળાઓને
તેની પર ઝળૂંબેલા ન દેખાતા આભને
ચૂપચાપ પીતો રહ્યો.

અને –
વહેતા સમયની જેમ
એ સૌ કોઈને હવે હું કહું છું :
હજુ નહિ, હજુ નહિ, હજુ નહિ.