રાજેન્દ્ર પટેલની કવિતા/વસિયતનામું
વેરાન સમૃદ્ધ આંગણાની,
મારા અસીમ ખાલીપાની,
અને દૂરનાં તારા-નક્ષત્રોની,
મૂક સાક્ષીએ,
કોઈ પણ પ્રકારના દબાણ વગર
પૂર્ણ સભાનતાથી
આ વસિયતનામું જાહેર કરું છું.
મારી જોડે કશું નથી
સિવાય કે
ખોવાઈ ગયેલાં ગામ અને શૈશવની થોડીક સ્મૃતિ,
શહેરની ઊડી ગયેલી નિયોન લાઇટનું છેલ્લું ચાંગળું અજવાળું
આંગણામાં બચેલા ઊધઈ લાગેલા વૃક્ષનું અંતિમ બચેલું પાંદડું
અને
ઉજ્જડ રસ્તા પર ઊડતી થોડી ધૂળ.
વિના કોઈ વારસે કરું છું આ વસિયતનામું.
મારી પાસે કોઈ ભૂમિ નથી
કે નથી કોઈ ધજા
અને નથી કોઈ મૂર્તિ
છતાં મારી આંખોની છેક અંદર
મારા મસ્તિષ્કની ન ખેડાયેલી કોઈ કેડીમાં
મા-બાપના વારસામાંથી મળેલી
પણ ઓળખી નહિ શકાયેલી કેટલીક સભર ક્ષણો છે.
બાકી મારા વસિયતનામામાં કશું જ નથી.
સિવાય થોડી શાહી ને અઢળક આંસુ?
કોને ખપ લાગશે આ વસિયતનામું?
છતાં ક્યારેક હું વિચારું છું
વૃક્ષ તેના વસિયતનામામાં શું આપી જતું હશે?
પાણી કઈ વાણી દ્વારા કહેતું હશે
પોતાના અનુગામી જળબિન્દુને કે લે
આ રહ્યું મારું બાકીનું ના સુકાયેલું જળ!
આકાશ કઈ આંખથી સાચવતું હશે
મારી ઝાંખી થતી આકૃતિ?
અજવાળું કે અંધારું
મારામાં શું ભાળતાં હશે?
જેવો છે એવો એમનો અનુગામી
ક્યાં જશે એમના વિના?
વડવાઓને લીધે માત્ર માટીનો અમથોક પરિચય છે,
અને માના લીધે
બચી છે સહેજ મારી એંધાણી.
માએ જે ભાષા શીખવેલી
તેના થોડાક સાચવી રાખેલા અસ્પષ્ટ ઉચ્ચારો
હજુ મનમાં ઘૂમરાય છે.
તેના આધારે કરું છું હું મારું વસિયતનામું
કશુંય બચ્યું નથી પાસે તોય.
૦
છેવટે
‘અત્ર મતુ તત્ર સાખ’ માટે
મેં મારા પડછાયાને વિનંતી કરી,
પણ તેય મતુ મારવા તૈયાર નથી.
વાત એમ છે કે આજકાલ
હું જ મને રદબાતલ જાહેર કરવા મથું છું
મારી જ સામેના આ મારા એકરારનામામાં
લખનાર અને લખાવી લેનાર વચ્ચે
અજવાળા અને અંધારા જેટલું છેટું છે.
અને સાક્ષીમાં કોઈ સહી કરવા તૈયાર નથી.
આમ જુઓ તો વસિયતનામું લખવા માટે
મારી પેનમાં ખાસ શાહી નથી ને કાગળ પણ જીર્ણ છે.
કશું લખવા જેવું નથી
ને છતાંય કાગળનું એક આખું રીમ ઓછું પડે તેવું છે.
શબ્દો ગમે એટલા વાપરો પણ એમાં કોઈ અર્થ તો જોઈએ ને!
અર્થ ગમે એટલો ગહન હોય પણ તેની અંદર શબ્દનો રવ હોવો જોઈએ ને!
અને બેય હોય તોય જો તેમાં અવકાશ ના હોય તો શું કામનું?
ક્યાંથી સમજાય આ એકરારનામું
ને કોણ બને ‘અત્ર મતુ તત્ર સાખ?’
‘આ ધરતીમાતાનુંય એવું જ છે ને’ મારામાંના કોઈકે દલીલ કરી.
તેની પરનાં વૃક્ષો અને
તેની અંદરનાં પાણી બેયની બાદબાકી થઈ જાય
તો શું રહે?
બરાબર મારું એવું જ છે
ભાષાની લીલપ અને અવાજની લાલી બેય ખોઈ છે.
વસિયતમાં ખાલી બચી છે વેરવિખેર વેદના.
વાપરી કાઢેલા વારસા પછીની આ વસિયતને કોણ સ્વીકારશે?
કોણ ચૂકવશે આ દેવું?
કોણ મારશે મતુ
અહીં ‘અત્ર મતુ તત્ર સાખ’માં?
૦
સ્થાવર મિલકતમાં,
ભલે મારું ઘર મારા નામે હોય,
પણ ઘર મારું નથી.
ઘર બનાવવા માટે,
તેની ભોંય, ભીંત ને છત
સઘળું ઉછીનું લીધું છે
પૃથ્વી પાસેથી.
ઘર, ઘર બન્યું છે જળથી,
ભેજે મઢ્યું તે ઊભું છે અકબંધ,
એ જળ, મેં વાદળ પાસેથી માગ્યું છે.
ઘર, ટક્યું છે ને તપ્યું છે તેજને ટેકે,
સૂરજ પાસેથી ઉધાર લીધું છે તેજ.
ઘર, પાયાથી તો અગાશી સુધી
એકાકાર થયું છે અદૃશ્ય લયથી
વાયુએ વાપરવા દીધો છે એનો લય.
ઘર, ઊભું છે છાતી તાણી
જાત અને જગત, સ્થળ અને કાળ સામે
તે માટે અવકાશ માગેલો છે
મેં આકાશ પાસેથી.
આ ઘર છો મારા નામે હોય
પણ તે મારું નથી
તેમ કોઈનુંય નથી,
એ સૌ કોઈનું છે
કારણ કે તે સૌ કોઈનાઓથી બન્યું છે.
૦
વસિયતનામું (નોંધ-ચાર)
મારી પાસે
જંગમ મિલકતમાં ખાસ કંઈ નથી
પણ જે કંઈ છે તે ઉછીનું છે.
વૃક્ષ પાસથી કાગળ લીધો છે
અને જળસ્રોત પાસેથી વીજળી
ધરા જોડેથી ખનીજ,
તેમના વડે સર્જાયેલી વસ્તુઓનું મૂલ્ય ગમે તે હોય
એ બધું એમનું છે.
હા, જેમની જોડેથી શબ્દ અને વિશેષ અર્થ પામ્યો છું
તેવા કેટલાક લેખકોના હસ્તાક્ષરે શોભતાં થોડાંક પુસ્તકો છે,
જે હવે પીળાં પડી ગયાં છે,
પણ તેના પાને પાને પેન્સિલના લીટા છે,
જે ખપના છે.
– ને, કેટલાક જૂના પત્રો છે, જેનું લખાણ
આંસુના અભિષેકના લીધે હવે માંડ વંચાય છે.
માત્ર બે વસ્તુ અણમોલ છે મારી પાસે,
અભણ બાની ઘસાયેલી માળા
અને બાપુજીની ગાંધીટોપી.
ઉપરાંત, મારી સાક્ષી તરીકે સહી કરેલાં
બે મિત્રોનાં વસિયત છે મારી કને,
અમથોક આ વિશ્વાસ મારી સાચી મૂડી છે,
જે પૂર્વજોએ વારસામાં આપેલો છે.
આપી શકું તો આપી શકું આ જ
સાક્ષી તરીકે ઊભા રહેવાની તાકાત અને વિશ્વાસ.
૦
મારી કહી શકાય તેવી
એકમાત્ર ચીજ છે મારી પાસે,
મારી વાણી.
જે મૌનમાંથી લાધી છે
જોકે તેય મારી અભણ માએ આપેલી છે.
મારી પાસે
છે કેવળ શબ્દ
પણ એય મારા મનમાં છે.
હું તે આપી શકતો નથી તેને
એક પદાર્થની જેમ.
હા, આકાશને લાગશે તે શબ્દ સાચવવા જેવો
તો તે તેને સાચવશે
તો એ સૌ કોઈનો હશે.
૦
પંડ જ્યારે પવન થઈ જશે
અને મારી ગેરહાજરી કાયમી હાજરી બની જશે
ત્યારે મારા વસિયતનામામાં
એ સઘળું હશે
જેમની પાસેથી મેં માગી માગીને ભેગું કર્યું છે
જીવનભર,
માટી અને પાણી, તેજ અને વાયુ
સ્થળ અને સમય પાસેથી,
પૂર્વજો ને પૂર્વસૂરિઓ જોડેથી.
આમ જુઓ તો આ વસિયતનામું
કોરું છે, મારા અંતિમ વસ્ત્ર સમું.
આકાશ અને ધરતીની જેમ
મારા વાલીવારસાને આ વસિયતનામું બંધનકર્તા રહેશે.