(પહેલી આવૃત્તિ વખતનું)
ભારતીય સાહિત્યમીમાંસાનો ઐતિહાસિક તેમ તાત્ત્વિક ઉભય દૃષ્ટિએ પરિચય કરાવતાં પુસ્તકો હિંદી, મરાઠી વગેરે ભગિની-ભાષાઓમાં છે તેટલાં ગુજરાતી ભાષામાં નથી. પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાને લગતાં પરિચયાત્મક પુસ્તકો પરત્વે પણ આવી જ સ્થિતિ છે. ભારતીય સાહિત્યમીમાંસાના મૂલ ગ્રંથો વાંચવા જેટલું સંસ્કૃતનું અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાને લગતા મૂલ ગ્રંથો માટે અંગ્રેજીનું પર્યાપ્ત જ્ઞાન જેમને ન હોય, અથવા હોય તો પૂરતો સમય અને ધૈર્ય જેમની પાસે ન હોય, છતાં પોતાની સાહિત્યસમજ સંસ્કારવા-વધારવા જેમને વૃત્તિ અને ઉત્સાહ હોય તેવાઓને તેમજ મહાવિદ્યાલયોના સાહિત્યના વિદ્યાર્થીઓને પણ લક્ષમાં રાખી એક બાજુથી મૂલ ગ્રંથોના સંપૂર્ણ અનુવાદ અને બીજી તરફથી એવા ગ્રંથોનાં સુગમ પરિચય-સંદોહન-સંકલનનાં પુસ્તકો તૈયાર કરી આપનાર વિદ્યાવેપારના આડતિયાઓ ગુજરાતી ભાષાસાહિત્યક્ષેત્રે અત્યાર સુધીમાં ઘણા ઊભા થવા જોઈતા હતા, જેમ થયું નથી. જેમાં ભારતીય અને તેની સાથે યથાવકાશ પાશ્ચાત્ય સાહિત્યદર્શનની સંગીન તાત્ત્વિક ચર્ચા થઈ છે એવા ઘણા મૂલ્યવાન અભ્યાસલેખો છેલ્લાં પોણોસોએક વર્ષમાં રમણભાઈથી ઉમાશંકર સુધીના આપણા કેટલાક સંમાન્ય વિદ્વાનોને હાથે લખાયા છે, જે બતાવી આપે છે કે ગુજરાતની વિદ્વત્તાએ આ બાબતમાં શરમાવા જેવું નથી. પણ અત્રે પ્રસ્તુત છે ઉપર દર્શાવ્યા તેવાં પુસ્તકોની વાત. એની ઓછપ આપણે સ્વીકારવી રહી. આ પરિસ્થિતિમાં પ્રગટ થતું આ સુલિખિત પુસ્તક આ કારણે આપણા ઉમળકાભર્યા આવકારનું અધિકારી બની રહે છે. એના લેખકો છે ઊજળી વિદ્યાર્થી-કારકિર્દી પૂરી કરી સાહિત્યના અધ્યાપનની કામગીરી શરૂ કરતા બે ઉત્સાહી આશાસ્પદ અધ્યાપકો. બી.એ. પદવી માટેના ગુજરાતીના વિષયના પરીક્ષાર્થીઓનો અભ્યાસક્રમ અને તેમની જરૂરત નજર સમક્ષ રાખી તેમણે ભારતીય કાવ્યસિદ્ધાંત વિશે તેમને પર્પાપ્તથી વધુ કામ આપે તેવું આ પુસ્તક તૈયાર કર્યું છે. એમાં તેઓ બહુધા અનુસર્યા છે ‘કાવ્યપ્રકાશ’કાર મમ્મટને. મમ્મટ ભારતીય કાવ્યસિદ્ધાંતને મૌલિક પ્રદાન કરનાર કે નવસંપ્રદાયસ્થાપક આલંકારિક નથી. એની શક્તિ અને સેવા પોતાના સમય સુધીની એતદવિષયક વિચારણાનો લાભ ઉઠાવી, તેનો સમન્વય કે સંકલન કરી, નવ-અભ્યાસીઓ માટે તેની સુગમ વ્યવસ્થિત રજૂઆત કરી આપવામાં રહેલી છે. એ કારણે વિદ્યાપીઠોમાં એના ‘કાવ્યપ્રકાશ’નું સારું માન છે. આ પુસ્તકના લેખકોએ એ ગ્રંથનું તારતમ્ય સુગમ કરી આપવા લક્ષ્યું છે. બંને લેખકો ગઈ કાલ સુધીના તેજસ્વી અભ્યાસપરાયણ વિદ્યાર્થીઓ. એમની એમ.એ. પદવી માટેની પરીક્ષાના ઉત્તરપત્રો પરની શાહીય હજી સુકાઈ નથી, એમ પણ અત્યારે પ્રચારમાં છે તેવી વાક્છટાનો આશરો લઈ, કહેવાય એવું છે. હજીય એ વિદ્યા-અર્થી મટ્યા નથી. એમ હોત તો તેઓ પુસ્તક લખત નહિ. ‘કાવ્યપ્રકાશ’નો પોતે બી. એ. પદવી માટે કરેલો અભ્યાસ અને એ વિષયની પોતે સંપાદેલી સજ્જતા, વિદ્યાર્થીસમસ્તના લાભાર્થે, તેમને માટે ‘કાવ્યપ્રકાશ’ના સંપૂર્ણ અને સ્વ. રામનારાયણ પાઠક અને શ્રી રસિકલાલ પરીખવાળા અર્ધા અનુવાદની અપ્રાપ્યતા જોઈ, આ પુસ્તકરૂપે રજૂ કરી દઈ તેઓ એમના સાચા સહાયક બન્યા છે. સાચા વિદ્યાર્થીઓ - આપણે એમને અભ્યાસીઓ કહીશું - અભ્યાસ કેમ કરે તેનો અનુકરણીય આદર્શ પોતાના આ સ્વાધ્યાયફલ દ્વારા તેમણે પૂરો પાડ્યો છે. મમ્મટના ગ્રંથને કેન્દ્રમાં રાખી તે ચાલ્યા છે, છતાં અન્ય કાવ્યમીમાંસકોના મત પણ તેમના પ્રસિદ્ધ ગ્રંથોમાંથી અથવા પરિચાયક હિંદી ગ્રંથોમાંથી વીણી તેનાથી પોતાની આ વિષયની વાકેફગારી તેમણે વધારી છે. એટલું જ નહિ, અલંકાર, સાધારણીકરણ, કાવ્ય ને નીતિનો સંબંધ, અને એવી બાબતો પરત્વે સાહિત્યવિચારક ગુજરાતી વિદ્વાનોએ પ્રસંગોપાત જે ચર્ચા કરી પોતાનાં અમુક વિચારવલણો તે પરત્વે દર્શાવ્યાં છે તેનાથીય સુજ્ઞાત રહી એમનાં વક્તવ્યને પણ પુસ્તકની વિચારસામગ્રીમાં તેમણે યથાવકાશ સામેલ કરેલ છે. બી.એ.ના વિશિષ્ટ ગુજરાતીના વિદ્યાર્થીઓને ભારતીય સાથે પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાનોય અભ્યાસ કરવાનો હોય છે. અત્રત્ય અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાનો અભ્યાસ જુદો જુદો જ લઈ વિદ્યાર્થીના મગજનાં બે અલગ ખાનાંમાં સંઘરાય તો એના અભ્યાસનો કોઈ અર્થ નથી. માનવી અને તેના સ્થાયી ભાવો બધે સરખા. અમુક દેશમાં ને અમુક કાળમાં અમુક પ્રજાએ જે સાહિત્યસર્જન કર્યું તે અન્ય દેશ-કાળમાં ને અન્ય માનવભાંડુઓ વડે પૂરું નહિ તો પોણું આસ્વાદ્ય તો આથી બને જ. એની ખૂબીઓ ને ખામીઓ શોધતું-ચર્ચતું વિવેચન અને તેના માટેનાં મૂલ્યાંકનનાં ધોરણ પણ ઘણી બાબતોમાં સમાન અંશો દાખવ્યા વિના રહે નહિ. આ રીતે વિચારતાં, અત્રત્ય તેમ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસકો કઈ બાબતમાં સમાન વાત કરે છે, કયા મુદ્દા પર વધુ ભાર મૂકે છે, ક્યાં પોતાની વિશિષ્ટ દૃષ્ટિ દેખાડે છે કે નવી કેડી પાડે છે, એ બેઉનો અભ્યાસ એકબીજાના પ્રકાશમાં તુલનાત્મક દૃષ્ટિએ કરી વિદ્યાર્થીઓએ જોવું-વિચારવું જોઈએ. અધ્યાપકોએ આ ખાસ બતાવતાં રહેવું જોઈએ. દાખલા તરીકે, ‘કાવ્યપ્રકાશ’ના મંગલાચરણમાં બતાવાયેલી કવિસૃષ્ટિની બ્રહ્માની નિર્મિતિ પરની સરસાઈની ચર્ચા વેળા મમ્મટથી આગળ જઈ ભૌતિક જગત ને વાસ્તવજીવનનો કવિતા સાથે સંબંધ, અને એને અનુષંગે સાહિત્યે જીવનના કરવાના અનુકરણ પરત્વે એરિસ્ટોટલના અને બ્રહ્મનિર્મિતિને સુધારવા કલ્પના પ્રયોજવાની કવિની રીત કે અધિકાર વિશે બેકનના મત સમજાવી કાવ્યના સત્યની ચર્ચા અધ્યાપક કરી શકે. કાવ્યનાં પ્રયોજન વિશે વાત કરતાં બધી લલિત કલાની આનંદલક્ષિતા કે રસાત્મકતાની, ‘કલા ખાતર કલા’ના વાદની અને કલા અને નીતિ વચ્ચેના સંબંધની, પ્લેટોથી આજના વિવેચક સુધીના સાહિત્ય વિચારકોનાં એ વિશેનાં મતો ને વલણોનો ખ્યાલ આપી, તે ચર્ચા કરી શકે. એમાં રસાભાસ-ભાવાભાસનેય લાવી પ્રજા પ્રજાનાં ને સમય સમયનાં નીતિ ને શિષ્ટાચારનાં ધોરણોને ખ્યાલોની વિવિધતા નિર્દેશી, તેની સાપેક્ષતા દેખાડી, ઔચિત્યના મુદ્દા પર ઊતરી શકાય અને poetie justiceના મુદ્દાનેય ચર્ચામાં લાવી શકાય. કવિના ઘડતરની કાવ્યનિર્માણના હેતુની સમજૂતી દ્વારા ચર્ચા કરતી વેળા પ્રતિભાની વાત કરતા ‘Poets are born, not made’ એ કથનનો મર્મ સમજાવવાની અને એના પૂરક અંશ તરીકે વ્યુત્પત્તિની અગત્ય બતાવી મેકોલેના ‘As civilization advances, poetry necessarily declines’ એ મતની પરીક્ષા કરી, જ્ઞાન કવિતાને બાધક નથી પોષક છે, એ મુદ્દાનું સ્થાપન કરવાની તક અધ્યાપક લઈ શકે. કાવ્યજ્ઞશિક્ષાની વાતમાં વિવેચનની અગત્ય પુરસ્કારી શકાય. કાવ્યની મમ્મટની વ્યાખ્યા વિચારતાં અન્ય આલંકારિકોએ આપેલી કાવ્યની વ્યાખ્યાઓ ઉપરાંત પાશ્ચાત્ય સાહિત્યવિચારકોએ સમજાવેલાં કવિતાનાં સ્વરૂપલક્ષણો કે આપેલી કવિતાની વ્યાખ્યાઓને વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવી તેની ચર્ચા કરી શકાય. કાવ્યની વ્યાખ્યાની ચર્ચામાં છંદ અને પ્રાસનો અગત્યનો મુદ્દો લાવી ગદ્ય અને પદ્યના ઉપયોગ ને કાર્યક્ષેત્રની વાત જેમ ખેડી શકાય, તેમ કાવ્યમાં શબ્દ અને તે બનાવતા વર્ણોના મહત્ત્વની તથા કાવ્યના આત્માના પ્રશ્નને સ્પર્શી તે વિશે ભારતીય અલંકારશાસ્ત્રને કરેલી વિચારણા ને સાધેલી પ્રગતિનો ખ્યાલ આપી શકાય. એ જ રીતે, ગુણ દોષ ને રીતિની ચર્ચામાં પશ્ચિમમાં થયેલ શૈલીની વિચારણાનો તુલનાત્મક ખ્યાલ આપી શકાય. કાવ્યે કરાવવાની सद्य परनिर्वृतिના સ્વરૂપની ચર્ચામાં રસનિષ્પત્તિની પ્રક્રિયાના સિદ્ધાંતની વાત કરતાં પશ્ચિમમાં થયેલી કાવ્યાનંદાનુભૂતિની અને કાવ્યના આત્મા તથા કાવ્યના ઉત્તમ મધ્યમ કનિષ્ઠ એ ત્રણ પ્રકારોની ચર્ચામાં ધ્વનિની વાત થાય તેના અનુષંગમાં બ્રેડલી ને બીજાઓના ટેકાથી વ્યંજના પર પાશ્ચાત્ય કલામીમાંસાએ પણ મૂકેલા ભારનો નિર્દેશ કરી શકાય. એ જ રીતે શબ્દશક્તિની સમજૂતી આપતી વેળા પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાને વાણીના ઉપાદાનની શક્તિ અને મર્યાદાની તેમજ વાણીની અભિવ્યક્ત અને વ્યંજકતાની શક્તિની કરેલી વિચારણાને તુલનામાં લઈ શકાય. આ પુસ્તકના લેખકોએ બધી વખતે આટલી વીગતે નહિ તોય ઉચિત લાગ્યું ત્યાં ત્યાં પાશ્ચાત્ય સાહિત્યદર્શનને વિચારણાંમા લીધું છે તે એમની સાચી અધ્યાપકીય દૃષ્ટિ બતાવે છે. આદર્શ વિદ્યાર્થીની દૃષ્ટિ ને વૃત્તિ સાથે આદર્શ અધ્યાપકની દૃષ્ટિ ને વૃત્તિએ આમ તેમના લખાણમાં કામ કર્યું છે એ દેખાઈ આવે છે. એમની અધ્યાપકીય દૃષ્ટિ પુસ્તકમાં ચર્ચાયેલ વિષયોની ગોઠવણમાં પણ દેખાય છે. મમ્મટના મંગળાચરણથી આરંભ કરી પ્રથમ શબ્દશક્તિનો, પછી અનુક્રમે રસ, અલંકાર, ગુણ અને દોષનો વીગતે વિચાર કરી તે પછી કાવ્યનાં વ્યાખ્યા, પ્રકારો, પ્રયોજનો અને નિર્માણહેતુની એમણે ચર્ચા કરી છે તે સપ્રયોજન છે. કાવ્યની મમ્મટની વ્યાખ્યા શબ્દ-અર્થના પ્રકાર, દોષ, ગુણ અને અલંકાર, એટલાંની પૂર્વસમજની અપેક્ષા રાખે છે. એ વ્યાખ્યામાં ક્યાંય ધ્વનિ કે રસ એ શબ્દો આવતા નથી. પણ सगुणौ શબ્દ રસને સૂચવતો હોઈ રસ અને રસનિષ્પત્તિની પ્રક્રિયા પણ સમજવી જરૂરી ગણાય. વળી રસને ધ્વનિ ગણ્યો હોવાથી કાવ્યના ઉચ્ચાવચ પ્રકારો જેમાં ધ્વનિયુક્તતા કે ધ્વનિરહિતતા જ નિર્ણાયક ધોરણ તરીકે ઠરાવવામાં આવી છે તેની વાત કરતાં પહેલાં પણ ધ્વનિની અને રસની સમજણ આપવી જરૂરી હતી. લેખકોએ કાવ્યની વ્યાખ્યા ને પ્રકારો તથા તેનાં પ્રયોજન ને હેતુની ચર્ચા પહેલાં પુસ્તકમાં શબ્દશક્તિ, રસ, અલંકાર, ગુણ ને દોષની ચર્ચા કરી છે તે આ દૃષ્ટિથી. પુસ્તક બંને મિત્રોએ મળીને તૈયાર કર્યું છે તે પણ અધ્યાપકની રીતે, ‘ગાઈડ’- લેખકોની રીતે નહિ. એમણે વિષયને લગતું જે ઘણુંબધું વાંચ્યું છે તે વિચાર્યુંય છે ને પચાવ્યું પણ છે. એથી જ એ વિશે વ્યવસ્થિત રીતે વિચારતી વેળા વાંચેલી સામગ્રીને સમુચિત રીતે અને સમુચિત સ્થળે તે ટાંકી ગોઠવી શકે છે. અલંકાર વિશેની ચર્ચામાં પૃ.૧૨૧-૧૨૩ પર ક્રોચે, આનંદવર્ધન, લૉંજિનસ, આનંદશંકર, પાઠક અને લૅમ્બૉર્નને તેઓ ટાંકે છે તે તો એનો એક નમૂનો છે. વળી ‘ગાઈડ’ વાળાઓની માફક બધું ઈધર-ઉધરથી તારી ટાંકીને જ આ લેખકો બેસી રહેતા નથી. તેઓ યથાસ્થાન સૌ જૂના-નવા દેશી-વિદેશી સાહિત્યવિચારકોના મત રજૂ કરી તેની ચર્ચા કરી શકે છે. સાધારણીકરણ, ભાવકનો રસાનુભવ, રસની સંખ્યા, જુદા જુદા રસનું ગણાવાયેલું પ્રામુખ્ય, વ્યંજનાશક્તિ માનવાની જરૂર વિશેની શંકા, અલંકારનું કાવ્યમાં સ્થાન અને મહત્ત્વ - આવા આવા પ્રશ્નોની ચર્ચામાં જુદા જુદા મત નિર્દેશી તેની સાથે પોતાનો મતભેદ પણ બતાવે છે. સ્વ. રામારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આદિ આપણા વિદ્વાનોએ ભારતીય આલંકારિકોનું બધું જ ‘બાબાવાક્યં પ્રમાણમ્’ કરીને સ્વીકાર્યું નથી. સાધારણીયકરણ વ્યાપાર તેમજ રસાભાસ વગેરે બાબતો પરત્વે પોતાની પ્રમાણિક શંકાઓ ઉઠાવી ક્યારેક તેનાથી જુદા પડવાનું પણ તેમણે કર્યું છે. આ પુસ્તકના જુવાન લેખકોએ પણ તેમને અનુસરી પોતે ઊંડા ઊતરી પોતાની દૃષ્ટિથી વિચારવાનો પ્રયાસ અત્રતત્ર કરેલો માલૂમ પડે છે. પુસ્તક તેમણે લખ્યું છે બી. એ.ના વિદ્યાર્થીઓ માટે, પણ તેને ‘ગાઈડ’ જેવું બનાવ્યું નથી. વિષયનું ગૌરવ જાળવીને ઊંચી સપાટી પર રહીને તેમણે બધું લખ્યું છે તે મનમાં એવા પણ લોભથી કે પુસ્તક માત્ર વિદ્યાર્થી-ઉપયોગી જ ન રહેતાં આ વિષયનું અભ્યાસીઓના હાથમાં મૂકવા જેવું આપણી ભાષાનું એક ગણનાપાત્ર પુસ્તક પણ બને. પુસ્તકની મુખ્ય સામગ્રીને અન્તે તેમણે જોડેલા ૩૫ પૃષ્ઠના પરિશિષ્ટમાં સંકેત, સ્ફોટ, લક્ષણાના પ્રકાર, વ્યંજના, ‘રસનિષ્પત્તિ’ એ ભરતના શબ્દના ચાર ભાષ્યકારોના મત, સાધારણીકરણ, રીતિ, વૃત્તિ, એમ કુલ ૨૬ વિષયો પર અભ્યાસપૂર્ણ નોંધો મૂકી છે, તે આવા અભ્યાસીઓને ખ્યાલમાં રાખીને. પણ વધુ ઝીણી ચર્ચા માટે પરિશિષ્ટનો ઉપયોગ કરનારાઓએ મુખ્ય પુસ્તકમાં ઝીણી ચર્ચાઓ ટાળી નથી. વ્યંજનાશક્તિ જેવી કોઈ અલગ શબ્દશક્તિ સ્વીકારવાની જરૂરી છે ખરી, એ પ્રશ્ન પરની તેમજ રસાભાસની ચર્ચામાં તેઓ ઠીક ઊંડે ઊતર્યા છે. આવે સ્થળે વિદ્યાર્થીઓ કરતાં વિશેષ અધિકારી વાચકવર્ગ જાણ્યેઅજાણ્યે તેમની નજર આગળ આવી ગયો લાગે છે. વિદ્યાર્થીઓના વાચકવર્ગ પર જ સતત નજર રાખી હોત તો વિદ્યાર્થીઓને નીચેનાં જેવાં વાક્યો સદ્યસુગમ ન થાય તે તેમના ખ્યાલમાં આવત ; “ભારતીય કાવ્યશાસ્ત્રીઓ ‘રસ’ની સંજ્ઞા તો એવા આસ્વાદપ્રકર્ષને આપે છે કે જે ભાવકને વિભાવાદિ સામગ્રીના સમાનયનને કારણે પ્રતિબોધિત થતા સ્થાયી ભાવની ચર્વણામાંથી પ્રાપ્ત થાય.” “...પણ વિભાવાદિરૂપ સાધનસામગ્રીના બળે રસાનુભવના સમય પૂરતો એનો પરિમિત પ્રમાતૃભાવ - વૈયક્તિક રસાનુભવકર્તુત્વભાવ પોતે વ્યક્તિગત રૂપે રસાનુભવ કરી રહ્યો છે એવો ભાવ - સર્વથા નષ્ટ થાય છે અને અન્ય વિષયના સંસર્ગથી રહિત એવો અપરિમિત પ્રમાતૃભાવ ઉદય પામે છે.” પુસ્તકની ભાષા આમ ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓ તથા સામાન્ય વાચકોને માટે અઘરી બની ગઈ છે. બીજી આવૃત્તિ વેળા એને સરળ ને સુગમ બનાવવાની જરૂર છે. એવી બીજી આવૃત્તિ આ પુસ્તકની અવશ્ય થશે. બંને જુવાન મિત્રોએ એક અભ્યાસપૂર્ણ કૃતિ જાહેરમાં મૂકીને ખાતું ખોલી એવી શુભ શરૂઆત કરી છે જે એમની પાસેથી આવી વિદ્યાર્થીસેવા અને સાહિત્યસેવા ભવિષ્યમાં વિશેષ પ્રમાણમાં મળવાની આશા બંધાવે છે. એવી આશા બંધાવનાર અને એમના સાહિત્યસ્વાધ્યાયતપનું બોલતું પ્રમાણપત્ર બની રહેનાર આ પુસ્તકને સહર્ષ આવકારતો હું એ આશાને સાચી ઠેરવવા ચાલુ રહેનારી એમની સારસ્વતયાત્રાને શાન્તાનુકૂલ પવન અને શિવ પંથ ઈચ્છું છું.
જામનગર, ૧૯-૩-૧૯૬૦
અનંતરાય મ. રાવળ
(બીજી આવૃત્તિ પ્રસંગે)
‘એવી બીજી આવૃત્તિ આ પુસ્તકની અવશ્ય થશે’ એ પ્રથમ આવૃત્તિનું ‘સત્કાર’-વચન સાચું પડેલું જોઈને તથા પુસ્તકે પોતાની મૂલ્યવતા અને ઉપયોગિતા સિદ્ધ કરી આપ્યાં જોઈને મને ઘણો આનંદ થાય છે. પ્રથમ આવૃત્તિના પ્રકાશન પછી બેઉ લેખકમિત્રોના અધ્યાપકીય અનુભવમાં દશ વર્ષ ઉમેરાયાં છે અને એમનું સ્વાધ્યાયતપ એટલું જ વધ્યું છે. એનો લાભ એમના આ વિષયના અધ્યાપનને મળ્યો હશે તેટલો પુનરીક્ષણ, સંમાર્જન અને સંવર્ધનરૂપે તેમના પુસ્તકની આ બીજી આવૃત્તિને પણ મળ્યો છે. પુનરીક્ષણ અને સંમાર્જનનો લાભ પુસ્તકની ભાષા અને વિવરણ કે પ્રતિપાદનને મળ્યો છે, જેને પ્રતાપે પુસ્તકમાં આગળની આવૃત્તિમાં ક્યાંક ક્યાંક પ્રવેશી ગયેલું ભાષાનું અઘરાપણું દૂર થયું છે. સંવર્ધન પુસ્તકની અંતઃસામગ્રીમાં ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ પરના ૧૩૮થી ૧૫૯ સુધીનાં પૃષ્ઠોના અને તેને અનુષંગે પરિશિષ્ટમાં ‘ઔચિત્ય’, ‘ધ્વનિ અને લાવણ્ય’ તથા ‘અલંકારધ્વનિ’ એ નોંધોના ઉમેરા પૂરતું થયું છે. એ ઉમેરાથી પુસ્તકમાં ભારતીય કાવ્યમીમાંસાના સુષ્ઠુ પરિચયમાં ખૂટતી સામગ્રી પુરાઈ જાય છે અને પુસ્તક યુનિવર્સિટી-વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યતત્ત્વના જિજ્ઞાસુઓ તેમજ અભ્યાસીઓની સેવામાં આ મિત્રબેલડીની એક સુંદર ભેટ બની રહે છે, જે આગલી આવૃત્તિ વેળાના ‘સત્કાર’માં ‘સાધુકાર’ ઉમેરવા મને પણ પ્રેરે છે. ભારતીય સાહિત્યસિદ્ધાંત પર લખાયેલાં પુસ્તકો, લેખો, વગેરેની એક મજાની યાદી પણ એમણે આ આવૃત્તિમાં અભ્યાસીઓના લાભાર્થે પેશ કરી છે, જે એની ઉપયોગિતા વધારે છે. ઉમેરેલા વસ્તુમાં ક્ષેમેન્દ્રનો ઔચિત્યવિચાર, આનંદવર્ધન અને અભિનવગુપ્તનો ધ્વનિવિચાર અને કુન્તકનો વક્રોક્તિવિચાર ફક્ત ૨૧ પૃષ્ઠોમાં જે સારગ્રાહી રજૂઆત પામેલ છે તે આ લેખકમિત્રોનો તરતમ-વિવેક પ્રગટ કરે છે. મુદ્દાની વાત તેઓ એકે ચૂકતા નથી, પણ પ્રસ્તારનો તેમને શોખ નથી. મિતભાષિતા પ્રત્યે તેમને વિશેષ રુચિ હોય એમ લાગે, જોકે જેમના હાથમાં આ પુસ્તક જવાનું છે તેમના દૃષ્ટિબિંદુથી જોઈએ તો લેખકોએ સ્થળ-સંકોચને કોરે મૂકી પોતાની કલમને થોડી મોકળાશમાં વિહરવા દીધી હોત તોય વાંધો ન હતો. આ વાત બીજી આવૃત્તિના ઉમેરા પૂરતી જ નથી, સમગ્ર પુસ્તકને લાગુ પડે એવી છે. વિષયના પોતાના ઊંડા તેમ વ્યાપક અભ્યાસને શક્ય તેટલી સુગમ અને સારગ્રાહી કે તત્ત્વપ્રકાશક રીતે રજૂ કરતી વેળા પૂર્વાચાર્યોને તથા પુરોગામી વિદ્વાનોને ઉલ્લેખતા-ટાંકતા કે તેમનાં મંતવ્ય સમજાવતા આ લેખકોએ પોતાની ચિકિત્સક દૃષ્ટિ સતેજ રાખી છે એની પ્રતીતિ આગલી આવૃત્તિની માફક આ આવૃત્તિ પણ કરાવે છે. ઔચિત્યનો વિભાવ કૃતિનિષ્ઠ નથી પણ સર્જક-ભાવક-નિષ્ઠ છે એવા શ્રી હરિવલ્લભ ભાયાણીના અભિપ્રાયની યથાર્થતા વિશે પ્રમાણિક શંકા ઉઠાવી વાચકોને પોતાની મેળે વિચારી જોવા તેમણે પ્રેર્યા છે, એ પરથી એ જણાઈ આવશે. સાહિત્યની સર્જનપ્રક્રિયા સમજવામાં તથા એનું આસ્વાદન કરવામાં ખૂબ ઉપકારક નીવડે એવી ભારતીય સાહિત્યમીમાંસા વિશે આવું પુસ્તક આપનાર લેખકો સાહિત્યના વ્યાકરણ કે શાસ્ત્ર કે સિદ્ધાંત કે તત્ત્વજ્ઞાન કે કળા વિશે પશ્ચિમમાં થયેલી આજ સુધીની સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવતું વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસીઓનું રાહબર બને એવું આવું જ પુસ્તક હવે કેમ ન આપે? શ્રી જયંત કોઠારીએ ‘પ્લેટો એરિસ્ટોટલની કાવ્યવિચારણા’નું અભ્યાસપૂર્ણ પુસ્તક ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ - ની પહેલી અને આ બીજી આવૃત્તિ વચ્ચેના ગાળામાં આપણને આપ્યું છે જ. તે જ હવે આવી મોટી અપેક્ષા જન્માવે છે.
અનંતરાય રાવળ
અમદાવાદ : ૧૪-૧૦-’૭૦