ભારતીય કાવ્યસિદ્ધાંત/અનુમાન અને વ્યંગ્યાર્થ

Revision as of 13:54, 26 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. અનુમાન અને વ્યંગ્યાર્થ :

મહિમ ભટ્ટ એક જુદા જ મુદ્દા પર વ્યંજનાનો પરિહાર કરે છે. તેમના મતે કાવ્યમાંથી વાચ્ય ઉપરાંત જે અર્થ પ્રાપ્ત થાય છે તે અનુમાનથી પ્રાપ્ત થાય છે. તેને માટે વ્યંજના જેવી કોઈ શબ્દશક્તિ સ્વીકારવાની જરૂર નથી. મહિમ ભટ્ટ ઘણાં ઉદાહરણો લઈ, તેમાં વ્યંગ્યાર્થ અનુમાનથી પ્રાપ્ત થાય છે એમ બતાવવાનો પ્રયત્ન કરે છે. એક પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ :

भ्रम धार्मिक विश्रब्धः स शुनकोऽद्य मारितस्तेन।
गोदानदीकच्छकुञ्जवासिना दृप्तसिंहेन॥

ગોદાવરી નદીના કાંઠા પરના કોઈ લતાકુંજમાં કોઈ સાધુ આવી, કોઈ સ્ત્રીના સંકેતમાં ખલેલ પાડતો; ગામના કૂતરાના ડરથી એ ક્યારેક આવી શકતો નહિ. હવે પેલી સ્ત્રી કહે છે કે -’કૂતરાને સિંહે મારી નાખ્યો છે, માટે તું નિરાંતે ફર.’ બોલનાર અને પરિસ્થિતિ પરથી આપણે સમજીએ છીએ કે પેલી સ્ત્રીનો કહેવાનો અર્થ તો એ છે કે ‘ઘરઆંગણે તું નિરાંતે ફર, પણ ગોદાવરીતીરે તો સિંહ આવી વસ્યો છે, માટે ત્યાં આવતો નહિ.’ આ નિષેધાત્મક વ્યંગ્યાર્થ અનુમાનથી પ્રાપ્ત થાય છે એમ મહિમ ભટ્ટ કહે છે. તેની દલીલ એવી છે કે જ્યાં જ્યાં ભયનું કારણ હોય, ત્યાં બીકણ ભ્રમણ ન કરી શકે. ગોદાવરી તીરે સિંહની ઉપલબ્ધિ છે, તેથી તે સ્થળ ભીરુના ભ્રમણને માટે અયોગ્ય છે. મમ્મટ આના જવાબમાં કહે છે કે લિંગ અને લિંગી કે સાધ્ય વચ્ચે જે નિયત સંબંધ જોઈએ તે વ્યંજક અને વ્યંગ્ય વચ્ચે નથી. ધૂમ અને અગ્નિ વચ્ચે નિયત સંબંધ હોય, તો જ ધૂમવાળા પર્વતમાં અગ્નિ છે એમ અનુમાન થઈ શકે. પ્રસ્તુત ઉદાહરણમાં ‘સિંહવત્ત્વ’ અને ’ભીરુભ્રમણાયોગ્યત્વ’ વચ્ચે એવો નિયત સંબંધ નથી; હેતુ પણ દુષ્ટ છે, એટલે કે બીકણ પણ ગુરુની કે પ્રભુની આજ્ઞાથી, પ્રિયાના અનુરાગથી કે એવા બીજા કોઈ કારણથી ભય કારણ હોવા છતાં ભમે : એ રીતે હેતુ અનૈકાન્તિક કે વ્યભિચારી છે; કૂતરાથી બીનાર પણ વીરત્વને લીધે સિંહથી બીએ નહિ : એ રીતે હેતુ વિરુદ્ધ છે; અને ગોદાવરીતીરે સિંહની હયાતી પ્રત્યક્ષ કે અનુમાનથી નિશ્ચિત નથી, પણ વચનથી છે—અને વચનનું પ્રામાણ્ય પણ નિયત નથી, કેમ કે બોલનાર कुलटा કે परकीया છે : એ રીતે હેતુ અસિદ્ધ કે સંદિગ્ધ છે. પરિણામે ‘સાધુએ નહિ ભમવું’ એવો અર્થ અનુમાનથી પ્રાપ્ત ન થઈ શકે. પણ આ ચર્ચા જરા જુદી દિશામાં વળી ગઈ હોય એમ લાગે છે. પ્રસ્તુત ઉદાહરણને એક રીતે અનુમાનથી પણ ઘટાવી શકાય એમ છે. સાધુએ ગોદાવરીતીરે ફરવું કે નહિ એ વાત આપણે માટે પ્રસ્તુત નથી; આપણે માટે પ્રસ્તુત વાત તો એ છે કે સ્ત્રીનો આમ કહેવા પાછળ આશય શો છે? એટલે કે ‘સ્ત્રી એમ કહેવા માગે છે કે સાધુએ ગોદાવરીતીરે ન ભમવું’ એ આપણે માટે સાધ્ય છે; અને આ સાધ્ય અનુમાનથી પ્રાપ્ત થઈ શકે એમ છે. સાધ્યને જેમ વ્યાપ્તિની જરૂર છે, તેમ વ્યંજકત્વને પ્રકરણાદિ વિશિષ્ટ સામગ્રીની સહાય આવશ્યક છે. આ પ્રકરણાદિનો સમાવેશ કરતી વ્યાપ્તિ જ જો રચીએ, તો વ્યંગ્યાર્થને અનુમાનથી પ્રાપ્ત કરી શકાય. જેમ કે પ્રસ્તુત ઉદાહરણમાં આપણે એમ કહી શકીએ કે કુંજમાં પ્રિય- તમને મળવાના પોતાના સંકેતમાં ખલેલ પાડવા આવનાર, પણ ગામના કૂતરાની બીકથી તેમ ન કરી શકનાર સાધુને કોઈ સ્ત્રી એમ કહે કે એ કૂતરાને સિંહે મારી નાખ્યો છે, ત્યારે તેનું પ્રયોજન સિંહની બીક બતાવી સાધુને ત્યાં આવતો અટકાવવાનું હોય. અહીં આવી સ્ત્રી આવા સંજોગેમાં આમ કહે છે, તેથી ‘ભ્રમણ કર’ એવા શબ્દોમાંથી ‘ઘરઆંગણે ભ્રમણ કર, પણ ગોદાવરીતીરની કુંજમાં આવતો નહિ’ એવા એના આશયનું અનુમાન થાય છે. અલબત્ત, આ શુદ્ધ તાર્કિક અનુમાન તો નથી જ, કારણ કે નૈયાયિક પોતાના લિંગત્વને ઔપાધિક ધર્મ માનતા નથી, એટલે પ્રકરણાદિ વૈશિષ્ટ્યને તેઓ લિંગ ન ગણે; પણ કોઈક જાતનો અનુમાન વ્યાપાર તો અહીં પ્રવર્તી રહ્યો છે એમ લાગ્યા વિના રહેતું નથી—પછી ભલે એ અભાનપણે ચાલતો હોય. શ્રી. રા. વિ. પાઠક કાવ્યવ્યંજનાવ્યાપારમાં જે અનુમાનવ્યાપાર આવે છે તેને સ્વાર્થાનુમાનનો વ્યાપાર કહે છે;૧[1] અને આચાર્ય રામચન્દ્ર શુક્લ ‘આ સમયે એક પણ પાંદડું હલતું નથી.’ એવા વાક્ય પરથી વાયુનો અભાવ સૂચવાય છે તેને ‘શેષવત્ અનુમાન’ અને ‘જુઓ, પ્રાણીઓ કેવાં નિશ્ચેષ્ટ અને નિર્દ્વન્દ્વ બેઠાં છે!’ એ વાક્ય પરથી સ્થળની નિર્જનતા સૂચવાય છે તેને માત્ર વ્યાવહારિક અટકળ (practical surmise) કહે છે;૨[2] એટલે કે એક જાતની અનુમાનપ્રક્રિયા તો અહીં છે જ, પછી એ અનુમાન શુદ્ધ તાર્કિક અનુમાન હોય કે ન હોય તે જુદી વાત છે. અનુમાન એ ચોક્કસ જ્ઞાન છે; વ્યંગ્યાર્થ ઘણી વાર સંદર્ભાદિ પ્રમાણે અનેક પ્રાપ્ત થતા હોય છે, એ પણ એ જ બતાવે છે કે પ્રક્રિયા અનુમાનની હોવા છતાં અનુમેયના વૈવિધ્યને કારણે શુદ્ધ તાર્કિક અનુમાન છે એમ ન કહી શકાય. ધ્વનિવાદીઓ વાચ્ય અને વ્યંગ્યનું પૌર્વાપર્ય સ્વીકારે છે એટલું જ નહિ, રસધ્વનિમાં વિભાવાદિની પ્રતીતિ અને રસપ્રતીતિ વચ્ચે અવિનાભાવી સંબંધ પણ કલ્પે છે. આ બંને લક્ષણો અનુમાનવ્યાપારનાં હોઈ કોઈને એમ થાય કે તો પછી વિભાવાદિરૂપ વાચ્ય અને રસધ્વનિ વચ્ચે અનુમાનવ્યાપાર કેમ સ્વીકારી ન શકાય? આ દલીલની સામે પહેલો વાંધો તો એ છે કે અવિનાભાવિત્વ હોય ત્યાં ત્યાં અનુમાન છે એમ ન કહી શકાય. પુષ્પરૂપના પ્રાકટ્યમાં જ પુષ્પનું પ્રાકટ્ય રહેલું છે. એમાં પુષ્પરૂપના જ્ઞાનની સાથે સાથે જ અવિનાભૂતરૂપે પુષ્પનું જ્ઞાન થાય છે તેને અનુમાન ન કહી શકાય. વળી અવિનાભાવી સંબંધનું સ્મરણ પણ આપણને ન હોય એ સંભવિત છે. બીજી રીતે જોઈએ તો કોઈમાં ભાવ જાગ્યો છે એનું અનુમાન એવા અનુભાવો પરથી થઈ શકે, પણ ભાવકના ચિત્તને વ્યાપી દેતો રસ અનુમાની ન શકાય; કારણ કે એ તો એક જાતની માનસિક દશા છે. શ્રીસુરેન્દ્રનાથ દાસગુપ્ત કહે છે તેમ ‘It is not an awareness but an emotional enlightenment.’૧ ૧[3] આમ, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિમાં સૂક્ષ્મ રીતે અનુમાનવ્યાપાર હોવા છતાં રસધ્વનિમાં તો એને બિલકુલ અવકાશ નથી. (૧૦)


  1. ૧. ‘આકલન’માં ‘મમ્મટની રસમીમાંસા’ એ લેખ : પૃ. ૭-૯.
  2. ૨. ‘રસમીમાંસા’(હિન્દી) : પૃ. ૪૭૮
  3. . ‘કાવ્યવિચાર’ : પૃ. ૨૧૫ કોઈ વળી એમ કહીને વ્યંજનાને ટાળે છે કે શબ્દ અને અર્થનાં અનેક વૈચિત્ર્યોમાંથી પ્રસિદ્ધ આલંકારિકો એ જેનું વર્ણન ન કર્યું હોય એવું આ કોઈ વૈચિત્ર્ય જ હશે. પણ આ રીતે વ્યંજનાને ટાળી શકાય તેમ નથી. વ્યંગ્યાર્થને અર્થનું વૈચિત્ર્ય માનો તોય કાવ્યમાં એનું મહત્ત્વ એટલું બધું છે કે એનો અલગ રીતે સ્વીકાર કરવો જ રહ્યો—અને એથી જ વ્યંજનાશક્તિનો પણ.